(૩૬)
(કૃષ્ણ મહારાજ અને રહનેમિ રાજુલ તથા ઉગ્રસેન રાજા જોડે વાત કરી રહ્યા છે. હવે આગળ...)
કૃષ્ણ મહારાજ, ઉગ્રસેન રાજા અને ધારિણીરાણીના ગયા એટલે રહનેમિએ વાતનો દોર તરત જ હાથમાં લીધો.
"કુમારી, મારા ભાઈ તરફથી હું તમારી ક્ષમા માગું છું."
"પણ તમારા ભાઈએ માગી લીધી છે અને મેં આપી પણ દીધી છે."
રાજુલે મશ્કરી કરતાં બોલી.
"છતાં મારું અંતર બળ્યા કરે છે... તમારા જીવનને એ આટલી હદ સુધી હોમી દે એ મારાથી જોયું જતું નથી."
"દુનિયામાં ઘણું એવું છે જે આપણાથી જોયું જતું નથી, છતાં આપણે કંઈ કરી શકતા નથી. નેમકુમાર જ એક એવા નીકળ્યા કે જોયું ન ગયું એનો તરત જ રસ્તો શોધ્યો."
રાજુલ બોલી.
રહનેમિ વિચારમાં પડી ગયો. આ પણ કોઈ અજબ લાગે છે. તેના મનમાં વિચાર પ્રગટયો. પરંતુ પાછૈ એક ઝબકારો થયો. હવે આખરે તો સ્ત્રી ને... અને છે પણ કેવી સુંદર અને ચબરાક... એ તો ઝટ લપટાઈ જશે.
થોડી પળો તો એના મનમાં ઉત્સાહ રહ્યો. પણ પાછું એને થયું કે આવો વિચાર કરવામાં કયાંક મારી ભૂલ તો નથી થતી ને. ત્યાં તો જાણે સુષુપ્ત માનવાત્મા જાગતો હોય એમ એક ઘેરો નાદ ઊઠયો કે ગાંડા, આમ સંસારક્ષેત્રે આવા વિચારો કરવા બેસીશ તો પાર પણ નહીં આવે. અને મનુષ્ય હોય તો એને એવી વૃત્તિ પણ જાગે અને સંસારજીવન માણવાની તૃષ્ણા પણ પ્રગટે... એમાં ક્ષોભ કે શરમ શાનાં?
"તમારી સજ્જનતા અને ઉદારતા આવું બોલાવે છે."
રહનેમિ ઘણા વખતે જવાબ આપતો હતો. એટલે રાજુલને પણ એના શબ્દો સમજવા માટે કાન સરવા કરવા પડયા. છતાં એ કાન જેવા સરવા થયા કે તરત જ એમાં પેલા શબ્દોની વ્યંજના પણ ગૂંજવા લાગી.
મારી તરફ એમને આટલો બધો સ્નેહભાવ અને પક્ષપાત જાગવાનું કારણ? પુરુષ સામાન્ય રીતે આવી ક્ષણે નિઃસ્પૃહ ભાવે કે નિષ્કામ મને રાગ જ ન દાખવી શકે. અરે, પણ શા માટે મન આવું વિચારે છે?
રાજુલનું મન ચગડોળે ચડયું. તેને પોતાના મનને ઠપકાર્યુ કે મારાથી આવા વિચારો કેમ થાય? એમને માટે સંશય જાગે એનો અર્થ જ એ કે મારું ચિત્ત જ એટલું વિશુદ્ધ અને વાસનારહિત નથી. શા માટે મારું અંતર એમને ક્ષુદ્ર અને વિરક્ત ભાવે નથી સ્વીકારી શકતું? રાગ નથી તો રોષ અને રીસ પણ ન જ આવવાં જોઈએ ને... મારા દિલમાં કયાંક કયાંક એમના શબ્દો તરફ અણગમો કે ધૃણા પ્રગટે તો તો... નેમકુમારે આપેલી કેળવણી લજાય.
રાજુલે એક ક્ષણ કુમારનું ધ્યાન ધરી લીધું. તેના અંતરમાં એકાએક અજવાળાં પથરાયાં હોય એમ એનામાં સ્ફુર્તિ આવી. દેહમાં તાજગી પ્રગટી.
એ તાજગી અને સ્ફૂર્તિ છાનાં ન રહ્યાં. રહનેમિને લાગ્યું કે એની વાણીએ રાજુલને પ્રસન્નચિત્ત બનાવી, એટલે એ તરત જ વધારે સ્વસ્થ સ્વરે બોલ્યો,
"કેમ બોલ્યાં નહીં, રાજુલકુમારી...."
"શું બોલું? તમે મને મારા ગુણો ગાઈ શરમીંદી બનાવી."
"ખોટું નથી કહેતો, પણ એ બધા ગુણો આમ વ્યર્થ વેડફાય એ મારાથી નથી સહેવાતું."
"આપ નકામા દુઃખી થાવ છો. મારા દિલમાં તો આનંદ સમાતો નથી."
"કૃપા કરીને મને આપ ન કહેશો.'
રહનેમિ રડતા સ્વરે બોલ્યો,
"એવા સન્માનને હું લાયક નથી."
"જવા દો, હવે એવી વાતો..."
રાજુલે વાતને ઊગતી જ ડામી.
"રાજુલકુમારી, મારે એક જ પ્રાર્થના કરવાની છે. યાદવકુળ તમારો સ્વીકાર કરવા તૈયાર છે."
"મને કંઈ સમજાયું નહીં..."
નિર્દોષતાનો આશ્રય રાજુલને લેવો પડયો. અને એમાંથી અજ્ઞાન તો સહજ ભાવે દર્શાવી શકાય.
"શી રીતે સમજાવું? કુમારી, પણ તમારું આ સૌંદર્ય, આ બધા ગુણો, એ બધું જોઈ મને વિચાર આવે છે કે શા માટે પ્રભુ તમને સાચા જીવન સુખથી વંચિત રાખે છે?"
"પણ મને એવું લાગતું જ નથી."
"કારણ હજી તમને સાચા સંસારસુખનો ખ્યાલ નથી. વિધાતાએ તમને રૂપગુણ છુટ્ટે હાથે આપ્યાં છે એનો અર્થ એ કે એનો ઉપભોગ કરવો."
"ભગવાનને ખાતર પણ આ વાત બંધ કરો."
રાજુલે શરીરને એક આછી ધ્રુજારી આવી ગઈ.
રહનેમિને થયું કે 'હવે આ વાત પૂરી કરે જ છૂટકો...'
"મને સમજવાનો પ્રયત્ન કરો... તમારા પિતાની વેદના તો એમના અંગેઅંગમાં થી દેખાય છે. યાદવોની પ્રતિષ્ઠાનો ખ્યાલ મારા આત્માને કોરી ખાય છે અને સૌથી વધારે તો તમારા જેવી સુકોમળ મુગ્ધા આવો પરિતાપ વેઠે એ મારા માટે અસહ્ય બની જાય છે. મને કયાંય માર્ગ દેખાતો નથી. પણ આખરે મનુષ્યની સાચી પરીક્ષા આવા કસોટીકાળે જ થાય છે. હું એ બધાને બચાવવા માટે વિચારું છું. અને તમે મને એમાં સાથ આપો એવી વિનંતી કરું છું."
"શી રીતે?"
રાજુલે પાછો સ્વસ્થ થઈને પૂછ્યું.
"મારી જીવનભર સંગિની બનીને."
"કુમાર, તમે પણ ભીંત ભૂલ્યા. બધાને બચાવવા જતાં તમારો આત્મા જ હોમવા માંગો છો?"
રાજુલે આંખ ઝીણી કરીને ભૃકુટિ ચડાવતા કહ્યું.
રહનેમિની કાયા ક્ષણભર કંપી ઊઠી, છતાં તેને જવાબ આપ્યો.
"મને સમજો, આપણે બંને યાદવગણની પ્રતિષ્ઠા, એનું ગૌરવ, પ્રગતિ વગેરે માટે મથીશું. આપણે શું નહીં સાધી શકીએ? એટલી પ્રચંડ તાકાત તો બ્રહ્મા પણ નહિ ધરાવતો હોય."
"પણ એ બધી આસુરી શકિતથી પતન થાય, ઉન્નતિ ન થાય."
રાજુલે જવાબમાં કહ્યું. તેના મુખ પર અનેરી સ્વસ્થતા હતી. અને આંખોમાં ભાવિનું સ્પષ્ટ દર્શન હતું.
"તો પછી આખું જગત સંસાર રચે છે, એ આસુરી શક્તિ છે?"
"એમ તો કેમ કહેવાય? પણ એમાં સાચા જીવનની સાર્થકતા નથી, સામાન્યતા છે. પણ તમારી વાત તો ખરેખર નીચી કક્ષાની છે."
"મને અન્યાય કરો છો."
"ના, સાચું કહું છું. હમણાં જ તમે અમૃત જેવું શરબત પીધું, પણ એની ઉલટી થાય તો... એ તમે ફરી પીશો?"
"મને તમારી વાત સમજાઈ નહિ. મારી વાતને અને એને શી લેવાદેવા?"
"તમારી વાત એના જેવી જ છે. સંસારમાં કદાચ અમી હોય તો પણ એ એના પ્રથમ પીનાર માટે. વમન પછી એની શી કિંમત?"
"પણ આમાં વમનની વાત જ કયાં આવી?"
"તમારા ભાઈએ મારો ત્યાગ કર્યો, બરાબર?"
રહનેમિએ માત્ર શિર જ ધણાવ્યું. જવાબ આપવાની હિંમત એનામાંથી ઓસરી ગઈ હતી.
"હવે ત્યક્તા એ કઈ કક્ષામાં આવે? એકે વમી... હવે તમે એને પાછી અપનાવવા માંગો છો?"
"પણ... ભાઈ તો તમને સાચા સ્વરૂપમાં સમજ્યા જ નથી. એમને તમને અન્યાય કર્યો, કોઈનો વિચાર કર્યો, મારે એ સુધારવું છે."
"પણ તમે જ તમારા ભાઈને સાચા સ્વરૂપમાં સમજ્યા જ નથી....."