Mrugjal - 1 in Gujarati Fiction Stories by તેજસ books and stories PDF | મૃગજળ: એક રોમાંચક સફર - 1

Featured Books
Categories
Share

મૃગજળ: એક રોમાંચક સફર - 1

સમય હમણાંથી આપણને કઈક અલગ અને નવું શીખવાડી રહ્યો છે. કોરોના મહામારી ઘણું બધું અવનવું લઈ આવી. આપણે બધા આવા કપરા સમયમાંથી હેમખેમ બહાર રહીએ. બધાનું સ્વાસ્થ્ય સારુ રહે એવી ઈશ્વરને પ્રાર્થનાં સાથે આજની વાર્તા શરૂ કરીએ.

આજથી 4 વર્ષ પહેલાંની વાત છે. સાંજના 7 વાગ્યાનો સમય થયો છે. સૂર્યનારાયણ પોતાના કિરણોથી બનાવેલી આકાશી રંગોળીના આછા કેસરી રંગોને હવે સમેટી લેવાની તૈયારી કરી રહ્યાં છે. પક્ષીઓ પોતાના માળા પાસે પહોંચીને કલરવ કરી રહ્યાં છે. જાણે રાત્રે સૂતા પહેલાં પોતાના સ્વજનોને ખબરઅંતર પૂછી રહ્યાં હોય.

ઘણા પક્ષીઓના ટોળા સૂતા પહેલા થોડી વાર આજુબાજુના પક્ષીઓ સાથે આંટો મારવા નીકળ્યા હોય, કોઈને કાંઈ ખૂટતું કરતું નથી ને એ જાણવા નીકળ્યા હોય એમ બગીચાની અંદર ઉડાઉડ કરી રહ્યાં છે. અચાનક જ ત્રણચાર આંટા મારીને એ પક્ષીઓ સમય જતાં શાંત થઈ જાય છે અને પોતાના માળામાં ગોઠવાઈ જાય છે.

અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર એક યુવાન ઉતાવળે રિક્ષામાંથી ઉતરીને સીધો ટિકિટ માટે લાગેલી લાઇનમાં ઊભો રહી જાય છે. આજે શુક્રવાર હોવાથી ભીડ થોડી વધારે હોય છે. 20 મિનીટ બાદ ટિકિટ લઈને શાંતિ અનુભવતો એ યુવાન પ્લેટફોર્મ તરફ જાય છે. આ યુવાન એટલે "અનિકેત".

અનિકેત આશરે 4 વર્ષથી પોતાના અભ્યાસ માટે અમદાવાદમાં આવેલો હોય છે. પણ આ ચાર વર્ષમાં તેના અભ્યાસ સાથે જીવનમાં બીજા ઘણા કિસ્સા પણ થયેલા હોય છે. ધૈર્ય સાથે મિત્રતા, હોસ્ટેલમાં બાસ્કેટબોલ ખેલાડી તરીકેની સિદ્ધિ, કોલેજના કલ્ચરલ પ્રોગ્રામનો સંચાલક અને માર્ગી સાથેનો પ્રણય અને એના પિતા સાથે થયેલુ ઘર્ષણ...

અનિકેત આ બધું આજે પાછળ મૂકીને પોતાની નવી શરૂઆત કરવા જઈ રહ્યો છે. રાતે આઠ વાગ્યે ટ્રેન આવીને પ્લેટફોર્મ પર ઊભી રહે છે. બધા મુસાફરો સૌરાષ્ટ્ર તરફ જવા માટે ટ્રેનના ગોઠવાય છે. 15 મિનિટના વિરામ બાદ ટ્રેન વ્હિસલ વગાડે છે.

અનિકેત સાઇડ સ્લીપરમાં ગોઠવાઈને પોતાનો સામાન સરખો કરતો હોય છે. સાઇડની સીટ બે વ્યક્તિઓ માટે હોય છે. પણ સામેની સીટ પર કોઈ આવેલ ના હોઇ અનિકેત પગ ગોઠવી થોડો આરામ કરવા લાગે છે. ટ્રેન શરૂ થાય છે અને થોડીવારમાં તો થાકના લીધે અનિકેત સૂઈ જાય છે.

હજી તો માંડ સાબરમતી આવ્યું હોય છે ત્યાં ઘણા બઘા પેસેન્જર ચઢે છે. ટ્રેન પાછી શરૂ થાય છે. અનિકેત તો શાંતિથી સુઈ ગયો હોય છે. પણ ત્યાં જ એક મધુર સ્પર્શ એને ઉઠાડે છે. આંખો ચોળતો ચોળતો અનિકેત સામે જોવે છે અને એક સ્વપ્ન સમાન સુંદરીને જોઈને અચાનક પાછો સ્વપ્નમાં જવા માટે આંખો બંધ કરી લે છે.

ફરીથી પાછો એ મધુર સ્વર થોડો ગુસ્સો લઈને સંભળાય છે અને અચાનક અનિકેત સીટમાં બેઠો થઈ જાય છે.

"Hello, અહી મારી સીટ છે. S4 - 24. તો તમારો સામાન જરા સરખો કરો તો હું પણ સામાન મૂકી શકું."

અનિકેત: "હા, જરૂર. એક મિનિટ, તમારી બેગ અહી મૂકી દો. હુ મારો થેલો મારી સાથે રાખું છું."

થોડીવારમાં બધો સામાન ગોઠવાઈ જતા બંને પોતાની સીટ પર સામસામે ગોઠવાઈ જાય છે. અનિકેત તો હજી જાણે સ્વપ્નામાં હોય એમ એકીટશે જોઈ રહ્યો હોય છે. સફેદ ટોપ અને બ્લુ જીન્સ સાથે બ્લુ પર્સ અને હાથમાં મોંઘી ચમકતી ડિજિટલ અને એમાલોગ ની ઘડિયાળ અને બીજા હાથમાં ૐ અને ગણેશના મિશ્ર આકૃતિ વાળું ચાંદીનું બ્રેસલેટ.

નિયત ગતિથી ટ્રેન વિરમગામ સ્ટેશન તરફ જઈ રહી હતી. અચાનક ઉધરસ આવતાં અનિકેત ઊભો થયો પણ પાણીની બોટલ એને નહોતી મળી રહી. ઉધરસ વધી જતાં સામેથી પાણીની બોટલ આપતો મધુર સ્વર સંભળાયો...

"લ્યો, જલદી થી પાણી પી લ્યો. ગળું છોલાઈ જાશે. "

અનિકેત બોટલ લઈને પાણી પીને શાંત થતાં પોતાની જગ્યાએ ગોઠવાયો. આભાર સાથે બોટલ પાછી આપતા બંને વચ્ચે સંવાદ શરૂ થયો.

અનિકેત: " આભાર તમારો. આગળના સ્ટેશન પર તમારી બોટલ આપજો. હું ભરી લાવીશ. મારુ નામ અનિકેત છે."

"અરે કઈ તકલીફ નથી લેવી. મારી જોડે બીજી પણ બોટલ પડી છે. હજી જોઈએ તો પણ માગી લેજો. મારુ નામ મૃણાલ છે."

અનિકેત: "સરસ નામ છે. તમે સૌરાષ્ટ્રમાં ક્યાં જવાના છો?"

મૃણાલ: "હું સૌરાષ્ટ્રની નથી. હું તો અમદાવાદમાં જ રહું છુ. મારે અત્યારે બસ સુરેન્દ્રનગર જવાનું છે. પછી ત્યાંથી કાલે સવારે ટ્રેનમાં ભાવનગર જવાનું છે. વેકેશન છે ને."

અનિકેત: " ઓહ, હા. મારે પણ આજથી જ વેકેશન ચાલુ થયું. એટલે જ તો હું મારા ઘરે જાઉં છું. તમે કઈ કોલેજમાં છો?"

મૃણાલ: "હું ભણતી નથી. મારુ અલગ વેકેશન હોય છે. "

તરત જ ફોનની રીંગ વાગે છે. અનિકેત જોવે છે તો માર્ગીનો ફોન હોય છે. અનિકેત થોડો દૂર જઈને વાત કરે છે. થોડી ઘણી વાત થયા પછી અનિકેત ઉશ્કેરાઇને માર્ગીને પોતાના પિતા અથવા અનિકેત - બે માંથી કોઈ એકની પસંદગી કરવાનું કહે છે. અંતે માર્ગી પોતાના પિતાનો પક્ષ લઈને અનિકેતને ના પાડી દે છે.

હતાશ થયેલો અનિકેત સીટ સુધી આવે છે. મૃણાલ ત્યાં સુધીમાં આખી સીટમાં સુઈ ગઈ હોય છે. થાકેલો અનિકેત પણ વિરમગામ આવતાં નીચે ઊતરીને પાણીની બોટલ લે છે. આંખો પર છાંટીને થોડું પાણી પીવે છે અને ચૂપચાપ આવીને ઉપરની સીટમાં સૂઈ જાય છે. થાક હોવાથી તરત જ અનિકેત ગાઢ નિંદ્રામાં સરી પડે છે.

બરાબર મધ્ય રાત્રિએ રાજકોટ આવવાની શરૂઆત થતાં ડબ્બામાં ચહલ પહલ શરૂ થઈ જાય છે. અનિકેત નીચે આવીને સામાન લેવા નીચેની સીટ પર બેસે છે. ત્યાં જ એક ઘડિયાળ અને મોબાઈલ પડેલો જોવે છે.

મોબાઈલ ઓન થતાં જ મૃણાલ એક જલપરીના પહેરવેશમાં દેખાય છે. અનિકેત ફોટાને જોઈને સમજી જાય છે કે આ ફોન અને ઘડિયાળ તો મૃણાલના છે.

શુ થયુ હશે કે મૃણાલ મોબાઈલ અને ઘડિયાળ ભૂલી ગઈ?
બધું એની સાથે બરાબર હશે ને? આમ અચાનક મોબાઈલ અને ઘડિયાળ ના મળવાથી મૃણાલ કેવી હેરાન થશે?
અનિકેત સાચું આ વસ્તુઓ આપવાં પાછો જશે? ઘરે બધાને હેરાન થતાં મૂકીને શુ અજાણી વ્યક્તિને મોબાઈલ આપવાં જવું ઉચિત રહેશે?

આ બધાં સવાલો સાથે આગળ શું થશે એ જાણવા તમારે પણ અનિકેતની સફરમાં જોડાવવું પડશે. આજની આ વાર્તાને અહી વિરામ આપીએ.