આગળનાં ભાગમાં આપણે જોયું :
વિરમગઢ આવવાં માટે નીકળી હતી.સૂર્યાસ્ત થઇ ચુક્યો હતો માટે હું રાત્રીનીવાસ માટે કોઇક સ્થળ શોધી રહી હતી.તેવામાં મને સાંદિપની આશ્રમ દેખાણો.ત્યાં શિષ્યોને બદલે માત્ર સૈનિકોને જોઈને મને લાગ્યું કે દુશ્મન રાજ્યનાં સૈનિકોએ આશ્રમ પર અનીતિથી કબજો કરી લીધો છે. રાત્રી દરમિયાન વનમાં વાસ કરવો શક્ય નહતો તેથી હું પાછળનાં રસ્તેથી આશ્રમમાં પ્રવેશી.”
“પછી તો શું બન્યું એ તમે જાણો જ છો. લૂંટારુઓ ભાગી ગયા ત્યાર બાદ હું ત્યાંથી જવા લાગી કારણકે મેં વિચાર્યું કે સૈનિકો જરૂર મને કોઈ દૂત સમજીને કેદ કરી લેશે અને થયું પણ એવું.હું જેવી ભાગવા લાગી કે તરત જ એક સૈનિકે મારાં પગ પર તિર માર્યું તેથી હું પડી ગઈ.ત્યાર બાદ તેમનાં નાયકે મારી પરવાનગીવગર મારો નકાબ હટાવવાનો પ્રયત્ન કર્યો. મેં નકાબ ન હટાવવા દીધો એટલે તેઓ મને અહીં લઈ આવ્યાં.
…
હવે આગળ :-
રાજા વિરાટે પદ્મિની સામે જોયું અને કહ્યું,
“પદ્મિની,તું જે કહી કહે છે એ સાચું જ છે એની શું સાબિતી?તું ધનુરવિદ્યામાં માહેર છો, તે આશ્રમને બચાવવામાં વિરમગઢની સહાયતા કરી એ બદલ તારો આભાર.પરંતુ તે એવું અમારો વિશ્વાસ મેળવવા માટે પણ કર્યું હોય શકેને?”
“પિતાશ્રી, જો તમારી આજ્ઞા હોય તો હું કંઇક કહેવા માગું છું.”અર્જુને પોતાની જગ્યા પરથી ઊભાં થઈને પૂછ્યું.
“હા પુત્ર, તું કહી શકે છે.”
અર્જુને પદ્મિની સામે જોયું અને કહ્યું, “હું પદ્મિનીને આશ્રમનાં સમય દરમિયાન આ પહેલાં પણ એકવાર મળી ચુક્યો છું.”
અર્જુનની વાત સાંભળીને બધા સ્તબ્ધ થઇ ગયા.બધાનાં મનમાં ઉદ્દભવેલા પ્રશ્નોનો જવાબ આપતાં અર્જુને કહ્યું,
“અમે જ્યારે આશ્રમમાં હતાં ત્યારે એક વખત મોડા ઉથવાનાં કારણે મને, જ્યેષ્ઠ ભ્રાતા દુષ્યંત, ભ્રાતા યુયૂત્સુ અને વિસ્મયને વનમાંથી ઔષધિઓ શોધવાનો દંડ મળ્યો હતો. એ સમય દરમિયાન મેં ભૂલથી એક ઝેરીલું ફળ ખાઇ લીધું હતું અને કોઈ બાજુમાં ન હોવાથી હું ઝાડ પાસે જ પડી ગયો.એ ફળનાં સેવનને લીધે મારામાં અશક્તિ આવી ગઈ હતી. હું અર્ધમૂર્છિત અવસ્થામાં હતો ત્યારે મારી સામે એક વાઘ આવી ગયો તે મારો શિકાર કરવાં જઇ રહ્યો હતો ત્યારે જ પદ્મિનીએ વાઘનો શિકાર કરી મારું રક્ષણ કર્યું હતું.”
“આજે હું તમારાં બધાની સમક્ષ જીવિત છું તો માત્ર અને માત્ર પદ્મિનીનાં લીધે.”આટલું કહી અર્જુને સભા સમક્ષ પદ્મિની સામે મેં હાથ જોડ્યા અને કહ્યું, “મારાં જીવનની રક્ષા કરવાં બદલ તમારો આભાર.”
સામે પદ્મિનીએ પણ અર્જુન સામે હાથ જોડ્યા અને કહ્યું,
"રાજકુમાર, તમારે મારો આભાર માનવાની કોઈ પણ આવશ્યકતા નથી.કારણકે હું પણ એક વૈદ્ય છું અને વૈદ્યનો તો ધર્મ છે સેવા કરવાનો.”
આ બધું સાંભળીને શોર્યસિંહ પોતાનાં સ્થાન પરથી ઊભાં થયાં અને કહ્યું,
“પુત્રી પદ્મિની, તે મારાં પૌત્ર અર્જુનનો જીવ બચાવ્યો છે. માટે હું અને સમગ્ર રાજપરિવાર તારા આભારી રહીશું. તારાં આ ઉપકાર બદલ હું મહારાજ વિરાટ, તમને નિવેદન કરું છું કે તમે પદ્મિનીને રાજમહેલમાં રહેવાની પરવાનગી આપો.આપણાં રાજવૈદ્યને એક સહાયકની આવશ્યકતા છે.પદ્મિની એક વૈદ્ય હોવાથી તેઓની સહાયતા પણ થઇ જશે.”
“અને પદ્મિની જ્યારે પણ ઔષધિઓ લેવાં માટે વનમાં જાય ત્યારે પુત્ર અર્જુનને તેનું રક્ષણ કરવાં માટે સાથે જવાની પરવાનગી આપે. જેથી કરીને અર્જુન પદ્મિનીનું ઋણ ચુકાવી શકે.”
દાદાશ્રીની આ વાત તો અર્જુન માટે ભાવતું હતું અને વૈદ્યએ કહ્યું એનાં જેવું થયું.
“દાદાશ્રી મને આપના સુજાવથી કોઈ પ્રશ્ન નથી.”અર્જૂએ કહ્યું.
“કાકાશ્રી, મને તમારાં બંને સુજાવ માન્ય છે.પુત્ર અર્જૂન,તું કોઈ રાજકીય કામ અથવા તો યુદ્ધની તૈયારીઓમાં વ્યસ્ત ન હોય ત્યારે અવશ્ય પદ્મિનીની સહાયતા કરવાની રહેશે.”વિરાટે કહ્યું.
“જી પિતાજી.”અર્જુને કહ્યું.
સભા પુર્ણ થઇ. પદ્મિનીએ રાજકુમાર અર્જુનનો જીવ બચાવ્યો હતો માટે તેની બહેનો વૈદેહી અને વેદાંગી પણ આર્યા સાથે તેને મળવા પહોંચી ગઈ.સમઉમ્ર હોવાનાં કારણે માત્ર થોડાં સમયમાં જ ચારેય વચ્ચે મિત્રતા થઇ ગઇ.
…
બીજે દિવસે સવારે રાજા વિરાટ શોર્યસિંહ અને સુકુમાર સાથે પોતાનાં કક્ષમાં હતાં ત્યારે અર્જુન, દુષ્યંત, યુયૂત્સુ અને વિસ્મય ત્યાં આવ્યાં.
“પ્રણીપાત.”તેઓએ કહ્યું.
“કલ્યાણ હો પુત્રો.”
“દાદાજી,અમારાં મનમાં એક શંકા છે. તેનું સમાધાન કરવું હતું.”અર્જુને કહ્યું.
“હા પુત્ર, જણાવ.”
“દાદાજી,કાલે મેં તમને જણાવ્યું કે પદ્મિનીએ મારાં જીવનની રક્ષા કરી હતી તો તમે માત્ર એ એક વાત પરથી જ પદ્મિનીને રાજમહેલમાં રહેવાની અનુમતિ કેમ આપી દીધી?એવું નથી કે મને તેનાં પર વિશ્વાસ નથી.પરંતુ છતાં પણ અમારાં મનમાં આ એક પ્રશ્ન રહી ગયો છે.”
શોર્યસિંહે વિરાટ સામે જોયું અને હસ્યો. ત્યાર બાદ બધા રાજકુમારો સામે જોઇને કહ્યું,
“પુત્રો, તમને આ સવાલ ઉદ્દભવ્યો એટલે કે તમે હવે રાજનીતિમાં રસ લેવાનું ચાલુ કરી દીધું છે. મને તેનો ગર્વ છે અને રહી વાત તારાં પ્રશ્નની તો પદ્મિનીને મેં રાજમહેલમાં રહેવાનું એટલાં માટે કહ્યું કે જો એ નિર્દોષ હોય તો તેને ખોટી સજા ન થઈ જાય અને જો તે દોશી હોય તો તેની પાછળ લગાડેલ મારાં ખબરીઓ થોડાંક દિવસોમાં સત્યની જાણ મને કરી દે.તને એની સાથે ઔષધિઓ લેવાં મોકલીને મેં આડકતરી રીતે તેનાં એકલાં બહાર જવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.” શોર્યસિંહે પોતાનાં પૌત્રોને સમજાવતાં કહ્યું.
“વાહ, દાદાજી.આ સરસ ઉપાય છે.”વિસ્મયે કહ્યું.
“તમે બધા અહીં આવી ગયાં એ સારું કર્યું.કારણકે હું તમને બોલાવવાનો જ હતો.મારે બે અગત્યનાં વિષય પર તમારી સાથે ચર્ચા કરવી છે.”વિરાટે કહ્યું.
“સૈનિક,જાવ અને રાજકુમાર લક્ષ અને નક્ષને બોલાવી લાવો.”વિરાટે સૈનિકને આદેશ આપતાં કહ્યું.
ક્રમશઃ
...
રાજા વિરાટે શા માટે બધા રાજકુમારોને બોલાવ્યાં હશે?
શું અર્જુન અને પદ્મિની સાથે ઔષધિઓ લેવાં જઇ શકશે?
શું રાજકુમાર દુષ્યંત આર્યા વિશે પોતાનાં પરિવારને જણાવી શકશે ?
જાણવાં માટે વાંચતા રહો, પદમાર્જુન.
વાચકમિત્રો, નવલકથા પસંદ આવી રહી હોય તો તમારો અમૂલ્ય પ્રતિભાવ,સુજાવ અને યોગ્ય રેટિંગ જરૂર આપજો.