white cobra - part 12 in Gujarati Detective stories by Om Guru books and stories PDF | સફેદ કોબ્રા - ભાગ 12

The Author
Featured Books
Categories
Share

સફેદ કોબ્રા - ભાગ 12

સફેદ કોબ્રા

ભાગ - 12

ખૂનોનું તાંડવ


સિયાના બંધ થઈ ગયેલા શ્વાસોશ્વાસ જોઈ વીકી એને વળગીને રડવા લાગ્યો હતો. ત્યાં ઉભેલા બધા જ લોકો અવાક થઇ ગયા હતા. જયે વિકીને ખેંચીને સિયાની લાશથી દૂર કર્યો હતો. જેથી લાશ ઉપર રહેલા સબૂતો દૂર ના થઇ જાય.

જયે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફોન કરી પોલીસ ટીમ અને ફોરેન્સિક લેબવાળાને ફોન કરી તરત ઘટના સ્થળે પહોંચી જવા કહ્યું હતું.

રાજવીર સિયાની સામેની ખુરશી પર સિયાની લાશ સામે જોતા બેસી રહ્યો હતો. ‘માત્ર એક દિવસની સુલતાન’ રાજવીર મનમાં બબડ્યો હતો. એને હજી મનમાં કળ વળે એ પહેલા એનો મોબાઈલ ફોન રણક્યો હતો. મોબાઈલની ફોન સ્કીન પર ધનરાજ પંડિતનું નામ જોઈ ગુસ્સામાં એ ફોન લઈ કેબીનની બહાર ગેલેરીમાં આવ્યો હતો.

“ધનરાજ પંડિત તમે શું રમત રમી રહ્યા છો. એ હું સમજી શકતો નથી. સિયાનું ખૂન કરવા માટે મેં આખી રાત પ્લાનિંગ કર્યું. અને તમે મને ઓવરટેક કરી સિયાનું ખૂન કરી નાખ્યું. જો તમારે આવી રીતે જ બધાનો સફાયો કરવો છે, તો પછી મને તમારા પેદાની જેમ કેમ નચાવી રહ્યા છો? મારી પત્ની અને મારા બાળકોને બંધક કેમ બનાવ્યા છે? તમે તમારી રીતે જ સફેદ કોબ્રાની ગેંગનો સફાયો કરી રહ્યા છો, તો મારો ઉપયોગ બંધ કરી મારી પત્ની અને બાળકોને મુક્ત કરી દો. આવું તો કોઈ હિન્દી ફિલ્મનો ડીરેકટર પણ ના કરે, ફિલ્મમાં પણ જેને ખૂન કરવાનું સોંપ્યું હોય એ જ ખૂન કરે અથવા ખૂન ના કરી શકે. જયારે તમે તો કોઈ નવો જ ખેલ કરી રહ્યા છો. આવું તો કોઈ મુવીમાં પણ મેં જોયું નથી કે ખૂન કરવાનું તમે કોઈને સોપો અને પાછા તમે પોતે જ એનું ખૂન કરો.” રાજવીર અકળાઈને ધનરાજ પંડિતને કહી રહ્યો હતો.

“રાજવીર તારા અશુભ હાથોથી સિયાનું અને મંત્રીનું ખૂન ના થયું એ બદલ હું ખુબ દુ:ખી છું. પરંતુ તું ખૂન કરવાના પાપ માંથી બચી ગયો એ વાતનો આનંદ કર અને હા આ ખૂન હું કરાવી રહ્યો નથી. પરંતુ જે કોઈ પણ આ ખૂન કરી રહ્યું છે એ તમારી ગેંગનો કોઈ માણસ હશે. અથવા બીજો કોઈ ડ્રગ માફિયા કરવી રહ્યો હશે. જે હોય તે પરંતુ મારું કામ તો થઇ જ રહ્યું છે. એ કામ તું કરે કે કોઈ બીજું કરે એનાથી મને મતલબ નથી. અને રહી વાત તારી પત્ની અને બાળકોને છોડવાની તો એ જ્યાં સુધી મારું કામ નહિ પતે ત્યાં સુધી હું એ લોકોને છોડીશ નહિ. સિયાનું ખૂન થવાના કારણે હવે ગેંગમાં બાકી સાગરીતો સજાગ થઇ ગયા હશે માટે તારે હવે સલીમ સોપારીને નરકમાં પહોંચાડવાનો છે અને આ કામ માટે તારી પાસે ચાર દિવસ છે.” ધનરાજ પંડિત શાંતિથી રાજવીરને જવાબ આપી રહ્યો હતો.

“જુઓ ધનરાજ પંડિત સલીમ સોપારી દસ પહેલવાન જેવા માણસોને લઈને ફરે છે. એને મારવા જતા મારુ મરવાનું નક્કી થઇ જશે માટે સલીમ સોપારીને મારવાનું કામ પણ તમે જ કરો.” રાજવીરની અકળામણ હજી ઓછી થઇ ન હતી.

“સલીમ સોપારી તને મારે કે તું એને મારો એ તો સમયની વાત છે. પરંતુ અત્યારે તું હા નહિ પાડે, તો તારી પત્ની અને બાળકો આજે જ મરશે. મને ખબર છે કે તારું મગજ દસ બાજુએ ચાલે છે. આમ તો તારું નામ રાજવીરના બદલે રાવણ પાડવું જોઈએ. પરંતુ હું તારી ફોઈ બનવા માંગતો નથી. માટે મેં આપેલા ઓર્ડરનું પાલન કર નહિતર અહીં જે થશે એનો જવાબદાર તું જ હોઈશ.” આટલું બોલી ધનરાજ પંડિતે ફોન મૂકી દીધો હતો.

“સાલો મને એના નોકર કરતા પણ ખરાબ રીતે ઉપયોગ કરી રહ્યો છે.” રાજવીર મનમાં બબડ્યો હતો.

રાજવીર ગેલેરીમાંથી અંદર પાછો ગયો ત્યારે બાંદ્રા પોલીસ સ્ટેશનથી પોલીસ ટીમ આવી ગઈ હતી.

રાજવીરને જોઈ હવાલદારોએ સેલ્યુટ કરી હતી.

જય થયેલી ઘટનાની માહિતી લખાવી રહ્યો હતો. માહિતી લખાઈ ગયા બાદ સ્થળ પર હાજર લોકોના બયાનો લેવામાં આવ્યા હતા.

જયે સલીમ સોપારીને સિયાના ખૂનની માહિતી આપી દીધી હતી અને એને અંડર ગ્રાઉન્ડ રહેવા કહી દીધું હતું. આ વાતની સાથે સાથે એને રફીક ધ્વારા સફેદ કોબ્રાએ બધા રૂપિયા સ્વિઝર્લેન્ડની બેંકમાં ટ્રાન્સફર કરાવી લીધા છે એ ખબર પણ એણે સલીમને આપી દીધી હતી.

જયની વાત સાંભળી એ સફેદ કોબ્રા ઉપર ખુબ ગુસ્સે ભરાયો હતો. જયનો ફોન મૂકી એણે બીજા ઇન્ટરનેશનલ ડ્રગ માફિયા ડેવિડને ફોન કરી એની સાથે કામ કરવાની ઈચ્છા જાહેર કરી હતી અને ડેવિડે સલીમ ને એની સાથે ડ્રગ્સના ધંધામાં જોડાવાની હા પણ પાડી દીધી હતી.

રાજવીર જય પાસે આવ્યો હતો અને જયને થોડો દૂર લઈ જઈ એને કહ્યું હતું.

“જય મને સલીમ સોપારીનો નંબર આપ. કોઈપણ રીતે આ હત્યાઓને હવે રોકવી પડશે. સિયાના ખૂનના કારણે મીડિયાવાળા હમણાં કલાકમાં તો આગ લગાડી દેશે. વાત આગ કરતા પણ ઝડપથી આખા દેશમાં પ્રસરી જશે. રોજ એક ખૂન થઇ રહ્યું છે અને એ પણ બધા હાઈપ્રોફાઈલ વ્યક્તિના માટે આ ખુનોના કારણે મુંબઈ પોલીસની આબરૂ ધુળધાણી થઇ રહી છે. મારે સલીમ સોપારીને બચાવી એની સેફટી માટે એને જેલમાં નાખવો પડશે. જેથી એના માથેથી લટકતી તલવાર દૂર થઇ જાય. જેવી લટકતી તલવાર હતી જશે એટલે એને જેલમાંથી છોડી મુકવામાં આવશે. એવો એને છોડી મુકવામાં આવશે. જેલ જ અત્યારે એના માટે સૌથી સેફ જગ્યા છે.” રાજવીરે સલીમ સોપારીને જાળમાં ફસાવવાનો પ્લાન ઘડ્યો હતો.

“સર.. સલીમ સોપારીને મેં મેસેજ આપી દીધો છે એટલે એ અંડર ગ્રાઉન્ડ થઇ ગયો છે. પરંતુ એની સુરક્ષા માટે થઈને પણ એ જેલમાં નહિ જાય. અને મગજનો એ ખૂબજ ગાંડો માણસ છે. એનામાં આપણે પડવા જેવું નથી. એને જો જેલમાં કંઈ થઇ જશે તો એના માણસો આપણા દુશ્મન બની જશે. માટે એનામાં ના પડવું એ જ આપડા માટે ભલાઈ છે. અને હા, CID મારા અને તમારા બેંક એકાઉન્ટની અને સંપતિની તપાસ કરવાની છે. એવી સુચના મને CIDની અંદર રહેલા એક અધિકારીએ મને હમણાં જ આપી છે. મારી તપાસમાં તો એમને કંઈ નહિ મળે. પણ એકવાર તમે તમારું જોઈ લેજો.” જયે રાજવીરને ખુબ ધીમેથી કહ્યું હતું.

“મારી તપાસમાં પણ એ લોકોને કશું મળે એમ નથી.” રાજવીરે ટૂંકમાં જવાબ આપ્યો હતો.

રાજવીર જયને કહીને હોટલમાંથી બહાર નીકળી ગયો હતો. જયને રાજવીર આ રીતે નીકળી ગયો એ ગમ્યું ન હતું. એ ઈચ્છતો હતો કે રાજવીર અહીં રોકાય. કારણકે એ પણ અંદરથી ગભરાઈ ગયો હતો અને એ આ ખૂનીની અડફેટમાં આવી જશે એવો ભય એના મનમાં પેસી ગયો હતો. પરંતુ એ વાત એ રાજવીર ને કહે એ પહેલા જ રાજવીર ત્યાંથી નીકળી ગયો હતો.

રાજવીર હોટલમાંથી બહાર નીકળ્યો ત્યારે જ સામે એને સૂરજ મળ્યો હતો.

“રાજવીર તું કોઈ ટેન્શનમાં છે? જય કહેતો હતો કે એને શંકા છે કે કોઈ તને બ્લેકમેઈલ કરી રહ્યું છે. શું આ વાત સાચી છે?” સૂરજે રાજવીર ને પૂછ્યું હતું.

સુરજની વાત સાંભળી રાજવીર એક મિનીટ માટે ડઘાઈ ગયો હતો અને મનમાં ને મનમાં જય ઉપર ખુબજ ગુસ્સો આવ્યો હતો.

“ના, એવું કંઈ નથી. જયને અત્યારે બધું ઊંધું જ દેખાય છે. એને ઉપર જઈને સમજાય કે મગજ શાંત રાખે અને ઉતાવળ ના કરે.” રાજવીરે સૂરજને કહ્યું હતું.

“મારે તમને અને એને બંનેને સમજવાની જરૂર છે. સફેદ કોબ્રાનો હાથો બની તમે સફેદ કોબ્રા અને એના સાગરીતો ને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો. પરંતુ રોજ એમને કોઈ મારી રહ્યું છે. અને હા.. સફેદ કોબ્રાનો એક ખાસ માણસ રફીકને મુંબઈ એરપોર્ટ પર CID એ પકડ્યો હતો. પરંતુ એણે સાઈનાઈટની ગોળી ખાઈને આત્મહત્યા કરી લીધી. આ સમાચાર મને અંધેરી એરપોર્ટ પરથી મળ્યા છે. તમે અને જય તમારા લોકોની જાન બચાવો. કારણકે સફેદ કોબ્રાની ગેંગનો સફાયો કરનારની નજર તમારા બંને ઉપર પણ હશે જ. આજે નહિ કે કાલે તમારો વારો તો આવશે જ. અને સમય મળે તો તમે વિચાર જો કે એક બેઈમાન પોલીસ અધિકારી બની, તમે શું પામ્યા?” આટલું બોલી સૂરજ હોટલમાં દાખલ થઇ ગયો હતો.

રાજવીરે ગુસ્સામાં જીપ ઉપર મુક્કો માર્યો અને જીપમાં બેસીને પોતાના ક્વાર્ટર પર ગયો હતો.

ક્રમશઃ.....

(વાચકમિત્રો, સફેદ કોબ્રા આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું... - ૐ ગુરુ )