From the window of the shaman - 23 in Gujarati Fiction Stories by Ketan Vyas books and stories PDF | શમણાંના ઝરૂખેથી - ૨૩. શમણાં કરે પુકાર..!

Featured Books
Categories
Share

શમણાંના ઝરૂખેથી - ૨૩. શમણાં કરે પુકાર..!

૨૩. શમણાં કરે પુકાર..!


"મને નહીં ફાવે!" એટલું બોલીને નમ્રતાના હૃદય પર પડેલા ઉઝરડાં લુપ્ત નહોતાં થવાનાં! મમ્મીજીનાં 'કાન ભરે' એ શબ્દો છંછેડાયેલ વીંછીના ડંખની જેમ તેનાં મન પર ભોંકાઈ રહ્યાં હતાં! માતા-પિતાનું અભિમાન બની તેમનાં હૃદયમાં કિલ્લોલ કરતી નમ્રતાનું ખરપાયેલ સ્વમાન શ્વાસ લેવા ટળવળી રહ્યું હતું. તેની વેદનાનું કારણ સુહાસની સમજની બહાર હતું.

સુહાસના શબ્દોમાં સાંત્વના હતી - ''કે ચિંતા ન કર! મમ્મીના મનમાં કાંઈ ન હોય! એતો ઉગ્રતામાં બોલી ગયા. તારો એમાં ક્યાં કંઈ વાંક છે! ધીરજથી કામ લે!" પણ, 'કાન ભરે' એવાં શબ્દોનું દીકરાને મન કોઈ મૂલ્ય નહોતું. નમ્રતાએ પણ એ કટુ શબ્દોને હૃદયમાં ધરબી રાખ્યા! ખુલાસો કરી સુહાસને ઉશ્કેરીને એક વાર જંગ જીતી લેવાય, પણ ફાડયા થઈ પડેલું પોતાનું સ્વમાન સંધાઈ જશે એની ખાત્રી ક્યાં હતી? ને, પોતે ડૂબીને સાથે પોતાનાં માં-બાપના સંસ્કારો ડૂબાડે તો એ નમ્રતા શાની? નમ્રતાની સામે ત્રણ ચહેરા હતા - મમ્મી, પપ્પા અને સુહાસ!

"'મને નહીં ફાવે!'નો કોઈ ઉપચાર નહોતો! પોતાનાં સ્વમાન માટે વિદ્રોહ છેડીને જે પોતાનાં છે તેમની શાખને ડાઘ લગાવવાનો ફાયદો શુ? સાચા-ખોટાની પરખ કરવા માં-દીકરા વચ્ચે મનદુઃખ ઉભા કરે તો એ સદાનંદભાઈની દીકરી શાની?" - જાત સાથેની ગડમથલ અટકાવવી મુશ્કેલ હતી. સદાનંદભાઈની દીકરીને પોતાની રૂમમાં બેસી રહેવામાંય, સુહાસ સાથે હોવા છતાંય, પહેલી વાર ડર સતાવી રહ્યો હતો. થાક, ઊંઘ, અપેક્ષાઓ, આકાંક્ષાઓ - બધું નેવે મૂકીને રસોડું, ઘર, ઓસરી, ફળિયું, કપડાંની સાફસફાઈમાં લાગી ગઈ - ચૂપચાપ ને અચેતન!

શરીર અને મન સાથ નહોતું આપતું. કામકાજ છોડીને પોતાની રૂમમાં જઈ આરામ કરવાની ન તો હિમ્મત હતી કે ન તો આરામ મળે એવી મન:સ્થિતિ હતી! ઈચ્છા નહોતી કે એ વાતને ફરી ઉખેળીને શાંત થયેલા પાણીને કોઈ ડોળે! પણ, સાંજે પપ્પાની હાજરીમાં સવારની વાતને સુહાસે સહજ છેડી, ને ઘરનું માહોલ સળગી ઉઠ્યું. મમ્મીને સમજાવવા સુહાસનો પ્રયત્ન, ભાઈ-ભાભીની નિર્દોષ છબી રાખવા અંકુશનો પ્રયાસ ને પપ્પાજીની 'દીકરાની વાતમાં માથું ન મારવાનું' સૂચને મમ્મીજીનું હૃદય બાળી દીધું; ને, રસોડામાં ખૂણો પકડીને ઉભી રહેલી નમ્રતા એ અગ્નિમાં તરફડતી રહી! વિચલિત થયેલા ઘરનાં વાતાવરણથી બેસ્વાદ થયેલું ભોજન ખાધું-ન-ખાધું કરીને સૌ વિખરાઈ ગયા.

* * * * *
પછીતો, નમ્રતા પોતાનું કામ ચૂપચાપ કરતી રહી અને મંજુલાબહેનના શબ્દોતો જાણે ખોવાય જ ગયા! ઘરનાં પુરુષોનાં રોજિંદા કર્યો સામાન્ય બની ગયા હતા. સાસુ-વહુ વચ્ચે ખપ પૂરતી ને કામ પૂરતી જ વાત થઈ જતી, એ પણ ભાવવિહીન! બે-ચાર દિવસ પછી નમ્રતાનું મન થોડું હળવુંતો થયું; પણ, રસોડાનું કે બીજા કોઈ કામ વિશે મમ્મીને પૂછવાની હિમ્મત માંડ થતી હતી. ધીમેધીમે બધું થાળે પાડવા લાગ્યું. એમાંય ફોઈસાસુ બે દિવસ માટે રોકાઈને ગયા પછી ઘરનાં માહોલમાં થોડી હળવાશ વધી. મહાબળેશ્વરની હૂંફાળી સ્મૃતિઓને તો જાણે કાળ ભરખી ગયો હતો. નમ્રતાના ફફડી ગયેલા મનને શાંત પાડવામાં સુહાસને અઠવાડિયાની રાતો નીકળી ગઈ.

મમ્મીજીના નાના-મોટા સૂચનો શરૂ થયા તો લાગ્યું કે હવે બધું ઠેકાણે પડી ગયું છે. એ નાજુક જીવ ફરી સુહાસના પ્રેમના રંગે રંગવા લાગ્યો. સાસુમાંએ કરેલી ટીકા-ટીપ્પણી નમ્રતાના કાન સુધી પહોંચે અને બેઉની વચ્ચે જ ઓગળી જાય. બે મહિના પછી, પંદર દિવસ માટે આવેલ મેઘાબહેને નમ્રતાના જીવનમાં રંગબેરંગી ફૂલો રોપી દીધા. એ દિવસોમાં 'મહાબલળેશ્વરની વાત ઉખડવાનો' ભય પણ ખોટો પડ્યો. જાણે ગાડી હવે સાવ પાટે ચડી ગઈ હતી! એક દિવસ મેઘાબહેન સાથે એકટીવા લઈને પોતાના ઘરે પણ જઈ આવી, ને એક દિવસ બેઉં શોપિંગ કરવા પણ ગયા. મેઘાબહેને તો ભાભીનાં સુઈ ગયેલા સંગીતનાં તાર છેડી દીધાં. બે-ત્રણ વારતો ભાભી પાસે આખા ગીતો ગવડાવી દીધા. ભાભીનાં ગીતોને રેકોર્ડ કર્યા, અપલોડ કર્યાં અને શેર પણ કર્યા. પરંતુ, સંગીતના અધૂરા કલાસ શરૂ કરવાના આગ્રહને નમ્રતાએ ઠુકરાવી પણ દીધો. એ બાબતે ઘરમાં કોઈને સમજાવવાનો પ્રયાસ ન કરવાનું વચન પણ લીધું. એક વખત સુહાસ સાથે ફરી રીવર ફ્રન્ટની એજ જગ્યાની મુલાકાતે જઈ આવી. નમ્રતાનું મન ફરી આનંદની લહેરોમાં ઉછળતું થઈ ગયું.

નમ્રતા પોતાની અમુક ઈચ્છાઓ માટે હવે પોતાની કે સુહાસની ખુશીનો ભોગ આપવા નહોતી માંગતી. ઘરનાં માહોલની અસર સુહાસના કામકાજ પર થયા વગર રહેતી નહોતી. ઘરનાં કામને લઈને મમ્મીજીની ટિપ્પણીઓ નમ્રતા સુધી જ સીમિત હતી. પોતાની તકલીફને અવગણીને મમ્મીજીની ટિપ્પણીઓને કમને સાંભળ્યા કરી; અને, સુહાસના સુખ માટે એ શબ્દોની ટેવ પાડવાનો પ્રયત્ન તેણે ચાલું રાખ્યો.

રસોડામાં તપેલીની વાત હોય કે મસાલાની વાત હોય; વસ્તુ વધારે વપરાઈ કે ઓછી વપરાઈ, ઘરની ખરીદી હોય કે પોતાના માટેની કંઈ ખરીદી; મમ્મીજીના કઠોર શબ્દોમાં ઉગ્રતા આવી જતી! એમાંય ઘરનું કોઈ એક સભ્ય પણ જો ભૂલથી પણ નમ્રતાનો પક્ષ ખેંચે, તો મંજુલાબહેનને શાંત પાડવા મુશ્કેલ થઈ જતા! તેથી બે-ચાર વારની આવી ઘટનાઓથી નમ્રતાએ નમતું મૂકવાનું ચાલુ રાખ્યું. તેને ડર એ હતો કે મમ્મી પોતાના માટેની ટિપ્પણીઓ કોઈની હાજરીમાં કરશે તો ઘરનું વાતાવરણ ગરમી પકડશે. જો એવું થાય તો પછી પક્ષ-વિપક્ષ, ને પછી મહાભારત! પણ, એવું ભાગ્યેજ થતું. મમ્મીજી પણ ભારે કાળજી રાખતાં. ઘરે કોઈ મહેમાન આવે કે પડોશી; નમ્રતાને માથે ચડાવી ને રાખે! એમનાં ગયા પછી નમ્રતાનો કોઈ ભાવ પણ ન પૂછે!

જો પોતે ક્યારેક ઘરની દિવાલેથી કે અગાસીમાંથી પડોશના કોકિલાઆંટી સાથે નમ્રતાને વાત કરતા જુએ તો મમ્મીજી લાબું ભાષણ આપી દેતાં. "એ આંટીનો સ્વભાવ બહુ વિચિત્ર છે. એમની સાથે બહુ વાત કરવી નહીં. કહ્યું એટલું કરવાનું." નમ્રતાને છ મહિના પછી ખબર પડી કે પોતે કોકિલાઆંટી સાથે વાતચીત કરે તો મમ્મીજીને પોતાના રહસ્યો ખુલવાની બીક હતી. એ બેઉં જ્યારે મળે ત્યારે પોતપોતાની વહુની બુરાઈ કરવાની આદત હતી! એમાંય એક વખત નમ્રતાએ જે સાંભળ્યું એમાં તો એના પગ નીચેથી જાણે ધરતી સરકી ગઈ..!

"વહુને આમ જ રાખવી પડે.. રોકટોક ન કરો તો એ આપણી માથે બેસી જાય..' આંટીએ પોતાનું જ્ઞાન આલાપ્યું. "આ પેલા મધુબહેનની વહુ, ખબર છે ને કેવું કર્યું? બે વર્ષમાં તો આખું ઘર પોતાનાં નામે કરાવી દીધું. એ બિચારી એકતો વિધવા! એટલે જ કહું છું, સાસુ થઈને રહેવામાં મજા છે. માં થવા જઈએ તો મધુબહેન જેવું થાય!"

"તે કહ્યું એમ જ કરું છું ને! અમારી નમ્રતા કઈ ઓછી નથી. ઘરમાં બધાંયને નમ્રતા વ્હાલી લાગે. ચપર ચપર બોલીને કામ કાઢવી લ્યે. આ જોને મેઘા આવી'તી ત્યારે બજારમાંથી ચાર ડ્રેસ ઉઠાવી લાવી. ને સુહાસને તો એનીજ વાત સાચી લાગે..!"

"મેં એ જ દિવસે તને સમજાવ્યું'તું કે ઘરમાં એની રસોઈના વખાણ કોઈ કરે એ ચાલવી જ ન લેવાય? આપણે અત્યાર સુધી કરેલી મહેનતનું શું? મારી વાત ક્યારેક ખોટી ન હોય" આંટી કદાચ પરોઠા વાળી વાત જાણતા હશે એવું નમ્રતાને લાગ્યું.

"તારી વાત માની એટલે જ તો મેં નમ્રતાને પહેલા જ મહિને પિયર મોકલી દીધી'તી. આમતો એક મહિનો જ મોકલવી'તી. પણ, પછી અઠવાડિયું જ મોકલી. મેં દિવસો ગણી જ લીધા'તા!"

મમ્મીજીનાં એ શબ્દોએતો નમ્રતાનાં હૃદયમાં કોઈએ ભાલો ભોંક્યો હોય તેવું લાગ્યું. તેને હવે ખ્યાલ આવ્યો કે મમ્મીજી તે દિવસે આંગળીના વેઢા કેમ ગણતા હતાં! દુઃખતો એ વાતનું થયું કે આટલી ભણેલી ગણેલી ને સારા કુટુંબની વ્યક્તિ આવી રીતે પણ ગણત્રી કરતી હોય? "પહેલો મહિનો પિયરે' એટલે શું? આ તે કંઈ વિચાર છે? આવો તે વળી કેવો રિવાજ?

પોતાનું મન સુન્ન થઈ ગયું. બહું વાર વિચાર્યું કે સુહાસ સાથે ચર્ચા કરું. પણ, તેમને કહીને પાછી નવી રામાયણ શરૂ થાય એ યોગ્ય નહોતું. ચહેરા પર ચિંતા જોઈને જ્યારે સુહાસે આગ્રહ કર્યો તો ડ્રેસની વાત કરીને પુરી વાત વાળી લીધી હતી. નમ્રતાને બે ઘડી આંટી સાથે ઝઘડો કરી લેવાની ઈચ્છા થઈ ગઈ. પણ, એ શક્ય નહોતું. આ બધી ફસાદનું મૂળ તો આંટી જ હતા!

સુહાસ માટેનો પ્રેમ, લાગણી, અને તેની ચિંતાને લીધે મમ્મીજી સાથે કોઈ મનદુઃખ ન થાય એની કાળજી રાખવા પોતે પ્રયત્ન કરતી રહી. પણ, મમ્મીજીની ટિપ્પણીઓ નવા રૂપ લેવા લાગી. મમ્મીજીના શબ્દોમાં કડવાશ આવી. વાતવાતમાં એમને કોઈ ટોપિક મળી જતો. એમાંય પોતાના જન્મદિવસે સુહાસે હાર્મોનિયમ ગિફ્ટમાં આપ્યુ. એની ખુશી મમ્મીજીથી સહન ન થઈ. એમણે તો ત્યારેજ સુહાસને ટોક્યો..

" આવા ખર્ચ કરવાની શી જરૂર પડી? અમે તો કોઈ દિવસ આવા બર્થડે જોયા નથી. મમ્મીને કોઈ દિવસ એક સાડી આપવાની ઈચ્છા થઈ? તારા પપ્પાએ કોઈ દિવસ મને આવી મોંઘી વસ્તુ લાવી ને નથી આપી..!"

આ વિવાદમાં મંજુલાબહેનનાં આંસુઓએ વિકરાળ સ્વરૂપ લઈ લીધું. જે ઘટના બની એમાં નમ્રતાના હોંશ જ ઉડી ગયા. અંકુશે પણ મમ્મીને સમજાવવા પ્રયાસ કર્યો. પપ્પાએ મમ્મીને શાંત પાડવા બેઉં દીકરાને ટોકયા.

સુહાસનું મગજ પહેલીવાર ગરમ થયું. "મારે મારી ઈચ્છા પ્રમાણે કાંઈ કરવાનું જ નહીં.. નમ્રતાએ કોઈનું શું બગડ્યું છે? બર્થડેની એક ગિફ્ટ તેને આપું એય ગુન્હો? મહાબળેશ્વર ફરવા ગયા તોય તકલીફ? આવું જ કરવું'તું તો લગ્ન શા માટે કરાવ્યા? બજારમાંથી એ ચાર ડ્રેસ લઈને આવી તોય તમને તકલીફ પડી..!" ફડફડ નીકળતી અગ્નિમાં ડ્રેસની વાત નીકળી.

નમ્રતાને પસીનો છૂટવા લાગ્યો. "ડ્રેસ સિવાય એક પણ વાત પોતે સુહાસને નહોતી કરી એ સારું કર્યું.." મનોમન ઈશ્વરનો આભાર માન્યો.

સુહાસે શાંત થવાનું નામ ન લીધું, "એક વાર મેં પોતે સાંભળ્યું'તું તમને નમ્રતાને કે'તા કે સોનાનો દોરો કેમ ઝાંખો પડ્યો છે.., ઘરે ગઈ'તી તો કોઈની સાથે બદલાયો તો નથી ને?"

દીકરાના શબ્દોથી મમ્મીની આંખના આંસુ વહેતા રહ્યા..પણ ડ્રેસની વાતે મમ્મીજી સમસમી ગયા..
"તને કોણે કહ્યું કે એના ડ્રેસથી મને તકલીફ પડે છે?" તને ને તારી વહુને જાસૂસી કરવાની ટેવ પડી ગઈ છે!

નમ્રતાના હૃદયનાં ધબકારા વધી ગયા. ડર ફરી વળ્યો. એક હાર્મોનિયમથી આવડી રામાયણ થાય તો એ હાર્મોનિયમ શું કામનું? એણે બોલવાની હિમ્મત કરી પણ શબ્દ ને આંસુ જાણે સ્પર્ધાએ ઉતર્યા.."પ્લીઝ તમે બધા શાંત થાવ! મારે નથી જોઈતી કોઈ ગિફ્ટ!"

"ના.. ના.. વગાડ ને .. તું..! માં-દીકરા વચ્ચે ઝઘડો કરાવી દીધો..! લોકો સાચું જ કે'તા હોય છે કે 'વહુને માથે ન ચડાવાય, માં થવા જાવ તો માથે પડે...! તારું કામ તો થઈ ગયુ.. હવે શાંતિથી ભજન કરજે આ ડબલું લઈને!" બોલીને હાર્મોનિયમ ને પગથી નમ્રતા તરફ ધકેલ્યું. મમ્મીજીના શબ્દો ગોળીની જેમ છૂટીને નમ્રતાના હૃદયને ચીરી નાંખ્યું.., ફસડાયને જમીન પર બેસી ગઈ...!

ને, હાર્મોનિયમ નમ્રતાને વાગે નહીં એટલે નીચે બેસી ગયેલા સુહાસે ધડાધડ પોતાનું કપાળ હાર્મોનિયમ પર ફટકાર્યું.. ને તેને ઊંચકીને વચ્ચે પડેલી કાચની ટીપોય પર ઝીંકી દીધું... ! સુહાસ પણ નીચે ફસડાયો. કપાળ લોહી લુહાણ! કાચ, હારમોનિયમ, ને નમ્રતાનું હૃદય જમીન પર વેરણ છેરણ થઈ પડ્યા હતા!

...ક્રમશ: