ફિલ્મ રીવ્યુ
ફિલ્મ : ગંગુબાઇ કાઠિયાવાડી
દિગ્દર્શક : સંજયલિલા ભણશાળી
પ્રોડ્યૂસર : જ્યંતિલાલ ગડા & સંજયલિલા ભણશાળી
સ્ટોરી : હુસૈન ઝૈદ
કલાકાર : આલિયા ભટ્ટ, અજય દેવગન,
શાંતનુ મહેસ્વરી, સીમા પાહવા,
ઇન્દિરા તિવારી , અન્ય સહાયકો
સમય : 152 મિનિટ
ભાષા : હિન્દી
ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડી એ એક માફિયા કવિન ગંગુબાઇના જીવન પરથી બનેલી છે. આ ફિલ્મમા ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારના એક ગામની છોકરી ગંગાના જીવન વિશે વાત કહેવામાં આવી છે. આખી ફિલ્મમા ગંગામાથી ગંગુબાઇ કેવી રીતે બને છે એ વાત કહેવામાં આવી છે. મોટા ભાગના લોકોએ ટ્રેલર જોયું જ હશે, ટ્રેલર જેમ જ ફિલ્મમા બધા જ ડાયલોગ અને સીન ધમાકેદાર છે.
ગંગા… નામ જેવી જ ખળખળ વહેતી, ચંચળ, ચાલાક છે. ગંગાનદી જેમ કયારેક ઊંડી તો કયારેક છીછરી, કયારેક એનો પ્રવાહ ધોધમાર તો કયારેક શાંત ઝરણું બની જાય છે. ગંગા નદી જેમ જ દરેક પરિસ્થિતિમા પોતાનો માર્ગ શોધી લે છે પોતાના અંદાજમા. ગંગાનદી જેમ સમાજની તમામ ગંદકી પોતાનામાં સમાવી લે છે. અને ગંગા જેવી જ પવિત્ર એની આત્મા!...
ગંગાનું સ્વપ્ન હતું કે તે ફિલ્મમા હિરોઈન બને,પરંતુ જિંદગીના વળાંકો એને મુંબઈના કમાઠીપુરા સુધી પહોંચાડે છે. કમાઠીપુરા વિશે આપ સૌ જાણતા જ હશો એટલે એ વિશે સ્પષ્ટ કરવાની જરૂર નથી. માસુમ ગંગા જીવનને સ્વીકારી લે છે. બંધ બારણાં બહારની દુનિયા શોધવાનો પ્રયત્ન છોડી દે છે. હકીકત સ્વીકારી લે છે અને બને છે ગંગા માથી ગંગુ.. આ સીન ફિલ્મમા ખુબ સરસ રીતે બતાવ્યો છે એ હું અહીં કહી નથી રહી, કારણ કે જે લોકોએ ફિલ્મ નથી જોઈ એ લોકોને સસપેન્સ કહી દેવું યોગ્ય નહીં રહે.
ગંગુ પોતાના કાર્યને પ્રામાણિકતાથી લે છે. ફિલ્મમા કેરેક્ટરની એનર્જી ખુબ જ સારી રીતે બતાવી છે. ગંગુ ધીમે ધીમે પોતાનો માર્ગ કરતી જાય છે. પોતાની આગવી શૈલી અને અંદાજોમા એ બધાને પોતાની સાથે કરી શકે છે. કમાઠીપુરામા ધીમે ધીમે ગંગુ જાણીતું નામ બનતું જાય છે. ફિલ્મમા ગંગુની અદા અને એની લાગણીઓ ખુબ સરસ રીતે બતાવી છે.
ગંગુબાઈનું કેરેક્ટર આલિયા ભટ્ટે ભજવ્યું છે. આલિયા ભટ્ટની એક્ટીંગ માટે કહેવાનું મન થઈ જાય કે જોરદાર, દમદાર, અફલાતૂન,સુપર્બ.. અમે જયારે ફિલ્મ જોઈ રહ્યા હતા તયારે અવાજો સંભળાય રહ્યા હતા, "બન્દીને ક્યા મહેનત કી હે.. " બસ આમા બધુ જ કહી શકાય કે આલિયા ભટ્ટે કેવું કામ કર્યું છે.આ ઉપરાંત સિનેમેટોગ્રાફી લાજવાબ! ફિલ્મની સ્ટોરી બહુ જ સુંદર રીતે લખાઈ છે એ માટે લેખક હુસૈન ઝેદને સલામ! સંજયલિલા ભણસાળીના કામ વિશે કશુ કહેવાની જરૂર પડે એમ જ નથી. ફિલ્મ ગુજરાત પર હોઈ અને સંજય લિલા ભણસાળી ડિરેક્ટર હોઈ તો ગરબા તો હોવાના જ અને એ પણ ધમાકેદાર!
હું ફિલ્મના મહત્વના સીન અને ડાઈલોગ નહીં કહું કારણ કે જે લોકો એ ફિલ્મ નથી જોઈ એમના માટે થોડું સસ્પેન્સ જળવાઈ રહે. ટ્રેલર જેમ જ આખી ફિલ્મમા વજનદાર ડાયલોગ અને આલિયા ભટ્ટની કમાલની અદા જોવા મળે છે. હોલીવુડ ફિલ્મોમા ટેક્નોલોજીનો એવો અનુભવ થાય કે કોઈ સુપર હીરો જેમ એક ગ્રહમાથી બીજા ગ્રહમા સફર કરી રહ્યા છી,બસ આવી જ રીતે આ ફિલ્મ આવી સફર છે લાગણીઓની! અને ફરી હું કહીશ કે આલિયા ભટ્ટને સલામ!
ફિલ્મમાથી બહાર આવી આપણે બધા હવે હું જે વાત કરવા માંગુ એ તરફ જઈએ? ગંગુબાઈ વિશે! ફિલ્મ જોઈને ઓરિજિનલ ગંગુબાઈ વિશે જાણવાનું મન થઈ ગયું. ગંગુબાઇની વાત એ માત્ર એક સ્ત્રીની વાત કહી શકાય? નહીં. આ વાત એક માણસની છે! હું આખી ફિલ્મને એક સ્ત્રી સંવેદનાથી અલગ કરી એક માણસની સંવેદના તરફ જોવું છું. હા એ વાત ચોક્કસ છે કે સ્ત્રી વિશે જાણવું હોઈ તો ફિલ્મ જોવી રહી. વોટ વિમેન વોન્ટ? સવાલ નો જવાબ મળશે ફિલ્મમા. પરંતુ હું જે વાત કહેવા માંગુ છું એ એ છે કે વોટ મેન વોન્ટ? એ એટલું જ મહત્વનું છે જેટલું વોટ વિમેન વોન્ટ?...
સ્ત્રી અને પુરુષ એકબીજાના પ્રતિસ્પર્ધી હોઈ શકે? ના.. બંને એકબીજા ના પૂરક છે? ના..
બંને એક બીજાના પ્રતિબિંબ છે? ના..
બંને એક બીજાના અંશ છે? ના…
તો શુ છે?
સ્ત્રી અને પુરુષએ બે કેન્દ્ર છે, બંને સરખા મહત્વના. બ્રહ્માડની તમામ ઉર્જા આ બંને કેન્દ્ર વડે સંતુલિત થાય છે.જેમ ચુંબકને બે ધ્રુવ છે અને એનું ચુંબકીય ક્ષેત્ર સ્થિર રહે છે, જેમ પૃથ્વી જેવા ગ્રહને બે ધ્રુવ છે અને એનું દળ સંતુલિત રહે છે, એમ જ સમાજમા પણ જો આ બંને કેન્દ્ર સંતુલિત હશે તો જ સમાજની સ્થિરતા સંભવી શકે! તો જ એક ગતિશીલતા મળે. નદીનો રસ્તો જેમ માટી બનાવે છે, કયારેક કાંપ, કયારેક કાંકરા, કયારેક રેતી, કયારેક પથ્થર તો કયારેક ખડક બનીને... બસ આજ રીતે પુરુષ પણ સ્ત્રીઓ માટે માટી જેવા છે. હંમેશા એમના માર્ગ માટે કોઈ ને કોઈ સ્વરૂપે અદ્રશ્ય હાજર હોઈ છે... કયારેક પતિ બની, કયારેક ભાઈ બની, કયારેક પિતા બની, કયારેક મિત્ર બની, કયારેક પુત્ર બની…
ગંગુબાઈ ફિલ્મમા દરેક વાત ડાયલોગ જેમ કેહવાઈ છે, દરેક સીન લાગણીઓથી ભીંજવી જાય છે. દરેક સીનમા ગંગુબાઇ અનુભવાય જાય છે. બધા જ સીન બખૂબીથી બતાવ્યા છે. એક સીન છે પિતાને પત્ર લખવા પર, ગંગુબાઇની એક સહેલી ઘરે પત્ર લખવા માંગે છે અને ગંગુબાઇને આ માટે કહે છે. આ સીનમા ગંગુબાઇ હાથમા પેન લઈ લખવા જાય છે અને પૂછે છે, બોલ ક્યા લિખુ?.. થોડીવાર બધા ચૂપ રહે છે.. પછી એક પછી એક દરેક સ્ત્રી એક એક વાક્ય બોલતી જાય છે.. આખો સીન એવુ બતાવવા માંગે છે કે આ વેદના કમાઠીપુરાની દરેક સ્ત્રીની વેદના છે… આવી જ રીતે બધા જ સીન, ડાયલોગ, શબ્દો અને આલિયા ભટ્ટની એક્ટિંગ બધુ જ વિચરતા કરી દે છે.
ગંગુબાઇની વાત કરવા માટે એક નવલકથા પણ ઓછી પડે! ફિલ્મની દરેક વાત વિશે ઘણુ કહી શકાય એમ છે. એક સીન આવે છે, ગંગુબાઇ પાસે એક મિત્ર સફેદ સાડીઓનું કલેક્સન લઈને આવે છે અને સાડી લેવા બતાવે છે. તયારે
ગંગુબાઇ પૂછે છે, " કૌન સી લુ? "
મિત્ર જવાબ આપે છે, " કોઈ ભી લે લીજીયે સારી સફેદ હી તો હે!"
તો ગંગુબાઇ કહે છે, " કૌનસા વાલા સફેદ? ચાંદ વાલા સફેદ યા બાદલ વાલા? નમક વાલા સફેદ યા દૂધ વાલા? સઁખ વાલા યા ઝરને વાલા? ધૂએ વાલા સફેદ યા ગુલાબ વાલા? " આ વાત ગંગુબાઇ સફેદ સાડીખરીદતી વખતે એના મિત્રને પૂછે છે. તયારે મિત્ર જવાબ આપે છે " હંસ વાલા સફેદ! "..
એના મિત્રની જગ્યાએ હું હોત તો જવાબ આપેત," ગંગુબાઇ વાલા સફેદ!!".
એક સીનમા ગંગુબાઇ તેના ઘરે ફોન કરે છે વર્ષો પછી.. તયારે જાણવા મળે છે કે એમના પિતાજીએ મરતી વખતે ગઁગાજળ પણ ના પીધું, કારણ કે નામમા ગંગા હતું! આટલી ઘૃણા! બધુ જ પી ગઈ ગંગબાઈ, સમાજે જે આપ્યું પોતાની અંદર સમાવી દરેક રાતે પવિત્ર બનતી ગઈ!
અમારા એક શિક્ષક કહેતા, " દેશ માટે મરો નહીં, દેશ માટે જીવો".. ગંગુબાઈ જીવી! મહાભરતમા એક વાત આવે છે, જયારે દ્રૌપદી પોતાના આત્મસમ્માન, સ્વાભિમાનનો બદલો લેવાની વાત કરે છે તયારે કૃષ્ણ કહે છે, " એક નારીનું સ્વાભિમાન દેશ કરતા મોટુ ના હોઈ શકે!"
યુદ્વ વખતે નિર્ણય લેતી વખતે આ વાત કૃષ્ણ દ્વારા કહેવાય હતી.ગંગુબાઈએ જાણે આ વાત જીવી બતાવી! પોતાના સ્વાભિમાન, ઈજ્જત, આત્મસમ્માનનું એક એક ટીપું દેશ માટે, પોતાની કમ્યુનિટી માટે વહાવી દીધું.
દેશની માટીમાથી જેમ સૈનિકોના એક એક લોહીના ટીપાઅને ખેડૂતના પરસેવાના એક એક ટીપાની સુગંધ આવે છે એમ જ ગંગુબાઇ જેવી સ્ત્રીઓના આત્મસમ્માન, ઈજ્જત ના એક એક ટીપા ની પણ સુગન્ધ આવે છે. પેલા ગબબર સિંહ નો ડાયલોગ છે ને, " કોસો દુર… "વાળો.. એમજ જયારે કોસો સુધી દૂર જો કોઈ પવિત્રતા ની મિસાલ વિશે વાત કરશે તો એક જ નામ આવશે.." ગંગુબાઈ!"
ગંગુબાઇની આત્માને મારા દિલથી નમન. હું ખુબ નાની છું તમારા વિશે લખવા માટે, જો મારા કોઈ શબ્દમા ભૂલ હોઈ તો આપની ક્ષમા માંગુ છું.