શિકાર ખાય રહેલ સાવજ અને સિંહણને માલધારીઓએ ટોર્ચની લાઇટમાં બરાબર ઓળખી લીધા. કપાળે ટીલાવાળી સિંહણ રાજમતી જ હતી. અને બેફિકરાઈથી સાંભરનું ભોજન લેતો ઘેઘૂર કથ્થાઈ અને પીળા કલરની કેશવાળીવાળો સામત જ હતો. બધાના મનમાં હાશકારો થયો. રખેને સામત અને રાજમતીને કંઈ થયું હોત તો એનો નેહડા વાસી ગેલો તો અંદર જ ગયેલો હતો. બધા જ જાણતા હતા કે ગેલો આવું ન કરે પરંતુ તેની વિરુદ્ધ જંગલ વિભાગ પાસે સજ્જડ સબૂત હતા. પાકી માહિતી મળતા બધા રાજી થતા, ટોર્ચ બંધ કરીને ધીમે પગલે પાછા વળ્યા. ચાલતાં ચાલતાં વાલાએ કહ્યું, "હાલો આપડે આજે જ ફોરેસ્ટર શાબને સામતને રાજમતી જડી ગયાના વાવડ પુગાડી દેવી. એટલે ઈને ય સાંતિ થાય ને આપડને ય સાંતિ લેવા દે. જે દાડાના ઈ બેય ગૂમ થયાં તે દાડાથી રોજ નેહડે ગાડી ઠેરવે સે. ગેલાભાઈ તું ય એવો તારો કાંઈ વાંક ગનો નતો તો તારે સોખ્ખું કય દેવું જોયે ને કે જ્યાં તપાસ કરવી હોય નીયા કરો મને ખબર નહીં. આ બે ગૂમ થયાં તે દાડાથી તો ગેલાભાય તારું મોઢું જોયને અમને ય શંકા જાતિથી કે દાજયમાં ને દાજયમાં તે તો આવો કાળો કામો નહીં કર્યો ને?"અંધારામાં ગેલાનું મોઢું તો નહોતું દેખાતું પણ તેના હસવાના ઠહકા પરથી એનો અણગમો પ્રગટ થતો હતો.
"ભલા માણાહ મેં જેને જીવના જોખમે પાણીમાં તણાતો બસાવેલો ઈ સામતને હું મારી હકું એટલો તો વશાર કરવો તો ને!" બધા ગોવાળિયાએ, "ઈ તારું હાસુ" એમ બોલી ગેલાની વાતને સમર્થન આપ્યું. એકાદી ટોર્ચના અજવાળે બધા પગ ઢસડતા પાછા નેહડા તરફ જઈ રહ્યા હતા. બધાના મનમાં સામતને રાજમતી મળી ગયાનો આનંદ હતો. જંગલમાં સિંહનું મૃત્યુ માલધારીઓને ઉદાસ કરી નાખે છે. કેમકે તે નાનેથી મોટો તેની નજર સામે થયેલો હોય છે. વાતો કરતા કરતા ગોવાળીયા નેહડે પહોંચી ગયા. તેઓને ટોર્ચનાં પ્રકાશમાં ગેલાનાં જાપા આગળ પડેલી ફોરેસ્ટની સફેદ ગાડી દેખાણી. તેથી બધા ગેલાનાં નેહડા તરફ જ વળ્યા. વાલાનાં મનમાં આનંદ હતો. તે ફોરેસ્ટર સાહેબને "સામત મળી ગયો" નો શુભ સંદેશ આપવા અધીરો થઇ ગયો હતો. આખું ટોળું ઝાપામાંથી અંદર પ્રવેશ્યુ ત્યાં DFO સાહેબ ખુદ ખાટલે બેઠા હતા. અને સાથે ચારેક ટ્રેકર્સને ગાર્ડ પણ બેઠા હતા. સામે રામુઆપા પણ ખાટલો ઢાળીને બેઠા હતા. જીણીમા ઓસરીની કોરે બેઠા હતા. રાજી વાંકાચૂકા ઝાડના થડિયાની બનાવેલી થાંભલીને ટેકો લઈ રામુઆપા તરફ લાજનો છેડો ખેંચી ફોરેસ્ટર સાહેબની વાતચીત સાંભળી રહી હતી. આખું ટોળું ખભે કુહાડી વાળી ડાંગ લઈ પ્રવેશ્યું.
"અલ્યા આટલા બધા ગોવાળિયા એકસામટા જંગલમાં સાવજનો શિકાર કરવા નીકળી ગયા હતા કે શું?"
DFO સાહેબે કટાક્ષ કરતાં કહ્યું. ઘડીક તો બધા શાંત થઇ તેની સામે જોવા લાગ્યા. ગોવાળિયાઓનો ગભરાટ જોઈ વાતાવરણ હળવું કરવા સાહેબ હસી પડ્યા.
"અલ્યા ભાઈ હું તો ખાલી મજાક કરું છું. હું તમને એ સમાચાર આપવા માટે આવ્યો છું, કે આની પહેલા હું જ્યારે ગેલાને મળવા આવ્યો ત્યારે વાયરલેસમાં સામત અને રાજમતીનાં લોકેશનનાં સમાચાર આવ્યા હતા. પરંતુ એ વાત પાકી ન થાય ત્યાં સુધી અમે તમને કઈ રીતે જણાવી શકીએ? તેથી તેનું પાકું લોકેશન લઈ તે રાત્રે જ અમે ત્યાં પહોંચી ગયા. બરાબર તપાસ કરી તો એ સામત અને રાજમતી જ હતાં. તે બન્ને પોતાનો વિસ્તાર છોડી મધ્ય ગીરમાં જતા રહ્યાનાં સમાચાર મળ્યા. સિંહ ક્યારેય પોતાનો વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં આટલા દિવસો સુધી રહેતો નથી. પરંતુ તેને કોઈકનો ભય લાગ્યો હશે તો જ તે અંધારી ગીર સુધી પહોંચી ગયો હોય." સામે ઉભા ઉભા સાંભળી રહેલા ગોવાળીયાને જોઈ DFO સાહેબ બોલ્યા, "આમ મને મારવા માટે ઊભા હો એમ કેમ ઊભા છો? બેસો ને નીરાતે. આજે હું કંઈ તપાસ કરવા નથી આવ્યો. આજ તો સારા સમાચાર દેવા આવ્યો છું. ઘણી વખત અમારાથી તમને કડક શબ્દો કહેવાય જતા હોય છે. પરંતુ અમે પણ શું કરીએ? અમારે અમારી ડ્યુટી કરવી પડતી હોય છે. એકાદો સિંહ-સિંહણ કે બચ્ચુ આઘાપાછા થાય એટલે ન્યૂઝ ચેનલવાળા હાથ ધોઈને અમારી પાછળ પડી જાય. અમારા ઉપરી અધિકારી સાહેબો અમને તતડાવે એટલે અમે તમારા ઉપર વરાળ કાઢીએ. ગીરમાં તો સાવજ,નેહડાવાળા ને ફોરેસ્ટર કાયમ રહેવાના. તો જે કાયમ સાથે રહે તેની વચ્ચે ક્યારેક ટકરાવ પણ થાય. પણ આવું બધું ભૂલીને એકબીજાને સહકારથી રહીશું તો જ આપણા અમૂલ્ય ગીરને આપણે સાચવી શકીશું.સાચું ને?"
બધા ગોવાળિયા એ હા પાડી, ને જ્યાં જગ્યા મળી ત્યાં નીચે જ બેસી ગયા. માલધારી ધરતીના છોરું કહેવાય. તેને ધરતી સાથે ખૂબ લગાવ. માલધારી જંગલમાં પાથર્યા વગર ગમે ત્યાં બેસી જાય. જમીન પર જ ગમે ત્યાં ઊંઘી પણ જાય. ઘણી વખત એવા પણ પ્રસંગો બનેલા કે સૂતેલા માલધારીની બાજુમાં ફણીધર બેઠો હોય. ક્યારેક ઓશીકે મૂકેલાં પથ્થર નીચે વીંછી આંકડો ચડાવી બેઠો હોય. પણ "ગીર રાખે એને કોઈ નો ચાખે" નાં નિયમથી સદીઓથી માલધારી ગીરમાં વસવાટ કરી રહ્યા છે.
બધા નીચે બેસી ગયા, ઘડીક શાંતિ છવાઈ ગઈ. રામુ આપાના મોઢા પર આજે ભાર હળવો થયાનું દેખાતું હતું. ગેલાનાં મોઢા પર હજી હરખ દેખાતો ન હતો. તેના મનમાં તો હજી એક જ પહેલી ઉકેલાણી હતી. સામત અને રાજમતીને પોતે નહોતા જ માર્યા એ તો પોતાને પણ ખબર જ હતી. પણ એ રાતથી આ બંને ગુમ હતા તેની પોતાને ચિંતા હતી. રખેને માઠા સમાચાર આવ્યા હોત તો તેના માથે કાયમ માટે કાળી ટીલી બેસી જાય તેમ હતી. તેથી આ બંને મળી જવાથી ગેલાની અડધી ઉપાધિ ઓછી થઈ ગઈ હતી. હવે ફોરેસ્ટર સાહેબો મને છોડે તો સારું તેમ એ મનમાં વિચારતો હતો. તે રાત્રે બનેલી ઘટના તે ફરી યાદ કરવા માંગતો ન હતો. ગેલાને આવી રીતે વિચારોમાં ખોવાયેલો જોઈ DFO સાહેબ બોલ્યા, "ગેલાભાઈ અમારી પાસે આજ વાતો જ કરાવશો કે ચા પાણી પીવડાવશો? મેં તો એવું સાંભળ્યું છે કે નેહડે આવેલો મહેમાનને તમે ભગવાન માનો છો!"
આ સાંભળી બધા હસી પડ્યા. રાજી કોઈને કહેવાની વાટ રાખ્યા વગર થાંભલીને ટેકે ઉભી હતી ત્યાંથી સિધી ઓસરીમાં આડશ કરી બનાવેલા રસોડામાં જઈ ચૂલો સળગાવવા લાગી. ચૂલામાં હરમી,બાવળનાં લાકડા ઓર્યા એટલે ઘડીક ધુમાડો થયો. પછી ફુકણીએ ફૂંક મારી એટલે લાકડાએ આગ પકડી લીધી. રસોડાના જાળીયામાંથી ધુમાડો નીકળી ઉપર જવા લાગ્યો. હરમી બાવળના લાકડાનો ગુંદર બળવાની વાસ બધા બેઠા હતા ત્યાં સુધી ફેલાઈ ગઈ. પારેટી ભેંસનાં તાજા દૂધથી બનતી ચાની સોડમ છેક ફળિયા સુધી આવી રહી હતી.
ચા બની ગઈ ત્યાં સુધીમાં વાલાએ આજે બધા ગોવાળિયાએ જંગલમાં સામત અને રાજમતીએ સાંભરનો શિકાર કર્યો એની વાત સાહેબને કરી. સાહેબે અહીંથી સીધા તે લોકેશન પર લઈ જવા માટે ટ્રેકર્સને કહ્યું.
એટલી વારમાં ચા આવી, બધાએ વાતો કરતા-કરતા ચા પીધી. પછી જતા જતા DFO સાહેબે રામુઆપાને કહ્યું, " બાપા અમારાથી તમને કંઈ મુશ્કેલી પડી હોય તો માફ કરજો પણ અમે અમારી ફરજ બજાવતા હતા."
રામુઆપાએ હાથ જોડી કહ્યું, "હા, શાબ તમે તો તમારી રીતે હાસા જ હતા. અમને ઈનું કાંય દુખ નો હોય. અમારે આ હંધુય કાયમનું થયું."
" અને હા ગેલાભાઈ! તમારે હજી પહેલો પોઈઝન કેસ ચાલુ રહેશે. તેનો જવાબ તમારે જરૂર પડે ત્યારે દેવા આવવો પડશે. તમારી ઉપર સામતને રાજમતીને માર્યાનું આળ લગાડ્યું તે બદલ માફ કરજો."
ગેલાએ માથું હલાવી હા પાડી ને મનમાં બોલ્યો, "હામતાને ઉગારવા હારું થયને બીજો જીવ હોમી દીધો ઈનું હૂ?"
ક્રમશઃ.....
લેખક: અશોકસિંહ એ. ટાંક
wts up no. 9428810621