૧૯. કોણ ઝુકાવે શમણાંનાં શઢ..
નમ્રતાએ સુહાસ તરફ નજર કરી. એમને પોતાનો કોઈ ખાસ અભિપ્રાય હોય એવું લાગ્યું નહીં. એ પણ મેઘા અને મમ્મીની વાતચિત માં જે નિરાકરણ આવે તે પ્રમાણે કરવા તૈયાર હોય એવું લાગ્યું. દિનકરભાઈ એટલે કે નમ્રતાના સસરા ચર્ચામાં જોડાયા..
"મેઘા, બેઉં ભાઈ આવી જશે, નહીતો હું અને અંકુશ આવી જઈશું. તારા મમ્મીની વાત બરાબર છે"
"પપ્પા, મમ્મીની વાત સાચી જ છે. મારે તો એટલું જ કહેવું છે કે ભાઈની જોબ બે દિવસ પછી ચાલુ થઈ જશે, પછી એમને બરોડા આવવાનો સમય નહીં મળે ને, મને ભાભી સાથે એક દિવસ ફરવાનું પણ મળશે!"
ચર્ચા કારણ વગર લાંબી થતી હોય તેવું નમ્રતાને લાગ્યું, પણ મમ્મીજીએ ચર્ચાને ટૂંકાવી દીધી. તેમણે મેઘાને કહ્યું, 'જો.., નમ્રતાને આમ એકલી મોકલવાનું મને નહીં ફાવે. એક કામ કરીએ છીએ તારા પપ્પા અને અંકુશ ઘરે રહેશે; હું, એ બેઉંની સાથે આવી જઈશ..., શું કો છો, સુહાસના પપ્પા..?
"કોઈ નમ્રતાને તો પૂછો કે એને જવું છે કે નહીં? દિનકરભાઈએ નમ્રતા તરફ નજર કરી, "શું ઈચ્છા છે તમારી, બેટા?
" એમાં મારે શું કહેવાનું? મમ્મીને જે યોગ્ય લાગે તે! આમતો, હું ઘરે રહું એ સારું." નમ્રતાએ પોતાનો મંતવ્ય જણાવી દીધો. પોતાની ઈચ્છા સુહાસ સાથે ક્યાંક એકલા જવાની હતી, પણ અહીં એવું કંઈ શક્ય લાગતું નહોતું. એટલે પોતાની ઈચ્છાઓને વ્યક્ત કરવાનું યોગ્ય ન લાગ્યું..
"સારું, હવે સુવાની તૈયારી કરો. વાતો બહુ થઈ. કાલે વહેલા ઉઠીને નીકળી જઈશું.." સુહાસ તરફ નજર કરી, "તમે બેઉં તૈયાર થઈ જજો.. આપણે ત્રણેય મેઘા સાથે જઈશું. હું પણ ઘણા સમયથી બરોડા નથી ગઈ..!" મંજુલાબહેને 'કુટુંબ મિટિંગ પુરી' એટલું કહ્યુ એટલે સભા બરખાસ્ત થઈ.
નવાં ઘરમાં નમ્રતાની આ પહેલી કુટુંબ મિટિંગ હતી!
* * * * *
રાતે અગિયાર વાગ્યા હતાં. પોતાના રૂમમાં પહોંચી સુહાસે નમ્રતાને કહ્યું, "કાલે વહેલું ઉઠવું પડશે. મમ્મીને તૈયાર થવામાં વાર પણ નહીં લાગે. ભલું હશે તો એ જ બધાને વહેલા ઉઠાડી દેશે..!"
"હું શું કહું છું?.. એક કામ કરો ને.. તમે ને મમ્મી જઈ આવો... અહીં પપ્પા અને અંકુશભાઈ એકલા રહે તો પછી એમનાં જમવાનું શું? મને ક્યાંય ફરવું નથી. તમને ટાઇમ મળે તો રીવર ફ્રન્ટ પર લઈ જજો..! આમેય તમે જાણો છો કે મને શું ગમે છે!"
"સારું એવું કરીશું. સવારે મમ્મીને વાત કરીશ."
* * * * *
સવારે તૈયાર થઈ સાત વાગે નીકળવાનું વિચાર્યું હતું. સુહાસે 'નમ્રતાના ઘરે રહેવાનો નવો પ્રસ્તાવ મમ્મી સામે મુક્યો. મમ્મીએ એમ કહીને એ વાત અવગણી કે "આપણે મેઘાની ઈચ્છા છે એટલેતો નમ્રતાને લઈ જઈએ છીએ.." વાત પૂરી થઈ ને મુસાફરી શરૂ થઈ.
પણ, મુસાફરીમાં છેલ્લો ફેરફાર મંજુલાબહેને એટલો કર્યો કે સુહાસના પપ્પાએ પણ સાથે જવું. પાંચ જણની વ્યવસ્થા થાય એમ જ હતી. આમેય મેઘાને મુકવા તો જવાનું છે, એમાં બીજું શું હોય. મારુતિ કંપનીની સ્વીફ્ટ ડિઝાઇર કારમાં પાંચ જણ ને ડેકીમાં સામાન આરામથી આવી જાય. અંકુશ એકલો ઘરે રહે તો ખાસ કંઈ ચિંતા જેવું નહોતું.
ગાડીમાં આગળ સુહાસ અને તેના પપ્પા, ને પાછળ મહિલામંડળ; ને સામે હતો એક્સપ્રેસ હાઇવે, કે જ્યાંથી બરોડા દૂર પણ ન લાગે. મેઘાએ પોતાની કોલેજની અને હોસ્ટેલની વાતો ભાભીને કહી સંભળાવી..
દુમાડ ચોકડી આવતા જ મેઘાએ ગાડી ધીમી કરાવી "સુહાસભાઈ... આપણે ઘણા વહેલા આવ્યા છીએ..સાંજે મોડું થાય તોય વાંધો નહીં.., તો મને ને ભાભી, અમને બધાંને ને ક્યાં લઈ જશો ફરવા?
"તું કે, ક્યાં જવું છે તારે..?" સુહાસે સહર્ષ પૂછ્યું.
"આ છોકરીને બસ ફરવાની જ વાત..તારે પરીક્ષાઓ નજીક આવે છે...એમાં ધ્યાન આપને..!" મંજુલાબહેને પોતાની દીકરીને ટોકી. "ફરવા સીવાય કાઈ વિચાર જ નથી આવતા તને. ગઈકાલથી તારું મગજ કેમ ભમ્યા કરે છે?"
"મમ્મી, શુંય તમે.. તમારી દીકરી માટે એટલુંય ન કરો.., હોસ્ટેલમાં પહોંચીને તો સાવ તાળે પુરાય રહેવાનું, અમારે છોકરીઓને! વર્ષમાં એક વાર ફરવા જવાનું. અમારે ત્યાંથી સીટી પણ દૂર પડે. કલાક એક મળે તો ક્યાંય પહોંચાય પણ નહીં...!" મેઘાની કાલીઘેલી વાતોએ મંજુબહેન પર અસર કરી દીધી. મમ્મીના કહેવાથી ગાડી પાવાગઢ રોડ પર ચાલી નીકળી.
નમ્રતાની ઇચ્છાતો એવી હતી કે સુહાસ સાથે ક્યાંક ફરવા જવાની - બેઉં એકલા. પણ, નીતાઆંટીના શબ્દો પોતાને બધું જોવા - સમજવા માટે પ્રેરિત કરી રહ્યા હતા. અત્યારે તો જે પણ મળ્યું છે તે ઘણું છે એવું લાગ્યું. મેઘાને 'થેન્ક યુ' કહેવાનું મન થયું, પણ એ કામ મેઘાએ જ કરી દીધું.
"ભાભી થેન્ક યુ. તમે મારી સાથે આજે આવ્યા. મને તમારી સાથે ફરવાનું મળશે.." પછી મમ્મી તરફ જોઈને.. " મમ્મી, તમને પણ મોટુમસ 'થેન્ક યુ'. તમે ના પાડી હોત સાંજે મને ખાવુંય ન ભાવત! મેઘાની આ વાતથી મંજુલાબહેને હળવું હસી એના ગાલ પર ટપલી લગાવી. "તારા ફરવાના શોખમાં ભાભીને હેરાન કરસ.. , ને પાછી 'થેન્ક યુ' કે'સ."
'હેરાન થવાની વાત' સાંભળી, નમ્રતાના મનમાં સમીકરણો કામે લાગી ગયા. 'આમાં ખરેખર હું હેરાન થાવ એવી ઘટના કઈ છે? મમ્મીની આટલી બધી મારી કાળજી રાખવા છતાંય જો હું હેરાન થતી હોઉં તો એનું સાચું કારણ તો સાવ જુદું છે! આજકાલ તો લોકો પરણીને ફરવા જતા જ હોય છે. કોઈ કુદરતી સ્થળે જઈને, ચાર-પાંચ દિવસ રહીને, પોતાના લગ્નજીવનની શરૂઆત કરતા હોય છે! અહીં તો, મમ્મીજી પોતાની વહુની ચિંતામાં એને એના પતિ સાથે એકલા છોડવા પણ તૈયાર નથી..! મને લાગે છે કે આટલી બધી લાગણી અને કાળજીના પ્રગાઢ મહાસાગરમાં હું ગૂંગળાઈ ન જાવ ! એક સુલેખાની સાસુ છે જે તેને કામવાળીની જેમ રાખે છે, વાતે વાતે કામકાજને લઈને વાંકદોષ કાઢે છે, ને બીજી બાજુ મારા સાસુ કેજે કરુણાનો સાગર - વહુની આટલી ફિકર કરનાર!
"ભાભી..!" મેઘાએ નમ્રતાને ખભે હાથ મુક્યો, "ભાભી, તમે ગયા છો કયારેય પાવાગઢ? હું તો એક વાર આવેલી - નાની હતી ત્યારે.
નમ્રતાએ ડોકી હલાવી ને કહ્યું, "હા, એક વાર આવેલી, મમ્મી-પપ્પા સાથે. ત્યારે હું પણ બહુ નાની હતી."
મંજુલાબહેને પણ વાતોમાં રસ લીધો. ને પછી દરેકે પોતાના પાવાગઢના અનુભવોની જૂની વાતો યાદ કરી.
"આ મેઘાને તો નાનપણથી જ ફરવાનો શોખ. નાની હતી ત્યારે રોપ-વેમાં બેસીને ભારે ગાંડી થતી." આગળની સીટ પરથી દીકરીની વાત કરતા કરતાં દિનકરભાઈ ઉત્સાહ અનુભવતા હતા.
પાવાગઢ પહોંચ્યા ત્યાં સુધી આ વાતો ચાલ્યા કરી. ઘડિયાળમાં દસ વાગ્યા હતા. ત્યાં પહોંચીને સૌએ નાસ્તો કર્યો, પછી ચા કે લીંબુ પાણી - જેને જે ગમ્યું તે પીધું. અને આખરે પહોંચી ગયા રોપ-વે માટે. મેઘાનો ઉત્સાહ સાતમા આસમાને હતો; ને, દિમાગ પોતાની ઈચ્છા પ્રમાણે કરવા માટે સતર્ક પણ હતું. પોતાને ભાભી સાથે જ રહેવાનું હતું એ નક્કી હતું.
એટલે એક ટ્રોલીમાં મમ્મી- પપ્પાને બેસાડી દીધા અને બીજીમાં પોતે ભાઈ-ભાભી સાથે ગોઠવાઈ ગઈ. બે પર્વતોની વચ્ચે બાંધેલા દોરડા પર સરકતી પાલખીમાંથી કેટલીય તસવીરો પોતાના મોબાઈલમાં કેદ કરી દીધી. ભાઈ-ભાભીની પાડેલી સુંદર મજાની તસ્વીરોથી ભાભીનો દિવસ પણ રંગીન થઈ ગયો હતો.
પાવાગઢ મંદિરેથી ટ્રોલીમાં પરત ફરતી વખતે નમ્રતાએ સુહાસને કહ્યું, "તમારી બહેન તો મારું બહુ ધ્યાન રાખે છે. એમના લીધે તો આજે મારે તમારી સાથે આવવાનું થયું. આમતો સારું થયું કે હું આવી ગઈ..
"હમ્મ, બહેન કોની?" સુહાસે ગર્વનો ભાવ દર્શાવ્યો.
મેઘાએ બેઉની વાતોને અટકાવતા કહ્યું, 'મારી શું વાતો કરો છો?"
"તમારા ભાઈ તમારા વખાણ કરે છે.. અને હું મારી નણંદના.." નમ્રતાએ ખુલાસો કર્યો
મેઘા કાંઈ જવાબ આપે ત્યાંતો ટ્રોલી ત્યાં જઈને અટકી જ્યાં પોતાના મમ્મી-પપ્પા પહેલેથી રાહ જોઇને ઉભા હતા..
"ઝટ કરો... માથે તાપ બરાબર ચડ્યો છે.. ને ગળુંય સુકાય છે." મમ્મીની વાતને ધ્યાનમાં લઈ સુહાસે તરત જ પાણીની બોટલ લાવી દીધી.
તળેટીમાં જમવાનો કાર્યક્રમ પતાવીને, મેઘાની જીદને માન આપી, સૌ પહોંચ્યા આજવા. વોટર પાર્કમાં જવાની કોઈને ઈચ્છા નહોતી અને એટલો સમય હતો પણ નહીં. આજવાના ગાર્ડનમાં જઈને બેઠા. નમ્રતાના સાસુ- સસરાએ તો એક વૃક્ષના છાંયડે શરીર લંબાવ્યું, જયારે મેઘાને તો ફોટોગ્રાફીની ધૂન ચડી હતી. આખા ગાર્ડનમાં ભાઈ-ભાભીને ફેરવ્યા, ફોટા પાડ્યા... અને એક વાર તો તેમને બેસાડી 'પાણીની બોટલ લઈને આવું છું' એમ કહીને ગઈ તે કલાકે પાછી આવી.
"તમને ખબર છે એક વાત..?" નમ્રતાએ પૂછ્યું..
"શું..? કઈ વાત ? મને એકેય વાત ખબર નથી." સુહાસે ભોળાભાવે ખુલાસો કર્યો..
" એમ જ કે આપણા લગ્ન થઈ ગયા છે. અને હવે હું તમારી પત્ની છું. મને એમ કે તમે બહુ જલ્દીથી ભૂલી ગયા !" નમ્રતાએ બાજુમાંથી એક ઘાસનું તણખલું ખેંચી સુહાસના હાથમાં મૂક્યું..
"એ તો યાદ જ નહોતું, પણ આ તણખલાનું હું શું કરું?" સુહાસને વિસ્મય થયો.
"કાંઈ નહીં, એકાદ મહીનો સાચવી રાખો એ, પછી કહીશ.'
"તું તો ક્યારેક કયારેક બહુ અઘરી વાતો કરે છે. સંગીતકારોની ભાષમાં તો સરળ અને સમજાય એવી હોય! તું લેખક છો કે સંગીતકાર કે કોઈ તત્વચિંતક..? સુહાસે ઘાસના બે-ચાર-આઠ એમ ટુકડા કરી નમ્રતાના હાથમાં મુક્યા..
"સ્ત્રી...! હું સ્ત્રી છું. અત્યારે તમારી પત્ની છું. બસ એટલું જ." ઘાસના એ ટુકડાને મસળીને કરેલો કુચો સુહાસના હાથમાં મુક્યો..
"એ બધી ફિલોસોફીની વાતો છોડ.." ઘાસનો મસળાયેલો કુચો દૂર ફેંકતા, "તને આવી જગ્યા બહુ ગમેને..? આજે કેવું લાગ્યું? ગમ્યું કે પછી કંટાળી ગઈ?" સુહાસે સહજ રીતે પૂછ્યું.
"બહુ જ ગમે. આજે તો મેઘાબહેન સાથે એટલી મઝા પડી કે એની વાત જ જવાદો." પતિની સામે જોયું.
"અને મારી સાથે?" સુહાસે તેને ઉશ્કેરવાના ઇરાદે પૂછ્યું.
"એ તો ગમે જ ને! એ કંઈ પૂછવાની વાત છે. પણ.." સુહાસની પ્રસનસૂચક આંખો સામે જોઇને, '' પણ.. તમે બેઉં બહેન-ભાઈ એકબીજાથી બહુ જુદા પડો છો." પછી વાતને થોડી જુદી દિશામાં વાળી લીધી, "તમે તમારા કામમાં બિઝી હોય, ત્યારે મેઘાબહેને જ મારું ધ્યાન રાખ્યું છે. સાચું કહું તો આજે આપણે લગ્ન પછી પહેલી વાર આમ અહીં આવીને બેઠા છીએ તો એ મેઘાબહેનને લીધે. તમને કેવું લાગ્યું? તમે ખુશ નથી?" સુહાસે હકારમાં ડોક હલાવી. ફરી નમ્રતાએ પૂછ્યું "આપણે બેઉં આખા દિવસ માટે આવી કોઈ જગ્યાએ જઈશું?''
સુહાસે નમ્રતાની સામે જોયું. "હાં જઈશું..!
"ક્યાં જવાની વાત ચાલે છે?" મેઘાએ હાજરી પુરાવતાની સાથે જ પ્રશ્ન કર્યો, " એકલા એકલા ફરવા જવાનું પ્લાન કરો છો કે શું? .. હા.. ભાઈ... હા ફરવાનો પ્લાન કરો બીજું શું? આમાં અમારાથી કાંઈ બોલાય નહીં ને સાથે જવાની જીદ થાય પણ નહીં...
'જસ્ટ મેરીડ કપલ' ની સામે કોઈનું શું ચાલવાનું?
સુહાસ અચાનક આવી પડેલા શબ્દોથી થોડો ડઘવાઈ ગયો, ને નમ્રતાએ મેઘાનો હાથ પકડી તેને ચૂપ કરાવતી હોય તેમ જમીન પર લીલા ઘાસમાં બેસાડી દીધી "શું મેઘાબહેન તમેય..." એમ કહેવાની બદલે માત્ર હાથ જ દબાવ્યો....પણ ઉભા થઈને નણંદને પોતાની બાથમાં લઈ લેવાની ઇચ્છા થઈ ગઈ... પણ મેઘાએ એનો અવકાશ ન આપ્યો.. એને હજુય કાઈ બોલવું હતું.. આમેય છે કોઈની મજાલ કે દીકરીના વહેતા ભાવને કોઈ રોકે..!
"ભાઈ એક કામ કરો..., મારાથી તો નહીં આવી શકાય, એટલે સૉરી. પણ, તમે ફરવા જવાની જગ્યા જે પસંદ કરો તે બેસ્ટ કરજો.. આમ, અંબાજી કે પાવાગઢ જેવું નહીં..! એકદમ બેસ્ટ પ્લેસ.. જેમકે સીમલા.., મનાલી.., કેરાલા..,! થોડું અટકીને "ભાભી તમને કઈ જગ્યા ગમે..? નમ્રતાએ આંખો નીચે ઢાળી રાખી અને મેઘાનો હાથ દબાવ્યો.. મેઘાએ તેના ભાઈ તરફ જોઈને..." ભાઈ, તમે ખરેખર બેસ્ટ છો. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. ભાભીને લઇ જજો - એમની જ્યાં ઈચ્છા હોય ત્યાં..! બોલોને..?"
સાંજના સમયે શરૂ થતાં આજવા ગાર્ડનનાં મ્યુઝિક ફાઉન્ટેનનાં સંગીતની મીઠી ધૂન અને હવાની લહેર સાથે ઊડતી પાણીની વાછટમાં આસપાસનું ઘાસ, આખા દિવસની સૂકી થયેલી માટી અને ત્યાં બેસેલા જીવોના હૃદય-મન ભીંજાય રહ્યા હતાં.,નમ્રતાનું પણ!
મેઘાએ ફરી પૂછયુ, ''ક્યાં જશો..? ત્યારે નમ્રતાના કાન સુહાસના જવાબની રાહ જોઈ રહ્યા હતા. "
...ક્રમશ: