નેહડામાં ઘરે ઘરેથી માણસો એક હાથમાં કુહાડી વાળી ડાંગ અને બીજા હાથમાં ટોર્ચ લઇ નીકળી પડ્યું. અંધારી રાતને ટોર્ચની લાઈટે ચિથરે ચીથરા કરી નાખી. નેહડેથી થોડું જ દૂર ગાઢ જંગલ ચાલુ થઈ જાય છે. આ જંગલની અંદર જનાવરે શિકાર કર્યાના વાવડ હતા. દૂરથી પહૂડાનાં અવાજ થોડી થોડી વારે રહી રહીને આવતા હતા. ગીરનાં અનુભવી માલધારી બધા પક્ષીઓ અને પ્રાણીઓની ભાષાના જાણકાર હોય છે. તે તેના અવાજ અને વર્તન પરથી તે શું કહેવા માંગે છે તે જાણી લેતા હોય છે. જ્યારે પહૂડા રહી રહીને બોલે તો માલધારી સમજી જાય છે કે સાવજ હોવાનો સંકેત છે. કારણકે સાવજ પહૂડાની સરખામણીએ ધીમો દોડે છે. પરંતુ જ્યારે પહુડા એકધારા ઝડપથી બોલવા માંડી જાય ત્યારે સમજી લેવાનું કે દીપડાની હાજરી હશે. દીપડો ખૂબ જ ઝડપી પ્રાણી છે. આમ હરણા પોતાના અવાજથી બીજા હરણા અને બીજા બધા પ્રાણીઓને જંગલમાં કયુ પ્રાણી નજીક છે તેવી ચેતવણી આપી દે છે.
જંગલમાં તૃણાહારી પ્રાણીઓ અને પક્ષીઓનો અનોખો સંબંધ હોય છે. વાંદરા જે ઝાડ પર વસવાટ કરતા હોય તેની આજુબાજુ હરણાનો એકાદો સમૂહો વસવાટ કરતો જ હોય. વાંદરા ઝાડ પર લાગેલા ફળ-ફૂલ ખાય છે. આ ફળ-ફૂલ, પાંદડા ખાતા ખાતા નીચે પણ પડી જતા હોય છે.જેનો લાભ નીચે રહેતાં હરણાંને મળતો હોય છે. વાંદરાનાં સમૂહનો મુખ્ય નર અથવા બીજા સભ્યો વારાફરતી નજીકમાં શિકારી પ્રાણી સિંહ, દીપડો નથી ને? તેનું ધ્યાન રાખતા હોય છે. ઝાડ પર હોવાને લીધે તે દૂર સુધી જોઈ શકે છે. તેથી વાંદરા જો કોઈ શિકારી પ્રાણીને જોઈ જાય તો ચીસો પાડવા લાગે છે. જેથી નજીક રહેલ હરણાનું ટોળું સાવધાન થઈ જાય છે અને ત્યાંથી દૂર ભાગી જાય છે.
બધા પ્રાણી પક્ષીનાં આવા એકબીજા સાથેના સંબંધને લીધે સિંહનાં શિકારનાં દસ પ્રયત્નોમાંથી તે એકાદ પ્રયત્નમાં માંડ માંડ સફળતા મેળવી શકે છે. સિંહ પાછળ દોડી ઓછો શિકાર કરે છે. તે મોટાભાગે સમૂહમાં શિકાર કરે છે. તેથી શિકારને પકડવા સિંહણો ઘાત લગાવીને બેઠી હોય છે. આવી રીતે ઘાત લગાવી બેઠેલી સિંહણને કાગડો, ટીટોડી, વાંદરા, કાબર, પહુડા કોઈને કોઈ જોઈ જાય એટલે સિંહણોની આખી યોજના નિષ્ફળ જાય છે. આ બધાં પશુ પક્ષીઓ દેકારો કરી સિંહ પરિવારની હાજરીનો સંકેત જંગલમાં ફેલાવી દે છે. જેનાથી બીજા તૃણાહારી જનાવરનો જીવ બચી જાય છે.છે ને અનોખો સબંધ!? આજે પહુડાનાં અટકી અટકીને આવતા અવાજ પરથી માલધારી એટલું તો સમજી ગયા કે જનાવરમાં હાવજ હોવો જોઈએ. સિંહને કુદરતે એવો કલર આપ્યો છે કે તે દિવસે પણ જો કોઈ ઝાળા નીચે છાયડામાં ભરાઈને બેઠો હોય તો ખૂબ નજીક પહોંચી જઈએ ત્યાં સુધી અહીં સિંહ બેઠો હશે તેવું આપણે જોઈ શકતા નથી. સુકાયેલા ડાળખાને નીચે પડેલા સુકલ પાંદડા અને સિંહનો કલર બંને એક થઈ જાય છે. આથી જ ઘણી વખત માલધારી જંગલમાં સિંહની ખૂબ નજીક પહોંચી જાય છે, ત્યાં સુધી અહીં સિંહની હાજરી હોવાની જાણ થતી નથી. પરંતુ સિંહનો સ્વભાવ એવો હોય છે કે તે ક્યારેય વગર જોતો કોઈ પર હુમલો કરતો નથી. સિંહની ખૂબ નજીક પહોંચી ગયેલ માલધારી સિંહને જોઈને ગભરાઈને ભાગી જતો નથી. પરંતુ સિંહની આંખોમાં આંખ પરોવી ધીમે ધીમે પાછે પગલે ત્યાંથી દૂર જતો રહે છે.
દિવસે પણ સાવજને ગોતવો મુશ્કેલ થઈ પડે તો આજે તો રાત હતી! એટલે માલધારી દબાતા પગલે ધીમે ધીમે હાથમાં રહેલી ટોર્ચનાં પ્રકાશને ચારે બાજુ ફેરવતા ફેરવતા સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યા હતા. જો કોઈ જંગલી જનાવરનો શિકાર કર્યો હોય તો માલધારી સિંહને પરેશાન કરતા નથી. પરંતુ કોઈનું માલ ઢોર તો ઉપાડી લીધું નથી ને? તેની તપાસ કરવા માટે આજે જંગલમાં નીકળી ગયા હતા. રાત્રે ટોર્ચનાં પ્રકાશમાં પ્રાણીઓની આંખો સામેથી રિફલેક્ટ કરતી હોય છે. તે ચમકતી આંખો જોઇને પણ માલધારી ઓળખી જાય છે કે આ કયું જનાવર હશે. ધીમે પગલે બધા આગળ જતા હતા એટલામાં વડલાના ઝાડ પર થતાં ફફડાટે બધાને ચોંકાવ્યા. પરંતુ ઉપર ટોર્ચનો પ્રકાશ ફેંકતા માલધારી સમજી ગયા કે અહીં વડવાગોળની કોલોની હતી. વડવાગોળ કાળા કલરનાં, ચામાચીડિયાની પ્રજાતિનાં હોય છે. કદમાં તે ચામાચીડિયા કરતાં મોટા હોય છે. દિવસે તે આખો દિવસ તેની કોલોનીમાં ઝાડની ડાળીએ ઊંધા લટકયા કરે છે. તેની આંખો ઝીણી અને દિવસનાં પ્રકાશમાં કમજોર હોય છે. તેથી તે રાત્રે જ ખોરાકની શોધમાં નીકળી પડે છે. તેના કાન ખૂબ સતેજ હોય છે. કોઈ જીવ-જંતુનો જરાક અમથો અવાજ પણ તેના કાને પડે એટલે તે તેની દિશા અને સ્થાન જાણી જાય છે. અને તેના પર હુમલો કરી તેને પકડી પાડે છે. આ વડવાગોળ આખી રાત જંગલમાં ઉડ્યા કરે છે, નાના જીવજંતુ, ગરોળા, ઉંદર કે ઝાડ પર પાકેલા ફળ પણ ખાય છે. તેનું નાક પણ ખૂબ સંવેદનશીલ હોય છે. તે આખા ઝાડમાં પાકેલાં ફળ જ શોધી લે છે.
સાવધાનીપૂર્વક આગળ વધતા ગોવાળીયાને આવો નાનો સરખો અવાજ પણ સચેત કરી દે છે. પહૂડાનો અવાજ પણ હવે ઘણો નજીક આવી રહ્યો હતો. તેના પરથી ગોવાળિયા સમજી શકતા હતા કે આટલામાં જ ક્યાંક શિકાર થયો હોવો જોઈએ. થોડા આગળ વધ્યા ત્યાં એક મોટા બોરડીના ઝાળાની પાછળ ટોર્ચના પ્રકાશમાં મોટી મોટી ઝળોમળો થતી ચાર આંખો ચમકી ઉઠી. આગળ ચાલી રહેલા ગેલાએ પાછળ હાથ દેખાડી બધાને ઉભા રહેવા સંકેત આપ્યો. પાછળ આવી રહેલા બધા ગોવાળીયાને ખબર પડી ગઈ કે ગેલાએ જનાવર જોઈ લીધું. બધા પોતાની જગ્યાએ બોલ્યા ચાલ્યા વગર ઉભા રહી ગયા. ગેલાએ પહેલા તો ક્યાં પ્રાણીનો શિકાર થયો છે તે જોવા ટોર્ચનો પ્રકાશ ફેંક્યો. તે જોઈ ગેલાને મનમાં શાંતિ થઈ, " હાશ.., કોયનું માલ ઢોર નથી જાલ્યું."સાવજે સાંભરનો શિકાર કરેલો હતો. સાંભર હરણનાં કુળનું પ્રાણી છે. પરંતુ તે કદમાં મોટું હોય છે. રંગે ભૂરું હોય છે. નર સાંભરને સાબર જેવા શાખા વાળા શિંગડા હોય છે. માદા સાંભરને શીંગડા હોતા નથી. સાંભર સાવજોનો પ્રિય ખોરાક છે. એક સાંભરનો શિકાર કરે એટલે સિંહનું આખું ગ્રુપ બે દિવસ સુધી ધરાઇને ખાઇ શકે છે.
જંગલી જનાવરનો શિકાર કર્યો એટલી ખબર પડી એટલે માલધારી ત્યાં ઊભા રહી સિંહને પરેશાન કરતા નથી. શિકાર ખાઈ રહેલા સિંહને જોવો માલધારીઓ માટે કોઈ નવાઈની વાત પણ હોતી નથી.આમ પણ શિકાર ખાઈ રહેલ સિંહ વધારે ગુસ્સાવાળો હોય છે. તેથી ત્યાં ઊભું રહેવું પણ જોખમ ભરેલું છે. એક તો શિકાર કરવામાં શિકાર પાછળ દોડવાથી અને શિકારી પ્રાણી સાથે તેને પાડવાની કોશિષ કરવાથી સિંહનું લોહી ખૂબ ઝડપથી દોડતું હોય છે. આથી આ સમયે તેને ગુસ્સો આવવાની સંભાવના વધી જાય છે.એટલે બધાં માલધારી પાછાં જ વળી રહ્યાં હતાં. પણ હમણાં જ શિકાર કરીને ખાઈ રહેલા સાવજનું ગ્રુપ કેવડું છે, અને તે કયા વિસ્તારના છે તે જાણવાની જિજ્ઞાસામાં ટોળામાંથી એક માલધારીએ શિકાર ખાઈ રહેલા સાવજ તરફ ટોર્ચનો પ્રકાશ ફેંક્યો. ટોર્ચનાં પ્રકાશનાં ચાન્દરડામાં સિંહણ દેખાણી. શિકાર ખાઇ રહેલી સિંહણને તેણે નીરખીને જોઇ. તે માલધારીની ચીસ નીકળી ગઈ. "અલ્યા આતો રાજમતી સે."આટલું બોલતામાં તો બે ત્રણ ટોર્ચનો પ્રકાશ એ તરફ ફેંકાયો. બધાએ જોયું તો કપાળે ટીલાવાળી રાજમતી જ હતી. તેની બાજુમાં જોયું તો હાવજને પણ ઓળખી લીધો. " અલ્યા આ તો હામતો!!!?"બધાએ નીરખીને જોયો."હા...અલ્યા હાસુ!! આતો રાજમતી ને હામતો જ સે!!"
(શું આ સાચે રાજમતી સિંહણ ને સામત સાવજ હશે? જાણવા માટે વાંચતાં રહો. "નેહડો (The heart of Gir)"