પ્રકરણ-૩૦
ટેલિવિઝન એકેડમીના એવોર્ડ્સ ફંક્શનની બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી. રેડ કાર્પેટ પર બધા મહેમાનો આવવા લાગ્યા હતા. અને શાહિદ એનો હોસ્ટ હતો જે એક પછી એક બધાં જે મહેમાનો આવી રહ્યા હતા એમના ઈન્ટરવ્યુ લઈ રહ્યો હતો.
બધાં જ સિતારાઓ આજે ધરતી પર ઊતરી આવ્યા હતા. બધી હિરોઈનો ખૂબ જ સરસ ડ્રેસિંગ કરીને આવી હતી અને ખૂબ જ ખૂબસૂરત લાગી રહી હતી. કોઈ વન પીસમાં સજ્જ થઈને આવી હતી, તો કોઈએ ગાઉન પહેર્યું હતું તો કોઈએ સલવાર-કમીઝ અને કેટલીક હિરોઈન સાડીમાં પણ સુંદર અને શોભાયમાન લાગી રહી હતી.
એક લાલ રંગની કાર રેડ કાર્પેટ પાસે આવીને અટકી. એમાંથી આદિલ કુમાર અને મોહિની એકબીજાનો હાથ પકડીને ઉતર્યા. મોહિની આછા ગુલાબી રંગના વનપીસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. અને આદિલ કુમારે પણ પિંક કલરનું શર્ટ પહેર્યુ હતું. બંનેને આવકાર આપતા શાહિદે કહ્યું, "વેલકમ આદિલ કુમાર અને મોહિની! તમારી સીરીયલ પ્રેમ પરીક્ષા એવોર્ડ માટે નોમિનેટ થઈ છે અને મોહિની તમે પણ બેસ્ટ એક્ટ્રેસના રોલ માટે નોમિનેટ થયા છો તો તમને કેવું લાગી રહ્યું છે?"
આનો જવાબ આપતા આદિલ કુમાર બોલ્યા, "બિલકુલ સારું લાગી રહ્યું છે. એવોર્ડ માટે નોમિનેટ થાય એ કોને ન ગમે?"
મોહિનીએ પણ આદિલ કુમારના સૂરમાં સૂર પુરાવતાં કહ્યું, "હા. આદિલ બિલકુલ ઠીક જ કહે છે. એવોર્ડમાં નોમિનેટ થવું એ કંઈ નાનીસૂની વાત થોડી છે? અમને બંનેને ખૂબ જ ખુશી છે કે અમારી સીરીયલ પ્રેમ પરીક્ષા અને અમે બંને પોતે પણ એવૉર્ડ માટે નોમિનેટ થયા છીએ.
એ પછી આદિલ કુમાર અને મોહિની અંદર ફંકશનમાં દાખલ થયા. ત્યારબાદ રેડ કાર્પેટ પર બીજી એક પીળા રંગની કાર આવીને ઊભી રહી.જેમાંથી પ્રેમ કપૂર અને રેશમ બંને ઉતર્યા. બંને એકબીજા જોડે ખૂબ જ શોભી રહ્યાં હતાં.
એ બંનેને પણ શાહિદે આવકાર આપ્યો અને પૂછ્યું, "પ્રેમ કપૂર! તમે પણ સ્ટોરી રાઈટરના એવોર્ડ માટે નોમિનેટ થયા છો તો તમને કેવું લાગી રહ્યું છે? તમને ખુશી છે? શું તમને લાગે છે કે, આ એવોર્ડ તમને મળશે?"
પ્રેમ કપૂરે એનો ઉત્તર આપતાં કહ્યું, "નોમિનેશનમાં આપણું નામ આવે તો એ સ્વાભાવિક જ છે કે, આપણને એની ખુશી તો થાય જ. અને બાકી રહી એવોર્ડ મળવાની વાત તો એ તો મારા હાથમાં નથી. એ તો ઓડિયન્સ અને જ્યુરીના હાથમાં હોય છે. પણ હા! એટલું ચોક્કસ કહીશ કે, મને આ એવોર્ડ મળશે તો મને ખુશી જરૂર થશે. હું તો વાર્તા મારી પોતાની ખુશી માટે લખું છું. હું તો એ કામ કરવામાં માનું છું કે, જેમાં મને મજા આવે છે. હું કંઈ એવોર્ડ મેળવવા માટે વાર્તા નથી લખતો પરંતુ મને ગમે છે માટે હું લખું છું. પણ એ વાતનો પણ ઈન્કાર નહીં કરું કે, એવોર્ડ મળશે તો મને જરૂર ખુશી થશે.
"ઓકે. વેલકમ. તો મિત્રો આ હતા પ્રેમ કપૂર તેમની પત્ની રેશમ સાથે. અને હવે આપણે અંદર શો માં એન્ટ્રી લઈએ. શો શરૂ થવામાં માત્ર 5 જ મિનિટ બાકી છે." આટલું કહી અને શાહિદ શૉ માં અંદર ચાલ્યો ગયો. રેડ કાર્પેટ પૂરું થયું.
હવે એવોર્ડ શો ની શરૂઆત થઈ ગઈ હતી. એક પછી એક બધા એવોર્ડ એનાઉન્સ થતાં જતાં હતાં અને વચ્ચે વચ્ચે બધાંના પરફોર્મન્સ પણ આવી રહ્યા હતાં. જેને પણ એવોર્ડ મળતાં હતા એ સ્ટેજ પર આવી પોતાની સ્પીચ આપી અને એવોર્ડ લઈને જતાં હતાં અને પોતાની ખુશી વ્યક્ત કરતાં હતાં.
હવે બેસ્ટ સ્ટોરી રાઈટરના એવૉર્ડનો વારો હતો. સામે રાખેલી મોટી સ્ક્રીન પર જે પણ નોમિનેટ થયા હતા એ બધાના દ્રશ્યો બતાવવામાં આવી રહ્યાં હતાં. નોમિનેશન પૂરાં થયાં એટલે એવોર્ડ એનાઉન્સ થયો, "એન્ડ ધ એવૉર્ડ ફોર બેસ્ટ સ્ટોરી રાઈટર ગોઝ ટુ મિ. પ્રેમ કપૂર ફોર પ્રેમ પરીક્ષા!"
પ્રેમ કપૂર ઍવોર્ડ લેવા માટે સ્ટેજ પર આવ્યા. એમણે પોતાની સ્પીચ આપી. એ બોલ્યા, "થેન્ક યુ વેરી મચ ફોર ધીસ એવૉર્ડ. મારે કહેવાનું તો હજુ ઘણું બધું છે. પણ અત્યારે સમયની મર્યાદાને કારણે તમારા લોકોનો વધુ સમય નહીં લઉં. હું મારી પ્રેમ પરીક્ષાની આખી ટીમનો આભાર માનું છું. ખાસ કરીને આદિલકુમાર, મોહિની, શાહિદ અને અમારી પડદા પાછળની ટીમનો પણ. કારણ કે, એ લોકો વિના આ બધું શક્ય ન બનત. અને છેલ્લે મારા માતાપિતા અને મારી પત્ની રેશમ! કે જે મારા જીવનમાં આવી અને મારું બ્લેક એન્ડ વ્હાઈટ જીવન એના પ્રેમના રંગથી રંગીન બન્યું એનો પણ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ વન્સ અગેઈન."
આટલું કહી પ્રેમ કપૂર સ્ટેજ પરથી નીચે ઉતર્યા.
એ પછીનો ઍવોર્ડ એનાઉન્સ થયો. એ હતો આદિલ કુમાર એસ બેસ્ટ ડિરેક્ટર. આદિલકુમારે પણ પોતાની સ્પીચ આપતાં કહ્યું, "તમારે કોઈ સીરીયલ બનાવવી હોય તો એનું મૂળ હોય છે સારી વાર્તા. જો વાર્તા સારી હોય તો જ દર્શકોને પસંદ આવે છે. અને એ માટે હું પ્રેમ કપૂરનો વિશેષ આભાર માનું છું. અને મારી પત્ની મોહિનીનો પણ કે, જેણે વાર્તાને સુંદર રીતે પોતાના અભિનયથી મઠારી. બાકી મારી પ્રેમ પરીક્ષાની આખી ટીમનો આભાર માનું છું.
અને છેલ્લે મોહિનીને બેસ્ટ એક્ટ્રેસનો એવૉર્ડ મળ્યો. એ પણ ખૂબ ખુશ થઈ અને એણે પણ બધાનો આભાર માન્યો. એ બોલી, "હું પણ મારી પ્રેમ પરીક્ષાની આખી ટીમનો આભાર માનું છું. સાથે સાથે મારી માતા કે જે, હવે આ દુનિયામાં નથી અને મારા પિતા કે, જે હયાત છે એમનો પણ આભાર માનું છું. અને હા, મારા પતિ આદિલકુમારનો પણ ખાસ આભાર માનું છું. આદિલ જ એ વ્યક્તિ છે જેણે મારા બેરંગ જીવનમાં પ્રેમના રંગો ભર્યા છે એટલે એ મારા જીવનનો પ્રેમરંગ છે એનો પણ હું ખાસ આભાર માનું છું.
આદિલ કુમારે એવૉર્ડની ખુશીમાં બીજા દિવસે પોતાના ઘરે પાર્ટી ગોઠવી. બધાંએ પાર્ટી ખૂબ એન્જોય કરી. બધાં ખૂબ જ ખુશ હતા. આજે ખરા અર્થમાં બધાના જીવનની પ્રેમ પરીક્ષા પૂરી થઈ હતી. અને બધાનું જીવન પ્રેમના રંગોથી રંગીન બન્યું હતું. આજે પ્રેમ કપૂરે પોતાની ડાયરીમાં ફરી એક કવિતા લખી.
જીવનનો આ કેવો અનોખો રંગ છે પ્રેમરંગ!
પ્રેમ થકી જ ચાલી રહ્યો છે આ સર્વ સંસાર!
પ્રેમના આ રંગમાં પડશે જો કદીયે કોઈ ભંગ!
વિના "પ્રીત",આ જીવન બની જશે કારાગાર!
(સમાપ્ત)