"આખરે યાતનાના અંત માટે ઘનઘોર કાળાં વાદળો વચ્ચે સોનેરી કિનારે દેખાઈ. બીજું વિશ્વયુદ્ધ ચાલુ થઈ ગયું અને જર્મની, જાપાન સામે બ્રિટિશરોનું પલ્લું નમતું થયું.
અમને એમ કે હવે અમે ટૂંક સમયમાં છૂટશું પણ એમ યાતનાનો અંત ક્યાંથી?
મહાવીરસિંઘનાં ફેફસાંઓમાં પરાણે ઠાલવેલું દૂધ ભરાઈ જઈ તે મૃત્યુ પામ્યો પછી હડતાલે જોર પકડ્યું. અમે નક્કી કર્યું કે આ પાર કે પેલે પાર. મરવું જ છે તો ભારતીયો અને સ્વાતંત્ર્ય સેનાનીઓનો પ્રતાપ બતાવી મરીએ." આજે જેલના એ પીપળાના થડ આસપાસના ઓટલે ગોઠવાતાં વિઠ્ઠલરાવે કહ્યું.
"એક દિવસ આ દત્ત મહાશયે જ સૂચવ્યા મુજબ ફરી જ્યાં સુધી અમાનુષી મજૂરી જેવી કે ઘાણી આસપાસ સતત ફરી તેલ કાઢવું, ચાલીસ પચાસ વખત નારીએળીઓ પર ચડી નારિયેળ ઉતારવાં, માથે ભારે પથ્થરો ઉપાડી મજૂરી - એ બધાનો અંત આવે અને ભરપેટ નહીં તો ટકી રહેવાય એટલો ખોરાક મળે એમ રજુઆત કરી. અહીં તો જેલર જ ભગવાન. ન માન્યા. અમે ફરી ખોરાક અને પાણીનો ત્યાગ કરવા નક્કી કર્યું અને મારો એ કાગડો અને એ કોઈ જોડીદાર લઈ આવ્યો એ બે કાગડાઓએ બીજી બેરેકોમાં સંદેશ પહોંચાડ્યો." નૌતમદાદાએ કહ્યું.
"એક સાથે બધાએ કેવી રીતે બહિષ્કાર કરવો? બાબા ભાણસિંઘે સૂચવ્યું કે તે પીપળાનાં પાનની બનાવેલી સીટી વગાડશે એ સાથે પહેલાં લેતા હોઈએ એમ તૈયાર થઈ પછી બધાએ દૂધ ઢોળવું. એ જોરાવર પોલીસો સામે થવું કેવી રીતે? કેદી મુખોપાધ્યાય કહે ફૂટબોલ નથી રમ્યા? એમનાં વાસણને લાત મારવાની.
અમને પરાણે દૂધ આપવામાં આવ્યું એ સાથે સીટી વાગી. બધાએ મોં નજીક આવેલાં વાસણને એક સાથે લાત મારી. જેલની પરસાળમાં દૂધની છોળો ઉડી અને દૂધ દૂધ થઈ ગઈ. હવે એ લોકો પાસે પરાણે ગળામાં ઠોસવા કાંઈ ન હતું.
અમને માર્યા. બધામાં ડાહ્યા સાવરકરે વળી 'વાટાઘાટ' કરવા કહેવરાવ્યું. વાટાઘાટ તો બે પક્ષે હોય. અહીં તો એ લોકો અમને ગુલામ જ ગણતા હતા. અમે અસહકાર ચાલુ રાખ્યો. આ રીતે 'બેરેટરી' કરી સહકેદીઓને ઉશ્કેરવા બદલ કોર્ટમાર્શલને બદલે સીધા એક લોખંડના સળિયાઓની કોટડીમાં લઈ જઈ ભાણસિંઘને એટલા માર્યા, એમાં કોઈ સિપાહીએ એમનાં પેટમાં ખીલા વાળા બુટે લાત મારી. બાબા એક મોટી ચીસ પાડી મરણ પામ્યા. અમને અમારી બેરેકોમાં એ 3 બાય ચાર મીટરની નાની કોટડીઓમાં પુરેલા. અમારી સામે બાબાની લાશ લઈ જઈ દરિયામાં ફેંકાઈ. એ જંગલી લાકડાંનો અગ્નિદાહ પણ નહીં." ગુસ્સામાં ધ્રુજતા દત્ત મહાશયે કહ્યું.
તેમણે આગળ ચલાવ્યું. "લાસ્ટ સ્ટ્રો ઓન કેમલ્સ બેક. હદ આવી ગઈ. એક સાથી નારાયણે રસોયાને સાધ્યો. રસોયો મદ્રાસથી વેઠે પકડી લવાયેલો બ્રાહ્મણ હતો. ત્યાંના રૂઢિચુસ્ત રિવાજો મુજબ દરિયો ઓળંગ્યો એટલે એની નાત બ્રાહ્મણ ન રહી એટલે એ આખરે ડરતો ડરતો અમારે પક્ષે ખાનગીમાં આવ્યો હતો.
એક રાત્રે કામ પૂરું થયા પછી અમે એક મોટો કડછો નિશાન લઈ ઊંચે દીવાલ પર ફેંક્યો. ઉભી દીવાલમાં ખાડો તો આ ચારુ દત્તે બનાવી રાખેલો. દીવાલની ટોચે કડછીનો વળેલો ભાગ ભરાયો. તેની સાથે બાબા ભાણસિંઘ પહેરતા એ પાઘડી બચાવેલી એ લંગર બનાવી બાંધી. એની સાથે મેં બનાવેલી રસ્સી. અમે સાત કેદીઓ એક પછી એક દીવાલ કૂદી પાછળ દીવાલમાં મેં કરેલ ખાડામાં પગ મૂકી નીચે હળવેથી કુદયા. સુકાં પાંદડાંઓમાં અવાજ ન થાય એમ કિનારે જઈ ચૂપચાપ થોડા વાંસ જે અમારી પાસે જ કપાવેલા તેમાં જંગલી વેલના રેસાઓ બાંધી તરતા તરતા એ હજાર કિલોમીટર કાપવા કાળી રાતે કાળાં પાણી ચીરતા નીકળી પડ્યા."
મને કહે "તારા દાદા શ્રીપ્રસાદ તો દોરડી પાસે ઉભેલા. સહેજ પણ ભય જેવું લાગેકે ચિબરી જેવો અવાજ કરે. એમણે ભોગ આપ્યો અને રહી ગયા. એક રીતે સારું થયું."
દાદાએ મારી સામે જોઈ ચિબરીનો તીણો અવાજ કર્યો અને હસી પડ્યા.
"કેમ સારું થયું? તમે ભાગી તો શક્યા હતા ને!" મેં પૂછ્યું.
"હા. એ તરાપામાં નવસો ઉપર કિલોમીટર જવા નીકળી પડેલા. આ આંદામાનનો દરિયો પ્રમાણમાં શાંત કેમ કે આપણે જોયું તેમ તળિયું આજે સીધું દેખાય છે તેવો ખડકો વગરનો. પણ વચ્ચે જેમ કન્યાકુમારી અને શ્રીલંકા વચ્ચે રામસેતુ છે તેમ સતત નહીં પણ ટુકડે ટુકડે સમુદ્રમાં ઊંડા પહાડો. એટલે જે સમુદ્રમંથનની વાર્તા સાંભળીએ છીએ તેમ અમુક જગ્યાએ દરિયો છાશમાં રવાઈ ફેરવીએ તેમ વલોવવા માંડ્યો. એક જગ્યાએ પવન પણ જોરદાર ફૂંકાતો હતો. અમે સીધા મદ્રાસ તરફ જવાને બદલે રસ્તો ભૂલી જઈએ તો ક્યાંયના ન રહીએ. મારા સાથી નારાયણે તો એક માલવાહક જહાજને સાઈન કરી. અમે ખોરાક પાણી વગર ને દરિયાની થાપટો ઝીલી અધમુઆ થઈ ગયેલા. એ બાર્જના કેપ્ટને અમને ઉપર લીધા અને કોણ છીએ એ પૂછ્યું. નારાયણે અમે માછીમાર છીએ અને તોફાનમાં તણાઈ આવ્યા એમ કહ્યું. અમને ખોરાક પાણી અપાયાં. અમે નગ્ન હતા એટલે કપડાં પણ. એકાદ દિવસ જહાજ પર અમારી પાસે કામ પણ કરાવ્યું. નજીક એક પોર્ટ, કદાચ વિશાખાપટનમ હશે, ત્યાં માલ ઉતારી ચડાવ્યો. તે કેપ્ટને છાપું જોઈ અમારા ભાગી ગયાના ખબર જોયા હોય કે જે હોય તે, અમે સુતા હતા ત્યાં અમારા ફોટા પાડી લીધા અને બ્રિટિશ અધિકારીઓની ઓફિસે મોકલ્યા કે આ શંકાસ્પદ લોકો લાગે છે. ચહેરા પરથી અમે ઓળખાઈ ગયા. અમને ફાંસી જ થઈ હોત. નારાયણે આ પ્લાન બનાવેલો એટલે એને ફાંસીની સજા થઈ અને મેઇન લેન્ડની જેલમાં ફાંસી અપાઈ. અમને પકડીને ફરી અહીં લાવ્યા. હવે વધુ કડકાઈ હેઠળ." ચારુ દત્ત મહાશય ઊંડો શ્વાસ લઈ થંભ્યા.
"એ 1941 નું વર્ષ હતું. આખરે મને અને બીજા ચારને તો બર્મા માંડલેની જેલમાં મોકલ્યા. ત્યાં કામ આંદામાન જેવું અમાનુષી ન હતું. વધુ તારા દાદા અને મિત્રો કહેશે પણ 1945માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું પછી બ્રિટિશરોએ જ અમને ચારને છોડ્યા. મેં અમુક વર્ષ માન્ડલેમાં આપણા વાણિયાઓ ઇમારતી લાકડાંના વેપારીઓ હતા તેમને ત્યાં કામ પણ કરેલું. એટલો સદભાગી હું. પણ સ્વતંત્ર ભારતમાં રહેવું તો મારું સ્વપ્ન હતું. આઝાદી મળતાં જ પાંચેક વર્ષે હું આપણા ગુજરાતમાં આવી ગયેલો." નૌતમદાદાએ કહ્યું.
"દાદા, તમે ત્યાં રહી ગયેલા. પછી ત્યાં શું હતું?" મેં મારા દાદાને પૂછ્યું.
"અરે એ જ યાતનાઓ. પણ હવે બ્રિટિશરો થોડા વ્યવસ્થિત બન્યા. દિવસભરની કામની યાતનાઓ સાથે ચોમાસું પૂરું થતાં રાત્રે મોટાં મચ્છરો. એમાં મારો જ કઝીન ભાઈ ઉલ્લાસ દત્ત મેલેરિયામાં મગજ પર તાવ ચડી જતાં કાયમ માટે ગાંડો થઈ ગયો. થોડા કલાકમાં જ. એને પછી 14 વર્ષ બંગાળ પાગલખાનામાં રાખેલો. એમ જ એ મરી ગયો." ચારુદત્ત દાદાની આંખો ભરાઈ આવી. દાદાએ એમને સ્વસ્થ કર્યા.
દાદાએ મારા પ્રશ્નનો જવાબ આપ્યો. "હજી કામ તો કરાવતા જ. પણ નવો ઇન્ચાર્જ લેન હટન પ્રમાણમાં ભલો હતો. એ એક ડોક્ટર પણ હતો.
અમને અલગ અલગ જાતનાં બીજાં કામ સોંપાયાં. મલયેશિયા અને ઇન્ડોનેશિયા થી રબરના પ્લાન્ટસ લાવી અમારી પાસે રોપાવ્યા જેથી રબરની ખેતી થાય. અમને વૃક્ષ લીલું હોય ત્યારે એમાં છેદ પાડી ઠેકઠેકાણે દીવડા જેવી વાટકીઓમાં રબરનો રસ ઝીલતાં શીખવીને એ કામ કરાવતા. અમૂક જમીન સમથળ કરાવી ખેતીને લાયક બનાવરાવી. એમાં મોટા અજગરો, ઝેરી સાપો અને અડે તો ઝેર ચડે તેવું ઘાસ પણ કપાવરાવ્યું. પથરાળ જમીનને સમથળ કરવી કે જંગલ કાપવાં એ સહેલું ન હતું પણ દેશને કયારેક કામ આવશે એ ખાતરી હતી એટલે કરતા.
નારાયણ અને બાબા ભાણસિંઘ જેવા કેદીઓને ફાંસી પછી કોઈએ ભાગવા પ્રયત્ન કર્યો નહીં. આમ બસ, થોડાં વર્ષ કાઢ્યાં. મનને કહીને કે બહોત ગઈ .. થોડી પણ મીટ જાય, તાલમેં ભંગ ન પાય. અઘરું હતું પણ સજા દેશને ખાતર લડતાં થયેલી એટલે હસતા મોઢે નહીં તો એમને એમ સહન કર્યું." દાદાએ વર્ણવ્યું.
"એમાં 1939 પછી ગાંધીજી અને ટાગોરે સરકાર સાથે સતત અનેક વાટાઘાટો કરી અમને મેઇનલેન્ડની જેલમાં ટ્રાન્સફર કરાવવાનું કર્યું. એ દરમ્યાન જ નેતાજી સુભાષચંદ્ર બોઝ જાપાનને મળ્યા. જાપાને ટાપુને કેપ્ચર કરી લીધો અને જે જેલમાં બ્રિટિશરોએ અમને પુરી અત્યાચાર ગુજારેલો તે જ બેરેકોમાં બ્રિટિશરોને પુરી જાપાનીઓએ લગભગ એવી જ યાતનાઓ આપી. અહીંનું અહીં છે." વિઠ્ઠલરાવ બોલ્યા.
ગાઈડ અમને બહાર ઉભેલી બસમાં લઈ ગયા અને અમે દાદા અને આ સેનાની મિત્રો સાથે રાત પડી હોઈ અમારા સરકારી ઉતારે ગયા.
ક્રમશઃ