Aa Janamni pele paar - 25 in Gujarati Horror Stories by Rakesh Thakkar books and stories PDF | આ જનમની પેલે પાર - ૨૫

Featured Books
Categories
Share

આ જનમની પેલે પાર - ૨૫

આ જનમની પેલે પાર

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૨૫

હેવાલીએ બારી બહાર નજર કરી. રાત પૂરી થવામાં હતી. સૂરજ ઊગવાની તૈયારી હતી. પક્ષીઓનો કલબલાટ શરૂ થઇ ગયો હતો. ઠંડી હવા સાથે ખુશનુમા માહોલ સર્જાયો હતો. તેને થયું કે આટલું સરસ વાતાવરણ છે ત્યારે મેવાન એવું તે શું જોઇ ગયો કે ચમકી ગયો. તેના મોં પર હજુ ચિંતાના ભાવ હતા. હેવાલીએ નવાઇથી પૂછ્યું:'મેવાન, શું વાત છે? તું આટલો ચિંતિંત અને વ્યગ્ર કેમ થઇ રહ્યો છે. બહાર કેટલો સરસ માહોલ છે. અહીં તો કુદરતના ખોળે બેઠા હોય એમ લાગે છે. આવા વાતાવરણમાં તો મને હળવાશ અનુભવાય છે...'

'હેવાલી, મને ચિંતા એ વાતની છે કે હવે થોડી જ ક્ષણોમાં આપણે વિખૂટાં પડવું પડશે...'

'મેવાન, તું આ શું કહે છે. હજુ હમણાં તો આપણે ભેગા થયા છે. જન્મોજનમનો સાથ ફરી નિભાવવાની વાત કરી છે. હવે અલગ થવાની વાત કેમ કરી રહ્યો છે? હું તારો સાથ આપવાનું વચન આપી ચૂકી છું. અચાનક તારો વિચાર બદલાઇ કેમ ગયો?'

'હેવાલી, મારો મતલબ આપણે ફરી કાયમ માટે અલગ થઇ રહ્યા છે એવો નથી. હું રાતનો રાજા છું. દિવસ અમારા માટે બન્યા નથી. દિવસે અમારાથી અહીં રહી શકાય નહીં. દિવસે અમારું અસ્તિત્વ રહેતું નથી. અમે એક અલગ દુનિયામાં જતા રહીએ છીએ. આપણે રોજ રાત્રે જ મળી શકીશું. દિવસે આપણે વિયોગ સહન કરવો પડશે...'

'મેવાન, એ વાતની મને ખબર છે. તું ક્યારેય દિવસે મને મળ્યો નથી. અત્યાર સુધી તું રાત્રે મારા સપનામાં આવતો રહ્યો છે. આપણે હવે સામસામે મળ્યા છે. તું ચિંતા ના કરીશ. દિવસ તો આમ ચપટી વગાડતામાં પૂરો થઇ જશે. રાત પડતાની સાથે જ હું આ બારીએ બેસીને તારી રાહ જોઇશ. તું માનવરૂપમાં નથી એ મર્યાદા મેં સ્વીકારી લીધી છે....'

'આવજે હેવાલી...હવે મારી પાસે સમય નથી...હું જઉં છું...તું હવે દિયાનને મળતી નહીં...'

મેવાનના છેલ્લા શબ્દો સંભળાયા ત્યાં સુધીમાં એ અદ્રશ્ય થઇ ગયો હતો. તેની દિયાનને ન મળવાની તાકીદ આંચકો આપી ગઇ હતી. તે માનસિક રીતે તૈયાર જ હતી. ભલે બંને એક જ મકાનમાં રહે છે પણ હવે તન-મનથી અલગ થઇ ગયા છે.

હેવાલી તન-મનથી થાકી ગઇ હતી. તે બેડ પર બેઠી. તેને ઊંઘ આવી રહી હતી. તે આડી પડી અને બીજી જ ક્ષણે તેની આંખો મીંચાઇ ગઇ.

કોઇ દરવાજો ખખડાવતું હતું. હેવાલી એટલી ઊંઘમાં હતી કે એની આંખોના પોપચા પર જાણે મણ મણનો ભાર વર્તાતો હતો. ઊંઘમાં જ તેને વિચાર આવ્યો:'રાત પડી ગઇ કે શું? પણ હજુ હમણાં તો હું ઊંઘી હતી...'

***

દિયાને જ્યારે શિનામિને પ્રશ્ન પૂછ્યો કે,'તેં એ તો કહ્યું જ નહીં કે ત્રિલોકને શા માટે એવી ઇચ્છા હતી કે તારા લગ્ન મેવાન સાથે થાય?' ત્યારે શિનામિએ ત્રિલોકની આખી કથા સંભળાવી દીધી. ત્રિલોક શેરબજારમાં પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂક્યો હતો અને શિનામિના પિતા પાસે વધારે જમીન હોવાથી મેવાનના લગ્ન એની સાથે કરાવવા માગતો હતો. એ શક્ય ના બન્યું એટલે ઘરને આગ લગાવી દીધી. એમાં તેના જ નહીં પડોશીના સંતાનોએ પણ જીવ ગુમાવી દીધા.

શિનામિની વાત સાંભળી દિયાનને ત્રિલોકે સર્જેલી કરુણાંતિકા આંખ સામે તરવરી રહી. એને ત્રિલોક સાથેની મુલાકાત અને આગની યાદ અપાવતું એ ઘર યાદ આવી ગયું.

'શિનામિ, તને એમ નથી થતું કે તેં મેવાન સાથે લગ્ન કરી લીધા હોત તો ત્રિલોકે આમ ના કર્યું હોત?'

'દિયાન, ત્યારે અમને કોઇને ખબર ન હતી કે ત્રિલોકના મનમાં શું ચાલી રહ્યું છે. લગ્ન પછી પણ મેવાનને એ વાતનો અંદાજ આવ્યો ન હતો કે તેના પિતા શેરબજારમાં બરબાદ થઇ ગયા છે. તે આવું પગલું ભરશે એવી કોઇને કલ્પના ન હતી...'

'શિનામિ, ચાલ હવે એ બધું ભૂલી જા અને આ નવા જીવનને જીવી લે...'

'દિયાન, તારો સાથ ફરી પામીને હું નવું જીવન પામી છું. મને મારો રણદીપ મળી ગયો છે. મારો ભૂત સ્વરૂપમાં પણ આ જન્મ સાર્થક થઇ રહ્યો છે...'

બહારથી પક્ષીઓનો અવાજ આવતાં શિનામિ ઉંઘમાંથી ઝબકીને બેઠી થઇ હોય એમ બોલી:'દિયાન, મારા જવાનો સમય થઇ ગયો છે. રાત આપણી છે પણ દિવસ તારો છે. હવે આપણે રાત્રે ફરી મળીશું. યાદ રાખજે કે તારી શિનામિ પાછી ફરી છે. હવે હેવાલી સાથેનો તારો નાતો છૂટી ગયો છે...'

દિયાન કંઇ પ્રતિસાદ આપે એ પહેલાં તો શિનામિ ચાલી ગઇ હતી. ક્ષણના છઠ્ઠા ભાગમાં તે ગાયબ થઇ ગઇ હતી.

દિયાનને થયું કે શિનામિએ હેવાલીની યાદ કેમ અપાવી દીધી? એ હેવાલીને ભૂલવાનો પ્રયત્ન કરી રહ્યો છે. મનમાં પ્રશ્નો ઉઠ્યા:'તે ખરેખર હેવાલીને ભૂલી શકશે? શિનામિ સાથે જ જીવન જીવી શકશે?
ક્રમશ: