અમુઆતાની આજની વાત સાંભળતા સાંભળતા રોંઢો થવા આવ્યો હતો. ભૂખની અસરથી બંને બાળ ગોવાળિયાનાં મોઢા થોડા લંઘાવા લાગ્યા હતા. પણ ગીરનાં પાઠ શીખવાની ક્યાંય નિશાળ હોતી નથી. ગીરનાં પાઠ તો ગીરમાં રહીને શીખવા મળે. ગીરનાં પાઠ ભણવા માટે ગીરને અનુભવવી પડે. જેમાં આખો દાડો ભૂખ્યા રહેવું, તરસ વેઠવી, કેટલાંય કિલોમીટર સુધી ચાલવું. ટાઢ, તડકો, વરસાદ વેઠવો. જંગલી જનાવર સામે આવી જાય તો નીડરતાથી તેમાંથી બચવું. આવી બધી પરિસ્થિતિમાંથી પસાર થઈને જ ગીરનો માલધારી અને ગોવાલણ ખડતલ, બહાદુર, કુદરતી તત્વોને પૂજનારા, ભગવાનમાં આસ્થા રાખનારા, જંગલનાં રક્ષક અને સાચું બોલનારા,મહેમાનને ભગવાન માનનારા હોય છે. રાધીનાં લોહીમાં જ ગીર હતું. તેથી તે ગીરમાં રહેવા માટે ઘડાઈ ચૂકી હતી. પરંતુ કનાની મા ગીરની પણ તેનો બાપ કાઠીયાવાડી હતો. તેથી કનો ધીમે ધીમે ગીરને આત્મસાત કરતો જતો હતો.
"હાલો લ્યો છોરાવ આજયે ઘણી બધી વાતું કરી. હવે ગોવાળિયા આપડી વાટું જોતા હહે. ઘડીકમાં પુગશું નહીં તો હમણે ગોતણે નિહરી જાહે. તમારા મોઢા કે'સે કે તમને ભૂખ લાગી ગય સે હાસૂ ને?"
એમ કહી અમુઆતાએ ઉપર જોયું તો ચીબરી તેમની સામે જ તાકી રહી હતી.
"આપડે જાવી તો બસારી આ ચીબરીબાય ઈના બસ્સાને ખોરાગ ભેગા કરે. લ્યો હાલો તારે."
આમ કહી ત્રણેય તડકામાં ટેકરીયુનાં ઢાળ ચડતા ઉતરતા ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા કનાએ પૂછ્યું,
"હે.. આતા ઓલ્યા કછી વાહે માલધારીની છોડી સુ કામ મરી ગય હસે?"
અમુઆતા જવાબ દે એ પહેલા રાધીએ જવાબ દઈ દીધો,
"કોયના એક બોલ વાહે જીવ આપી દેવા વાળા વાહે જીવથી ઓસુ હુ આપી હકાય તું કે?"
કનાને રાધીની અઘરી વાત ન સમજાણી પરંતુ રાધીની અણિયાળી આંખોના ગુસ્સાથી બચવા કનો વાત સમજી ગયાનો ડોળ કરી માથું હલાવવા લાગ્યો. કનાએ વાતનો વિષય ફેરવી અમુઆતાને પૂછ્યું,
"આતા આ ફોરેસ્ટર શાબો કીમ અમારે નેહડે આયા કરે સે? સામત નહિ જડતો ઈમાં ગેલામામા સુ કરે? ગેલામામાએ કાંય થોડો સામતને માર્યો હસે?"
"ના ભાણુ ભાય તારો ગેલો મામો તો નય પણ ગર્યનો કોય માલધારી હાવજને નો મારે. હાવજને બસાવા હારુ થયને પેલાના વખતમાં માલધારી, અંગ્રેજ અમલદારું હારે પણ ધીંગાણું ખેલવા ઉતરેલાના ઈતિયાસ સે. તું સંત્યાં કરમાં બધા હારાવાના થય જાહે."
આમ વાતો કરતાં-કરતાં ત્રણેય માલના થાનકે પહોંચી ગયા. ગોવાળિયા બધા આમની રાહે જ હતા.અમુઆતા સાથે હતાં એટલે ચિંતા નહોતી. બપોરના ભાતનું શાક બનવા આવ્યું હતું. શાક બની જતાં બધાં ગોવાળિયાએ થેલામાંથી વાટકા અને ગવણામાં બાંધેલા રોટલા કાઢીને બપોરા કરવા લાગ્યા. ભેંહુંનું ખાડું બાજુમાં આવેલ ડેમનાં શીળા પાણીમાં પડ્યું પડ્યું વાગોળતું હતું. ગાવડીયુ આજુબાજુના ઝાડવાના છાંયડે બેસી વાગોળી રહી હતી. કાબરનું ટોળું માલઢોર પરથી ઇતડા વીણવામાં મશગૂલ હતું.ગોવાળિયા બપોરા કરી વડલાના શીળા છાયડે માથે બાંધવાનાં પનીયા પાથરી લાંબુ ડીલ કરી ગયા હતા. વહેલી સવારથી જાગીને માલઢોરનાં ધડિકા લઈ અને માલ ચરાવવા પાંચ સાત કિલોમીટર દૂર ચાલીને આવતા હોવાથી થાકી ગયેલા ગોવાળિયા ઘસઘસાટ ઊંઘી ગયા હતા. બપોરનાં સમયે એકાદ બે ગોવાળ જાગતા રહીને રખેવાળી કરતા હોય છે. જેથી કોઈ જંગલી શિકારી પ્રાણી માલઢોર પર હુમલો ના કરી દે.
વડલાની વડવાઇઓ બુઢા જોગીની દાઢી જેમ લટકી રહી હતી. કનો અને રાધી માલઢોરનું ધ્યાન રાખતા એક ડાળ નીચે રમી રહ્યા હતા. કનાએ બે વડવાઈને સામસામે ગાંઠ વાળી દીધી ને હિંચકો બનાવ્યો. રાધીને તે હિંચકામાં બેસવા કહ્યું. પરંતુ હિંચકો જમીનથી ઊંચો હોવાને લીધે, રાધી પ્રયત્ન કરી રહી હતી પરંતુ હિંચકામાં બેસાતું ન હતું. કનાએ હીચકામાં બેસવાના પ્રયત્ન કરી રહેલી રાધીને પાછળથી પકડી ઉંચી કરી હિંચકામાં બેસાડી દીધી. રાધી થોડી શરમાઈ અને કનાને હાથે ટપલી મારી ઠપકો આપતાં બોલી,
"જારે જા... કાઠીયાવાડી,છોડી ને તે કાય તેડાતી હહે?"
કનાએ રાધીને હીંચકામાં બેસાડી ફંગોળીયા હીંચકા નાખવા લાગ્યો. ડેમના પાણી પરથી આવતો ઠંડો પવન, વડલાની વડવાઇએ રાધીને ઝૂલાવતો કનો, ગાય ભેંસના છાણ, મૂત્રની અલગ પ્રકારની આવતી વાસ,પવનથી ડોલતાં ઝાડવાંઓનાં પાંદડાંનો નાદ, વડલાના પાકા પેપડા ખાવા આવેલી કોયલુંના ટહુકા.આજે આ બધું મળીને ગીરને પણ ટેસડા કરાવતાં હતાં. સાંજ સુધી ગીરનું કહવાળું ઘાસ ચરીને ઢમઢોલ થયેલો માલ ઘરે જાવા ઘમતળીયું ખાતો હતો. ભેંસો તો એવી ધરાણી હતી કે માથે હરતો ફરતો ટોલો પણ લપસી પડે. તાજી વિહાયેલી ભેહું આખો દાડો તો જંગલમાં ચરે. પણ સાંજ પડતા તેને તેના પાડરું સાંભરી આવે.એટલે નેહડા બાજુ મોઢા કરી રણકવા માંડે. ચારેક વાગ્યાનાં જંગલમાંથી પાછા હાલી નીકળે ત્યારે માંડ માલ નેહડે દોવા ટાણે પહોંચે. માલને ખાણનું ને દોવાનું કામ પતાવે ત્યાં દૂધનાં કેન ડેરીએ પહોંચાડવાનો પણ સમય થઈ જાય. સાંજનાં સમયે નેહડે કોઈને જવાબ આપવાનો પણ ટાઈમ ના હોય એટલું કામ ચાલતું હોય.
અમુલ અને માહી જેવી મોટી ડેરીઓના સારા નેટવર્કને લીધે માલધારીઓના જીવનધોરણ થોડા સુધર્યા છે. હવે માલધારી પોતાના પશુઓ મારફતે ઉત્પાદન મેળવતાં, ગમે તેટલા દૂધનું વેચાણ આ ડેરીઓમાં કરી શકે છે. દૂધનો ભાવ ફેટ પર નક્કી થાય છે. સારા ફેટવાળા દૂધનો પોષણક્ષમ ભાવ મળે છે. જે માલધારીની મહેનતના પ્રમાણમાં તો ઓછો જ કહેવાય પરંતુ આમ છતાં તેની સ્થિતિ સુધરતી જાય છે. ગીરના માલધારીને તેના માલઢોર ચરાવવા માટે ચરાણ મોટું મળે છે. પરંતુ સાસણ ગીર અભયારણ્ય હોવાથી તેના કાયદા કાનુન પણ ખૂબ અઘરા આવતા જાય છે. તેનું પાલન કરવું સાથે મોંઘા ખાણ,નીરણ ખવડાવવા આ બધુ માલધારીઓની મુશ્કેલીમાં વધારો કરે છે.ક્યારેક તેનાં પશુ હિંસક શિકારી પ્રાણીઓનો શિકાર પણ બની જાય છે. પરંતુ આવી મુશ્કેલીઓમાં પણ ખુશ રહે તે જ સાચો માલધારી, ને તેમાંય ગીરનો માલધારી તો અનોખો જ હોય છે.
આ બધા કામથી પરવારી ગેલાનાં નેહડે વાળુ કરી રામુઆપાએ ખાટલે બેસી ચુંગી સળગાવી હતી. જીણીમાં ઓસરીમાં આસન પાથરીને બેઠા બેઠા ભગવાનનાં નામની માળા ફેરવી રહ્યા હતા. કનો બે દિવસ પહેલા વીહાયેલી ગાયની રાતા કલરની નાનકડી વાછરડીને રમાડી રહ્યો હતો. પોતાની વાછરડીને કોઈ અડે ત્યારે ભયને લીધે, થોડે દૂર બાંધેલી દેશી રાતી ગાય એ તરફ ડોક ખેંચાવી, હિંકોરા કરતી તણાઈને ઊભી હતી. રાજી ફળિયામાં બેઠી બેઠી સાંજના વાળુનાં વાસણ ચૂલામાં બાળેલા ગાયના છાણાની રાખથી માંજી રહી હતી. ગેલો પાથર્યા વગરના ખાટલે ખાલી ઓશીકું નાંખી સીધો સૂતો હતો. સૂતો સૂતો આકાશમાં ટમટમતા તારલાંમાં ખોવાયેલો હતો. નેહડાની સામે ઝાડની સૂકી ડાળીમાં બેઠેલો શીંગડિયો ઘુવડ ક્યારેક ક્યારેક ચિત્કારી શાંતિમાં ખલેલ પહોંચાડી રહ્યો હતો. અંધારિયા પખવાડિયાની ઘેરી કાળી અંધારી રાતે ગીરના જંગલને જાણે કોઈ અજગરે હરણાં ફરતે ભરડો લીધો હોય તેમ ભરડો લઈ લીધેલો હતો.
એટલામાં નેહડામાંથી દોડાદોડી અને હાંકલા પડકારાનો અવાજ આવવા લાગ્યો. આવા હાકલા પડકારા થાય એટલે નેહડામાંથી બધા હાથમાં કુહાડી ફીટ કરેલી ડાંગ લઈને બહાર નીકળી જાય છે. આવો કોલાહલ થાય એટલે જનાવર જ આવ્યું હોવું જોઈએ.
ક્રમશઃ...
(નેહડે કયુ જનાવર આવ્યું હશે જાણવા માટે વાંચતા રહો. "નેહડો (The heart of Gir)"
લેખક: અશોકસિંહ એ. ટાંક
wts up no. 9428810621