Infertility-Reason-Types-Treatment in Gujarati Health by Rupal Hospital books and stories PDF | વાંઝિયાપણું, વંધ્યત્વ, ઇન્ફર્ટિલિટી – ચાલો ,સમજીએ એના કારણો..

Featured Books
Categories
Share

વાંઝિયાપણું, વંધ્યત્વ, ઇન્ફર્ટિલિટી – ચાલો ,સમજીએ એના કારણો..

જ્યારે દંપતી કોઇ પણ ગર્ભનિરોધકોના ઉપયોગ વગર નિયમિતપણે શારીરિક સમાગમ કરતા હોય ને છતાં ૧૨ મહિના કે તેથી વધારે સમય વીતવા છતાં સ્ત્રીને ગર્ભ ન રહે તો તેને ઇન્ફર્ટિલિટી એટલે કે વંધ્યત્વ કહી શકાય.

જો દંપતી ગર્ભનિરોધકોના ઉપયોગ વગર નિયમિતપણે શારીરિક સમાગમ કરતા હોય તો ૮૦ થી ૮૫ % દંપતીઓમાં સ્ત્રી લગ્નના એક વર્ષની અંદર જ ગર્ભ ધારણ કરે છે. દર છ દંપતીઓમાંથી એક દંપતી(અથવા ૨૦% પરિણીત મહિલાઓ)ને ગર્ભ ધારણ કરવા અથવા ગર્ભને ટકાવી રાખવામાં મુશ્કેલી પડતી હોય છે.

 દુનિયામાં જેટલા કિસ્સાઓમાં વંધ્યત્વ જોવા મળે છે તેમાંથી ૪૦% કિસ્સાઓમાં સ્ત્રી જવાબદાર્ હોય છે, ૪૦% કિસ્સાઓમાં પુરુષ જવાબદાર હોય છે, જ્યારે ૨૦% કિસ્સાઓમાં બંને જવાબદાર હોય છે.

પ્રાયમરી ઇન્ફર્ટિલિટી(કાયમી વંધ્યત્વ)

જ્યારે કોઈ મહિલા કાયમ માટે ગર્ભ ધારણ કરી શકતી ન હોય તો તેવી સ્થિતિને પ્રાયમરી ઇન્ફર્ટિલિટી કહે છે.

સેકન્ડરી ઇન્ફર્ટિલિટી(એક વખત ગર્ભ ધારણ કર્યા પછી થતુ વંધ્યત્વ )

જ્યારે અગાઉની પ્રેગ્નન્સી કે મિસકૅરેજ પછી બીજી વખત મહિલા ગર્ભ ધારણ કરી શક્તી ન હોય અથવા ગર્ભ ધારણ કરવા છતાં જીવિત બાળકને જન્મ આપી શકતી ન હોય તો તેવી સ્થિતિને સેકન્ડરી ઇન્ફર્ટિલિટી કહેવાય.

સ્ત્રીઓમાં વંધ્યત્વના કારણો

ઇન્ફર્ટિલિટી માટે ઘણાં કારણો જવાબદાર હોઈ શકે. કમનસીબે ઇન્ફર્ટિલિટી બધા કિસ્સાઓમાંથી ત્રીજા ભાગના કિસ્સાઓમાં ઇન્ફર્ટિલિટી પાછળનું સાચું કારણ જાણી શકાતું નથી.

• સ્ત્રીબીજ બનવામા થતી તકલીફ

સ્ત્રીબીજ બનવામા થતી તકલીફો સ્ત્રીઓમાં ઇન્ફર્ટિલિટી માટેનું સૌથી સામાન્ય કારણ છે.

નીચેનાં કારણોસર સ્ત્રીઓમાં સ્ત્રીબીજ ઉત્પન્ન થવામાં તકલીફ ઊભી થઈ શકે

• PCOS (polycystic ovary syndrome) – સ્ત્રીઓમાં હૉર્મોન્સના પ્રમાણ માં અસાધારણ ફેરફાર થવાને કારણે સ્ત્રીઓનાં બીજાશય(Ovary) યોગ્ય રીતે કામ કરી શકતાં નથી.ઉમરલાયક સ્ત્રીઓમા ૫ થી ૧૦% મહિલાઓમાં ઓછે-વત્તે અંશે આ તકલીફ જોવા મળે છે.

• હાયપરપ્રૉલેક્ટિનેમિયા – જો મહિલાની ગર્ભાવસ્થા ચાલુ ન હોય અથવા બાળકને ધવડાવતી ન હોય ને છતાં તેનામાં પ્રૉલેક્ટિન(મહિલાઓના સ્તનમાં દૂધ ઉત્પન્ન કરનાર હૉર્મોન)નું પ્રમાણ વધી જાય તો તેને સ્ત્રીબીજ બનવામા તેમજ ત ગર્ભધારણ કરવામા તકલીફ પહોંચી શકે.

• સ્ત્રીબીજની ગુણવત્તા ખરાબ હોય, અથવા સ્ત્રીબીજ બનવામાં તકલીફ હોય કે પછી સ્ત્રીબીજ માં વારસાગત ખામીઓ હોય તો સ્ત્રીને લાંબા સમય સુધી બાળક રહી શકતું નથી. મોટી ઉંમરની સ્ત્રીઓમાં પણ આ તકલીફ જોવા મળે છે.

• સ્ત્રીઓની થાઇરોઇડ ગ્રંથિ વધારે પડતી સક્રિય(Overactive) હોય અથવા જરૂર કરતાં ઓછી સક્રિય(Underactive) હોય ત્યારે…

• જો સ્ત્રીના બીજાંડ(ovaries) ૪૦ વર્ષની ઉંમર પહેલાં જ કામ કરતાં અટકી જાય ત્યારે…

• સ્ત્રી કૅન્સર કે ઍઇડસ જેવા જીવલેણ રોગની સારવાર હેઠળ હોય ત્યારે…

બીજ-વાહકનળી(ફૅલોપિયન ટ્યૂબ)અથવા ગર્ભાશયમાં તકલીફ

સ્ત્રીનું સ્ત્રીબીજ બીજાંડમાંથી નીકળી બીજ-વાહકનળી (ફૅલોપિયન ટ્યૂબ) મારફતે ગર્ભાશયમાં પહોંચે છે. ફૅલોપિયન ટ્યૂબ માં જ પુરુષના શુક્રાણુ સાથે મિલન થાય છે અને ત્યાં જ સ્ત્રીબીજ ફલિત થઈને ભ્રૂણ(ઍમ્બ્રિયો) બને છે. આ ઍમ્બ્રિયોનો પછી ગર્ભાશયમાં વિકાસ થાય છે. જો ગર્ભાશય અથવા ફૅલોપિયન ટ્યૂબમાં કોઈ ખામી હોય તો સ્ત્રી કુદરતી ગર્ભ ધારણ કરી શકતી નથી.

 ફૅલોપિયન-ટ્યૂબ બંધ હોવાના કારણો:

•          સ્ત્રીના પ્રજનન અંગોમાં ચેપ -પૅલ્વિક ઇન્ફ્લેમૅટરી ડિસીઝ (PID)

•          ફૅલોપિયન ટ્યૂબમાં પ્રેગ્નનસી (એક્ટૉપિક પ્રૅગ્નન્સી)

•          બીજાંડ(ઓવરી)માં ઍન્ડોમેટ્રિયોસિસની તકલીફ

•          ભૂતકાળમાં થયેલું કુટુંબ-નિયોજનનું ઑપરેશન

•          ભુતકાળમાં પેટની અંદરના અંગો પર થયેલું ઑપરેશન

•          ગર્ભાશય કે ફૅલોપિયન ટ્યૂબનો ટીબી

ગર્ભાશયની તકલીફોઃ

·         ગર્ભાશયમાં થતી સાદી ગાંઠ (ફ્રાઇબ્રૉઇડ) ગર્ભાશયની દીવાલને નુકસાન પહોંચાડી શકે, જેને કારણે ગર્ભ ને ગર્ભાશય ની દીવાલ સાથે ચોંટવામાં કે આગળ વધવામાં થવામાં મુશ્કેલી ઊભી થઈ શકે

·         ગર્ભાશયની અંદર કોઈ ઓપરેશન કે ચેપ ને કારણે પડદા બાઝી જાય (Intra -uterine Adhesions )

પુરુષોમાં વંધ્યત્વનાં કારણો

પુરુષોમાં વંધ્યત્વના કારણો નીચે મુજબ છેઃ

 પુરુષોમાં જોવા મળતા વંધ્યત્વમાં ૭૫% કિસ્સાઓમાં વીર્યને લગતી ખામીઓ જવાબદાર હોય છે. વીર્યમાં નીચે પ્રમાણેની તકલીફો હોઈ શકેઃ

• વીર્યમાં શુક્રાણુઓનું ઓછું પ્રમાણઃ સામાન્ય રીતે પુરુષના વીર્યમાં પ્રતિ મિલિલીટર ૪0 થી ૩૦0 કરોડ શુક્રાણુ હોય તો તેને નૉર્મલ કહેવાય. જો ૧0 કરોડથી ઓછા શુક્રાણુ હોય તો તેને પુરુષબીજ ની ગંભીર તકલીફ ગણી શકાય. જો વીર્યમાં પ્રતિલીટર ૨o કરોડ કરતાં અથવા તેની વધારે શુક્રાણુ હોય છતાં તેમની ગતિશીલતા(motility) અને આકાર(morphology) બરાબર હોય તો પણ સરળ સારવાર થી બાળક રહી શકે.

• વીર્યમાં શુક્રાણુઓ ન હોવા

• શુક્રાણુની ગતિ ધીમી હોયઃ શુક્રાણુ જે ઝડપથી ગતિ કરવા જોઈએ તે ઝડપથી ગતિ કરતાં ન હોય તોપણ વંધ્યત્વ આવી શકે

• શુક્રાણુના આકારમાં ફેરફાર : જો શુક્રાણુ અનિયમિત આકારનો હોય તો શુક્રાણુ જ્યારે સ્ત્રીબીજ સાથે મળે ત્યારે સ્ત્રીબીજ ફલિત કરવામાં મુશ્કેલી ઊભી થઈ શકે

શુક્રાણુ યોગ્ય આકારના હોવા જોઈએ તેમજ સ્ત્રીબીજ તરફ ઝડપથી અને ચોકસાઈપૂર્વક ગતિ કરી શકતા હોવા જોઈએ. જો શુક્રાણુનો આકાર અને હલનચલન બરાબર ન હોય તો તે સમાગમ પછી સ્ત્રીબીજ સુધી પહોંચી નહીં શકે અને સ્ત્રીબીજને ફલિત નહીં કરી શકે અને વંધ્યત્વ આવી શકે

વીર્યમાં ખામી ક્યારે સર્જાયઃ

• શુક્રપિંડ(ટેસ્ટિકલ)નો ચેપ

• શુક્રપિંડનું કૅન્સર

• શુક્રપિંડ પર ભૂતકાળમાં થયેલ ઓપરેશન

• શુક્રપિંડ વધારે ગરમ થઈ જાયઃ અવારનવાર સ્ટીમ બાથ કે એકદમ ગરમ પાણીથી નહાવાથી અથવા તો અતિશય ગરમ વાતાવરણમાં કામ કરવાથી શુક્રપિંડનું તાપમાન વધી શકે. તેવી જ રીતે અતિશય ચુસ્ત કપડાં પહેરવાથી પણ શુક્રપિંડનું તાપમાન વધી શકે

• વીર્યસ્ખલન(ઇજેક્યુલેશન)માં તકલીફઃ કેટલાક પુરુષો યોગ્ય રીતે વીર્યસ્ખલન નથી કરી શકતા હોતા. કેટલાક પુરુષોમાં વીર્ય બહાર સ્ખલિત થવાને બદલે અંદરની તરફ મૂત્રાશયમાં સ્ખલિત થતું હોય છે. તો કેટલાક પુરુષોમાં વીર્ય સ્ખલનનાં માર્ગમાં કોઈક રીતે અવરોધ ઊભો થતો હોય છે. ઉપરોક્ત તમામ પ્રકારના પુરુષો યોગ્ય રીતે વીર્ય સ્ખલિત કરી શકતા નથી.

• વૅરિકૉસિલ – જો વૃષણકોથળીની અંદર આવેલી નસો પહોળી થઈ જાય અથવા વધારે ગૂંચવાઈ જાય તો શુક્રાણુઓ બનવામાં તકલીફ થઈ શકે.

• ગર્ભમાં બાળકનો વિકાસ થાય તે દરમિયાન જો એક અથવા બંને શુક્રપિંડ પેટમાંથી નીચે વૃષણકોથળીમાં ન ઊતર્યા હોય તોપણ તકલીફ ઊભી થઈ શકે.

• હાયપોગોનાડિઝમઃ જો પુરુષના ટેસ્ટોસ્ટેરૉનમાં અથવા અન્ય કોઈપણ હૉર્મોનમાં કમી હોય તો તેને કારણે શુક્રપિંડનો વિકાસ થવામાં તકલીફ થઈ શકે.

• રંગસૂત્રોમાં ખામી : પુરુષમાં સામાન્ય રીતે એક X ક્રૉમોઝોમ અને એક Y ક્રૉમોઝોમ હોવું જોઈએ. પરંતુ, જો પુરુષમાં બે X ક્રૉમોઝોમ અને એક Y ક્રૉમોઝોમ(ક્લિનફૅલ્ટર્સ સિન્ડ્રૉમ) હોય તો શુક્રપિંડનો વિકાસ યોગ્ય રીતે થતો નથી, તેમાં ટેસ્ટોસ્ટેરૉનનું લૅવલ નીચું જોવા મળે છે તેમજ શુક્રાણુ ઓછા હોય છે અથવા કેટલીકવાર તો હોતા જ નથી.

• જો પુરુષના Y ક્રૉમોઝોમમાં કેટલાક જનીન ગાયબ હોય અથવા સિસ્ટિક ફાઇબ્રૉસિસ નામની વારસાગત બીમારી હોય તોપણ પુરુષોમાં નિઃસંતાનપણુ જોવા મળે હોય છે. સિસ્ટિક ફાઇબ્રૉસિસ એ એક પ્રકારની ગંભીર વારસાગત બીમારી છે, જેમાં પુરુષના લિવર, ફેફસાં, પૅન્ક્રિયાઝ અને આંતરડાને અસર પહોંચે છે. જે પુરુષોને આ બીમારી હોય તેમનામાં જન્મથી જ વીર્ય વાહક નળી (Vas Deferens ) હોતી નથી.અને જો હોય તો તેમાં કોઈ અવરોધ હોય છે     

·    ગાલપચોળિયાઃ આ એક પ્રકારનું વાઇરલ ઇન્ફેક્શન છે, જે નાનાં બાળકોમાં જોવા મળે છે. પરંતુ, જો બાળક તરુણ થાય એટલે કે પ્રજજનક્ષમ થાય ત્યારે ગાલપચોળિયાં થાય તો તેને કારણે શુક્રપિંડ પર સોજો આવી શકે. પરિણામે, શુક્રાણુના ઉત્પાદનને માઠી અસર થાય.

• હાયપોસ્પેડિયાસઃ જો પેશાબ અને વીર્યને બહાર લાવતી નળી(યુરેથ્રા) શિશ્ન(પેનિસ)ની ટોચ પર ખૂલવાને બદલે અંદરની બાજુએ ખૂલતી હોય તેને હાયપોસ્પેડિયાસ કહેવાય. બાળક નાનું હોય ત્યારે સર્જરી દ્વારા આ ખામી દૂર કરી શકાય.

• રૅડિયોથેરાપીઃ રૅડિયેશન થેરાપીને કારણે પણ શુક્રાણુનું ઉત્પાદન ખોરવાઈ શકે. જે અંગ પર રેડિયેશન કરવામાં આવ્યું હોય તે શુક્રપીંડથી જેટલું વધારે નજીક હોય તેટલું શુક્રાણુ બનવામાં નુકસાન વધારે પહોંચે.

• અન્તસ્ત્રાવોની(hormonal ) તકલીફો : કશિંગ્સ સિન્ડ્રૉમ, ડાયાબિટીસ ને થાઈરૉઈડની બીમારીઓને કારણે પણ પુરુષોમાં પ્રજનનક્ષમતા(ફર્ટિલિટી) ઓછી જોવા મળે છે.

• દવાઓઃ રુમેટૉઈડ આર્થરાઇટિસમાં વપરાતી સલ્ફાસલાઝાઇન, બૉડીબિલ્ડર કે ઍથ્લેટ દ્વારા લેવામાં આવતા ઍનાબૉલિક સ્ટીરૉઈડ્સ તેમજ કૅન્સરની સારવારમાં ઉપયોગમાં લેવાતી કીમોથેરાપી વધારે દવાઓ કે સારવાર ઇન્ફર્ટિલિટી માટે કારણરૂપ બની શકે.

મારિજુઆના, કૉકેઇન જેવા ડ્રગ્સ, વધુ પડતી સિગરેટ અથવા શરાબ પીવાને કારણે પણ પુરુષના શુક્રાણુઓની સંખ્યામાં ઘટાડો થઈ શકે.