My memorable trip in Gujarati Travel stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | મારો યાદગાર પ્રવાસ

Featured Books
Categories
Share

મારો યાદગાર પ્રવાસ

શ્રીમતી સ્નેહલ રાજન જાની

"રામ રાખે તેને કોણ ચાખે?"

આ ઉક્તિ આપણાં સૌ માટે જાણીતી છે. આ ઉક્તિને સાર્થક કરતી એક ઘટના મારાં જીવનમાં બની ગઈ. આ ઘટના બની ત્યારથી મારી એ સફર આજ દિન સુધી મારાં મનનાં એક ખૂણે કાયમ માટે વસવાટ કરી ગઈ છે.

આજથી સાત વર્ષ પહેલાંની વાત છે. હું મારા પતિ, દિકરી અને ભાણેજ સાથે વેકેશન દરમિયાન રાજસ્થાન ફરવા ગઈ હતી. અમારે માટે રાજસ્થાન એટલે નાથદ્વારા. આ એક જ અમારી રાજસ્થાન સફરનું સરનામું. મારું આખુંય કુટુંબ શ્રીજી બાવાનું ભક્ત. મને તો આ જગ્યાની ખબર લગ્ન પછી જ પડી હતી.

ફરવા ગયા ત્યારે તો કોઈ જ વાંધો ન આવ્યો. શ્રીજી બાવાનાં દર્શન પણ ખૂબ જ સારી રીતે થયાં. થોડી નજીકની જગ્યાઓ ફરી પણ લીધી. ત્યારબાદ અમે એકલિંગજી જવાનું નક્કી કર્યું હતું. પછી વિચાર માંડી વાળ્યો. પરંતુ ઈચ્છા હલ્દીઘાટીનું મેદાન જોવાની હતી. એ તરફ ઉપડી ગયા. મેદાન જોઈને હું તો છક જ થઈ ગઈ. કેટલું મોટું મેદાન! બસ કલ્પના માત્રથી ધ્રુજી ગઈ કે એનાં પર પગપાળા યુદ્ધો લડનારા સૈનિકો અને રાજાઓની દશા શું થઈ હશે?

પછી ત્યાંથી વડોદરા તરફના રસ્તે અમે નીકળી ગયાં. થોડે દૂર ગયા હોઈશું, લગભગ 100 કિલોમીટરની આસપાસ, એકદમ શાંતિથી અમારી કાર એકધારી ગતિમાં જઈ રહી હતી. મારી દિકરી અને ભાણેજ બંને કારની પાછળની સીટ પર શાંતિથી ઊંઘતા હતાં. સવારે વહેલા ઉઠ્યાં હતાં અને એ બંને દિકરીઓ થાકેલી પણ હતી.

અચાનક...

હાઈવે પર બંને તરફ અંતરિયાળ ગામમાં જતાં ફાંટા પડેલાં છે. તેમાંથી અમારી તરફના ફાંટામાં એક છકડો રીક્ષા અંદરના ગામમાં જવા માટે જઈ રહી હતી. મારું ધ્યાન એ છકડા પર જ હતું. એનો પાછળનો પડદો ફાટેલો હોવાથી અંદરનું દ્રશ્ય દેખાતું હતું. છકડો ખીચોખીચ ભરેલો હતો. અમે છકડાથી માત્ર પંદરેક ફૂટ દૂર હોઈશું ને અચાનક જ એણે ફાંટા તરફથી ફેરવીને હાઈવે પર લઈ લીધી અને છકડો સીધો અમારી કાર સાથે અથડાયો. છકડાવાળાએ બેલેન્સ ગુમાવ્યું અને એ ડિવાઈડર પર ચઢી ગયો. ન તો ઊંધો પડ્યો કે ન તો એમાં બેઠેલા કોઈને પણ કંઈ થયું.

પણ અમારી કાર ત્રણ પલટી ખાઈ ગઈ. મેં અને મારાં હસબન્ડે તો એકબીજાને અંતિમ વિદાય પણ આપી જ દીધી. પરંતુ ત્રણ પલટી ખાધાં પછી કાર જ્યારે ઊભી રહી ત્યારે જોયું તો અમે ચારેય જણાં એકદમ સહી સલામત હતાં. મારા હસબન્ડ અને મને ખભા પર સ્હેજ ઘસરકો પડ્યો હતો. મારી બાજુનો દરવાજો અડધો નીકળી ગયો હતો. પરંતુ ચારે ચાર જણાં સીટ બેલ્ટ બાંધીને બેઠા હોવાથી અમે અમારી જગ્યાએથી ખસ્યા નહોતાં. સ્થાનિક લોકો તરત જ દોડી આવ્યા હતા, કારણ કે એ બધાંએ આ અકસ્માત જોયો જ હતો. એ બધાં જ છકડાવાળાને ખૂબ ખિજવાયા પણ હતાં. અમારે માટે તો કારને થયેલાં નુકસાનની ચિંતા કરવા કરતાં પણ ભગવાને અમને બચાવ્યાં એની જ ખુશી વધારે હતી.

થોડી માનસિક શાંતિ મળ્યાં બાદ કાર સ્ટાર્ટ કરી જોઈ તો એ સ્ટાર્ટ થઈ ગઈ. પછી તો એવી જ અડધી ઉપર ભાંગી ગયેલી કાર સાથે અમે વડોદરા જવા નીકળી ગયા. બરાબર એક્સપ્રેસ વેનાં અડધે રસ્તે પહોંચ્યા ને કારના બધાં જ ટાયર ફાટી ગયાં. એટલું સારું હતું કે ત્યારે બપોરનો સમય હોવાથી અમે ટોલ વાળાને ફોન કરી ટૉઈંગ વાન બોલાવી કારને સર્વિસ સેન્ટરમાં મોકલી આપી અને હાઈવે પરનાં ઈમરજન્સી નંબર પર ફોન કરી અમને બસમાં બેસાડી આપવાની વ્યવસ્થા કરાવી. ત્યાર સુધીમાં રાત્રિનાં આઠ વાગી ચૂક્યાં હતાં.

એટલે પછી અમે વડોદરા અમારાં એક સગાને ત્યાં જ રોકાઈ ગયા અને ત્યાં એમને બધી હકીકત જણાવી. પછી બીજા દિવસે એમણે અમને ત્યાંથી ન નીકળવા દીધાં અને એક દિવસનો આરામ કરાવીને ત્રીજા દિવસે સવારે નાસ્તો કરી અમે ઘરે પાછાં આવી ગયા. એક અઠવાડિયું ભાણેજ પર અમારે ત્યાં જ રોકી લીધી અને પછી એનાં ઘરે મૂકી આવ્યાં.

ઘરે પહોંચ્યાં ત્યારે તો જાણે અમે જીવતાં જીવ જ પુનર્જન્મ થયો હોય એવું અનુભવી રહ્યાં હતાં. ત્યારથી આજ સુધી દરરોજ સવારે ઊઠીને અને રાત્રે સૂતા પહેલાં ભગવાનને અમને બચાવવા બદલ આભાર વ્યક્ત કરવાનું ભૂલતી નથી.
આ ઘટના બન્યાં પછી આજ દિન સુધી કાર શીખવાની મારી હિંમત થઈ નથી. આગળની સીટ પર બેઠી હોઉં તોય સતત ધબકારા વધેલા જ રહે છે, જ્યાં સુધી ગંતવ્ય સ્થળે પહોંચી ન જઈએ ત્યાં સુધી!

ખરેખર, ઈશ્વરીય શક્તિની આગળ કોઈનું કશુંય ચાલતું નથી. તે દિવસે અમને ખરેખર અનુભવ થયો,

"રામ રાખે એને કોણ ચાખે?"

નોંધ:- આ કાલ્પનિક વાર્તા નથી. આ સત્ય ઘટના છે.

વાંચવા બદલ આભાર

સ્નેહલ જાની