"આખરે બાર વર્ષે બાવો બોલ્યો!"
દાદીએ મારા કાન ખેંચતા ટિપ્પણી કરી અને મનની ભડાસ કાઢતા આગળ કહ્યું,
"હવે તમે મોટા શહેર વાળાને, અમારું નાનકડું વલસાડ કેમ ગમે!"
એમને બાથમાં લેતા, હું પ્રેમથી બોલ્યો.
"એવું નથી દાદી. કામમાં એટલો ગૂંચવાયેલો હોઉં છું. પણ આ વખતે સંકલ્પ લીધો, કે હોળી તમારી જોડે જ ઉજવીશ. તમારા એક ફોન પર હું તરત હાજર થયો કે નહીં?"
દાદીએ મારુ નાક ખેંચતા, ફરી મશ્કરી કરી.
"મહેરબાની તમારી! ફોન તો દર વર્ષે કરું છું દોઢડાહ્યા! હવે જલ્દી તૈયાર થઈને બહાર આવ."
હું, શૈલેષ જાડેજા, એન્જિનિયર, મુંબઈ રહેવાસી, નિવૃત્ત માતાપિતાની એકમાત્ર સંતાન અને કુંવારો. કંપની તરફથી આપેલી બધી સુખ સુવિધાનો આનંદ માણી રહ્યો હતો. દાદી ઘણા વખતથી બોલાવતા હતા, છેવટે એમની સાથે આ રંગબેરંગી ત્યોહાર ઉજવવાનું નસીબ થયું.
દાદીનો આલીશાન બંગલો હતો. આડોશ પાડોશવાળા એમના મોટા આંગણામાં હોળી રમવા આવ્યા હતા. દાદી મારી વિશાળ દિલની માલિક; કોઈને જમાડ્યા વગર ન મોકલે. બહાર પગ મુકતા જ મારા ચહેરા પર ગુલાલ ઉડયું. ધુમ્મસભર્યા વાતાવરણમાં હું મારી આંખોને સમાયોજિત કરું, ત્યાં દાદીએ મને એમની નજીક ખેંચ્યો, અને એક યુવાન છોકરી સાથે મારો પરિચય કરાવ્યો.
"શૈલેષ, આ મારી લાડકી, શોભા. છે તો પાડોશી, પણ દીકરીથી વિશેષ છે. બસ આ જ છે મારી સુખ દુઃખની સાથી."
અમે એકબીજાને હેલો કહ્યું. તે નમણી હતી અને એના લાંબા વાળ હતા. તેના ચહેરાના લક્ષણો સારા હતા, પરંતુ હું બીજું કાંઈ જોઈ ન શક્યો, કારણ કે તે માથાથી પગ સુધી હોળીના રંગોમાં ઢંકાયેલી હતી.
"શોભા, તું શૈલેષ સાથે રહેજે, તે અહીંયા કોઈને ઓળખતો નથી. હું જરાક બીજા મહેમાનોને મળી લઉં."
અમે સાથે હોળી રમ્યા, અને ત્યારબાદ ખૂબ વાતો કરી. શોભા ફેશન ડિઝાઇનર હતી. મને તે સ્માર્ટ, ચુલબુલી અને બુદ્ધિશાળી છોકરી લાગી. આશ્ચર્યજનક રીતે, અમારી ઘણી રુચિયો એક સમાન નિકળી.
આખી રાત શોભા મારા વિચારોમાં રહી. એની હંસી યાદ આવતા, મારા મોઢે પણ સ્મિત આવી ગયું. તે મને અતિશય ગમી ગઈ, અને મને ખાતરી હતી, કે આ પહેલી નજરનો પ્રેમ હતો. પણ આ બાબત મને સ્વીકારતા ડર લાગી. મેં પાછા જવાનું થોડા દિવસ મુલતવી રાખ્યું, જેથી શોભા સાથે વધુ સમય વિતાવી શકું.
બીજા દિવસે બપોરે બેલ વાગી, અને જ્યારે મેં દરવાજો ખોલ્યો, તો તેને જોઈને મારા હોશ ઉડી ગયા. મારો અવાજ ગળામાં અટવાઈ રહ્યો. શોભા એકદમ શામળી હતી. હું સ્તબ્ધ રહી ગયો, અને મારી નજર એના પરથી હટાવી નાખી. મારી પ્રતિક્રિયાથી તેને દુઃખ થયું, ઉદાસી ભરેલું સ્મિત કરતા, તેણે કટાક્ષ કરી,
"શું મારા ગુણો કરતાં મારો રંગ વધુ મહત્વનો છે? કેમ મને લાગ્યું કે તમે અલગ હશો? પરંતુ, તમે પણ બીજા જેવા જ નિકળ્યા. તમારી પ્રતિક્રિયા મારા માટે કાંઈ નવાઈ નથી; હવે મને તેની ટેવ પડી ગઈ છે."
મુંબઈ ગયા પછી પણ, શોભાના શબ્દો કાનમાં પડઘા પાડી દિલ દુભાવી રહ્યા હતા. એનો ઉદાસ ચહેરો ભુલાય નહોતો ભુલાતો. પરંતુ, જ્યારે આંખ બંદ કરતો, તો હોળીના દિવસે કરેલી અમારી વાતો અને એની હંસી યાદ આવતી, મન ભાવુક થઈ જતું. મને એહસાસ થયો, કે આજે મારા હૃદય પર જે વાત અસર કરી ગઈ હતી, તે શોભાનો સ્વભાવ હતો, એનો રંગ નહીં.
નિર્ણય લીધા પછી, હું વલસાડ પાછો ગયો, શોભા પાસે માફી માંગી અને તેને પ્રપોઝ કર્યું.
"હું સ્વીકારું છું કે મારી પ્રતિક્રિયા નિર્દય હતી અને હું મારી સંકુચિત માનસિકતા માટે શરમજનક છું. મુંબઈ ગયા પછી પણ હું દિવસરાત તારા વિશે જ વિચારતો રહ્યો. આપણી પહેલી વાતચીતમાં જ મને તારાથી પ્રેમ થઈ ગયો હતો. પ્લીઝ, મને માફ કર. હું તને મારી જીવન સંગીની બનાવવા માંગુ છું."
મને તેના ચહેરા પર રાહત દેખાણી. સ્મિત દબાવતા, એણે પોતાના મનની વાત કરી અને મને ફરી વિચારવાનું કહ્યું, "શૈલેષ, હું ખરેખર તને ખૂબ જ પસંદ કરું છું, પણ જો તું પાછળથી પસ્તાઈશ, તો હું સહન નહિ કરી શકું."
શોભાની વાતએ મને આશા આપી અને મેં આગળ વધીને એને બાથમાં લેતા પ્રેમથી કહ્યું,
"શોભા, હોળીના મેઘધનુષીય રંગ છલકયા હતા. આજે હું તારા પર પ્રેમના રંગ વરસાવવા ઈચ્છું છું, માત્ર હમણાં માટે નહીં; જીવનભર માટે."
જ્યારે તે મને ખુશીથી ભેટી પડી, એના મોઢે એટલું મીઠું સ્મિત આવ્યું, કે મેં મનોમન કસમ ખાધી, કે તેનું એ સ્મિત હમેશા જાળવી રાખીશ.
શમીમ મર્ચન્ટ, મુંબઈ
_________________________________
Shades Of Simplicity
This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much
https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/
Follow Me On My Blog
https://shamimscorner.wordpress.com/