૨૧. શમણાં છોડે શું ને માણે શું..?
આજની કુટુંબ મીટિંગ એક નવા વિષય પર હતી - નમ્રતાને તેનાં મમ્મી-પપ્પા સાથે થોડાં દિવસ જવા બાબતે. નમ્રતાને સાસુમાંના વિચારોથી મનોમન ખુશી થતી હોય એવું લાગ્યું. સવારે કહેલા 'મેઘા મારા પર ગઈ છે' એવા શબ્દો બે ઘડી સ્મૃતિમાં આવી ગયા. 'ખરેખર પોતે પણ કેટલી સ્વાર્થી હતી કે બે દિવસમાં એકવાર પણ મમ્મી-પપ્પાને યાદ નહોતા કર્યા' એવાં વિચારથી પોતાની જાતને કોષવાં લાગી.
"પહેલાંના રિવાજો ક્યાં ખોટા હતા?" મંજુલાબહેને પોતે જ પ્રશ્ન કરીને ખુલાસો પણ કર્યો. "લગ્ન પછી નવા ઘરમાં સેટ થતાં વાર લાગે. દીકરીનું મન કચવાયા કરે, અને નવાં માહોલમાં સાવ ગૂંગળાઈ જાય; એટલે તો એ બધાં રિવાજો હતાં."
"એતો બધું બરાબર છે; પણ કાલથી સુહાસને જોબ શરૂ થશે..! તેમાં, નમ્રતાને અચાનક આમ મોકલવાનો અર્થ શું?" દિનકરભાઈએ આપેલાં અભિપ્રાયે નમ્રતાને થોડી વાર વિચારમાં મૂકી દીધી. એને થયું કે પપ્પાજીને 'હું પિયર ન જાવ' એ પસંદ નહીં હોય કે શું? પણ, એ વાતને બહુ મન પર ના લીધી; કેમકે પોતાને પણ 'એકસાથે આટલા દિવસ' જવાની વાતથી બેચેની વધી રહી હતી. મમ્મી-પપ્પાને મળવું નથી એવું પણ નહોતું; પણ, સુહાસથી દૂર રહેવાના વિચારથી જ કંઈક ન સમજાય તેવી લાગણી થયાં કરતી હતી. તેને મન તો બેઉં બાજુ સુખ હતું - એમાંનું એકેય સુખ 'એકલું' પોષાય એવું નહોતું. પોતે ધારે તો 'બેઉં સાથે જ જતા રહે અને સાથે જ પાછા આવી જાય' એવો મનમાં વિચાર પણ આવી ગયો. પરંતુ, એવો કોઈ નિર્ણય હાલમાંતો તેનાં હાથમાં નહોતો.
પણ, મંજુલાબહેને 'ચાર દિવસ પછી નમ્રતાને જવું" એવી સાંત્વના મળે તેવી અવધિ આપી અને એક મહિનાની જગ્યાએ 'એક અઠવાડીયું પિયરમાં જઈ આવશે તો ચાલશે' એવો આખરી નિર્ણય જાહેર કરી રાતનાં સાડા દશ વાગે બધાને પોતપોતાનાં રૂમમાં મોકલી દીધાં.
* * * * *
ને, રાતે નમ્રતા અને સુહાસ વચ્ચે પણ એ ચર્ચા થોડી વાર ચાલી..
"મારે શું કરવું જોઈએ? મમ્મીને 'ના' કહી દવ? કહી દવ કે 'આટલા બધા દિવસ નહીં જવું, એક દિવસ જઈને પાછી આવી જઈશ..' થોડું અટકીને, 'તમેય ચાલોને સાથે..?"
"મારે થોડું અવાય સાસરીમાં? એવું સારું ન લાગે! મને એમ ફાવે પણ નહીં!" ફરી પોતે કંઈ વિચારીને, 'એકાદ દિવસ તો ચાલે; પણ રાત રોકાવાનું!" ..થોડું અટકી જઈને.., "જોજે, મમ્મીની સામે એવી વાત કરતાં! એતો સળગી ઉઠશે!"
"સાવ એવું નથી, હોં! મમ્મીજીએ મારી ચિંતાતો કરી. તમને એક વાર પણ આવો વિચાર ક્યાં આવ્યો? નમ્રતાના મોંએ મમ્મીની પ્રસંશા સાંભળી સુહાસને આનંદ થયો. નમ્રતાએ વાતનો દોર બદલ્યો, "પણ હું જઈ આવું એ જ સારું..!" સુહાસે આશ્ચર્ય સાથે જોયું.., "..એટલે કે તમે આટલા વર્ષથી એકલા રહ્યા છો, તો તમનેય થોડો એકાંત મળે ને!
"હા, એ તો છે! હું તો મમ્મીને કહેવાનો જ હતો કે 'ચાર દિવસ પછી કેમ, આજે કેમ નહીં..?' સુહાસનેય મસ્તી સૂઝી.
"એટલે મારે તો પિયર જવાનું જોખમ, એમજ ને?" નમ્રતાય લડી લેવાં માંગતી હોય તેમ, "પછી તમે લેવા ન આવ્યા - !"
સુહાસે નમ્રતાના હોઠ પર હાથ મૂકીને તેને 'ચૂપ' કરી દીધી. નમ્રતાને મસ્તીભર્યા શબ્દો કરતાં પણ એ હાથનો સ્પર્શ અસરકારક લાગ્યો. હૃદયમાં સળવળી ઉઠેલા સન્માન અને લાગણીનાં સ્પન્દનો શબ્દો કરતાંય ચડિયાતા હતા. પૂછવાની ઈચ્છા થઈ કે 'વાત કાપીને મને ચૂપ કેમ કરી? મારા વિના નહીં ફાવે કે શું..?' પણ, જવાબ મળી ગયો હતો. શબ્દોની માયાજાળમાં પડવાનો કોઈ અર્થ નહોતો. લાગણીના તાર પર થયેલાં સ્પર્શથી ઉતપન્ન થયેલી સા..રે..ગ..મ.. ની સરગમને બેસૂરી કરવામાં કોઈ સુખ નહોતું. નમ્રતાને મૌન તોડવાની કોઈ ઈચ્છા નહોતી. પણ, બપોરે કરડાયેલી આંગળીઓનો બદલો લેવાનો આવો મોકો છોડવાનો કોઈ ઈરાદો પણ નહોતો. સુહાસે પોતાની આંગળીઓ 'જેમ શિકાર સામે ચાલીને આવ્યો હોય' તેમ હજું હટાવી નહોતી. નમ્રતાએ સુહાસના સમર્પણ ભાવને નકાર્યા વગર જ 'ટીટ ફોર ટેટ'નો ભાવ રાખ્યો. ને, પોતાને એ હક પણ હતો !
લગ્ન પછીનો બધો સમય - સવારથી સાંજ ને સાંજથી સવાર - સુહાસ સાથે ને પાસે હતાં. ને, એ દિવસોમાં મેઘાની હાજરી પણ નમ્રતાને નવાં માહોલમાં એક સખીનો સહકાર પૂરો પાડી જતી હતી. અજાણી ભોમ પરની પગદંડીથી સાવ અપિરિચિત કદમને જાણે ઝાડી-ઝાંખરમાંની કેડીએથી બહાર દોરી જતી મેઘાની હાજરી હવે નહોતી! હવે, પરિસ્થિતિ ને સમય સાવ બદલાઈ ચુક્યા હતાં!
સુહાસને મળેલ લગ્નની રજાઓ પુરી થઈ ગઈ હતી. અંકુશભાઈ મોટાભાગનો સમય તેમનાં એક મિત્રનાં કોપ્યૂટર કલાસ પર વિતાવતાં. બપોરે જમવા આવે ત્યારે પપ્પાનું ટિફિન લઈને જતાં રહેતાં. સાંજે આવીને ક્યારેક, આમતો રોજ, એમનાં મિત્રો સાથે ક્રિકેટ રમવા જતાં. પછી આખો દિવસ ઘરમાં બે જણ - નમ્રતા અને તેનાં સાસુ મંજુલાબહેન. આવો હતો નિત્યક્રમ અને ઘરનો માહોલ..
ચાર દિવસ અનુભવેલ એ નિત્યક્રમ અને અનુભવને વિચારતી નમ્રતા દાડમના ઝાડ પર જોઈ રહી હતી. પોતાની રૂમનો ઝરૂખો ઘરની પાછળની દિશાએ પૂર્વમાં હતો. છેલ્લા ચાર દિવસથી રોજ સાંજે પાંચેક વાગ્યે પોતે આ ઝરૂખાએ આવીને બેસતી - ક્યારેક અડધો કલાક તો ક્યારેક કલાક! સુહાસ આવે ત્યાં સુધી!
મમ્મીજીએ કહેલા ચાર દિવસ પુરા થયા'તા! ઘરનાં કામકાજનાં અનુભવ કરતાં પણ વધારે બેચેની થતી હતી સુહાસની ગેરહાજરીથી. લગ્નજીવન શરૂ થયું પછી પાંચ દિવસ સગા-સંબંધીઓના ઘરે ગયાં, બધાને મળ્યા, જમ્યા..., એક દિવસ અંબાજી દર્શને ગયાં.. પછી બરોડા...'મમ્મી પૂછશે ત્યારે આ બધું કહીશ..!' એ વિચારો મનમાં ચાલતાં રહ્યા. ને પપ્પા, 'કેટલા ખુશ થશે..!' એતો જતાંની સાથે જ કહેશે કે 'બેટા, તારા હાથે બનાવેલી ચા પીવડાવી દે ત્યારે!' ને.., પણ, સુહાસનું શુ? એ શું કરશે એક અઠવાડિયા સુધી? એમને પણ નહીં ગમે!
નમ્રતાનું મન ચકડોળે ચડ્યા કર્યું. 'એમને તો ઊંઘ પણ નહીં આવે... ! ફોન કરી લેશે..! એવું લાગશે તો નોકરીએથી સીધાં ત્યાંજ આવી પહોંચશે!" દાડમનાં ઝાડ પર ત્રણ-ચાર ખીસકોલીઓએ કુદમકુદ માંડી'તી - એક ડાળ થી બીજી ડાળ, ઘડીક ઝાડનાં થડ સુધી પહોંચી જાય; ને નીચે જઈ બે-ચાર ચક્કર ઝાડની ફરતે લગાવીને પાછી સડસડાટ ઉપર તરફ દોડવા માંડે. એ જોઈને નમ્રતાના વિચારીમાં વિક્ષેપ પડી ગયો. થોડી વાર એ દ્રશ્ય જોતી જ રહી. "ક્યાં જવું છે એ નક્કી જ નથી. બસ, દોડ્યા કરવાનું ને કુદયા કરવાનું..!" પછી પોતાની જાતને દિલાસો આપતી હોય તેમ, "મારે હવે શું ચિંતા? મારી દિશા નક્કી જ છે - સુહાસ સાથે!
નમ્રતા થોડીવાર ખિસકોલીની એ ક્રીડા જોઈ પોતાના રૂમમાં આવી ગઈ. ઘડિયાળમાં જોયું. છ થવાની તૈયારી હતી. ઘડિયાળમાં નજર કરે એટલે પોતાનો અરીસો પહેલો નજરમાં આવે. પોતાના અરીસાને એક દીવાલ મળી ગઈ હતી. મમ્મી-પપ્પાને ત્યાંથી ડ્રેસિંગ ટેબલ તો આવ્યું જ હતું, પણ એક અરીસો ક્યાંય નડે તેમ નહોતો. સાસુને જુનાં અરીસામાં સહેજ રસ ઓછો હતો, પણ વહુની સાથે સાથે તેનોય ગૃહપ્રવેશ થઈ ગયો હતો. અરીસામાં રહેલી વ્યક્તિ હળવું સ્મિત કરી, નીકળીને ગઈ - રૂમની બહાર, પગથિયાં ઉતરીને - સ્મિત લઈને!
"મમ્મી, ચા મુકું છું થોડી વારમાં, તમે પીશો ને?" નમ્રતાએ પોતાના નિત્યક્રમ પ્રમાણે મમ્મીજીને પૂછ્યું. જવાબ 'ના' હશે એ ખબર જ હતી. તેમને ચાર વાગ્યે ચા પીવાની ટેવ. એ જાતે જ બનાવીને રોજ પી લ્યે. નમ્રતા સાંજે છ વાગે સુહાસ અને પપ્પાજી આવે ત્યારે એમની સાથે ચા પીવે. આમતો સુહાસ આવે ત્યાં સુધીમાં દિનકરભાઈ આવીને ફ્રેશ થઈ ટીવી સામે બેસી ગયા હોય.
રસોડામાં ચાની તપેલીમાં પાણી ઉકળવા મૂક્યું ત્યારે એક વિચાર એને સતાવી રહ્યો હતો.. 'મમ્મી પૂછશે કે નવું રસોડું ફાવી ગયું?' તો એ જવાબ આપવો મુશ્કેલ લાગશે. સાસુ- વહુ બેઉની રસોડું સંભાળવાની રીત થોડી-ઘણી જુદી પડે. મમ્મીજીની વસ્તુઓ આડી-અવળી ન થઈ જાય, કે મસાલાની ડબીઓનું સ્થળફેર ન થાય, રસોઈનો સ્વાદ બદલાય ન જાય; તેનો ભય હજું ઓછો નહોતો થયો. હા, એ વાત અલગ છે કે એમણે ક્યારેય ગુસ્સો નહોતો કર્યો. ચા માટે સાસુમાં ટીનની તપેલી વાપરે, જ્યારે નમ્રતાને સ્ટીલની તપેલીનો મોહ! એકવાર આવી જ રીતે નમ્રતાએ સ્ટીલની તપેલી લીધી તો એમણે પ્રેમથી કહયું, 'બેટા, આપણે આમાં જ ચા બનાવીએ છીએ. સ્ટીલની તપેલી બાળવાની શી જરૂર.' આવા પ્રસંગો બન્યા કરે. રસોડાનું પ્લેટફોર્મ સાફ કર્યું હોય તોય એક વાર પોતે સાફ કરે પછી એમને સારું લાગે. નમ્રતાને લાગ્યું કે રસોડાનાં બધા અનુભવો પિયર જઈને મમ્મીને કહી શકાય એવા નહોતા. રસોડામાંય કેટલું જુદાપણું? આમતો મીઠો ઓડકાર અને સંતોષ આપે તેવી સ્વાદિષ્ટ રસોઈ બને તે સ્થળ એટલે રસોડું - મમ્મીનું રસોડું!
ચા તૈયાર થઈ ત્યાં સુધીમાં સુહાસ પણ આવી ગયા હતા. ચાના કપ-રકાબીનો અવાજ સંભળાયો એટલે સાસુજીનાં શબ્દો રસોડા સુધી પહોંચી ગયા, 'કપમાં જરી કપડું મારજે, ક્યારેક સાબુ ઉઘડતો હોય છે"
થોડી ચા વધારે હતી. નમ્રતાએ મમ્મીને પણ અડધો કપ ચા પીવા મનાવી લીધા. સાંજની ચા પીતી વખતે, દિનકરભાઇએ સુહાસને પહેલા દિવસનો અનુભવ પૂછ્યો. સવારથી સાંજ સુધીની ઘટનાઓ સુહાસે ટૂંકમાં જણાવી દીધી. પછી વાત નીકળી નમ્રતાની - બીજે દિવસે, તેનાં પિયર જવાની. મંજુલાબહેને યાદ કરાવીને પાછો ફોન પણ કરાવી દીધો. આમતો નક્કી થયાના બીજે દિવસે ફોન કરી દીધેલ કે નમ્રતા ચાર દિવસ પછી આવશે - મળવા ને રોકાવા! મમ્મીજીની અમુક વાતોને બાદ કરતાં, ઘણી બાબતો હૃદયને ખુશ પણ કરી દેતી હતી.
ફોન પત્યો કે તરત જ મંજુલાબહેને નમ્રતાને કહ્યું...
"કાલે અંકુશ સવારે મૂકી જશે. અને તારે આવવું હોય ત્યારે ફોન કરી દેજે.. એ, સુહાસ કે તેનાં પપ્પા જે ફ્રી હશે તે આવીને લઈ જશે!"
'જ્યારે આવવું હોય ત્યારે' એ વાત સાંભળીને સુહાસને પૂછ્યા વગર રહેવાયું નહીં, "મમ્મી, 'જ્યારે આવવું હોય ત્યારે' એમ તમે કહ્યું; એટલે શું?"
"એ તો નમ્રતાને અહીં આવવાનું મન થાય તો આંટો મારી જાય એમ. વચ્ચે એકાદ વાર આવી જાય તો ચાલે!" મંજુલાબહેને ખુલાસો કર્યો.
નમ્રતાની વાત યાદ આવતા સુહાસે કહ્યું, "એવું હશે તો હું અને અકુંશ જઈ આવશું - એકાદ દિવસ. મારા સસરાતો મેઘાને પણ લઈને આવવાનું કહેતા હતા.
"ત્યાં અંકુશનું કાઈ કામ નથી. તું તારે જજેને, જ્યારે જવું હોય ત્યારે." મમ્મીની વાત સાંભળી, સુહાસે નમ્રતાની સામે જોઇને મૂછો મરડવાની તૈયારી કરી જ હતી ત્યાં મમ્મીએ ઉમેર્યું, "..પણ, તને ક્યાં ટાઇમ મળવાનો નોકરીમાંથી? કલાક - બે કલાક મળી આવજે. ત્યાં રોકાઈને સાસુ-સસરાને હેરાન કરવાનું એમ સારું ન લાગે!
નમ્રતાએ સુહાસની સામે જોઈ આંખનાં ઈશારે વ્યંગ્ય કર્યો. સુહાસ સાથે મસ્તી કરવાનો આનંદ આવ્યોતો ખરો, પણ બીજી બાજું મમ્મીજીની વાતો મૂંઝવણ ઉભી કરતી હતી.
સુહાસનું મોં વાંકુ થાય કે ચડી જાય તો કેવું લાગે એ નમ્રતાને પહેલી વાર ખબર પડી. જમ્યા પછી રાતે બાલ્કનીમાં બેસીને મોં ફુલાવીને બેસેલ સુહાસને જોઈ; નમ્રતાને લાગ્યું કે મમ્મીજીએ પિયરનું મારુ ગોઠવ્યું ન હોત તો ક્યારેય ખબર જ ન પડત કે એક કંપનીનાં મેનેજરને આમ રિસાઈ જતાં આવડતું હશે.
માંડમાંડ મુસ્કાન લાવનારો ચહેરો આમ ખરડાઈ જાય તો કેમ ચાલે, એમ વિચારી નમ્રતાને મસ્તી સૂઝી. "હું એમ વિચારું છું કે કાલે એક દિવસ જઈને પાછી આવી જઈશ. મમ્મીને હું સમજાવી દઈશ. તમારો આમ જીવ બળે, પછી મને ત્યાં ન ફાવે!" સુહાસને જાણે ઓક્સિજન મળ્યો હોય એવું લાગતાં, નમ્રતાએ કહ્યું, ''મારે શું ચિંતા. તમારું નામ દઈને વાત કરીશ એટલે મમ્મી માની જશે."
"સુડીએ મને જ ચડાવવાનો એમ? સુહાસે પોતાનું મોં વધારે ફુલાવ્યું. "પોતાને જવાની ઈચ્છા નથી એ તો દેખાડવી નથી."
"કોણ કયે છે કે મને ઈચ્છા નથી? હું તમારો વિચાર કરીને તો કહું છું." નમ્રતાએ ફરી એમના પર જ વાતને વાળી. "અને તમે મને મુકવા આવવાની તૈયારી પણ ન બતાવી. તમે ધાર્યું હોત તો મમ્મીને સમજાવી શકત! સુહાસની આંખમાં વિસ્મય અને પ્રશ્નાર્થ જોઈ, તેણે આગળ કહ્યું, "તમે તો મેનેજર છો ને? મેનેજરને તો 'ના' કહેતા આવડે એવું મેં સાંભળ્યું છે."
"આમાં વચ્ચે મેનેજર ક્યાંથી આવે?" સુહાસને કાંઈ સમજ ન પડી હોય તેમ પૂછ્યું.
નમ્રતાએ ચોખવટ કરી, '' મને ખબર છે ત્યાં સુધી એમબીએ માં કાંઈક "હાઉ ટુ સે 'નો"' એવું ભણવામાં આવતું હોય છે."
"તો જઈને તું જ મમ્મીને કહી દેજે કે તારે નથી જવું. હું મેનેજર, તો, તું મેનેજરની પત્ની છો." સુહાસે ભવા ચડાવ્યા.
"હા, પત્ની તો છું જ; પણ અત્યારે તો મેનેજર અને ઓર્ગેનાઇઝર વચ્ચેનું સ્ટફિંગ છું!"
"સ્ટફિંગ..?" શબ્દ બોલતાની સાથે સુહાસે રીંસમાં બાલ્કની છોડી, તો પાછળ નમ્રતાય ચાલી - તેમને મનાવવાના ઇરાદે!
"હું ઝડપથી પાછી આવી જઈશ. મમ્મીની ઈચ્છા છે તો જઈ આવીશ. લેવા માટે તમે આવજો.." નમ્રતાનું લક્ષ્ય 'રીંસાયેલા નાથને મનાવવાનું' હતું. રસ્તાતો ઘણા હતા. થોડાં દિવસનાં સ્વ-અનુભવે એટલી તો ખબર પડી હતી કે દરેક દુઃખનું ઓસડ હોય છે; પણ ક્યારે ને કયું ઓસડ્યું વાપરવું એ નક્કી કરવું મુશ્કેલ હોય છે. એવુંય બને કે એકની એક દવા ક્યારેક કામ ન પણ આપે!
નમ્રતાની વાતને સુહાસે સાંભળી ન સાંભળી કરી. એટલે તેણે આગળ કહ્યું, "તમે અવોતો મને એકવાર ત્યાં બાગમાં ફરી લઈ જશો? કે પછી તમે કહ્યું'તું ત્યાં!
"ક્યાં?.. મેં શું કિધેલું?" સુહાસે ભાવવિહીન પ્રશ્ન મુક્યો.
"કંઈ નહીં." એટલું કહી નમ્રતાએ નજીક જઈને તેમનાં ખભ્ભે માથું મૂકીને કહ્યું, "હું જલ્દી આવી જઈશ"
સુહાસે તેના વાળને પકડીને થોડાં ખેંચ્યા, 'જાણી જોઈને મને હેરાન કરવાનું મન થાય છે. બધી મસ્તી ઉતારી દઈશ."
"મંજુર છે" આંખમાં આંખ પરોવીને નમ્રતાને કહ્યું.
"મમ્મીને પણ શું સૂઝ્યું? એક વાર તું જઈ આવ, પછી ક્યારેય એકલીને ક્યાંય જવા નહીં દવ."
પોતાના વાળ ખેંચાતા ડોક પાછળની બાજુએ નમી એટલે તેની આંખ બંધ થઈ ગઈ અને ઊહકરા સાથે જવાબ આપ્યો, "મ..મંજુર છે. બોલો બીજું?"
સુહાસનો ગુસ્સો નાક પરથીતો ઊતરી ગયો, પણ પોતાના લાંબા વાળ પર લાગેલી ભીંસ ના છૂટી. નમ્રતાને એ પણ મંજુર હતું.
* * * * *
આખરે નમ્રતા પોતાનાં મમ્મી - પપ્પાના ઘરે પહોંચી. ને જ્યારે એ ઘરે પહોંચી ત્યારે; નમ્રતાને જોઈને સરયુબહેનની હરખથી છલકાઈને ટપટપ થતી આંખોએ જાણે આખા ઘરને ભીંજવી દીધું. સાડીનાં ભીના થયેલ છેડાથી પોતાની આંખતો લૂછતી રહી, પણ નમ્રતાની આંખોને લૂછીને એને બાથમાં લઈ લીધી. ને પપ્પા તો ગદગદ થઈને એવી રીતે ઉભા રહ્યા કે જાણે શબ્દો તાળવે ને પગ ધરતી પર ચોંટી ગયા હતા. કેટલા દિવસથી સુના પડેલ ઘરના ઉંબરે જાણે લાગણીનાં દરિયાનો ઉછાળ આવ્યો હોય, અને મમત્વ ને પિતૃત્વ - બેઉં નમ્રતાને ભીંજવી રહ્યાં હતાં.
લાગણીના પ્રવાહમાં તણાયેલ એ ત્રણમાંથી કોઈને અંકુશની હાજરીનું પણ ધ્યાન ન રહ્યું. સદાનંદભાઈએ ધ્યાન પડતાં જ અંકુશભાઈને બેસવા કહ્યું. નમ્રતાને લઈ સરયુબહેન રસોડામાં પહોંચી ગયા - ચા મુકવા. સદાનંદભાઈએ બધાના ખબર-અંતર પૂછ્યા. અંકુશને બપોરે જમીને જવાનો આગ્રહ કર્યો, પણ તેણે ચા પીને રજા લીધી.
મમ્મી - પપ્પા બેઉને નમ્રતાની વાતો સાંભળવાની ઈચ્છા હતી અને નમ્રતાને પણ ખૂબ વાતો કરવી હતી!
"ચકુ, કેમ થોડી સુકાઈ ગઈ એવું લાગે છે? ઘર બહુ મોટું છે નહીં? મમ્મીએ પોતાની ચિંતા વ્યકત કરી.
" ક્યાં સુકાઈ ગઈ છે?" સદાનંદભાઈએ નમ્રતાના મમ્મીની વાતનો વિરોધ કરતાં, "મારી દીકરીને આમ જો, કેટલી ચમકે છે!"
"બસ, બસ..; તમે કોઈ કાઈ નહીં બોલો.., હવે બોલવાનો વારો મારો..! એમ કહી નમ્રતાએ મમ્મી-પપ્પા બેઉને રોકી પોતાની વાત શરૂ કરી..
"મમ્મી, પપ્પા..!" થોડું અટકીને, "તકલીફ નથી, બહુ જુદું લાગે છે !" ગંભીર થયેલી નમ્રતાની સામે મમ્મી-પપ્પા તાકીને જોઈ રહ્યા હતા.
...ક્રમશ: