Ruchi - Satyaghatna in Gujarati Short Stories by SUNIL ANJARIA books and stories PDF | ૠચી - સત્યઘટના

Featured Books
Categories
Share

ૠચી - સત્યઘટના

ૠચી
*****
આશરે 30 વર્ષ ઉપરની વાત છે. ગાંધીનગરમાં એક સુખી કુટુંબ રહે. પતિ, પત્ની અને ઢીંગલી જેવી દીકરી. દીકરી રોજ બીજાં બાળકોની સાથે રિક્ષામાં સ્કૂલ એટલે બાલમંદિર જાય. તે વખતે નવી થયેલી સ્કૂલ કડીસર્વ વિદ્યાલયમાં. આજે તે ગ્રુપ એલડીઆર નામે એન્જીનીયરીંગ કોલેજ પણ ચલાવે છે
એક સાંજે મા ઘર પાસેના ચાર રસ્તે બાળકીને લેવા ઉભી રહી. ન રીક્ષા આવી ન બાળકી. ચિંતાની મારી મા એ નજીકનાં બીજાં બાળકોને ઘેર તે વખતે માત્ર લેન્ડલાઈન હતી, તો નજીકના પીળા કલરના બુથ પરથી ફોન કર્યા. તેમનાં બાળકો આવી ગયેલાં. મા એ બાપને ફોન કર્યો. બાપ કદાચ સચિવલયની નોકરીમાં હતો. તે પણ સ્કૂલેથી બાળકી ક્યારે નીકળી ને કેવી રીતે ગઈ તે પૂછી આવ્યો. હંમેશ મુજબની રીક્ષાઓમાં તેમનાં રોજનાં બાળકો ગયેલાં. આ બાળકી, જેનું નામ યાદ આવ્યું, રૂચી રોજની રિક્ષામાં જતી કોઈ શિક્ષકે જોયેલી એમ શિક્ષકોને ઘેર ફોન કરતાં પ્રિંસિપાલને જાણવા મળ્યું.
વખત ગુમાવ્યા વગર શાળા અને વાલીએ પોલીસ કમ્પ્લેન તો કરી દીધી.
બીજા દિવસથી રિક્ષાવાળો લાપત્તા હતો. આસપાસ શંકાસ્પદ જગ્યાઓએ પોલીસે શોધ આદરી પણ સરવાળે બધું શૂન્ય.
કોઈએ વાત અખબારોમાં કરી. ટીવી પર સાંજે 7ના ગુજરાતી ન્યુઝ પહેલાં જાહેરાતમાં બાળકી બતાવાઈ. એને મળતી બાળકી કોઈએ ભદ્ર પાસે ભીખ માગતી તો કોઈએ ગાંધીનગરની જ ઝૂંપડપટ્ટી માં જોઈ એમ કહયું. પોલીસ પહેલાં હાવરાં બાવરાં મા બાપ ત્યાં દોડ્યાં પણ બાળકી ત્યાં હતી નહીં.
અફવાએ જોર પકડ્યું. કોઈએ વાત ફેલાવી કે અમુક તાંત્રિક કોઈ રાજકારણીની ગાદી માટે ભોગ આપવા સુલક્ષણી કુંવારકા તરીકે લઈ ગયો છે અને રિક્ષાવાળાને અંડરગ્રાઉન્ડ થવા પૈસા આપ્યા છે.
કોઈએ તાંત્રિક વિધિ બીજા સારા હેતુ માટે લઈ જવાઈ હોવાનું કહ્યું. એમાં વળી આવી અફવાઓ આજે પણ ચગાવતું અખબાર જોડાયું અને એણે તો કોઈ શુક્લ મેડમ નામે સ્ત્રી તાંત્રિક અને તેના સંપર્ક કે ગાઢ સંબંધમાં રહેલા વગદાર માણસોનાં નામ પણ ચગાવ્યાં.
એટલી હો હા થઈ કે પોલીસ પણ ગેરમાર્ગે દોરાઈ જાય પણ તે ખાતાંએ પોતાનું કામ ચાલુ રાખ્યું.
આંતર રાજ્ય બાળકોના વેપાર કરતી ટોળીઓના લીડરોને પણ પકડ્યા પણ તેઓમાંથી કોઈ ખરેખર આ બાળકી વિશે જાણતું ન હતું.
કોઈએ વળી વેશ્યાગીરી કરવા દુબઇ કે ગલ્ફ કન્ટ્રીમાં બાળકી મોકલી અપાઈ હોવાની વાત ફેલાવી. બાળકી સાવ પાંચ છ વર્ષની હોઈ એ બાબત માનવા જેવી ન લાગી છતાં બે ચાર બાળકીઓને , એકાદ બે તો દત્તક લેવાઈ ગયેલી, તેમને પોલીસ દુબઇ જઈ ઉઠાવી આવ્યા પણ બાળકીનાં મા બાપે એમાંથી કોઈ છોકરી પોતાની નથી એમ ભાર પૂર્વક કહયું. આટલી નાની બળકીઓમાં પણ દુઃખથી છૂટવા એવી હોંશિયારી આવી ગયેલી કે ઓળખવામાં થાપ ખાધી, એકાદે તો પોતે આ મા બાપને પપ્પા મમ્મી કહી રોતી રોતી વળગી પણ પડી! તેનું મોં કદાચ મળતું આવતું હતું ને તેણે પોતાનું નામ રૂચી પણ કહ્યું પણ તે ગુજરાતી સરખું બોલી શકતી ન હતી અને મૂળ રુચિ ગુજરાતી સિવાય કશું જાણતી ન હતી.
અખબારે મા બાપના ફોટા પણ મુક્યા. બેય દેખાવડાં એટલે છોકરી પણ સારી એવી દેખાવડી હતી.
પોલીસ પર આક્ષેપો થવા લાગ્યા. વાત ગાંધીનગરની હોઈ છેક વિધાનસભામાં ચર્ચાઈ. પણ ચર્ચાથી બાળકી થોડી મળે?
ક્યાંકથી એક નવી થિયરી ઉભી થઇ કે લેસન કરવા માટે મા બાપે ઠપકો આપ્યો એટલે બાળકીએ તે રોજ જેને કાકા કહી જતી એ રિક્ષાવાળાને પોતાને લઇ જવા કે બીજે મૂકી જવા કહ્યું.
સરકાર કે પોલીસે ચાર મહીના બાદ મોટું, કદાચ પચાસ હજારનું આજથી ત્રીસ વર્ષ પહેલાં માતબર રકમ એવું ઇનામ જાહેર કર્યું.
ઓચિંતી કોઈએ બાળકી શોધી છે ને મદુરાઈ મીનાક્ષી મંદિરની બહાર ટાઢે ઠુંઠવાતી પડી છે એમ કહયું. બાળકી ગુજરાતી સમજતી હતી. કદાચ તાવ, કદાચ ભયને લીધે સ્પષ્ટ બોલી શકતી ન હતી. આ વખતે ફોરેન જવાનું ન હતું. કુશળ પોલીસ ટીમ સાથે બાળકીના પિતાને મોકલવામાં આવ્યા. એક ક્ષણ તો તેઓ પણ આઘાતમાં આવી ગયા કે તેની દીકરી રુચિ જ હતી અને અપંગ કરી નંખાયેલી કે પોલીયો થઈ અપંગ બની જતાં ત્યજી દેવાયેલી. થોડી વાત કરતાં અને તપાસ કરતાં લાગ્યું કે આ રુચિ નથી. મા તો બાધાઓ રાખી બેઠેલી. એની હાલત ખૂબ દયાજનક થઈ ગઈ.
સહુ વીલા મોઢે પાછા આવ્યા.
કોઈ નવી અફવાને પગ આવ્યા. કોઈ સ્મશાનમાં દટાએલું સ્ત્રી બાળકનું શબ મળ્યું. છિન્ન વિચ્છીન્ન હાલતમાં. એ વખતે ડીએનએ ટેસ્ટ નહોતા. મા બાપને પરાણે ઠસાવવામાં આવ્યું કે બાળકીનો ભોગ અજાણ્યા તાંત્રિકે લીધો છે અને આ તેનાં અસ્થિ છે. ન છૂટકે એ અસ્થિના જેમ તેમ અગ્નિસંસ્કાર થયા ને અસ્થિ પણ પધરાવાયાં.
મા નું મન માનતું ન હતું કે બાળકી જીવતી નથી.
વાત ત્યાં જ દબાઈ ગઈ.
પચાસ હજારનું ઇનામ ચાલુ રહ્યું.
એક દિવસ સવારે પાંચ વાગે ગાંધીનગરથી નજીકનાં કોઈ શહેર પાસે કદાચ અંબાજીથી આવેલ બસ પડી હતી તેમાં લાઈટો બંધ હતી પણ ડ્રાઇવરને કોઈ બાળક કણસતું હોય એવો અવાજ આવ્યો. એણે લાઈટ કરી. બસમાં કોઈ દેખાયું નહીં પણ છેક પાછલી સીટ નીચે સ્પેર વ્હીલ નજીક પાર્સલો પડેલાં તેની નજીક અવાજ હતો. તેણે પોલીસ બોલાવી. જમાદારે એક ધગધગતા તાવથી ફફડતી, ક્ષીણ, અર્ધ બેભાન બાળકી જોઈ. તેને ચોકી અને ત્યાંના ઇન્ચાર્જને શક પડતાં પોલીસ સ્ટેશન લઈ જવાઈ. બાળકીની સરકારી ડોકટરે દવા કરી, ગ્લુકોઝ ચડાવ્યો. બાળકી ભાનમાં આવતાં તેણે પોતાનું નામ કાલી ભાષામાં રુચી અને મમ્મીનું નામ કહ્યું.
પોતાને અમુક કાકા એટલે કે રિક્ષાવાળો ઉપાડી ગયેલો એમ કહયું. 'પોલીસ કાકા, …કાકા ખૂબ ખરાબ છે. એને પુરી દેજો' એમ કહી ફરી સુઈ ગઈ.
સવારે સાડા છ વાગે રૂચીના બાજુવાળાનો ફોન રણક્યો કેમ કે રુચિને ઘેર ફોન નહોતો. મા ફરી પાગલ જેવી થઈ ગઈ. બાપના પગ પોલીસ સ્ટેશન જવા ઉપડતા ન હતા. આજે પણ નિરાશા સાંપડે તો!
પણ આજે મા ની આંતરિક ઇચ્છા જીતી હતી. છોકરી મા બાપને મળતાં જ ગળે વળગી જોર જોરથી રોઈ અને બાપને વારંવાર કહેવા લાગી કે અમુક કાકા ખૂબ ખરાબ છે ને તમે એને મારજો. 'આપણે એને ખૂબ મારશું હોં!' બાપે કહ્યું. એટલી જ ધરપત મળતાં બાળકી લાંબી ઊંઘમાં પડી ગઈ. જાગીને પોતાની બહેનપણીઓ, કલાસ ટીચર સહુને યાદ કર્યા. એ સાચી રુચિ હતી.
એને ખૂબ ઊંડી માનસિક અસર થઈ ગયેલી.
રીક્ષાવાળાને રુચીએ આપેલી કેટલીક માહિતી અને કેટલીક પોલીસે મેળવેલી કડી બાદ પકડી લેવાયેલો. તેનો પહેલો અને એક માત્ર ગુનો હોઈ કોર્ટે સુધરવા ચાન્સ આપી હળવી સજા બાદ મુક્ત કરેલો.
મનોચિકિત્સકે થોડી ઘનિષ્ઠ સારવાર બાદ બાળકી સાથે જાણે કશું જ બન્યું નથી એમ વર્તન કરવા સ્કૂલ અને માબાપને કહ્યું. એ પછી વાત ઠરે એ પહેલાં રુચીનો ચણીયાચોળી પહેરેલો ને રંગોળી શીખતો દિવાળીનો ફોટો હતો.
કહે છે કે એસટી ડ્રાઇવર અને પોલીસ કોન્સ્ટેબલને આ શોધ તેમની સરકારી નોકરીના ભાગ રૂપ હોઈ પ્રશસ્તિપત્ર અને નાની રકમ જરૂર અપાયેલી પણ પચાસ હજારનું ઇનામ કોઈને નહીં.
શક્ય છે રુચિ આજે પોતાની સાથે જે બનેલું એ સદંતર ભૂલી ગઈ હોય. આજે કદાચ બે છોકરાં ની મા હોઈ શકે.
મારી એસટી ડ્રાઈવરની નવલકથા પૈડાં ફરતાં રહે માં આ એપિસોડ મુકવા વિચારેલ પછી નહોતું મુકેલ કેમ કે આ અલગ કથા વાંચકોનાં રુંવાડા ઊભાં કરી દે તેવી લાગી જે આજે એક કથા તરીકે મુકું છું.
***