White Cobra - Part 9 in Gujarati Detective stories by Om Guru books and stories PDF | સફેદ કોબ્રા - ભાગ 9

The Author
Featured Books
Categories
Share

સફેદ કોબ્રા - ભાગ 9

સફેદ કોબ્રા

ભાગ-9

બંધ દરવાજો


સવારે ૭ વાગે ઇન્સ્પેક્ટર સૂરજ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો અને રાજવીરની કેબીનમાં પ્રવેશ્યો હતો ત્યારે જય રાજવીરની કેબીનમાં બેસી ફોન ઉપર CID અધિકારી જોડે શહેઝાદ ખાનના કેસ વિશે વાત કરી રહ્યો હતો.

આજથી એની ડ્યુટી બાંદ્રા પોલીસ સ્ટેશનમાં લાગી ગઇ હતી. એણે બાંદ્રા પોલીસ સ્ટેશનની ટીમ સાથે મળીને રમ્યા મૂર્તિના ખૂની ધનરાજ પંડિતને પકડવાનો હતો.

જયે વાત પૂરી કરી ફોન મુકીને સૂરજને જણાવ્યું હતું કે રાજવીર ૭ દિવસ માંદગીના કારણે રજા ઉપર છે એટલે કેસ આપણે બંન્ને એ સંભાળવાનો છે.

જયની વાત સાંભળીને સૂરજને નવાઈ લાગી હતી.

“રાજવીર કોઈ દિવસ ગમે તેટલી પરિસ્થિતિ ખરાબ હોય, પણ મેદાન છોડીને ભાગે નહિ. હું નાનપણથી જોતો આવ્યો છું કે એ લીધેલું કામ કર્યા વગર છોડે જ નહિ. ચાહે એ કામના એને પૈસા મળવાના હોય કે ના મળવાના હોય. નક્કી કોઈ બીજી વાત છે.” સૂરજે જય સામે જોઈ કહ્યું હતું.

સૂરજની વાત સાંભળી જય વિચારવા લાગ્યો કારણકે એને રાજવીરનો પરિચય છેલ્લા ૩ મહિનાથી વધારે ન હતો અને માટે રાજવીરની બધી બાબતોથી એ વાકેફ ન હતો.

“કાલે અમે શહેઝાદ ખાનના ફ્લેટમાં હતા ત્યારે એમના પર કોઈનો ધમકીભર્યો ફોન આવ્યો હતો. ફોન સાંભળી એ જમીન ઉપર બેસી પડ્યા હતા. તમે માનો કે ના માનો કોઈ એમને બ્લેકમેઈલ કરી રહ્યું હોય એવું મને લાગે છે.” જયે ખૂબ વિચારી સૂરજને કહ્યું હતું.

“રાજવીરને કોઈ બ્લેકમેઈલ કરે અને એ બ્લેકમેઈલ થાય એ વાત હું માનવા તૈયાર નથી. એ કોઈપણ સંજોગોમાં કોઈની પણ વાતના દબાણમાં આવે નહિ અને ડરે નહિ. એ નાનપણથી જ બહાદુર છે. હા.. ખાલી અફસોસ એ વાતનો છે કે એ સારો અને ઈમાનદાર પોલીસ અધિકારી બનવાને બદલે ભ્રષ્ટાચારી પોલીસ અધિકારી બન્યો છે. મારા પિતા બલવંત શેખાવત ફોજમાં હતા અને કારગીલની લડાઈમાં તેઓ શહીદ થયા હતા. મારા પિતા એ મરતા દમ સુધી દેશ માટે સેવા કરી હતી. અમારું નાનપણ ખૂબ જ ગરીબી અને તકલીફમાં પસાર થયું હતું કારણકે પિતાને અમારી સાથે-સાથે તેમના ભાઈ બહેનોનું પણ ધ્યાન રાખવું પડતું હતું. માટે ઘર ચલાવવામાં આર્થિક તંગી બહુ જ નડતી હતી. મેં અને રાજવીરે નાનપણમાં ખૂબ જ તકલીફો જોઈ છે. પરંતુ તકલીફોએ મને વધારે મજબૂત અને મારા પિતાની જેમ ઇમાનદાર બનાવ્યો. જયારે રાજવીર ગરીબી સામે લડતા-લડતા થાકી ગયો અને ભ્રષ્ટાચારના આ ચક્રવ્યૂહમાં ક્યારે ઊંડો ઉતરી ગયો એની અમને પણ ખબર ના રહી. કેટલાંય વર્ષોથી તો મારે અને અમારી માતાને એની સાથે કોઇ સંબધ નથી. પિતા શહીદ થયા ત્યારે એ ઘરે આવ્યો હતો ત્યાર બાદ એ ઘરે પણ આવ્યો નથી. પરંતુ જ્યાં સુધી હું એને ઓળખું છું એ કોઇપણ પરિસ્થિતિમાં અને સંજોગોમાં ઢીલો થાય અથવા તો તૂટી પડે એ શક્ય નથી.” સૂરજે મક્કમતાથી જયને કહ્યું હતું.

સૂરજની વાત સાંભળી જય વિચારમાં પડી ગયો હતો કારણકે ત્રણ મહિનાના અનુભવમાં એને એટલી તો વાત ખબર હતી કે રાજવીર કોઇપણ પરિસ્થિતિ અને સંજોગોમાં કોઈના દબાણ હેઠળ આવે એવો છે નહિ. જય એટલું તો એની બાબતે સમજી ચૂક્યો હતો. પરંતુ શહેઝાદ ખાનના ઘરમાં થયેલી ઘટના એના મગજમાંથી નીકળતી ન હતી. જે રીતે રાજવીર શહેઝાદના ઘરમાં ઢીલો પડી ગયો હતો એના પરથી નક્કી કશુંક એની જોડે ખોટું થયું છે એવું જય દૃઢપણે માની રહ્યો હતો.

શહેઝાદ ખાનનો કેસ CID સંભાળતી હતી માટે જય અને સૂરજ રમ્યા મૂર્તિના કેસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતાં.

ધનરાજ પંડિત વિશેની માહિતી એકઠી કરી સૂરજ એને ગિરફ્તાર કરવા માંગતો હતો જયારે જય સફેદ કોબ્રાના સાગરિતોને ધનરાજ પંડિતથી બચાવવા માંગતો હતો. બંનેનું લક્ષ્ય અલગ-અલગ હતું પરંતુ ટાર્ગેટ એકજ માણસ હતો અને એ હતો મેજર ધનરાજ પંડિત.

બરાબર આઠ વાગે જય ઉભો થયો અને સૂરજને કહ્યું કે પોતે એક કામ માટે જઈ રહ્યો છે. બપોર સુધીમાં આવી જશે. આટલું કહી એ પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળ્યો અને જીપમાં બેસી અને મંત્રીજીના પનવેલના ફાર્મ હાઉસ તરફ જવા નીકળ્યો હતો.

જયના નીકળ્યા બાદ થોડીવારમાં ઇન્સ્પેક્ટર સૂરજ પણ હોટલ સનરાઇઝ પહોંચ્યો હતો. એ રમ્યા મૂર્તિના ખૂન બાબતે હોટલના સ્ટાફ જોડે પૂછપરછ કરવા માટે ગયો હતો.

આ બાજુ રાજવીર શેખાવતે સવારે ઉઠી સાડા સાતે તૈયાર થઇ મંત્રીજીના પનવેલના ફાર્મ હાઉસ તરફ પોતાની જીપ ભગાવી મૂકી હતી. રાજવીરે આજે મંત્રીને મારવાનો હતો. રાજવીર અડધે રસ્તે પહોંચ્યો ત્યારે ધનરાજ પંડિતનો એના પર ફોન આવ્યો હતો.

“હલો રાજવીર.... પછી તે વિચાર્યું કે કઈ રીતે મંત્રીનું ખૂન કરીશ?” ધનરાજે સીધો સવાલ રાજવીરને પૂછ્યો હતો.

“હા... હું મંત્રીજીની જોડે હાથ મીલાવતી વખતે એક અણીદાર સોય એમના હાથમાં ઘુસાડી દઈશ અને એ સોય ઝેરવાળી છે જે લગભગ દસ મિનિટમાં મંત્રીને મારી નાંખશે અને મારા ઉપર આરોપ પણ નહિ આવે. હું અત્યારે મંત્રીને મળવા માટે જ મીટીંગમાં જઈ રહ્યો છું. મીટીંગમાં બીજા લોકો પણ હશે એટલે કોઈને મારા પર શંકા આવશે નહિ અને શંકા આવે એવી હોય તો પણ તમે મારી પાસે બીજો કોઈ રસ્તો છોડ્યો નથી.” રાજવીરે અકળામણ સાથે કહ્યું હતું.

“હા, તો પછી સાંજ સુધીમાં કે કાલ સવાર સુધીમાં ખબર પડી જશે કે મંત્રી આ દુનિયામાંથી વિદાય લઈ ચુક્યો છે. પછી હું તને બીજું મિશન આપીશ.” આટલું બોલી ધનરાજ પંડિતે ફોન મૂકી દીધો હતો.

રાજવીરે ગુસ્સામાં ગાડીની સ્પીડ વધારી હતી.

ધનરાજ પંડિતનો ફોન મુક્યા બાદ જેનીફર એમની પાસે આવી હતી.

“જો તમને વાંધો ના હોય તો અમે ભોંયરામાં અમારી પ્રાર્થના કરતા હોઈએ છીએ. જો તમે હા પાડતા હોય તો અમે ભોંયરામાં જઈ અમારી સવાર-સાંજ બે ટાઇમ પ્રાર્થના કરી શકીએ અને કેન્ડલ પ્રગટાવી શકીએ?” જેનીફરે ધનરાજ પંડિત સામે જોઈ પૂછ્યું હતું.

“હા, તમે પ્રાર્થના કરો એમાં અમને કોઈ વાંધો નથી.” ધનરાજ પંડિત બોલે એ પહેલા રાજવીએ જવાબ આપ્યો હતો.

ધનરાજે રાજવી સામે ગુસ્સાથી જોયું હતું અને પછી જેનીફર સામે જોઈ કહ્યું હતું.

“ચાલો તો તમારું ભોંયરું મને બતાવી દો. હું મારી રીતે જોઈ લઉં. બધું બરાબર હોય તો પછી તમે સવાર-સાંજ નીચે જઇ પ્રાર્થના કરજો. મને કાંઈ વાંધો નથી.” આટલું બોલી જેનીફર એક મિનીટ માટે તો વિચારમાં પડી ગઈ હતી.

પરંતુ પછી એ એના બે દીકરાઓ અને ધનરાજ પંડિત ત્રણેય જણ નીચે ભોંયરામાં પ્રવેશ્યા હતાં. ભોંયરામાં સામેની દિવાલ પર જ એક પ્રાર્થના માટેનું સ્થાન બનાવેલું હતું. જેના પર લાકડાનો ક્રોસ લગાડવામાં આવેલો હતો અને ક્રોસની બરાબર સામે કેન્ડલ મુકવામાં આવી હતી. જેનીફરે કેન્ડલ સળગાવી અને પ્રાર્થના કરી હતી. એના બંને દીકરાઓએ પણ એમ જ કર્યું હતું.

ધનરાજ પંડિત આખા ભોંયરામાં ફર્યા હતાં પરંતુ એમને કોઈ નુકસાનકારક વસ્તુ દેખાઈ નહિ. એટલે પછી એમણે જેનીફરને રોજ સવાર સાંજ પ્રાર્થના કરવા માટે હા પાડી હતી.

ધનરાજનું ધ્યાન એક બંધ દરવાજા તરફ ગયું હતું.

"આ બંધ દરવાજામાં શું છે?" આટલું જેનીફરને પૂછીને ધનરાજ દરવાજા પાસે ગયો હતો.

"આ દરવાજો અમે જ્યારથી બંગલો લીધો ત્યારથી બંધ જ છે. અમે ખોલતા નથી. એનો કોઈ ઉપયોગ નથી." આટલું બોલી એણે પોતાની પ્રાર્થના તરફ ધ્યાન આપ્યું હતું.

જેનીફરે જે રીતે જવાબ આપ્યો હતો એ રીતે ધનરાજ પંડિતને કંઈક અજુગતું લાગ્યું નહિ અને એ ઉપર આવતો રહ્યો હતો. એ દરવાજો ન ખોલવાની ભૂલ કરીને ધનરાજ પંડિતે એના જીવનની સૌથી મોટી ભૂલ કરી હતી.

“રાજવી હું જ્યાં સુધી જવાબ ના આપું ત્યાં સુધી તારે કોઈ જવાબ હા કે ના કરવો નહિ. આપણે આપણા દીકરાના કારણે ડ્રગ્સ માફિયાને અને એના સાગરિતોને મારી રહ્યા છીએ એવું નથી પરંતુ આપણે સમાજમાંથી કચરો દૂર કરવાનું કામ કરી રહ્યા છીએ. આમાં જરાપણ ભૂલ થશે તો મિશન નિષ્ફળ જશે. આપણને બંન્નેને હવે આપણી જાનની પરવા રહી નથી. પરંતુ મરતા પહેલા દેશ માટે કશું કરી જઈએ એવી ભાવના મને તો ચોક્કસ છે. મને રોજ સોહમ સપનામાં આવે છે. સોહમ વગર જિંદગીનો એક દિવસ પણ જીવવો પડશે એવું તો મેં કલ્પ્યું પણ ન હતું. હું જયારે કાશ્મીરમાં હતો ત્યારે પણ સોહમ જોડે દિવસમાં બે-ત્રણ વાર વાત કરી લેતો હતો. દીકરા વગરની જિંદગી બહુજ અધુરી લાગે છે.” ધનરાજ પંડિતે આંખમાં આંસુ સાથે પત્નીને કહ્યું હતું.

“સોહમ વગર જીવવું તો મારા માટે પણ શક્ય નથી. પરંતુ હું જીવી રહી છુંને? અને તમે ચિંતા ના કરો. સોહમનો જીવ જે ડ્રગ્સના નશાના કારણે ગયો છે એ ડ્રગ્સની ગેંગનો આપણે સફાયો કરી નાંખીશું. તમારી અને મારી ભાવના સારી છે. પછી ભલેને આપણે જીવીએ કે મરીએ. આપણને કશો ફરક હવે પડતો નથી.” રાજવીએ પતિના આંસુ લૂછતાં કહ્યું હતું.

થોડીવારમાં જેનીફર અને તેના દીકરાઓ પ્રાર્થના પતાવી ઉપર આવ્યા હતા.

રાજવીર અને જય લગભગ જોડે જ મંત્રીના પનવેલવાળા ફાર્મ હાઉસના ગેટ પાસે આવીને ઊભા રહ્યા હતાં. બંનેની નજર એકબીજા સામે મળી હતી. જયને આજે રાજવીરનો ચહેરો ખૂબ જ ઉતરેલો અને ચિંતામાં જણાતો હતો. સિક્યોરીટી ગાર્ડે દરવાજો ખોલ્યો એટલે રાજવીર અને જય બંનેની ગાડી ફાર્મ હાઉસમાં દાખલ થઇ હતી.

રાજવીર અને જય સિવાયના લોકો સમયથી વહેલા આવી ચૂક્યા હતા. રાજવીર અને જય અંદર દાખલ થયા અને સોફા પર જઈને બેઠા હતાં. બંન્નેના આવ્યા બાદ મંત્રીજીએ મીટીંગ ચાલુ કરી હતી.

“મિત્રો, સફેદ કોબ્રાનો મને આદેશ છે કે હોટલ સનરાઈઝનું કામ આજથી સિયા સંભાળશે. જે કામ રમ્યા મૂર્તિ કરતો હતો એ કામ હવે સિયાએ કરવાનું રહેશે. ડ્રગ્સનો ધંધો કોઇપણ સંજોગોમાં બંધ થવો જોઈએ નહિ. હોટલ બ્લ્યુ સ્ટાર ખરીદવાનું હમણાં મોકૂફ રાખવાનું છે એમ કહેવામાં આવ્યું છે. આ વાતનો સંદેશો સફેદ કોબ્રાએ મને પહોંચાડ્યો છે.” મંત્રીજીએ પોતાની વાત પૂરી કરતા કહ્યું હતું.

“સફેદ કોબ્રા એવું ઈચ્છે છે કે આપણે લોકો આપણને જે કામ સોંપેલું છે એ કરતાં રહીએ. બીજી કોઇપણ ચિંતા અને ડર રાખ્યા વગર જે વ્યક્તિએ રમ્યા મૂર્તિનું ખૂન કર્યું છે, સફેદ કોબ્રા એને જીવતો નહિ છોડે. આપણે બધાંએ આપણું કામ કરવાનું છે. એનાથી વિશેષ કશું કરવાની જરૂર નથી અને હા અભિનેતા શહેઝાદખાનના ખૂનના છાંટા આપણા પર પણ કદાચ ઉડી શકે છે. પરંતુ આપણે છેક હોમ મીનીસ્ટર સુધી બધું જ સેટિંગ કરેલું છે. એટલે આપણા બધાં સુધી કોઇપણ વાંધો આવશે નહિ. એવો સંદેશો સફેદ કોબ્રાએ મને આપ સૌને કહેવાનું કીધું છે." સલીમ સોપારીએ પોતાની વાત પૂરી કરતા કહ્યું હતું.

હોટલ સનરાઈઝનું કામ સિયાને સંભાળવાનું આપવામાં આવ્યું એ સાંભળી સિયા અને એનો ભાઈ વીકી ખુશ થઇ ગયા હતાં.

"સિયા આમાં કંઈ ખુશ થવા જેવું છે નહિ. રમ્યા મૂર્તિનું ખૂન દિન દહાડે એની હોટલમાં ઘુસીને કરવામાં આવ્યું છે. માટે તારે સિક્યોરીટી ગાર્ડ રાખીને અને સંભાળીને કામ કરવું પડશે તેમજ ખૂબ સાવચેત રહેવું પડશે. અજાણ્યા કોઇપણ લોકોને મળતાં પહેલા તારે સો વખત વિચાર કરવો પડશે. તું આ વાત ધ્યાન રાખજે અને હા વીકી, તું હંમેશા તારી બહેન જોડે જ રહેજે કારણકે માહોલ મને ગરમ થયો હોય એવું લાગે છે." મંત્રીજીએ પોતાની સુઝબુઝ પરથી સિયાને સૂચના આપતા કહ્યું હતું.

“હા.. મંત્રીજી હું ધ્યાન રાખીને જ કામ કરીશ. સફેદ કોબ્રાએ મારા પર આટલો વિશ્વાસ મુક્યો એનો મને આનંદ છે.” સિયાએ હસીને કહ્યું હતું.

સલીમ સોપારી સિયાને જોઈ રહ્યો હતો અને મનમાં વિચારી રહ્યો હતો કે કેટલી ખતરનાક સ્ત્રી છે. હજી કાલે જ પોતાના પ્રેમીને મારી નંખાવ્યો છે અને આજે એના મોઢા પર દુઃખ જરાપણ નથી અને ઉપરથી કાંટાવાળો તાજ માથા પર આવી રહ્યો છે, એનો આનંદ કરી રહી છે. ખરેખર બુદ્ધિ વગરની છોકરી છે. સલીમ મનમાં વિચારી રહ્યો હતો એવામાં જ બહારથી સિક્યોરીટી ગાર્ડે અંદર આવીને મંત્રીજીને એક કાગળ આપ્યો હતો.

મંત્રીજી એ કાગળ વાંચી થોડી ચિંતામાં આવી ગયા હતાં.

“મને સફેદ કોબ્રાએ બોલાવ્યો છે અને એમની BMW ગાડી ડ્રાઇવર સાથે બહાર ઊભી છે. મારે હમણાં જ એ ગાડીમાં બેસીને જવાનું છે.” મંત્રીજીએ ઊભા થતાં કહ્યું હતું.

મંત્રીજી ઊભા થઈ અને ફાર્મ હાઉસની બહાર નીકળ્યા હતાં અને જ્યાં ગાડી ઉભી હતી ત્યાં જઇ મંત્રીજી ગાડીમાં બેસી ગયા હતા.

"મંત્રીજીને સફેદ કોબ્રાએ કેમ બોલાવ્યા હશે?" સિયાએ સલીમ સોપારીને પૂછ્યું હતું.

“મને કશી ખબર નથી. પરંતુ કંઇક મોટું કામ હશે. પરંતુ રમ્યા મૂર્તિ પછી આ બીજા વ્યક્તિ હશે જે આજે સફેદ કોબ્રાને મળી રહી છે.” સલીમ સોપારી પણ આશ્ચર્યચકિત થઈ બોલી રહ્યો હતો.

રાજવીર પણ ઉભો થયો અને પોતાની જીપમાં બેસીને નીકળી ગયો હતો. રાજવીરે પોતાના ખિસ્સામાં રહેલી ઝેરવાળી સોય જીપમાંથી બહાર ફેંકી દીધી હતી.

થોડીવારમાં મંત્રીજી જે ગાડીમાં બેઠા હતા એ ગાડી જર્જરિત થયેલા જૂના ફાર્મ હાઉસમાં પ્રવેશી હતી. ફાર્મ હાઉસ આખું જ લીલોતરીથી ઢંકાયેલું અને મોટા-મોટા ઝાડોથી છવાયેલું હતું અને એ લીલોતરી વચ્ચે નાનો જૂનો બંગલો હતો. બંગલાની આસપાસ જંગલી ઘાસ ઉગી ગયું હતું. પહેલી નજરે જોતા સફેદ કોબ્રા જેવો ઇન્ટરનેશનલ ડ્રગ માફિયા આ બંગલામાં રહે છે એવો કોઈને વિચાર પણ ના આવી શકે.

મંત્રીજી આવું વિચારતા વિચારતા એ જૂના પુરાના જર્જરિત બંગલામાં પ્રવેશ્યા હતાં.

ક્રમશઃ.....

(વાચકમિત્રો, સફેદ કોબ્રા આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું... - ૐ ગુરુ )