(૪૪)
(શ્રી નેમનાથ ઉપદેશ દે છે. રાજુલ નેમનાથના સાદ ની રાહ જોઈ રહી હતી, એટલે વૃદાં તેને સમજાવે છે. હવે આગળ...)
રાજુલ સહસા ચમકી, વિશિષ્ટ અનુરાગ.... સાચી વાત છે. એ તો સૌની માફક જ, સૌને ચાહે છે એ જ રીતે મને પણ ચાહે છે. એવો કોઈ વિશિષ્ટ અધિકાર એ મને આપતા ગયા નથી. અને હું એમના આત્મા સાથે એકરસ બની ગઈ છું. એ ઓછા મારા આત્મા સાથે એકરસ કે એકતાન બની ગયા છે?
"આ તો એકપક્ષી ખેંચતાણ કહેવાય."
વૃદાંએ છેલ્લો પ્રહાર કર્યો.
રાજુલ સચેત બની ગઈ. જાણે ભૂલભૂલામણીમાં ફસાયેલો કોઈ જીવ બહાર નીકળવાનો માર્ગ જુએ અને જે સ્થિરતા અનુભવે એવી જ સ્થિરતા રાજુલના ચિત્તપ્રદેશમાં પણ આવવા લાગી.
"વૃદાં, આજે તે મારી આંખો ઉઘાડી. હું પોતે એમની પાછળ જવાનો નિરધાર કરી બેઠેલી. એમને તો મને એવું કોઈ વચન આપ્યું જ નહોતું કે હું તને મુક્તિપંથની સહચારિણી બનાવીશ. મારું મિથ્યાભિમાન જ મને એમને દોષ દેવા પ્રેરે છે."
"હવે એના પર બહુ વિચાર કરવાની જરૂર નથી."
વૃદાંએ કહ્યું એટલે રાજુલ શાંત બની. છતાં એની શાંતિમાં, મૌનમાં પણ મંથનોના સાગર ઉમટતા જતા હતા. એક એક દિવસ વર્ષ જેવો લાગતો હતો.
થોડીવારે માધવીએ આવી એને સમાચાર આપ્યા.
"અહીં તમે નેમકુમારનું ધ્યાન ધરો છો અને એ તો વનમાં અશોકવૃક્ષની નીચે ધ્યાન ધરતા બેઠા છે."
રાજુલ એકદમ આનંદમાં આવી ગઈ. એ જો આટલા શાંતભાવે ધ્યાનસ્થ થઈ શકે છે તો મારે પણ શા માટે એમાં એકાગ્રચિત્ત ન બનવું?
"ખરેખર, માધવી?"
રાજુલે હર્ષાવેશમાં આવીને બોલી ઊઠી.
"ત્યારે નહીં, એ તમારા જેવા વેવલા છે કે મૂંગા મૂંગા રોતલ મોં લઈ બેસી રહે?"
માધવીના એ વાક્યે રાજુલ પાછી સતેજ બની.
"વૃદાં...."
તે વૃદાંને આલિંગન આપી અને બોલી પડી કે,
"તમે બંનેએ મને સાચું ભાન કરાવ્યું. આભાર, રાગમાં અથવા તો કહો કે મોહમાં અંધ બની હું સાચી પરિસ્થિતિ ભૂલી ગઈ હતી. હવે તો અમને ચરણે જઈ હું પણ સંસાર તરી જાઉં એમ થાય છે."
"એમ તો એ પણ સમજે છે કે મારી ફરજ હજી ઊભી છે. એટલે જ એ આ બાજુ આવવાના છે."
માધવીએ આગળ સમાચાર આપ્યા.
"એવું તને કોણે કહ્યું?"
"વાહ, વાત તો હવામાંથી પણ સંભળાય. બોલો, હવે તો આનંદમાં આવશો ને?"
રાજુલનો હસતો ચહેરો જોઈ માધવી અને વૃદાં પણ આનંદમાં આવી ગયાં.
રાજુલ તો નાચતી કૂદતી ધારિણી પાસે દોડી. ઘણા વખતે પુત્રીનું આવું રૂપ જોઈ માતાનું હૈયું પણ પ્રફુલ્લિત થયું.
"મા... મા..."
રાજુલે એમને જોતાં જ આનંદની કિકિયારીઓ જગાવી.
"આશાભર્યા તે અમે આવિયાં.... જિણંદજી."
તે ગણગણતી હતી. એ મધુર સ્વર ઘણા દિવસે રાણીના કાને પડયો. માત્ર આજે એના શબ્દો જ ભિન્ન હતા.
આશાભરી... મારી રાજુલ... આશાભરી... રાજુલ જોડે ધારિણીનું અંતર પણ એમાં નાચી ઊઠયું.
"અરે, પણ વાત કરીશ કે આમ ગાયા જ કરીશ?"
રોજ રાજુલનો ઉદાસ ચહેરો જોતી અને રડતો ચહેરો લૂછવા ટેવાયેલું માતૃહ્રદય એ હર્ષ આનંદ જીરવી ન શકતું હોય એમ થોડું અધીરું બની ગયું.
"બસ, આજે તો ગાયા જ કરું, નાચ્યા જ કરું એમ થાય છે."
એ બોલ સાથે જ એના અંગો પણ નૃત્યમય બની ગયા.
"બસ, હવે તો આનંદ જ આનંદ..."
તેની દેહમાંથી નીકળતા આનંદના પડઘા ચોમેર ઊઠતા હતા. પગના ઠેકે ઠેકે અને હાથના વળાંકે વળાંકે એ નેમકુમારને આવાહન આપી રહી હતી.
ધારિણી તો રડી પડી.
"મા..."
રાજુલે એ જોયું એટલે એ એકદમ એના અંકમાં લપાઈ ગઈ.
"તું રડે છે?"
ઘણા દિવસે માતાએ પુત્રીના મુખે એ લાડઘેલું, ભાવભર્યું ઉદ્દબોધન સાંભળ્યું.
"રડતી નથી, પણ મને તારો આ અતિરેક જોઈ આનંદ થાય છે."
"ખરેખર, જાણે છે કે હવે અહીં કોણ આવવાનું છે?"
અને રાજુલ તો મુગ્ધ નવોઢાની માફક શરમાઈ ગઈ. પોતે માતાની આગળ આત્મસખાનું મિલન થશે એ ભાવ કેવો અવિનય સાથે રજુ કર્યો? એથી એના મોં પર લજ્જા છવાઈ ગઈ.
"બોલને દિકરી, કેમ શાંત થઈ ગઈ?"
"શું તું પણ મા, પૂછે છે? એ..."
માતાએ પ્રથમ જ વાર પુત્રીનું નવવધૂ સ્વરૂપ જોયું. તે આશ્ચર્ય પામીને જોઈ રહી. રાજુલને થયું કે માતા બરાબર સમજી નથી, એટલે એને નીચી નજરે બોલી નાંખ્યું,
"નેમકુમાર... અરે, ભૂલી હું, ભગવાન નેમનાથ..."
"કયારે?"
ધારિણીએ સહજભાવે પ્રશ્ન કર્યો. પુત્રીના આનંદમાં તરબોળ થવા માટેની માનસિક તૈયારીઓ તેમને કરી લીધી.
"થોડા દિવસમાં..."
રાજુલ આટલું જ બોલતાં પાછી રાજુલ બની ગઈ.
"મા, એ આવશે એટલે તમારે સૌએ મને વિદાય આપવી પડશે."
"શેની વિદાય? એ તો સાધુ તરીકે આવશે."
"એ તો મને પણ ખબર છે... પણ મારે એમની પાછળ જવાનું છે. મારો એ નિર્ણય તમે બધાં ભૂલી ગયા?"
"એટલે તારે અમને જીવતાં જ મારી નાંખવા છે?"
ધારિણીના હ્રદયમાં એકદમ વેદના ઊભરાઈ ગઈ હોય એમ આવેશમાં બોલી ઉઠી.
"હવે મને રોકવાનો પ્રયત્ન મારે ખાતર, મારા શ્રેયને ખાતર પણ કોઈ ના કરતાં. જીવનભર રાજુલ રોતી રહે એમ તમે ઈચ્છો છો? એને જીવન જીવવા જેવું લાગે એટલું તો તમે પણ કરવા દેશો ને?"
મા જવાબ પણ કેમ કરીને આપે?
"પણ તું અહીં રહીને પણ એવું જ જીવન ગાળે છે ને?"
"જયાં સુધી એ ઘરમાં રહ્યા ત્યાં સુધી હું રહી. હવે એ ઘર છોડી નીકળ્યા તો મારે પણ નીકળવું જ પડે ને!"
"એટલે મારે તો છતી પુત્રીએ એના વિરહમાં ઝૂરવાનું ને?"
"મા, પરણી હોત તો, પારકી થાત જ ને. અને ધારો કે લગ્ન કરીને એમણે મને વનમાં રહેવાનો આદેશ આપ્યો હતો તો?"
"એ બધું મારે નથી સાંભળવું. પુત્રી, તારા પિતાજીની આજ્ઞા મળે તો જજે."
ધારિણીએ એ જવાબદારી લેવી ન પડે એ ખાતર એમાંથી મુક્ત થવાનો નિર્ણય કર્યો.
રાજુલ પોતાના પિતા ઉગ્રસેન રાજા પાસે ગઈ. ધારિણી રાણી એની પાછળ જ ગયાં.