(૩૮)
(રહનેમિ રાજુલને ગુરૂ સ્વીકારી લે છે. ધારિણીએ શિવાદેવીને સંદેશો મોકલાવે છે. હવે આગળ...)
રહનેમિ જતાં જતાં રથમાં પણ એના વિચારો રાજુલની આસપાસ જ ભમતા રહ્યા. ખરેખર વિધાતા શી એ બાળાએ મને પાપગર્તામાં થી બચાવ્યો. ભાઈ જાણશે તો... પણ હું પોતે જ એમની પાસે મારી નબળાઈનો એકરાર કરીશ. પ્રલોભનો અને સંસારના ઝંઝાવતો સામે અણનમ ટકી રહેનાર એ મહાનુભાવ અવશ્ય મારી આત્મશુધ્ધિનો માર્ગ શોધી આપશે.
કેવો છો હું... ગયો હતો ભાઈની ભૂલ સુધારવા અને આવ્યો એનાથી પણ વધારે મોટી ભૂલ કરીને.
વાહ વિધાતા... તારી ગતિ પણ અકળ છે. રાજુલકુમારીને એક સાધારણ સૌંદર્યવતી બાળા માની એને વૈભવ અને રાજસુખનાં આંજણ આંજવા ગયો. ત્યારે સામેથી એની પુણ્યપ્રકૃતિ અને વિશુદ્ધ ભક્તિએ મને જ આંજી નાંખ્યો.
ભાઈ... ભાઈ, મને ક્ષમા કરજો. આખરે મારામાં પણ એ જ લોહી વહે છે, હું પણ એ જ માતાપિતાનાં રક્ત અને માંસમાંથી ઘડાયો છું. શા માટે મારો આત્મા પણ એ શાશ્વત સત્ય ન સમજી શકે? મોહ અને કર્મનાં બંધનો ફગાવવાનો આદેશ મને મળ્યો છે. એને અનુરૂપ જીવન ઘડવાનો માર્ગ તમે ચીંધજો.
શતાયુ રથ ચલાવતાં ચલાવતાં પણ એક વસ્તુ તો વિચારતો જ હતો કે રહનેમિકુમારમાં ઘણો ફેર પડયો લાગે છે.
"આપનું શરીર તો નરમગરમ નથી ને?"
ન રહેવાયું ત્યારે એને પ્રશ્ન કર્યો.
"ના રે ના, શતાયુ. આ તો જરા થાક લાગ્યો છે."
રહનેમિએ વાત પતાવતાં જણાવ્યું.
દ્રારિકા પહોંચીને પહેલું કામ નેમભાઈને મળવાનું પતાવવું છે, એ નિર્ણય બળે સીધો જ એમની પાસે પહોંચ્યો.
નેમકુમારે પોતાના નિવાસસ્થાનની બહાર ઓછા નીકળતા હતા અને રાત દિવસ ગહન વિચાર અને ચિંતનમાં જ પસાર કરતા હતા. કુટુંબના કે રાજનું એવું કોઈ કાર્ય નહોતું કે જેમાં એમને પોતાની હાજરીની આવશ્યકતા જણાતી હોય.
રહનેમિ એમની પાસે પહોંચ્યો ત્યારે એ કોઈ ઊંડા વિચારમાં બેઠા હતા.
"ભાઈ..."
રહનેમિએ ધીમા અવાજે એમને બોલાવ્યાં. કંઈ જ જવાબ ન મળ્યો. ફરી એને સાદ કર્યો. પણ એ નિઃશબ્દ વાતાવરણ ચાલુ જ રહ્યું.
રહનેમિએ એમના ખભે હાથ મૂકયો તો નેમકુમાર એકદમ સફાળા જાગ્યા હોય એમ બોલી ઊઠયા.
"અરે, તું કયારે આવ્યો?"
"તમારું ધ્યાન જ નહોતું. આટલા બધા ચિંતનમાં પડેલા?"
"હા, રહનેમિ, મારું મન સ્થિર કરું છું."
"હું તમારા ચિંતનમાં કે અધ્યયનમાં વિધ્ન નાંખવા નથી માંગતો. પણ મારી એક વાત તમારે સાંભળવી પડશે."
"બોલ...ભાઈ, તું એમ માને છે કે તારો ભાઈ તમારા બધાથી એટલો બધો પર બની ગયો છે? એ સ્થિતિ હજી આવી નથી. અને જો કે વિરક્તિ આવે તો પણ અંતર તો અમુક બાજુ ખેંચાય જ છે."
"એ તમારી દયા છે, સહાનુભૂતિ છે."
"જુઓ, મેં તમારો એક મોટો અપરાધ કર્યો છે."
અને સાચે જ એટલું બોલતાં રહનેમિ શરમાઈ ગયો.
"અપરાધ કોઈ કોઈનો કરતું નથી. સૌ સૌના કર્માનુસાર ચાલે છે."
"તો તો પછી માણસનો દોષ જ ન ગણાય."
"એમ નહીં, પણ એમાં તે મારો અપરાધ નથી કર્યો, એ જ મારે કહેવાનું છે."
"મેં રાજુલકુમારી તરફ વિકારી નજરથી જોયું છે. એનો દંડ આપો."
"જો પાછું તું આડું બોલ્યો. હું દંડ આપનાર કોણ? દરેક આત્મા સ્વતંત્ર છે અને એ પોતે જ પોતાના કર્મ માટે જવાબદાર છે. એટલે દંડ તો તારે જ તારી જાતને કરવાનો હોય."
"તો... તો પછી કોઈ કોઈથી ગભરાય જ નહીં. જગતમાં કોઈનું શાસન જ ન ચાલે."
"પણ અભય એ તો મનુષ્યનો મોટામાં મોટો ગુણ છે. એ કોઈથી ગભરાય નહીં તેમ કોઈને ગભરાવે પણ નહીં."
"પણ દંડશાસન વિના તો જગતમાં અનાચાર ફેલાય."
"એવું કોણે કહ્યું?... એ તો માણસે પોતે જ રચેલી જાળ છે."
"આ બધી ચર્ચા પછી કરીશું. પણ તમે હવે મારા પાપનો વિચાર કરી એમાંથી મુકત થવાનો માર્ગ બતાવો."
"મારે તે પહેલાં તને એક પ્રશ્ન કરવાનો છે... તું સાચે જ એના તરફ સ્નેહભાવ ધરાવતો હતો?"
"હા, પણ એની પાછળની. વિચારણા એ હતી કે તમે જે બધાંને દુઃખી કર્યા અને હું સુખી કરું."
"વિચારણા ઉત્તમ છે, સાધ્ય મહાન છે, પણ તે વિચારેલા સાધનોમાં વાસના હતી."
"બરાબર..."
રહનેમિની નજર નેમકુમાર તરફ સ્થિર ના રહી શકી તો તેમને રહનેમિના મસ્તક પર હાથ ફેરવીને વ્હાલથી કહ્યું,
"મારી સામું જો, શરમાવાનું કોઈ કારણ નથી. હું પણ તારા જેવો જ માનવી છું. વાસના હું સમાવી શકયો એટલો જ ફેર કદાચ ગણવો હોય તો ગણી શકાય."
"ના, ઘણો મોટો ફેર છે. તમે તો ઘણું જીતી ગયા. ઈન્દ્રિયો પરનો સંયમ એ ઘણી મોટી વાત છે."
રહનેમિ એટલું જુસ્સામાં બોલી ગયો.
"પણ માણસ પ્રયાસ કરે તો એ સાધના પણ અઘરી નથી."
"મને તમે હવે રસ્તો બતાવો. એક બાજુ મા બાપ અને કુટુંબનું ગૌરવ મને ખેંચે છે. બીજી બાજુ તમે અપનાવેલો માર્ગ પણ યોગ્ય લાગે છે."
"હજી તું તારી જાતે જ વિચાર. રાજુલનું પ્રલોભન આવ્યું એવાં થોડાં બીજાં પ્રલોભનો આવવા દે. અને તું જાતે જ કસીને જોઈ લે કે કયો રસ્તો તારા માટે કલ્યાણકારી છે."
"મારે તો તમારી પાસેથી જ દર્શન મેળવવું છે."
"પણ જ્ઞાન વિના દર્શન નહીં અને દર્શન વિના જ્ઞાન નહીં. અને સૌથી વિશેષ મહત્વનું તો આત્મજ્ઞાન અને આત્મદર્શન છે."
"ભાઈ... ભાઈ... હું ઘણો અટવાયેલો છું. મારો હાથ પકડો."
"રહનેમિ, ભાઈ, શાંત થા. તારી અકળામણ જણાવ."
"મને સમજાતું નથી કે મારે શું કરવું? સંસારની અસારતા અને માયા એક બાજુ સ્પષ્ટ દેખાય છે. છતાં બીજી બાજુથી એની મધુરતા અને મનોરમતા આકર્ષે છે."
"જે બાજુ સાચી અને પ્રબળ હોય એને આવકાર."
"તમે મારા પર જવાબદારી નાંખી મને શા માટે વધારે તપાવો છો?"
"પણ મારો માર્ગ તારા માટે સરળ છે કે કઠિન એ મને કેવી રીતે સમજાય?"
"આજ સુધી મને નહોતા ઓળખતા? આજે જ અજાણ્યા બન્યા છો?"
"જયાં માણસ પોતે જ પોતાની જાતને સમજવામાં ભૂલ કરે છે, ત્યાં તો એ બીજાને સમજવાનો દાવો કયા મોંએ કરે?"
"સારું, હું પોતે જ વિચારીશ. તમે નહિ પણ તમારું સમગ્ર જીવન મને માર્ગદર્શન કરશે."
બોલતાં બોલતાં રહનેમિ ઊભો થયો.
"મારા પર રિસાયો?"
નેમકુમારે હસતા હસતા કહ્યું.