આ જનમની પેલે પાર
-રાકેશ ઠક્કર
પ્રકરણ-૨૪
હેવાલીને દિયાન માટે તડપતી અને ગભરાતી જોયા પછી પણ મેવાન નિર્લેપ હતો. હેવાલી દરવાજો ખોલવા પોતાનું બધું જોર અજમાવી રહી હતી. તેનો જીવ જાણે તાળવે ચોંટી ગયો હતો. વચ્ચે એક ક્ષણ માટે તે બારી તરફ નજર કરીને આગના કેસરી અજવાળાને જોઇ વધારે ચિંતા કરતી હતી. તે ફરી કરગરી:'મેવાન, નીચે દિયાન છે... એને આગથી જોખમ છે. એને બચાવી લે...'
મેવાન એની નજીક આવીને બોલ્યો:'આવી જ આગ ત્રિલોકે લગાવી હતી. તને દિયાનની બહુ ચિંતા થાય છે? એના માટે બહુ પ્રેમ છે? તું નથી ઇચ્છતી કે એનો જીવ જાય?'
હેવાલી મેવાનના પ્રશ્નોથી ચોંકીને બોલી:'મેવાન, તું આ શું બોલે છે? હું એનો પ્રેમ છોડીને તારી પાસે ચાલી આવી છું. આપણો જન્મોજનમનો સાથ નિભાવવા મેં દિયાનને છોડી દીધો હતો. હું આપણા પૂર્વ જન્મ વિશે કંઇ જાણતી નથી. બલ્કે દિયાન પણ એના પૂર્વજન્મના જીવનથી અનભિજ્ઞ હતો. અમે અમારો સાથ છોડીને તમારા બંનેનો સાથ આપવા અલગ થઇ ગયા છે અને તારા પ્રત્યે મેં પ્રેમની લાગણી વ્યક્ત કરી દીધી છે. મારું હવે પછીનું જીવન તારા માટે જ છે. દિયાનને હવે મારો પતિ નથી ગણતી પણ એ એક માનવ તો છે. મારામાં માનવતાની લાગણી મરી પરવારી નથી. એના માટે એક માનવને બીજા માનવ માટે હોય એવી જ ચિંતા મને છે. તારે પણ શા માટે એવું ઇચ્છવું જોઇએ કે કોઇનો જીવ જાય? તમે આ પરિસ્થિતિમાંથી ગુજરી ચૂક્યા છો. તમને આગનો ખરાબ અનુભવ છે. આવી આગની ઘટનાને કારણે જ તમે બંને ભટકતા ભૂતના રૂપમાં છો. આ આગને બુઝાવી દે...કોઇની હત્યાનું પાપ માથા પર ના લઇશ...'
બીજી જ ક્ષણે હેવાલીએ જ્યારે બારી તરફ જોયું ત્યારે આગ દેખાતી ન હતી. તેણે દોડીને બારી બહાર જોયું. કોઇ જગ્યાએથી પાણીનો છંટકાવ થઇ રહ્યો ન હતો. તેને ખુશી થવા સાથે પ્રશ્ન થયો કે કોઇ જાદૂ થયો હોય એમ આગનું નામનિશાન કેમ નથી? તે આશ્ચર્યચકિત થઇને મેવાન સામે જોઇ રહી હતી.
મેવાને સહેજ હસીને કહ્યું:'એ આગ ન હતી. આગ લાગી હોવાનો ભ્રમ હતો. મેં તારી મેવાન માટેની લાગણી જોવા એ આગનો ભ્રમ ઊભો કર્યો હતો. આગમાં અમારા મોત થયાની વાત કરી ત્યારે તેં એ માટે દુ:ખ વ્યક્ત કર્યું હતું એને હું તારા ચહેરા પર જોવા માગતો હતો. તું ખરેખર લાગણીશીલ છે એમ પાકું કરવા માગતો હતો. મને આનંદ છે કે તું મને ચાહે છે. તારા દિલમાં એક માનવીનું દિલ ધડકે છે. તારા દિલમાં એ માનવતા- સંવેદના છે જે દરેક માનવના દિલમાં હોવી જોઇએ. જો મારા પિતા ત્રિલોકે દિલમાં બીજાઓ પ્રત્યે નફરતની આગ ના રાખી હોત તો અમે બચી ગયા હોત. અમે એક સંપૂર્ણ માનવજીવન એકબીજાના પ્રેમમાં વ્યક્ત કર્યું હોત. એક પ્રેમ જ છે જે માનવીની લાંબું જીવાડી શકે છે. ત્રિલોકે આગ લગાવી ત્યારે અમારી ચિચિયારીઓથી કદાચ આકાશનું દિલ પણ દ્રવી ઊઠ્યું હશે. કેવી ભયંકર આગ હતી. મેં તો તને એનો નમૂનો જ બતાવ્યો છે. અમારા ઘર ભડકે બળતા હતા ત્યારે ત્રિલોક કદાચ અટ્ટહાસ્ય કરતા હશે. પણ કુદરતે એમને સજા આપી જ દીધી છે. એ આગથી બચી જઇને પણ એક સામાન્ય માનવીનું જીવન જીવી શક્યા નથી. કોઇ પશુથી બદતર જીવન જીવી રહ્યા છે. કદાચ એ જ એમના ભાગ્યમાં લખાયું હશે. એમણે પોતાનું ભાગ્ય બદલવા મારા લગ્ન શિનામિ સાથે કરવાનું નક્કી કર્યું હતું. અને આપણા ભાગ્યમાં વધારે સાથ ન હતો. સુમિતા, તારી સાથેના લગ્ન આંગળીના વેઢે ગણી શકાય એટલા દિવસ માટે જ હતા...કુદરતે આપણાને પાછા ભેગા કર્યા છે.'
મેવાનની વાત સાંભળી હેવાલી લાગણીશીલ બની ગઇ. તેને ત્રિલોક પ્રત્યે ગુસ્સા અને ડરની લાગણી હતી એનું બાષ્પીભવન થવા લાગ્યું હતું.
અચાનક મેવાનની નજર બારી બહાર ગઇ અને એ ચિંતાથી બોલી ઊઠ્યો:'ઓહ!'
હેવાલીએ ચોંકીને બારી બહાર નજર કરી. વળી શું થયું હશે?
ક્રમશ: