મારી યાદગાર ક્ષણ
પપ્પાની બદલી દર ત્રણ વર્ષે થાય. દરિયા કિનારે સ્ટાફ ક્વાટરમાં અમારે રહેવાનું. સ્ટાફમાં પંજાબી, મદ્રાસી બધાં રાજયોમાંથી કર્મચારીઓ હોય. દર ત્રણ વર્ષે બદલી થતી હોય, દરેક સ્ટાફ લગભગ પોતાના ફેમીલીને વતનમાં જ રાખે. પણ પપ્પાએ અમને હંમેશા સાથે જ રાખેલાં . અમારા ઓફિસ-ક્વાટર ગામથી લગભગ 2 થી 3 કીલોમીટર દુર હોય. સ્ટાફ ક્વાર્ટર એટલી મોટી જગ્યામાં હોય કે એક છેડાથી બીજા છેડે કોઈ વ્યક્તિ હોય તો દેખાય પણ નહીં. દરિયા કિનારો નજીક હોવાથી પાણી ખારૂં હોય. પીવા માટે પાણી પણ બહારથી આવે તેવી સગવડ ઓફીસ મારફત થાય.
આવા જ એક DNC સ્ટેશન દ્રારકા નજીક કુંરંગા ગામે પપ્પાની બદલી થયેલી. ગામના નામે માત્ર અમારું DNC સ્ટેશન, થોડે દૂર ખેતર વાડીઓ અને ખેડુતના ઝુંપડા (મકાનો) અને થોડે દૂર રેલ્વે સ્ટેશન.
પહેલા ટેન્કર જેવા કોઈ વાહનો હતાં નહીં, એટલે પીવાનું પાણી એક ખેતરવાળા ખેડુતભાઈ ગાડામાં ટીપડા ભરીને દરરોજ આપી જાય. સ્ટાફમાં બાળકોમાં અમે ત્રણ ભાઈબહેન જ. નાનો ભાઈ તો સાવ નાનો હતો. એટલે રમવામાં અમે બે ભાઈ બહેન જ હોઈએ. બાળપણ હોય થોડી ટીળખ તો હોય જ.
હવે જે ખેડુતભાઈ પાણી દેવા આવે તેનું નામ કદાચ ભોપાભાઈ હશે, પણ અમે તેને ભોપો કહેતાં. તે જયારે પાણી દેવા આવે ત્યારે ગાડું અમારા ઘર પાસેથી પસાર થાય કે અમે બારણા પાછળ સંતાઈને ઉભા રહેતા, જેવું ગાડું ઘર પાસેથી પસાર થાય કે અમે ભાઈ બહેન બહાર નીકળી જોરથી બોલતાં "અહીં આવ ભોપા તારી ખબર લઈ લઉં !! " પછી પાછા બારણા પાછળ સંતાઈ જતાં. પેલા ખેડુતભાઈ કયારેક વઢ આપતાં તો કયારેક હસવામાં કાઢી નાખતાં.
કોઈની ખબર લઈ લેવી એવી અમારી ખુમારીના કેવા હાલ થયાં તે હવે આગળ વાંચો
પપ્પાના એક સાહેબ તે ખુંધથી વાંકા હતાં. તેણે લગ્ન કર્યા ન હતાં. ભક્તિમાં તેણે મન પરોવ્યું હતું. કોઈના માનવામાં ન આવે પણ તે હરતા ફરતા, કામ કરતાં આખો દિવસ ગીતાના શ્લોક જ બોલતાં હોય. અમને ભાઈ બહેનને પણ તેઓએ ગીતાજીના પુસ્તક આપેલાં અને અમે પણ ગીતાજીના શ્લોક કંઠસ્થ કરી શકીએ તે હેતુથી દરરોજ સાંજે પાંચ વાગ્યાની આજુબાજુ અમને ભાઈ બહેનને પણ ગીતાના શ્લોક વાંચવા ઓફીસે બોલાવે. અંધારૂ થવા આવતાં પહેલાં અમને પપ્પા ઘરે મુકી જાય. આજે પપ્પાને કંઈ કામ હશે, તે બીજા એક સ્ટાફ અંકલ અમને ઘરે મુકવા આવ્યાં. તે અંકલ મદ્રાસી હતાં. તેણે તેની પરંપરાગત લૂંગી પહેરી હતી. ઓફીસથી અમારું ક્વાર્ટર જરા દૂર હતું. થોડું ચાલ્યા હશું કે રસ્તાની વચમાં એક મોટો સાપ બેઠો હતો. સાપને જોતા જ અમારા ભાઈ બહેનના હાંજા ગગડી ગયાં, અમે જોર જોરથી રડવા લાગ્યા.... રડવા તો લાગ્યા પણ ડરના માર્યા પેલાં અંકલની લૂંગી અમે જોરથી પકડી લીધી. કફોડી સ્થિતિ અંકલની થઈ. એ મદ્રાસી અંકલ અમને છાના રાખે કે સાપને દૂર કરે અથવા પોતાની લૂંગી બચાવે... મહામહેનતે તેણે પોતાની લૂંગી બચાવી, સાપ તો થોડી વારમાં રસ્તા પરથી પસાર થઈ જતો રહયો. ત્યાર પછી તેઓએ અમને માંડ માંડ છાના રાખ્યાં અને ઘરે સુધી મુકી ગયાં.
બચપણની ઘણીબધી વાતો હોય છે. એ યાદ કરીએ તો આપણે હસવું ખાળી ન શકીએ. "કોઈ લૌટા દે મેરે બચપન કે દિન !! "
જ્યારે પણ આપ કોઈ ટ્રેનમાં દ્રારકા જાવ તો ભાટીયા પછી આ નાનું એવું કુંરંગા સ્ટેશન આવશે. અમારાં બાળપણના ત્રણ વર્ષેની અને બીજા કેટલાયની યાદો લઈ તે DNC સ્ટેશનનું ખાલી ખોખું હજું પણ ત્યાં ઉભું છે. દ્રારકા જાવ તો મારા વતી ત્યાં જરૂર એક નજર કરજો.
Asha bhatt