પ્રેમ-નફરત
- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર
પ્રકરણ-૨૩
આરવ એક તરફ શૈલીથી કેવી રીતે છૂટકારો મેળવવો એ વિશે વિચારતો હતો ત્યારે રચના એનો તાત્કાલિક સંપર્ક કરવા માગતી હતી. બધાંની વચ્ચે રચનાનો ફોન એ લેવા માગતો ન હતો. તેણે 'એક્સક્યુઝ મી' કહીને થોડે દૂર જઇ રચનાનો ફોન ઉપાડી 'હેલો' કહ્યું.
'સર, એક સારા સમાચાર છે...' રચના બોલીને સહેજ અટકી એટલીવારમાં આરવના મનમાં રાહત થઇ ગઇ કે કોઇ ચિંતાની વાત નથી. તે ઉત્સાહથી બોલી ઊઠ્યો:'શું સમાચાર છે...'
આરવની ઉત્સુક્તા જોઇને રચના ખુશીથી બોલી:'મારા લગ્ન નક્કી થઇ ગયા છે.'
'શું?' આરવને લાગ્યું કે એના પર વીજળી પડી છે. હાથમાંથી ફોન સરકતા રહી ગયો. સુલોચનાબેન અને શૈલીને પોતાના મનોભાવનો ખ્યાલ ના આવે એ માટે તે બીજી દિશામાં મોં રાખીને પૂછવા લાગ્યો:'રચના, આમ અચાનક...? તેં આજે તો કોઇ વાત કરી ન હતી? બહુ ઉતાવળ કરી નાખી હોય એમ લાગતું નથી...?'
'હું ઘરે આવી ત્યારે મમ્મીએ એક છોકરાને બોલાવી રાખ્યો હતો. અમે એકબીજાને પસંદ આવી ગયા!' રચનાના સ્વરમાં ખુશી છલકતી હતી.
આરવ રચનાના લગ્નના સમાચાર સાંભળીને દુ:ખી થવા સાથે મૂંગોમંતર થઇ ગયો. કિશોરકુમારનું ગીત એના હોઠ પર આવી ગયું:'ખિજાં કે ફૂલ પે આતી કભી બહાર નહીં, મેરે નસીબ મેં એ દોસ્ત, તેરા પ્યાર નહીં...' ત્યાં સામેથી રચના બોલી:'સર, કિશોરદાનું કોઇ ગીત યાદ આવી ગયું ને?'
'હં...' આરવ ચોંકી ગયો. શું જવાબ આપવો એ જ સમજાયું નહીં. રચનાએ મારા મનોભાવ કેવી રીતે વાંચી લીધા? આ વિડીયો કોલ પણ નથી. ગજબની છોકરી છે. પહેલી મુલાકાતથી જ એની પ્રતિભા જોઇ રહ્યો છું. કાશ! એ મારી પત્ની બની હોત! મારે લાગણી વ્યક્ત કરવામાં ઉતાવળ કરવાની જરૂર હતી. તે એક આંચકો પચાવીને સ્વસ્થ થતાં બોલ્યો:'રચના, આમ અચાનક? આટલી ઝડપથી કોઇ છોકરો તને પસંદ પણ આવી ગયો?'
'ના સર ના, તમને શું લાગે છે? હું આંખો મીંચીને કોઇ પર તરત વિશ્વાસ કરી લઉં એવી લાગું છું?' રચનાએ પૂછ્યું ત્યારે એને એ વાતનો આનંદ હતો કે આરવ સાથે મજાક કરીને તેણે એ વાતની ખાતરી કરી લીધી છે કે આરવને તેના પ્રત્યે પ્રેમ છે- લાગણી છે. આરવને તેની વાતથી આંચકો લાગ્યો છે. તે નથી ઇચ્છતો કે હું કોઇ બીજાની થઇ જાઉં. તેને ગાવાનું મન થઇ ગયું:'આજ ફિર જીને કી તમન્ના હૈ...'
'ઓહ! તું મજાક કરી રહી હતી...' કહીને વાતને વાળી લેતાં આરવ બોલ્યો:'મને એ વાતની ચિંતા થઇ ગઇ કે તારા ભરોસે 'ઓલ ઇન વન મોબાઇલ' નો નવો મોબાઇલ લોન્ચ કરવાની તૈયારી ચાલે છે ત્યાં તું લગ્નની તૈયારીમાં પડી જશે કે શું? ચાલ, તું મજાક કરી રહી છે એટલે સારું છે! હવે એ કહે કે ખરેખર સારા સમાચાર કયા છે?'
'બેસ બેસ! હવે કંપનીની ચિંતા કર્યા વગર...' એમ કહેવાનું મન થઇ ગયું. તે રીસાતી હોય એમ બોલી:'કેમ? મારા લગ્નના સમાચાર સારા ન કહેવાય?'
'હજુ કેટલી લાંબી વાત કરીશ?' આરવ ધીમેથી બોલ્યો. આ વખતે તે એક બોસની હેસિયતથી બોલ્યો હતો.
'સોરી સર! સમાચાર એ છે કે 'સુપર ફાસ્ટ મોબાઇલ' નો જે ફોન લોન્ચ થવાનો હતો એની કિંમત પણ વધારવાનો નિર્ણય લેવાયો છે. સંજનાનો હમણાં જ ફોન હતો. એમના ફોનની કિંમત રૂ.૧૯૦૦૦ ને બદલે રૂ.૧૯૪૯૯ રાખવામાં આવશે. આપણા અને એમના ફોનની કિંમત વચ્ચેનું અંતર વધી ગયું છે. એ કારણે આપણા ફોનનું વેચાણ ગણતરી કરતાં વધુ થવાની આશા ઊભી થઇ છે...' રચનાએ ઉત્સાહથી કહ્યું.
'આ તો ખરેખર સારા સમાચાર છે. ચાલ તારો આભાર!' કહી આરવે ફોન મૂકી દીધો.
આરવે દૂરથી જોયું કે સુલોચનાબેન અને શૈલી સોફા પર એકબીજાની લગોલગ બેસીને વાતો કરી રહ્યા છે. બંને વચ્ચેનો પ્રેમ અને દોસ્તી એના મનમાં ચિંતા જન્માવી રહ્યા હતા. તેણે નજીક જઇને શૈલીથી છટકવા કહ્યું:'હું ફ્રેશ થઇને આવું છું...'
'બેટા, બે મિનિટ બેસ! શૈલી ક્યારની આવી છે. તારી રાહ જોઇ રહી હતી.' કહી બંનેને એકાંત પૂરું પાડતા હોય એમ સુલોચનાબેન રસોડા તરફ જવા લાગ્યા.
'શૈલી...આપણી વાત થઇ હતી છતાં તું આમ કેમ કરી રહી છે?' આરવ કરગરતો હોય એમ બોલ્યો.
'હું તમારી સાથે લગ્ન કરવાનો દેખાવ જ કરી રહી છું. અસલમાં હું પણ તમારી સાથે લગ્ન કરવા માગતી નથી...' શૈલી રસોડા તરફ નજર નાખીને ધીમેથી બોલી.
આરવને શૈલીની વાતથી નવાઇ લાગી. તે આમ કેમ કહી રહી હશે? આ વાત પહેલાં કેમ એણે કરી ન હતી? એ પહેલાંથી જ ગૂઢ વાતો કરી રહી છે. એનો અસલમાં ઇરાદો શું છે?
ક્રમશ: