Chupayelu Dard in Gujarati Short Stories by Pinkalparmar Sakhi books and stories PDF | છુપાયેલુ દદૅ

Featured Books
Categories
Share

છુપાયેલુ દદૅ

જે વ્યક્તિ મારા માટે મરી ગઈ છે એ વ્યક્તિ કાયમ મરેલીજ રહેશે. મારા દિલના ખૂણામાં એણે પોતાની એક જગ્યા જરૂર બનાવી હતી પણ હવે એ જગ્યાએ માત્ર ને માત્ર મારા તુટેલા સપનાઓનું કબ્રસ્તાન છે. જયાં મારો પ્રેમ,મારી લાગણીઓ, મારા સપનાઓ, બધુંજ દફન થઈ ગયું છે. જે આજીવન હવે દફનજ રહેશે.અને આમય મને દિલમાં દફન કરેલી લાશ પર ફૂલો ચડાવવાનું જરાય પસંદ નથી. કારણ કે જે વ્યક્તિ મારા પ્રેમને મારી નિદોૅષ લાગણીઓને સમજી ના શકી એ વ્યક્તિ પાછળ ખોટો રંજ કે વસવસો કરવાનો હવે કોઈ અથૅ નથી.
સમય જતાં ગૌરવનું દિલ સાવ ઉજ્જડ અને વેરાન બની ગયું હતું. જયાં અનેક લાગણીઓ દુઃખરુપી કંટકોમાં ઘેરાયેલી હતી. એ લાગણીઓને કયાંક વરસવું હતું,પુષ્પ બનીને એને ખીલવું હતું.પરંતુ ઉજ્જડ થયેલા આ ખંડેર જેવા દિલમાં ગૌરવ બીજા કોઈને લાવી શક્યો નહી,તો કોઈ આવા ખંડિત દિલની અવદશાને જોઈને દિલના ધ્વાર પરથીજ પાછું ફરી ગયું. આમય ગૌરવનું દિલ દદૅ,વેદના,પીડાઓ અને એકાંતથી સાવ ટેવાઈ ગયેલું હતું એટલે એને લોકોના આવા અણછાજતા વતૅનથી બહું ખાસ ફેર પડતો નહોતો.
પણ કહ્યું છે ને કે ભગવાન સારા લોકો સાથે હંમેશા સારુંજ કરે છે. બસ,તો પછી ગૌરવ માટે પણ એમણે કંઇક તો વિચાયુૅ હશે ને? એટલેજ એક દિવસ પ્રભુંએ ગૌરવના ઉજ્જડ થયેલા દિલરુપી બગીચાને ફરીથી ખીલવવા માટે પોતે સાક્ષાત રુપ ધારણ કયુૅં. અને એ રુપનું નામ હતું ગીતા.
ખબર નહી કેમ અને ક્યાંથી એ ગૌરવના દિલમાં પ્રવેશ કરી ગઈ. એના પ્રથમ પગલાના અણસારથીજ ગૌરવનું મૃત હદય ફરીથી ધબકતું થયું. વરસોથી મૃત અવસ્થામાં પડી રહેલું ગૌરવનું દિલ આજે અચાનક ધબકવા લાગ્યું.આ ધબકારાઓથી ગૌરવ થોડો બેચેન થઈ ગયો હતો અને જીજ્ઞાસાવશ એ એના દિલરુપી ખંડેર તરફ આ કોના પગલાઓનો અણસાર છે એ જાણવા માટે ચાલી નીકળ્યો. વરસોથી મૃત પડેલું દિલ આજે ધબકતું હતું.અને એ ધબકારાનું કારણ ગીતા હતી.
વરસો પછી ગૌરવના દિલરુપી કબ્રસ્તાનમાં ખુદ એણે આજુબાજુ પોતાની નજર ફેરવી.ત્યાંજ ગીતાની નજર ગૌરવની નજર સાથે અડથાઈ ગઈ. ગૌરવને જોતાની સાથેજ એ તો સીધીજ એના પર ગુસ્સે થઈ અને બોલી કે આ દિલની શું દશા કરી છે તમે? કંઇ ભાનબાન જેવું છે તમને?
ગૌરવ ગીતાની સામે શાંતિથી જોઈ રહ્યો હતો અને તે પોતાના પર વરસતા ગીતાના ગુસ્સાની મજા માણી રહ્યો હતો. વરસો પછી આજે ગૌરવના ચહેરા પર આછું સ્મિત રેલાઈ રહ્યું હતું. ગૌરવના હસતાં ચહેરાને જોઈને એ વધું ગુસ્સે થઈ ઊઠી.ગીતાનો ગુસ્સો શાંત થયા પછી ગૌરવે તેને પોતાની પાસે બેસાડીને તેના જીવનમાં વીતી ગયેલી તમામ ઘટનાઓ ગીતાને કહી સંભળાવી. જયાં એણે પોતાનો પ્રેમ દફન કયોૅ હતો એ જગ્યા પણ ગીતાને બતાવી.ગૌરવ જયારે પોતાની આપવીતી ગીતાને સંભળાવી રહ્યો હતો ત્યારે તેની આંખમાંથી આંસુ વહી રહ્યાં હતાં જેને એ ગીતાની નજરોથી છુપાવી શક્યો નહી.
ગૌરવના વહી રહેલા આંસુઓને ગીતાએ પોતાના પાલવથી લુછી નાખ્યાં અને ગૌરવનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું કે શું તમે મને તમારા આ ખંડેર જેવા દિલમાં થોડું સ્થાન આપશો? ગીતાની વાત સાંભળીને ગૌરવે કહ્યું કે અહી દદૅ અને તુટેલા સપનાઓના અવશેષો સીવાય બીજુ કંઇજ નથી. તું અહી કેવી રીતે રહી શકીશ? ગીતાએ કહ્યું કે તમે મારા પર વિશ્વાસ રાખો આ વિરાન હૈયાને હવે ઉપવન બનાવવાની જબાવદારી મારી છે.ગૌરવે વરસો પછી ફરીથી કોઈકને પોતાના દિલમાં જગ્યા આપી.
ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો.જયાં જયાં ગૌરવના તુટેલા સપનાઓના અવશેષો હતાં એ દરેક અવશેષોને ગીતાએ પોતાના હાથે વીણીને એક જગ્યાએ ભેગા કયાૅ.પછી ગૌરવને બોલાવીને એ જુની યાદોને દફન કરી દીધી અને કહ્યું કે જયાં તમારા ભુતકાળને આપણે દફન કયોૅ છે ત્યાં હવેથી આપણા બન્નેમાંથી કોઈ પાછું નહી આવે. ના હવે હું તમને ત્યાં જવા દઈશ કે ના હું ભુતકાળની આ ઘટનાની તમને યાદ અપાવીશ. બસ, તમે હવે મારા પર ભરોસો રાખજો. ભુતકાળનો પ્રેમ ભુત જેવો હોય છે જે તમને દુઃખ સીવાય બીજુ કંઇ આપી શકતો નથી. ગૌરવ ગીતાની વાત સાંભળીને ભાવુક થઈ ગયો અને ગીતાના કપાળ પર એક ચુંબન કરી લીધું પછી ગીતા ગૌરવને ભેટી પડી.
દિવસો, મહીનાઓ અને વરસો વીતી ગયાં.કહેવાય છે ને કે પ્રેમમાં સમય કયાં પસાર થઈ જાય છે એની કોઈને ખબર પણ નથી પડતી.તો બીજી તરફ ગૌરવનું ઉજ્જડ બનેલું દિલ આજે ઉપવન બની ગયું હતું. ગીતાએ ગૌરવના હદયમાં લાગણીઓ સિંચીને પ્રેમના છોડ રોપી દીધા હતાં.જેમાથી ચારેકોર હવે પ્રેમની ફોરમ પ્રસરી રહી હતી. એ ફોરમથી ગૌરવનું દિલ મધુવન બની ગયું હતું. ગૌરવનું મૃત હદય ગીતાના ધબકારાથી ફરીથી ધબકવા લાગ્યું હતું. બન્ને એકબીજાથી એકબીજાની સાથે ખુબજ ખુશ હતાં. અને એમાય ગૌરવ ખાસ. કારણ કે ગૌરવને મળેલું આ નવું જીવન ગીતાનેજ આભારી હતું. ગીતાએ પોતાના મૃત હૈયામાં પ્રેમરુપી પ્રાણ પુયાૅ હતાં. ગૌરવે મનોમન પોતાનું જીવન ગીતાને સમૅપણ કરી દીધું હતું.
ગૌરવ પોતાની જાતને ખુબજ ખુશનસીબ સમજતો હતો અને મનમાં ને મનમાં પ્રભુંનો આભાર માનતો હતો કે જે મારી સાથે થયું એ સારુંજ થયું. જો મારા જીવનમાં આટલું દુઃખ ના હોત તો મને આ ગીતા કયાંથી મળત. ગૌરવના જીવનમાં ગીતાના આગમનથી ખુશીઓ છવાઈ ગઈ હતી.હવે તે પોતાની મસ્તીમાં મસ્ત રહેવા લાગ્યો હતો.
એક દિવસ ગીતા નવરાશના સમયમાં ત્યાં જઈ ચઢી જયાં એણે ગૌરવના તુટેલા સપનાઓના અવશેષો દફન કયાૅ હતાં. એ જગ્યા પર જઈને ગીતા ખુબજ ચિંતિત થઈ ગઈ અને કોઈ ઊંડા વિચારોના વમળોમાં ઘેરાઈ ગઈ હતી.તે મનોમન કાલ્પનિક સવાલોના જવાબો મેળવવાના વ્યથૅ પ્રયાસ કરવા લાગી. બીજી તરફ ગૌરવ ગીતાને હૈયારુપી બાગમાં શોધી રહ્યો હતો. ત્યાંજ તેની નજર ગીતા પર પડી. તેની પાસે જઈને ગૌરવે કહ્યું કે તું અહીયા શું કરે છે? ભુલી ગઈ કે આપણે આ સબંધની શરુઆતમાં શું નકકી કયુૅં હતું? દફન કરેલા મારા ટુટેલા સપનાઓના અવશેષો તરફ ના હું કયારેય પાછો વળીશ કે ના તું મને એ બાજુ લઈ જવાનો કયારેય પ્રયાસ કરીશ. તો પછી શા માટે આજે તારે અહી આવવું પડ્યું? શું તને હજીય મારા પ્રેમ પર શંકા છે? ગૌરવના સવાલોના કોઈ જવાબ ગીતા પાસે નહોતા. તે ભીની આંખે ગૌરવની સામે જોઈ રહી હતી.ગૌરવને ગીતાની આંખોમાં છુપાયેલું દદૅ વાંચતા સહેજ પણ વાર ના લાગી.
ગૌરવે ગીતાનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું કે ગીતા હું તારાથી ખુબજ ખુશ છું. તારા આગમનથી મારા જીવનમાં પાનખર કાયમ માટે વિદાય થઈ ગઈ છે.મારા જીવનમાં તારા લીધે તારી લાગણીઓને લીધે મારા મૃત હૈયામાં પ્રેમના પુષ્પો ખીલી ઉઠ્યાં છે.મારું આ નવું ઉપવન એ તારા પ્રેમને આભારી છે તો તું શું કામ ખોટી શંકાઓના કંટકોને ઉગાડીને આપણા આ મધુવનને ફરીથી ખંડેર બનાવી રહી છે. જે ભુતકાળને મે નહી પણ આપણે ભેગા મળીને દફન કરી દીધો છે એ ભુતકાળને હવે કાયમ માટે દફનજ રહેવા દેવાનો છે. અને રહી વાત મારી તો મે તને પહેલાજ કહ્યું હતું કે મે મારો પ્રેમ વરસો પહેલાજ મારા દિલમાં મારી નાખ્યો છે અને એના મરણ પછી મારું ખંડેર બનેલું હૈયું તારા આગમન થકીજ પુનઃ ઉપવન બન્યું છે. આ ઉપવન બનેલા મારા હૈયાને કાયમ ખીલેલું રાખવાની જવાબદારી ફકત તારી નહી પણ આપણી છે. હું તને આજે ફરીથી વચન આપુ છું કે હું કયારેય મારા ભુતકાળને મારા પર કે આપણાં પ્રેમ પર ફરીથી પોતાનું વચૅસ્વ સ્થાપિત નહી થવા દઉં. બસ, તું મારા પર વિશ્વાસ રાખજે.હું તને મારી વાતનો કઇ રીતે વિશ્વાસ આપું એજ મને સમજાતું નથી. તું કહે તો મારુ હૈયું કાઢીને તારી હથેળી પર મુકી દઉં પછી જોજે એ ફકત તારુજ નામ બોલ્યાં કરશે ગીતા.....ગીતા.....ગીતા. છતાંય જો તને મારા પ્રેમ પર ભરોસો ના આવતો હોય તો એમાં ભૂલ તારી નથી ભૂલ મારી અને મારા અતિતની છે જે મને વારેઘડીયે મારી નિદોૅષતા પુરવાર કરવા માટે મજબૂર કરી દે છે. આટલું બોલતાની સાથેજ ગૌરવની આંખો ભીંજાઈ ગઈ.
ગૌરવને પહેલી વખત આટલો મજબુર જોઈને ગીતાની આંખોમાં પણ આંસુ આવી ગયા. ગીતાએ ગૌરવના ગાલ પર આવેલા આંસુઓને પોતાના હાથથી લુછી નાખ્યાં અને એ પોતે ગૌરવની બાહોમાં સમાઈ ગઈ.

લેખન:- પિંકલ પરમાર "સખી"