Understand the value of water on World Water Day. in Gujarati Motivational Stories by वात्सल्य books and stories PDF | વિશ્વજળ દિવસે પાણીનું મૂલ્ય સમજીએ.

Featured Books
Categories
Share

વિશ્વજળ દિવસે પાણીનું મૂલ્ય સમજીએ.

વિશ્વજળ દિવસ..
આજે વિશ્વજળ દિવસ છે.સરકારથી માંડી દરેક વિદ્વજન પાણી વિશે ખૂબ ભાષણબાજી કરશે.પરંતુ પાણી બચતની કોઈ પોતાની રીતે આગોતરી તૈયારી કરતું નથી.વરુણદેવ દર વરસે વરસાદ વરસાવે છે,પરંતુ આપણે એ વરસાદી પાણી રોકવાનો આપની રીતે નક્કર પ્લાનિંગ નથી કર્યો તે મોટી ખામી છે.વેદમાં પાણી વિશે પ્રાર્થનાઓ થયેલી છે.અને વેદ રચયિતાએ તેને અંકિત કરેલી છે.
"निकामे निकामे न: पर्जनयो वर्षतु फलिन्यो न ओषधय:पच्यन्तां योगक्षेमो नः कल्पताम् ll"
(સમયે સમયે યોગ્ય વર્ષા વરસો,વૃક્ષ ઉત્તમ ફળ આપો,અમારો યોગક્ષેમ સુખમય બનાવો)
વેદોમાં પણ પાણી અંગે પ્રાર્થના થઇ છે.પ્રથમ પાણી,પવન,પ્રકાશ,અગ્નિ આ ચાર તત્વ ન હોત તો પૃથ્વી નિર્જીવ હોત.
આપણા દેશમાં કે દરેક હોટલમાં હાલમાં એક લીટર (એક બોટલ)નો ભાવ 1લીટર /20 ₹ ચાલે છે.તે રીતે ગણતરી કરીએ તો આપણા ઘરમાં આવતા પંચાયત/નગરનું પાણી ઓછામાં ઓછું દરરોજ 2000 લીટર આવતું હશે.આ પાણીની રોજિંદી ગણતરી આ રીતે કરીએ તો 20₹/1લીટર ×2000 લીટર =40000₹ થાય.આ માત્ર એક દિવસની ગણતરી છે.તેને 30દિવસ લેખે ગુણીયે તો 1200000(12લાખ ₹)તે રીતે દરરોજનું 2000 લીટર પાણી ×20₹ભાવ ×365 દિવસ(1વરસ)=1,46,000,00(એક કરોડ છેતાલીશ લાખ રૂપિયા)નું પાણી આપણે એક વરસે વાપરીએ છીએ.હવે આપણા પરિવારમાં રોજિંદા વપરાશની સરાસરી 70 વરસ પ્રમાણે ગુણાકાર ગણીએ તો કેટલા મૂલ્યનું પાણી માત્ર પીવાનું વાપરીએ છીએ તે ખૂબ જ વિચારણીય પ્રશ્ન છે.
તેમ બીજું ક્ષેત્ર કૃષિ છે.એક કિલો અનાજ પાકવવા માટે 1300લીટર પાણીની જરૂર પડે છે. એક કિલો ડાંગર પકવવા માટે 3000 લીટર પાણીની જરૂર પડે છે.એક કિલો અનાજ પકવવા માટે 26000₹ નું પાણી તેમજ ડાંગર પકવવા 60000₹ નું પાણી વાપરીએ છીએ ત્યારે 1 કિલો ઘઉંનો હાલનો ભાવ 20₹/kg છે.તો ક્યાં 26000₹નું પાણી ઉપયોગ કરવાની સામે માત્ર 20₹ ના એક કિલો ઘઉં મેળવીએ છીએ.
બીજી બાજુ એક માણસ દરરોજ તેના દિવસ દરમ્યાન કાપડાં,ન્હાવા,ટોયલેટમાં પાણીનો 100લીટર વપરાશ ગણીએ તો 100×20=2000₹ નું દરરોજ પાણી વાપરીએ છીએ.
આ બધી ગણતરી માત્ર 20₹/લીટર ના ભાવની કરી છે.કદાચ આ ભાવ અંદાજ હોય તો તમારાં વિસ્તારમાં જે ભાવ ચાલે છે તે મુજબ ગણતરી કરીએ તો સમજાશે કે પાણીનું મૂલ્ય અમૂલ્ય છે.
આપણી પૃથ્વીમાં 75% પાણી છે.ઘણા દેશોમાં પીવાના પાણીનો જથ્થો 20 થી 30 વરસ ચાલે તેટલો રિઝર્વ છે.દિવસે દિવસે પાણીનાં તળ નીચે જાય છે.સરાસરી મીઠું પાણી પાટણ જિલ્લામાં 600 -700 ફૂટ ઊંડે છે.મહેસાણા જિલ્લમાં 700 ફૂટ થી વધુ નીચે છે.તે પણ (high salinity water )દર વરસે પાણીનાં તળ સરાસરી 4 ફૂટ નીચે જઈ રહ્યાં છે.હું સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ-સમોડા તા.સિદ્ધપુર કોલેજમાં સને 1984-87 દરમ્યાન અભ્યાસ કરતો'તો ત્યારે સરસ્વતી નદી બારેમાસ વહેતી હતી.આજે એ વિસ્તારમાં પાણીનાં તળ 700 ફૂટ નીચે છે.
જો સરકાર એક અઠવાડિયું વીજળી પુરવઠો ના આપે તો લોકો,ઢોર,ખેતી પાણી વિના તરફડે/સુકાઈ જાય.કેમકે એન્જીન ખેંચે તેટલું પાણી નથી અને સબમરસીબલ સિવાય ચાલે તેમ નથી.
ભલું થજો અગાઉની સરકારનું કે ગુજરાતમાં નર્મદા નદી ઉપર સરદાર સરોવર ડેમ બનાવ્યો બાકી ગુજરાતની ખેતી,વસતી,ઉદ્યોગો પાણી ક્યાંથી લાવતે?
પાણીની કિંમત ક્યારેય ઓછી ના આંકો.આપણે આપણી રીતે પાણી મેળવવાના અને બચવવાના પ્રયત્ન કરવા જોઈએ.
મારા પાટણ સીટીવાળા ઘરમાં હું દર ચોમાસે વરસાદ વરસવાનું ચાલુ થાય એટલે 50000લીટર જેટલું પાણી સંગ્રહ કરી લઉં છું.બાકી બીજાં 200લીટરના પીપડામાં ફૂલછોડ માટે ભરી સંઘરું છું.મારા ઘેર આવી જોઈને ઘણા લોકોએ પોતાનાં નવાં બનતા મકાનમાં પીવાના પાણીનો સંગ્રહ કરતા થઇ ગયા છે.મારા ફેમિલીમાં રોજિંદો પીવાના પાણીનો વપરાશ એવરેજ 20 લીટર છે. મારે બારેમાસ વરસાદનું ચોખ્ખું મીઠું પાણી ચાલી રહે છે.
મારે ગામ નજીક એક નાની નદી વહે છે.તે નદીમાં બારેમાસ પાણી વહેતુ ત્યારે ન્હાવા તરવાની જે મજા હતી તે આજે નથી.હવેની પેઢીને ન્હાવા કે તરવા શીખવા માટે વોટર પાર્કમાં ફી ભરીને જવું પડે છે.આ દેશની ગરીબ વસતીને ખાવા અન્ન અને રોજી રોટીનો પ્રશ્ન હોય ત્યાં ફી ભરી આવા વોટર પાર્કમાં જવું પરવડે ખરું?
પાણી વિશે ઘણું લખવું છે.આપણે પાણીને ખૂબ વેડફીએ છીએ.માટે ના વેડફો,આવનારી પેઢીને માટે આપણે આ અમૂલ્ય પાણી સંઘરવું પડશે.પાણીનું મૂલ્ય સમજાવવું પડશે.
"આજનો દિવસ એટલે વિશ્વજળ દિવસ છે"
મારી આ અનુભવસિધ્ધ વાત જો વાંચી હોય,સમજાઈ હોય તો અન્યને કહેજો કે
"પાણીનો બગાડ ના કરે "
"ખેતીમાં ડ્રિપ અને વાપરવામાં રીત સમજવી પડશે."
આભાર સહ.......
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)