(૪૦)
(નેમકુમાર પોતાના ભાગની સંપત્તિ દાન કરવા માંગે છે. હવે આગળ...)
એક જેને ત્યજે છે, એની પાછળ બીજું ગાંડાની માફક ભમે છે. માનવ સ્વભાવ તારી પણ બલિહારી છે.
શતાયુ આગળ ન વિચારી શકયો.
ધીમે ધીમે તો આખો રાજમાર્ગ પ્રજાથી ઊભરાઈ ગયો. નેમકુમારે છુટ્ટે હાથે ચારે બાજુ ધન વેરવા માંડયું. છતાં રાજ્યલક્ષ્મી એક દિવસમાં કંઈ ઓછી ખૂટી જાય? અને કુમારને પણ વિચાર આવ્યો કે આમ તો શિબિકા ઉપાડનારા પણ થાકી જશે. હવે શું કરવું?
"શતાયુ... શિબિકા પાછી લઈ લે. આમ તો તમે બધા થાકી જશો. કાલે આપણે સવારે પાછા નીકળીશું."
નેમકુમારે શતાયુને આજ્ઞા કરી.
"જેવી આજ્ઞા, કુમાર."
અને શિબિકા મહેલ પ્રતિ પાછી ફરી. કુમારને આવેલો જોઈ રાજા સમુદ્રવિજય એને દોડીને ભેટી પડયા.
"વત્સ, આવ્યો?"
નેમકુમાર પણ કંઈ બોલી ન શકયા. છતાં થોડી વારે સ્વસ્થ બની એમણે માંડ એટલું જ કહ્યું,
"હજી થોડા દિવસ મારે આમ જ દાન દેવું પડશે."
શિવાદેવીની પાસે એ ગયા ત્યારે એમના પણ નેત્રો સૂઝેલાં હતાં. નેમકુમાર એમની સામે દ્રષ્ટિ ન મિલાવી શકયા, છતાં એમને હસાવવા કહ્યું.
"મા, આ ગાંડા દીકરા પર વધારે નારાજ તો નથી થયાં ને. લૂંટાવવા બેઠો છું એમ તો નથી લાગતું ને?"
શિવાદેવીએ એકદમ એમને છાતીસરસા લઈ લીધા.
"કુળદીપક પુત્ર માટે એવું વિચારાય? હવે આવું આવું બોલી અમને વધારે ન બાળ. મને તો એટલો સંતોષ થાય છે કે તું આ રીતે પણ અમે આપેલો વારસો ભોગવી શકયો."
અજબ છે મનુષ્યની સંતોષ પામવાની વૃત્તિ અને એ પ્રાપ્ત કરવાની શક્તિ! નેમકુમારને વિચાર આવ્યો. અને એમના હોઠ મલકી રહ્યા.
એ પ્રમાણે દિવસો સુધી ચાલ્યું. ભંડાર પણ જાણે એ દાનની અખૂટ ધારા જોઈ અખૂટ બની ગયો હોય એમ ક્ષણભર તો લાગતું. કુમારનો નિત્યક્રમ આખી નગરીને હિલોળે ચડાવતો હતો. કોઈ કોઈ માંદા મનુષ્યો તો એનો હાથ માથે ફરે એટલા માટે પણ એમની પાસે આવતાં હતાં.
સંસારમાં પારાવાર દુઃખ જ છે. આ બધાં જીવો કેટકેટલી યાતના ભોગવે છે. કોઈ નિર્ધનતાથી પીડાય, કોઈ રોગથી હેરાન થાય, કોઈ કલેશથી સંસારને વધારે કડવો કરી મૂકે.
રાગદ્વેષ, મોહમાયા, કામક્રોધ આ બધાંએ આખા માનવસમાજ પર આક્રમણ કરી રહે છે, અને એના શાસનમાં થી મુક્તિ પણ કેમ મેળવાય? નેમકુમારને આ બધા વિચારો રોજ સતાવતા હતા.
કોઈ રૂપવતી, નમણી બાળાને એ જોતા અને એમને રાજુલનું સ્મરણ થઈ આવતું. એ પણ મારી માફક આવા વૈભવી સાધનો ધરાવે છે. છતાં મેં એને એનો ઉપભોગ ન કરવા દીધો. એને મારા એક શબ્દે બધું જ છોડવાનો નિર્ધાર કર્યો. રહનેમિએ બતાવેલા પ્રલોભનો પણ એના કોમળ છતાં વજ્રાશા કઠણ હ્રદયને ન ચળાવી શકયા.
પરંતુ હું તો ગિરનાર જવાની આંકાક્ષા સેવું છું. દીક્ષિત જીવન સ્વીકારીશ તો એ પાછી વધારે વ્યથિત બનવાની. કદાચ મારી પાછળ એ પણ દીક્ષા લેવાનો નિર્ણય કરે.
રાજુલ....
નેમકુમારે પોતાના વિચારોને આગળ વધવા દીધા. આ બધાં પરિસહો તારાથી શે વેઠાશે. છતાં દેવી, એટલું યાદ રાખજો કે જીવનમાં એનાથી વધારે પરિતાપભર્યું અને ઉપાધિમય છે. એટલે બરાબર ન્યાય આપજે. તારા ક્ષણિક સુખ ભોગો શાશ્વત આનંદ અને પલમ સુખમાં લીન કરવા માટે મેં છીનવી લીધા છે.
આ બધું જોઈને રાજા સમુદ્રવિજય કે શિવાદેવી જ નહીં પણ સંસાર તરફથી રહનેમિનું પણ મન ઊઠી ગયું. આ જોઈને સત્યભામા વધારે અકળાઈ. સૌથી વધારે તો તેને રાજુલ માટે લાગી આવતું હતું. એટલે જ તેને રાજુલને સમજાવવાનો છેલ્લો પ્રયાસ કરી જોવો એ વિચારે સત્યભામા અંતે એને મળવાને મથુરાનગરીએ પહોંચી.
જયારે રાજુલને એકદમ સાદા પોશાકમાં જોઈ એ ક્ષણભર તો વિમાસણમાં પડી ગયેલી. છતાં હિંમત કરીને કહ્યું,
"રાજુલ, તારે આમ ને આમ જિંદગી કાઢવી છે?"
સત્યભામા ગમે તેટલો પ્રયાસ કરે તો પણ એની સ્વભાવજન્ય વાણી તો ન જ ભૂલી શકે ને.
"કેમ, આ જિંદગી તમને ખોટી લાગે છે?"
"હજાર વાર, આમ તે સ્ત્રીથી જીવન જીવાય? પુરુષ ધારે તે કરે. સ્ત્રીને તો અમુક નિયમો અને સામાજિક વિચારો પાળ્યા વિના ચાલે જ નહીં."
"ઓહ... યુગો પહેલાંની વાત કરતાં લાગો છે."
રાજુલે ખડખડાટ હસતાં હસતાં કહ્યું.
"હવે બેસ, બેસ યુગવાળી... આ તો માબાપ ખોટાં લાડ લડાવે એટલે તને પણ ફાવતું જડયું છે. બાકી હવે તો કોઈ તને પૂછાતું નથી કે બહેન, તારે પરણવું છે? તો પછી કોને પરણવું છે. એ તો વળી પૂછવાનો સવાલ જ કયાં આવ્યો?"
"એટલે જગત સદા એક જ માર્ગે ચાલ્યા કરે અને એમાં પરિવર્તન કે પ્રગતિ થવી જ ન જોઈએ, એમ તમે માનો છો?"
રાજુલે એના રોષને ઓગળી નાંખે એમ મંદ મંદ હસતાં જ પ્રશ્ન કર્યો.
"પણ ભલભલા મહાત્મા અને ધર્મવીરો પણ પરણ્યા જ છે. આ તમને બંનેને જ કઈ જાતની ઘેલછા વળગી છે."
"લગ્ન એ પણ એક ઘેલછા જ છે. પણ બધાં એ કરે એટલે એ વ્યવહારિક ડહાપણ બની ગયું છે."
"રાજુલ...."
સત્યભામાએ એના બે હાથ પકડીને એને એકદમ પોતાની નજીક ખેંચી લીધી અને નરમાશથી કહ્યું,
"બહેન, તને થયું છે શું? આમ તો તું હેરાન થઈ જઈશ અને સૌને હેરાન કરીશ."
"પણ હું તો આનંદ અનુભવું છું. તમે સૌ પણ મારી સાથે આનંદ અનુભવો."
અને રાજુલે આખો દેહ આનંદથી થનગની રહ્યો હોય એમ એને એક નૃત્યમય વળાંક આપ્યો.
"રહનેમિકુમાર તને મળવા આવેલા?"
સત્યભામાએ વાત બદલતા પ્રશ્ન પૂછ્યો.
"હા, આવેલા. અને મારે એમને નિરાશ કરવા પડયા."
"અરે નિરાશ થયા હોત તો... તો સારું હતું કે એક દિવસ પાછા એમાંથી જ આશાવાદી બની સંસારસાગરે મોજ માણવા મંડી પડત. પણ...."
સત્યભામા બોલતાં બોલતાં અચકાઈ ગઈ.
"કેમ અચકાયાં?"
રાજુલે હસીને પૂછવા લાગી.
"ત્યારે શું કરું? એ પણ હવે તમારા વાજાં વગાડતાં શીખ્યા છે."
"અમારા વાજાં...."
"હા, તમારા વળી. એમને પણ હવે દિવસે ને દિવસે વિરક્તિનો રંગ ચડતો જાય છે."