From the window of the shaman - 20 in Gujarati Fiction Stories by Ketan Vyas books and stories PDF | શમણાંના ઝરૂખેથી - ૨૦. શમણાં જુએ ભરતી અને ઓટ..!

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

શમણાંના ઝરૂખેથી - ૨૦. શમણાં જુએ ભરતી અને ઓટ..!

૨૦. શમણાં જુએ ભરતી અને ઓટ..!


... નમ્રતાને સુહાસનો જવાબ સાંભળવાની ઈચ્છા હતી, પણ તેમણે 'અત્યારેતો બરોડા ને પછી અમદાવાદ' એમ કહી વાતને ટાળી દીધી..મેઘા સાથે બહાર હોટેલમાં જમી, તેને હોસ્ટેલ પર છોડીને ઘરે પાછા અમદાવાદ પહોંચી ગયા; પણ નમ્રતાને કોઈ જવાબ ન મળ્યો. ઘરે પહોંચતા ઘણું મોડું થયું હતું એટલે એ સંદર્ભે વાત કરવાનું કાઈ ઉચિત નહોતું.

નમ્રતાનું ગૃહસ્થ જીવન આખરે નિતનવા અનુભવો સાથે શરૂ થઈ ગયું હતું. મેઘાના હોસ્ટેલ જવાથી, હવે ઘરમાં રહી પાંચ વ્યક્તિ. દિનકરભાઈ એક કંપનીમાં જ કામ કરતા. તેમને ત્રણેક વર્ષ બાકી હતા. અંકુશને કોલેજનો અભ્યાસ પૂરો કર્યા પછી એમ.એસ.ડબ્લ્યુ. શરુ કરવાનો પ્લાન હતો. સુહાસની રજામાં હવે એક દિવસ બાકી હતો. ઘરનું કામકાજ સંભાળવામાં હવે મંજુલાબહેન સાથે નમ્રતા પણ હતી. મમ્મીજીએ નમ્રતાને ઘરની નાની-મોટી માહિતી આપી દીધેલી.

ઘરમાં સુખ-સુવિધાનો કોઈ અભાવ નહોતો. ઘરની સાફ સફાઈ માટે એક બાઈ રાખેલી, જે ઘરમાં નીચેના ભાગની સાફ-સફાઈ કરતી; ને બહારનો ભાગ પણ ક્યારેક - અઠવાડિયામાં બેએક વાર. કપડાં ધોવા માટે વોશિંગ મશીન તો ખરું, પણ સાસુ-સસરાના કપડાં હાથથી જ ધોવાતાં. સવારે રસોઈનો ટાઇમ ખાસ સાચવવાનો. રોજ સવારે સાડા આઠ સુધીમાં બે ટિફિન તૈયાર થઈ જતા. વાહનમાં બે બાઇક, એક એકટીવા અને એક ફોર વ્હીલર હતા.

નમ્રતાને રસોઈ બનાવવાનો શોખ ખરો, એટલે તેને એવી કોઈ આળસ કે કંટાળો નહીં. પણ, જ્યારે રસોડામાં જાય ત્યારે મનમાં ઘબરાટ રહ્યા કરતો હતો. રસોડાની દરેક વસ્તુ મમ્મીજીની ગોઠવણી પ્રમાણે હતી. કાંઈ આડું-અવળું મુકાઈ ન જાય તેની કાળજી રાખવા મનને સતેજ રાખવું પડતું હોય તેવું લાગતું હતું. છતાંય નક્કી કરેલું કે કોઈને તકલીફ ન પડે તેવો પ્રયત્ન કરવો.

સવારે ઉઠીને તૈયાર થઈ નીચે પહોંચી ગઈ.. આજે નક્કી કર્યુંતું કે પોતે નીચે જઈને રસોડામાં કંઇક કામ શરૂ કરશે - બધા માટે ચા-નાસ્તો તૈયાર કરશે. મમ્મીજી રસોડામાં જ હતા..

"લાવો મમ્મી, શું બનાવવું છે? તમે બેસો હું કરી દવ."

મમ્મીજીએ અંકુરની 'પરોઠા ખાવાની ઈચ્છા' હતી એવું જણાવ્યું. નમ્રતાએ પરોઠા બનાવવાની તૈયારી હાથમાં લઈ લીધી. મમ્મી રસોડામાંજ ડાઈનીંગ ટેબલની બાજુએ પડેલ ખુરશી પર બેસી બકાલુ સરખું કરવામાં લાગી ગયા. સાથે સાથે થોડો સંવાદ પણ ચાલતો રહ્યો. ઘરમાં દરેકને નાસ્તામાં શું વધારે ગમે અને શું ન ગમે. અંકુશની વાતો ચાલી, તેમજ મેઘાની પસંદગીની વસ્તુઓને પણ યાદ કરી.

નમ્રતાએ મસાલીયામાંથી ચપટી એક જીરું લઈ પાટલી પર વાટવા મૂક્યું. 'એ અંકુશ ને નથી ભાવતું.. એ રહેવા દે' એવા મમ્મીજીના સુચનથી જીરું ડબ્બામાં પાછું મુકતાં પહેલા નમ્રતાએ પૂછ્યું, "મમ્મી, પપ્પાને કે કોઈને જીરાવાળા પરોઠા નથી ગમતા?"

"ના.. પણ, એ સુહાસના પપ્પાને ગમે.. એમને એવો કોઈ આગ્રહ કે શોખ નહીં... એમને તો જે મસાલા વપરાય એ માપે હોવા જોઈએ..!

"સારું.. તો પપ્પા માટે તો જીરાવાળા પરોઠા કરી દઈશ." નમ્રતાએ જીરા પર વેલણ દબાવી ફેરવ્યું.

"પેલું ખરલ લઈ લેને, બેટા..! એમાં સરસ રીતે વટાશે! પાટલી પર પાછું આમતેમ ઉડશે!" મમ્મીજી એ સૂચન કર્યું.

"હા, મમ્મી.. આતો થઈ ગયું. ફરી વાર કરું ત્યારે ખરલમાં કરીશ..''

"પણ એ પાટલી પરનો ભૂકો લોટમાં લાગશે, તો વળી અંકુશ કડાકૂટ કરશે. પાટલી થોડી સાફ કરજે. અમારે એ આમ આખો'દી ચૂપચાપ રયે, પણ ખાવામાં એનાં લાડ વધારે..ને ગુસ્સોતો નાકે જ હોય..!" મમ્મીએ અંકુશનાં સ્વભાવનું વર્ણન કરતા જાતે જ ઉભા થઇ કપડું લંબાવ્યું, "લે...આનાથી બરાબર સાફ કરી દે."

"હા, લાવો" કહી નમ્રતાએ કપડા માટે હાથ લંબાવ્યો.

મંજુલાબહેનનું માતૃત્વ હજું કંઇક વિચલિત હોય તેમ એમને શું વિચાર આવ્યો કે, "લાવ,અંકુશ માટે પરોઠા હુંજ બનાવી દવ છું. ત્યાં સુધી, તું આ શાકભાજી ધોઈને કોરા કરી લે.."

નમ્રતાને થોડું અજુગતું ને વિચિત્ર તો લાગ્યું, પણ ચૂપચાપ પાટલી-વેલણ સાસુને સોંપ્યા. પરંતુ, એટલી વારમાં અંકુશભાઈએ આવીને 'ભાભીનાં હાથના પરોઠા ખાવાની ઈચ્છા' જણાવી ખુરશી પર બેઠક જમાવી દીધી.

"મમ્મી તમે બેસો.. ભાભીને બનાવવા દો. ભાભીનાં હાથનાં પરોઠા તો ચાખીએ આજે.." અંકુશે પોતાની ઈચ્છા જાહેર કરી, પોતે મોબાઈલની સ્ક્રીન પર વ્યસ્ત થઈ ગયા.

પરોઠા અને ચા બનાવવાનું કામ નમ્રતાએ શરૂ કર્યું. મમ્મીજીએ ભીંડીને ધોઈને કપડાથી લૂછવાનું શરૂ કર્યું. અને અંકુશે નાસ્તો તૈયાર થાય ત્યાં સુધી મોબાઈલમાં કોઈ ગેઇમ રમવાનું ચાલુ રાખ્યું.

"મમ્મી.., આજે પપ્પાનું ટિફિન બનાવવાનું છે? કાલે તો એમણે રજા મુકેલી, અને છેલ્લા પાંચ દિવસથીતો ટિફિન પણ નથી લઈ ગયા."

"હા, આજે તો લઈ જશે. એમને ભીંડીનું શાક બહુ ભાવે.."મંજુલાબહેને ભીંડી સાફ કરતાં કરતાં જ જણાવ્યું. કંઇક યાદ આવતા ફરી એમણે કહ્યું.. "આજે સાંજે બજારે જવાનું છે, તું સાથે આવજે .. થોડી ખરીદી કરવાની છે.. તું , હું અને સુહાસ ત્રણેય ગાડી લઈને જઈ આવશું..

"સારું.." કહી નમ્રતાએ પરોઠાની ડીશ અને ચા નો કપ અંકુશભાઈ પાસે મુક્યા. "લો.. મોબાઈલ મુકો અને પરોઠા ખાઈને કો.. કે કેવા લાગ્યા?

પહેલા જ કોળિયે દિયરે પરિણામ જાહેર કરી દીધું, "ભાભી.. પરોઠું મસ્ત છે. આજથી પરોઠાનો કોન્ટ્રાક્ટ તમારો.."

મમ્મીના હાથમાંથી કોન્ટ્રાક્ટ જાય તે કેમ ચાલે, "ભાભી આવ્યા એટલે મમ્મીને ભૂલી જવાના એમ..! મારા હાથની રસોઈ ખાઈ ખાઈને આવડો મોટો થયો.. અને એક દી'માં મમ્મીનું પતું કાપી નાખ્યું..!"

નમ્રતાને માં-દીકરાની વાતમાં શું બોલવું કાંઈ સૂઝ્યું નહીં, પણ મમ્મીએ જે કહ્યું, ભલે મઝાક-મસ્તી હોય, તે ધ્યાનમાં લઈ અંકુશભાઈને કહ્યું, "અંકુશભાઈ, એવું ન હોય.. , મમ્મીનું સ્થાન કોઈ ન લઈ શકે.., કોઈ ગમે તેવી રસોઈ બનાવી લ્યે.. પણ, મમ્મીના હાથનો સ્વાદ બીજે ક્યાંય ન મળે!

મંજુલાબહેનને નમ્રતાની વાતથી આનંદતો થયો, પણ અંકુશની વાત કદાચ દીલ પર લાગી ગઈ હોય તેમ, "સાચી વાત છે તારી" નમ્રતાને ઉદ્દેશીને કહ્યું, પછી અંકુશની પીઠ પર ટપલી મારીને, "આજકાલનાં છોકરાઓ આવા જ, જોને અંકુશ જેવા.., ભાભી આવ્યા એટલે મમ્મીનો કોઈ ભાવ જ નહીં! પરણ્યા પછી તો શુંય કરશે..? આતો મમ્મીને ઘરડાઘરમાં મૂકી આવે એવો છે..! બોલે નહીં એટલું જ.. બોલે ત્યારે ગુસ્સો નાકને ટેરવે, ને આંખોના ડોળા કપાળે ચોંટે! આતો સાવ એના પપ્પા પર ગયો છે..." મંજુલાબહેન બોલતા ગયા..

અંકુશે પરોઠાનો સ્વાદ માણતા રહી મમ્મીની સામે જોઈ ડોક હલાવ્યા કરી, અને નમ્રતાએ પરોઠાનો ત્રિકોણ વિખાય નહીં એની કાળજી રાખીને મમ્મીની વાતો પર કાન ધર્યા. આમાં કાઈ બોલવાનું હતું નહીં. નમ્રતા મમ્મીના શબ્દોને ધ્યાનપૂર્વક - પણ સહજભાવે - સાંભળતી રહી. આવી વાતો પોતાના ઘરમાં પણ થતી. જેમાં નમ્રતાને લઈને પપ્પાના વર્તન, લાગણી અને વ્યવહાર પર મમ્મી ઉકળી જતા, સરખામણી કરતા કે પપ્પા સાથે લડ્યા કરતાં - એક દીકરી માટે..! પણ અહીં વાત થોડી જુદી હતી.. કેન્દ્રમાં દીકરી નહોતી; પણ ભાભી હતી અને ઘરની વહુ હતી..! ત્યાં એક વ્યક્તિ એક સંબંધ હતો...જ્યારે અહીં વ્યક્તિ એક જ પણ સંબંધ અલગ રૂપે વહેંચાયેલા હતા - કોઈની ભાભી, કોઈની પત્ની તો કોઈને માટે વહુ..!

નમ્રતાએ કંઈપણ બોલ્યા વગર મમ્મીજીની વાત પર ધ્યાન આપ્યું. "...એનાં પપ્પા પણ ગુસ્સાવાળા જ હતા. એતો મેઘાનાં આવ્યા પછી સાવ બદલાય ગયા..!" આ વાત પર નમ્રતાને મેઘાનો ચહેરો નજર સામે તરી આવ્યો. મનમાં વિચાર આવી ગયો કે; 'ખરેખર, મેઘાબહેન છે જ એવા..!' અને પછી મમ્મીજીની વાતને સહમતી પૂરતાં કહ્યું પણ ખરું..

"સાચી વાત છે મમ્મી તમારી.., મેઘબહેનનો સ્વાભાવ જ એવો છે. બહુ માયાળુ ને પ્રેમાળ છે..!"

"હા.. એ તો છે જ. 'એ બિલકુલ મારા પર ગઈ છે' એવું કહેતાં બધાય! પણ આ આજકાલ એય ક્યાં એની મમ્મીનું સાંભળે છે! બસ, એની મનમાની જ કર્યા કરે!" મમ્મીજી એકસાથે બોલીને ભરી રાખેલો શ્વાસ છોડ્યો. નમ્રતાને પણ શું કહેવું એ સૂઝ્યું નહીં. એટલે ચા અને પરોઠું તૈયાર કરી મમ્મીને સામે મુક્યા, 'લો, મમ્મી.. તમે પણ નાસ્તો કરી લો..!" મમ્મીજી નાસ્તો શરૂ કરે ત્યાં સસરાને જોઈને, "પપ્પાજી તમે પણ ચા નાસ્તો કરી લો."

અંકુશે નાસ્તો પૂરો કર્યો. દિનકારભાઈને ગરમ પરોઠું પીરસયું - અધકચરું વાટેલ જીરા વાળું. "બહુ સરસ બન્યું છે, બેટા. આહો હો.. આતો જીરાનો સ્વાદ આવે છે."

"હા.. પપ્પા. મમ્મીએ કહ્યું કે તમને જીરા વાળું પરોઠું બહુ ગમે." નમ્રતાએ મમ્મીને પણ જીરાવાળા પરોઠા માટે પૂછ્યું, "મમ્મી.. તમને આપું એક?"

"અરે ના, હવે નહીં ચાલે! એકમાંજ પેટ ભરાઈ ગયું.." મંજુલાબહેને ના પાડ્યા પછી પણ અડધું પરોઠું ખાઈ લીધું. "બહુ મોટી સાઈઝના પરોઠા બન્યા છે!

એક પછી એક બધાનો નાસ્તો પત્યો. છેલ્લે સુહાસ અને નમ્રતાએ સાથે બેસીને ચા-નાસ્તાનું કામ પતાવ્યું. નમ્રતાએ સુહાસને પણ જીરાવાળું પરોઠું ખવડાવી દીધું. "ગમ્યું પરોઠું? અંકુશભાઈને પરોઠામાં જીરું નથી ગમતું"

"હા, સરસ છે..!" એવા સુહાસના જવાબથી નમ્રતાને દિવસ ખીલી ઉઠ્યો હોય એવું લાગ્યું.

"સાંજે બજારમાં જવાનું છે. મમ્મી કહેતા'તા કે ખરીદી કરવાની છે અને તમારે પણ કંઈક કામ છે." હકારમાં ડોકું હલાવતા સુહાસે ડીશમાં છૂટી પડેલી પરોઠાની પોપડીઓને વીણીને મોમાં મૂકી. નમ્રતાએ એ જોઈને પૂછ્યું, "પરોઠું આપું બીજું?.. જોજો પાછા આ ડીશ આખી -"

"- ડીશ કે આ આંગળીઓ....?" નમ્રતાની આંગળીઓ તરફ ઈશારો કરતા કહ્યું.

નમ્રતાએ કંઈ પણ બોલ્યા વગર પોતાનો હાથ ટેબલ પર સુહાસ તરફ લંબાવ્યો પણ ખરો..પણ ત્યાં..

"સુહાસ...ગાડીની ચાવી ક્યાં મૂકી છે?" પપ્પાના અવાજથી નમ્રતાનો હાથ ટેબલ પરથી ગાયબ થઈ ગયો. સુહાસ આંખના ઈશારે ઠેકડી ઉડાડી ને રસોડાની બહાર નીકળી ગયો.

* * * * *

સવારનો નાસ્તો પત્યો. દિનકરભાઈનું ટિફિન બની ગયું. ભીંડીનું શાક મંજુલાબહેને બનાવ્યું. બાકી બધા કામ નમ્રતાએ પુરા કરી દીધાં. ઉપરના ત્રણ રૂમની સાફ સફાઈ કરી ત્યારે મંજુલાબહેને પોતાના કપડાં ધોઈને સુકવી દીધા હતા. એક બાજુ વોશિંગમશીન પણ ચાલ્યું. બધા કામમાંથી પરવારીને નમ્રતા પોતાનાં રૂમમાં પહોંચી ત્યારે બપોરના બે વાગી ગયા હતા. સુહાસ ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા. અવાજ ન થાય તેમ પોતે પણ તકીયાને ટેકો દઈ, પગ લાંબા કરીને બેઠી..ને પછી પોતે પણ લંબાવ્યું. શરીરમાં થાક હતો. મન ઘણાં દિવસની વાતો, પ્રસંગો તેમજ નવા અનુભવોને સમજવામાં થાકી ગયું હતું. સુહાસે પડખું ફેરવ્યું એવું લાગ્યું, ત્યાંજ પોતાના પીઠ પર એમનાં હાથનો વજનનો અનુભવ થયો..; પણ કંઈ પ્રતિભાવ આપવાની તાકાત ન હોય તેમ પોતે આંખો મીંચીને પડી રહી - ક્યાંય સુધી, કદાચ કલાક સુધી! સુહાસના હાથનું હલનચલન નો અનુભવ થતાં; અર્ધજાગૃત અવસ્થામાં જ, આખા દિવસની થાકેલી આંખોએ પાંપણ ઊંચકવાનો પ્રયત્ન કરી ઘડિયાળમાં જોવાનો પ્રયત્ન કર્યો. ઊંઘમાં પણ મમ્મીની 'સાંજે બજાર જવાની' વાત રમી રહી હતી. જોયું તો, ઘડિયાળમાં ત્રણ થયા'તા.

"ઉઠવું પડશે હવે.. બજારમાં જવાનું છે..!" આંખોને બંધ રાખીને જ નમ્રતાએ કહ્યું.

"હજુ વાર છે. પાંચ વાગે જઈશું.." એમ કહી સુહાસે નમ્રતાના હાથની આંગળીઓ પકડી...

"શું છે? સુઈ જાવ શાંતિથી..!" આંખ ખોલ્યા વગર જ તેણે સૂચન કર્યું. પણ નજીકથી અનુભવાતી સુહાસના શ્વાસની ગરમ હવાએ મન પર ચડેલા થાકને અડધો સુકવી નાંખ્યો હતો. એ હાથનું વજન પણ હવે નહોતું લાગતું. "આંગળી તો છોડો" બંધ આંખે ઉભરી રહેલ શમણાંની રંગીન દુનિયાને વિખેરવાની ઈચ્છા નહોતી - પછી એ સ્વપન હોય કે હકીકત..! પોતાની આંગળીઓ ગરમ ભેજનો સ્પર્શ થયો ત્યાં સુધીમાં તો એ સુહાસના દાંત વચ્ચે ફસાઈ ચુકી હતી. "ઓ માં! બસ કરો, આંગળીઓ તોડવી છે કે શું?

"સવારે તે તો કહ્યું તું...ને હવે પાછા નાટક.." તેમના એકેક શબ્દ પોતાની ડોક અને ગરદન પર ચક્કર લગાવી રહ્યા હતા. આખા દિવસમાં ભેગો થયેલો થાક જેમ બરફ ઓગળે તેમ ઓગળી રહયો હતો. બંધ આંખે જ તેને એવું લાગ્યું કે, 'મન થાકે પછી જ થાકેલું શરીર વધારે થાકતું હશે, અને, મન હળવું થતાં શરીર પણ હળવું થઈ જતું હશે!. પોતાના કિસ્સામાં એવું જ કઈંક લાગ્યું - થાકનું મૂળ પોતાનું મન હતું, મન પર અસર કરેલા દિવસભરના અનુભવો હતા. પણ, એ જે પણ હોય; આંખ ખોલીને સ્વપનમાં ખલેલ પહોચડવાની સહેજ પણ ઈચ્છા નહોતી. તેનું મન બંધ આંખોએ જ આકાશના તેજને અનુભવી રહ્યું હતું. પાંપણના પડદે સુખની દુનિયાનો પ્રકાશ ઝળહળી રહ્યો હતો. અવકાશી ઉર્જા જાણે પોતાનાં હૃદયની ધડકનમાં પ્રાણ પુરી રહી હતી. શાંત થયેલું મન સાવ ખાલીખમ થઈને ખુલ્લા આકાશમાં પ્રસરી રહ્યું હતું. જાણે મહાસાગરના મોજાં ઉછળીને કિનારે ટકરાઈને પાછા સમી જતા હતા. બંધ આંખોએ સર્જાયેલ સ્વપનસૃષ્ટિ દરેક શ્વાસે પોતાના હૃદયમાં ઓગળી રહી હતી. જેમ શઢ વગર નાવની દિશા બદલવી મુશ્કેલ હોય છે; ને જેમ ખલાસી વગર નાવ દિશાવિહીન થઈ પ્રવાહમાં તણાઈ કોઈ નિશ્ચિત કિનારે નથી પહોંચતી તેવું જ માણસનું છે! ભરતી હોય કે ઓટ, સુખ હોય કે દુઃખ; કોઈ એવો સાથી કે મિત્ર હોય, કે જે દુઃખને સુખમાં ફેરવી..., જીવનમાં લાગેલા થાકને પીગળાવી શકે..., લાગેલા ઘાવ પર મરહમ બની શકે..!

નમ્રતાએ સત્યનું પારખું કરવા આંખ ખોલી. સુહાસ સામે નજર કરી. એમના ચહેરા પર હળવી મુસ્કાન હતી. આમતો તેના ચહેરાને અને સ્માઇલને દૂર દુરનો નાતો નહીં; પણ આજે મુસ્કાન હતી. તેની ઊંડી અને શાંત આંખો પોતાને એકીટશે જોઈ રહી હતી.

"એક વાત પૂછું...?" સુહાસે પૂછ્યું.

"હમ્મ.." નમ્રતાએ પ્રશ્ન જાણવા પોતાની ડોક હલાવી.

"તે મને હજુય નથી કહ્યું કે રીવર ફ્રન્ટ પર પાણીમાં શું હતું!!" પ્રિન્ટ હજુય રીવર ફ્રન્ટ પર જ ચોંટેલી હતી.

"ચા...!" મમ્મીની 'ચા થઈ ગઈ છે, સુહાસ' એવી બુમ સાંભળી એટલે નમ્રતાએ કહ્યું, "ચા થઈ ગઈ છે.., પછી બજારમાં પણ જવાનું છે.."

* * * * *
બજારનું કામ પતાવી સાંજે ઘરે આવ્યા ત્યારે દિનકરભાઈ અને અંકુશ પણ આવી ગયા હતા. સાંજે જમવાનું પૂરું કરી, સૌ બેઠકરૂમમાં બેઠા હતા. એક બાજુ ટીવીમાં સ્ટાર પ્લસની ચેનલ ચાલુ હતી. અંકુશનું ધ્યાન મોબાઈલમાં હતું. એક સોફા પર નમ્રતાના સાસુ સસરા બેઠા હતા. બીજી સાઈડમાં સુહાસ અને નમ્રતા. સુહાસના ઘરમાં બેસવા-ઉઠવા બાબતે કે કપડાંની પસંદગી બાબતે કોઈ ખાસ બંધન જેવું નહીં. સાસુમાં પણ ડ્રેસ પહેરે, એટલે નમ્રતાનાં સાસુ સાવ જૂની વિચારસરણી વાળા નહીં; પણ માર્કેટમાં ચાલતા કપડાનાં સાવ નવા ટ્રેન્ડ ઘરમાં કોઇને પસંદ નહીં. નમ્રતાને પણ એવું જ. પોતે જીન્સ પહેરે, પણ 'ગોઠણનાં ભાગે લિરા ઉતરી ગયેલી' ફ્રેશનમાં એને સહેજ પણ રસ નહીં.

પપ્પાજીએ વાત ઉખેળી, ''આજે રોટીનો ટેસ્ટ જુદો હતો.., કોણે બનાવેલી?

નમ્રતા અચાનક આવેલા પ્રશ્નથી ગભરાઈ ગઈ. "રોટી નહીં ગમી હોય કે શું?" એવા વિચાર સાથે ઘબરાટ સાથે કહ્યું, "રોટી મેં બનાવેલ અને શાક મમ્મીએ.."

"અને કચુંબર...?" પપ્પાજીએ ફરી પૂછ્યું

"એ મેં બનાવ્યું..,પણ મમ્મીએ જેમ કહ્યું તેમ..!"

"કેમ..? શું થયું..?" મંજુલાબહેન કૂદી પડ્યા.

"એટલેકે કચુંબર સરસ હતું. મારા સ્ટાફમાંય લોકોને ગમ્યું.

"તે ગમે જ ને..! તમારી વહુ બનાવે પછી હવે મંજુલાની રસોઈ થોડી ગમવાની?" મમ્મીએ આંખોને ત્રાંસી કરી દિનકરભાઈ તરફ ઘુરકયા... "આ અંકુશને ભાભીનાં હાથના પરોઠા ખાવા, તમને કચુંબર ગમ્યું !" સુહાસની સામે નજર કરી, 'બેટા.., તું પણ કહી દે, કે તને મમ્મીના હાથની કઈ રસોઈ નથી ગમતી..?"

સુહાસ કંઈ જવાબ આપે કે ન આપે; નમ્રતા ફફડી ગઈ. આજે મમ્મીને ભારે દુઃખ પહોંચ્યું લાગે છે. "હવે બધું ફરતું ફરતું મારા પર જ આવશે... આતો સાસુ-વહુ વચ્ચે ફાટ પડશે.., એમતો કેવી રીતે કહેવાય કે 'હવેથી બધું મમ્મી બનાવશે!' આજે આ કુટુંબ મિટિંગ ક્યાં જઈને અટકશે?, હે સુલેખા...!" મનોમન સુલેખાને યાદ પણ કરી લીધી..

"અરે એવું કંઈ નથી.., તું સાંભળ..-" પપ્પાએ કંઇક સમજાવવાનો પ્રયાસ કર્યો.

મંજુલાબહેને ટીવીનો અવાજ ધીમો કરાવ્યો અને કહ્યું, "એ બધી વાત છોડો.." આંગળીના વેઢે કંઈક ગણવા લાગ્યા.. એક, બે,...પાંચ.., "હમ્મ, હું એમ કહું છું કે નમ્રતાને તેના ઘરે મોકલવાની છે..!"

સુહાસે ટીવી સાવ સાયલન્ટ કરી દીધું અને નમ્રતાની આંખોતો પહોળી જ થઈ ગઈ..."આ શું..? મમ્મી શું કહેવા માગે છે? કોઈને કાંઈ સમજ ન પડી હોય તેમ મમ્મીની બાજું તાકી રહ્યા.

"અરે.. એમાં આમ ડઘાઈ શું ગયા? મેં એમાં શું ખોટું કીધું? આપણે નમ્રતાને લગ્ન પછી એના માવતર મોકલવાની હોય કે નહીં? એવો રિવાજ તો છે! આપણે પહેલા એક મહિના માટે મોકલતા, પણ હવે તો અઠવાડિયા માટે મોકલે છે!

"હવે ક્યાં એવું કંઈ રહ્યું છે. નમ્રતાનું ઘર અમદાવાદમાં જ તો છે. એને જ્યારે જવું હોય, જેટલી વાર જવું હોય, ભલે ને જાય..! દિનકરભાઈએ રિવાજોને લઈ પોતાનો મંતવ્ય જણાવ્યો..

"ના, ના.. સાવ એવું નહીં, હો..! પછી એમ વારે વારે જવું સારું નહીં.., અત્યારે એક વાર જઈ આવે." મંજુલાબહેન પોતાનાં વિચારોમાં મક્કમ હતાં.

નમ્રતાએ સુહાસની સામે નજર કરી. સુહાસને છોડીને ન જવાનું મન પ્રબળ હતું કે મમ્મી-પપ્પાને મળવાની ઈચ્છા - મૂંઝવણભરી દ્રષ્ટિએ પાંપણ કપાળ તરફ ખેંચી.

...ક્રમશ: