(૩૯)
(રહનેમિ રાજુલ તરફ વિકારી નજરથી જોવા બદલ નેમકુમાર આગળ સ્વીકારે છે અને દંડ માંગે છે. હવે આગળ...)
"તમે નહિ પણ તમારું સમગ્ર જીવન મને માર્ગદર્શન કરશે."
રહનેમિ બોલ્યો તો નેમકુમારે હસતા હસતા કહ્યું.
"મારા પર રિસાયો?"
"તમારા જેવા અવધૂત અને યોગીને રીસની કે રોષની અસર ઓછી થવાની છે?"
તેને પણ સસ્મિત જવાબ આપ્યો.
"હવે પિતાજી પાસે જઈ આવું."
"અરે, હા, ઠીક યાદ આવ્યું. તું એમને સમજાવજે કે મારી પાછળ એ નાહકનાં તાપ ન વેઠે."
"મને લાગે છે કે તમે સૌને જોગી બનાવીને જ જંપશો."
અને હસતો હસતો રહનેમિ બહાર નીકળી ગયો.
નેમકુમારને તે જ દિવસે વિચાર આવ્યો કે હવે આ રાજભવન છોડવું જ પડશે. માતા પિતા જરૂર શોક કરવાનાં. પણ હવે તો મારો આત્મા ગુંગળાય છે.
એમને બીજે દિવસે ઉષાઃકાળે પ્રયાણ આદર્યું. વિહાર કરવામાં એમને આનંદ આવવા લાગ્યો. અને ચિંતન તથા ધ્યાન માટે એમને ગિરનાર યાદ આવ્યો. ગિરનારની ગોદમાં અને પ્રકૃતિના સાનિધ્યમાં વહેલું પ્રાપ્ત થાય એ વિચારે એમને ત્યાં જવાનો સંકલ્પ કર્યો.
પણ જયાં એ વિચાર એમને રાજા સમુદ્રવિજયને જણાવ્યો ત્યાં તો એ એકદમ દુઃખી બની ગયા.
"વત્સ, તારી ઈચ્છા પ્રમાણે તું કરવાનો, અને અમે રોકકળ કરતાં રહેવાનાં. છતાં આ સમૃદ્ધિ અને વૈભવનો ઉપભોગ પણ તું ન કરે એ કેવું લાગે? તારા ભાગની રાજ્યલક્ષ્મી મારે કોને સોંપવી?"
"એનો હું ભોગ નહીં, પણ ઉપયોગ જરૂર કરીશ, અને તે મારી રીતે."
"બોલ, તારી મનોકામના પૂરી કરવાની મારી ફરજ છે."
"એ બધું ધન હું મારા ગરીબ, અપંગ અને દુઃખી ભાઈબહેનોમાં વહેંચી નાંખવા માંગું છું."
"તું ધારે એ પ્રમાણે એ વાપરી શકે છે. મારે પણ હવે એ વિલાસ અને વૈભવ શા કામના?"
રાજા સમુદ્રવિજયે ભીના નેત્રે એટલું પરાણે ઉચ્ચાર્યુ. અને
તેમનો રૂંધાયેલો કંઠ કુમારને સ્પર્શી ગયો.
"પિતાજી, આમ દુઃખી શા માટે થાવ છો? મારા કલ્યાણમાં તમારે સૌએ રાચવું જોઈએ."
"સમજવું તો સહેલું છે, પણ એ જીરવવું અને સહેવું અતિ કઠિન છે."
"પણ કઠિન માર્ગે જ આત્મકલ્યાણ થાય ને."
નેમકુમારના ચહેરા પર તો કોઈ અનેરી પ્રસન્નતા અને ઉલ્લાસ વ્યાપી ગયા હતા.
"તો પછી તું ધનનું દાન કરવાનો નિર્ણય કરે છે ને?"
"હા, હા, એ મારું નથી, પણ સૌ કોઈનું છે. આપણા પુણ્યયોગે આપણને એ મળ્યું એનો અર્થ એમ તો ન જ ઘટાવાય કે એ માત્ર આપણે જ વાપરવા માટે છે. એ સૌને સરખી રીતે વહેંચવા માટે મળે છે."
"તો.... પછી જગતમાં રાય અને રંકનો ભેદ જ ન રહે."
રાજા સમુદ્રવિજય બોલ્યા.
"હા, અને એ ન રહે એમાં જ માનવજાતિની શોભા છે."
"પણ તું એક બાજુ કહે છે કે સૌ સૌના કર્માનુસાર ફળ પામે છે, અને બીજી બાજુ એ ભેદ નાબૂદ કરવાની વાત કરે છે. બે વાત સાથે કેમ બને?"
"એક તો વિધિનિર્મિત છે. પણ બીજું તો મનુષ્યના હાથમાં છે ને. કોઈના દુઃખનું નિવારણ કરવું એ જ સાચું મનુષ્યત્વ."
રાજા સમુદ્રવિજય પોતાના પુત્રને ક્ષણભર નીરખી રહ્યા. એના દેદીપ્યમાન લલાટે શું લખાયું છે એ જોવા, એ વણલખી લિપિ ઉકેલવા એ મથી રહ્યા. પણ એ કામ ઓછું સરળ છે? એમના મુખ પર વ્યગ્રતા છવાઈ.
"તો પછી તું કહે તે રીતે વ્યવસ્થા કરાવું."
હારેલા યોધ્ધાની માફક રાજા સમુદ્રવિજયે કહ્યું.
"આમ હતાશા શા માટે સેવો છો, પિતાજી? મને થોડો ઘણો તો સમજો."
"પ્રયાસ તો કરું છું, વત્સ..."
અને રાજા સમુદ્રવિજય આંખમાંથી બહાર ધસી આવતાં આસુંને રોકવા ત્યાંથી ચાલ્યા ગયા.
લોકોમાં વાત પ્રસરી કે નેમકુમાર દાન આપવાના છે. પછી તો આખી નગરી ઊમટી... એમાં તવગંરો પણ સામેલ થયા. એક જાણીતા નગર આગેવાનને તો સુભટે પ્રશ્ન પણ કર્યો કે,
"આપ જેવાને દાન લેવાની શી જરૂર પડી... "
અને જયારે એને જવાબ મળ્યો કે,
"કુમાર જેવા મહાત્માના હાથે મળેલું દાન તો એકમાંથી કરોડો જન્માવે એટલું ફળદાયી હોય છે."
ત્યારે તો એ પણ સ્તબ્ધ બની ગયો.
રહનેમિએ જયારે એ વાત સાંભળી ત્યારે તો એ પણ ક્ષણભર આશ્ચર્યમુગ્ધ બની ગયો, અને જયારે એને નેમકુમારને મહેલમાં થી બહાર નીકળતા જોયા ત્યારે તો તે મૂર્છાવશ બની ગયો.
"કયાં એ મહાત્મા... અને કયાં મારા જેવો પામર."
એ વિચાર એને રોજ સતાવવા લાગ્યો.
મહેલમાં થી કુમાર બહાર નીકળ્યા કે તરત જ શતાયુ એમની સામે હાથ જોડીને ઊભો રહ્યો.
"કુમાર, શિબિકામાં પધારો."
"પગે જ ચાલવા દે ને."
"ના, આજે તો તમારે મારું આટલું માનવું જ પડશે."
અને કુમાર એની નીતરતી આંખો જોઈ જ રહ્યો.
"તને પણ આજે રડવું આવે છે?"
"હરખના આસું આવે છે. પણ આજે જો તમે શિબિકામાં નહીં બેસો તો... તો ખરેખર મને દુઃખના માર્યા રડવું આવશે."
"શતાયુ, બાળપણથી તારા ખભે કૂદાકૂદ કરી છે. પણ આજે તું સારથિના બદલે શિબિકા ઉપાડે એ મને ન જ ગમે."
"જતાં જતાં પણ મારું આટલું નહીં માનો?"
અને શતાયુ કુમારના ચરણમાં ઢળી પડ્યો.
"ચાલ શતાયુ... કોણ જાણે તમારા બધાની આ મમતા તથા લાગણીનો બદલો કયારે વાળીશ?"
"અમારા જેવા અજ્ઞાનીઓ ને જ્ઞાનનો પ્રકાશ મળ્યો એ ઓછો ઉપકાર છે?"
અને એટલું બોલતાં બોલતાં શતાયુ એ કુમારને કમરે હાથ વીંટાળી એમને ઉચકવા માંડયાં.
"અરે, અરે...."
અને દોડતો દોડતો કુમાર શિબિકામાં ચડી ગયો.
ધીમે ધીમે તો આખો રાજમાર્ગ પ્રજાથી ઊભરાઈ ગયો. નેમકુમારે છુટ્ટે હાથે ચારે બાજુ ધન વેરવા માંડયું. લક્ષ્મીનો તુચ્છતાનો રણકાર જાણે એમાંથી સંભળાતો હતો. અને સૌની અમીભરી દ્રષ્ટિ તથા આશિષ સાથે એ પોતાની મુક્તિના પંથે આગળને આગળ વિચરતા જતા હતા.
"શતાયુ, કોઈ ગરીબ કે દુઃખી ન રહેવું જોઈએ."
નેમકુમારે શતાયુને રસ્તામાં કહ્યું.
શતાયુની સજળ આંખો આજુ બાજુ જોવા માટે અસમર્થ જ હતી. તેને જવાબ આપવાના બદલે એક હાથે આસું લૂછવા માંડયાં.