White Cobra - Part 4 in Gujarati Detective stories by Om Guru books and stories PDF | સફેદ કોબ્રા - ભાગ 4

The Author
Featured Books
Categories
Share

સફેદ કોબ્રા - ભાગ 4

સફેદ કોબ્રા

ભાગ-4

લાશ ઉપર પૈસાની રમત


રાત્રિના અગિયાર વાગે સલીમ સોપારી એના બે સાગરીતો સાથે નિશાના ફ્લેટ પાસે આવીને ડોરબેલ વગાડ્યો.

નિશા થોડીવાર પહેલા જ પોતાનું કામ પતાવી બેડરૂમ આડી પડી હતી. ડોરબેલ સાંભળીએ દરવાજો ખોલવા બેડરૂમમાંથી ડ્રોઈંગરૂમમાં આવી ત્યાં સુધી બે થી ત્રણવાર ડોરબેલ વાગી ચુક્યો હતો.

નિશાએ વિચાર્યા વગર દરવાજો ખોલ્યો અને સલીમ સોપારી એના સાગરીતો સાથે ઘરમાં ઘૂસી ગયો અને દરવાજો બંધ કરી દીધો.

નિશા જોરથી બૂમ પાડવા ગઈ. પરંતુ એક સાગરીતે એનું મોં દબાવી દીધું અને બીજાએ એને ધક્કો મારી સોફામાં બેસાડી લમણા ઉપર બંદૂક મૂકી દીધી હતી.

સલીમ સોપરીએ ડાઈનિંગ ટેબલની ખુરશી લીધી અને નિશા સામે આવી બેસી ગયો હતો.

“તને બહુ ચરબી ચડી છે? બિહારી થઈ એક તો મુંબઈમાં રહે છે અને પાછી અમારા ડ્રગ્સના ધંધાની પોલીસમાં કમ્પલેન કરે છે. તારા બોસ શહેઝાદ ખાનને સિયા વિરુદ્ધ ચડાવે છે? જો સત્યને આંખ અને મગજ બંન્ને ખોલી સત્યને સમજી જા. અત્યારે તારી જોડે પોલીસ પણ નથી અને શહેઝાદ ખાન પણ નથી. હવે તું શું કરીશું?” સલીમ સોપરીએ નિશાનું ગળું પકડી કહ્યું હતું.

નિશા ખૂબ હબકી ગઈ હતી અને રડવા લાગી હતી.

“મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. હવે આવું કદાપિ નહિ થાય. હું તમારા લોકોના રસ્તામાં નહિ આવું. પણ મને છોડી દો. હું કોઈને કશું નહિ કહું.” નિશાએ આજીજી કરતાં સલીમને કહ્યું હતું.

“હું તને છોડીશ તો શું ગેરંટી છે કે તું ફરીવાર આવું નહિ કરે?” સલીમ સોપારીએ એને પૂછ્યું હતું.

“હું નહિ કરું, તમે કહો એ કરવા તૈયાર છું.” નિશા રડતાં રડતાં બોલી હતી.

“મહિને કેટલા પૈસા કમાય છે?” સલીમે એને પૂછ્યું હતું.

“૩ લાખ રૂપિયા.” એ બોલી હતી.

"3 લાખ મહિને કમાય છે તો પછી શાંતિથી જીવન જીવવું હતુંને. અમારા લફરામાં પડી સમાજસેવિકા બનવા માંગે છે? તને કેવીરીતે ખબર પડી કે સિયા ડ્રગ્સનો ધંધો કરે છે?” સલીમે નિશાને પૂછ્યું હતું.

“એકવાર શહેઝાદ ખાન આઉટદોર શુટિંગ માટે ઇન્ડિયા બહાર ગયા હતાં. ત્યારે હું સિયા જોડે શહેઝાદના ઘરે રોકાઈ હતી. એ સમયે દારૂના નશામાં સિયાએ મને ડ્રગ્સના ધંધાની અને તમારા બોસ સફેદ કોબ્રા વિશે કહ્યું હતું. સિયાએ કીધેલી વાત મેં શહેઝાદને કહી હતી.” નિશાએ ડુસકા ભરતા કહ્યું હતું.

સફેદ કોબ્રાનું નામ સાંભળી સલીમ પોતે આંચકો ખાઈ ગયો હતો. સિયા ઉપર એને ખૂબ ગુસ્સો આવ્યો હતો.

“સાલી ફ્લોપ ફિલ્મની હિરોઈન ધંધાને ફ્લોપ કરાવશે. નિશા તું અમારા ધંધા વિશે વધારે પડતું જ જાણી ગઇ છે. માટે તને જીવતી રાખવી એ અમારા બધાંનું મોત છે.” સલીમે નિશા સામે જોઈ કહ્યું હતું.

સલીમની વાત સાંભળી નિશાએ સલીમના પગ પકડી લીધા હતાં અને પોતાને છોડી દેવા માટે આજીજી કરી રહી હતી.

"મારી ઉંમર હજી ત્રીસ વર્ષની જ છે. મારા જીવનમાં બહુ જ સપના છે. મને મારો નહિ. હું તમારી ગુલામ બનવા તૈયાર છું." નિશા ધ્રુસકે ને ધ્રુસકે રડતાં રડતાં સલીમને વિનંતી કરી રહી હતી.

સલીમે પોતાનો પગ નિશાને ઝાટકો મારીને છોડાવ્યો હતો. સલીમ ઉભો થયો અને ફ્લેટમાં આવેલા ટેરેસમાં ગયો. ટેરેસની ખુલ્લી હવામાં એને થોડી શાંતિ અનુભવી અને અચાનક દોડતો પાછો ડ્રોઈંગરૂમમાં ગયો અને નિશાનો હાથ પકડી ટેરેસમાં લઈ આવ્યો. ટેરેસમાં નિશાને લાવી એના સાગરીતોને ઈશારો કર્યો. બંને જણા ઈશારો સમજી ગયા અને એમણે નિશાને ઊંચકીને નીચે નાંખી દીધી અને ફ્લેટમાંથી તરત ત્રણેય જણ નીકળી નીચે આવ્યા હતાં.

નીચે જયારે એ ત્રણેય જણ આવ્યા ત્યારે નિશાની લાશ પાસે ટોળું ભેગું થઇ ગયું હતું.

નિશા બાંદ્રામાં રહેતી હોવાના કારણે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ભીડમાંથી કોઈએ ફોન કરી પોલીસને બોલાવી લીધી હતી.

સબ ઈન્સ્પેક્ટર જય અને રાજવીર શેખાવત ઘટના સ્થળે આવી ગયા હતાં.

પબ્લિકને દૂર કરી પોલીસે પોતાની કાર્યવાહી પતાવી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી.

બીજા દિવસે સવારે રાજવીર શેખાવત અને સબ-ઇન્સ્પેક્ટર જય પોલીસ કમિશ્નરની કેબીનની બહાર વેઇટીંગ રૂમમાં બેઠાં હતાં.

પોલીસ કમિશ્નરે રાજવીરને કાલે રાત્રે જ ફોન કરી મળવા માટે પોલીસ કમિશ્નરની કચેરીએ મળવા માટે બોલાવ્યો હતો.

"ચોક્કસ કમિશ્નર સાહેબે આ નિશાના ખૂનની મેટર બાબતે અહીં આપણને બોલાવ્યા છે. આમાં પેલા મંત્રીની ગેંગનો તો હાથ નથીને?" રાજવીરે અકળાઇને જયને પૂછ્યું હતું.

"સર, આપણે CCTV કેમેરાની નિગરાની હેઠળ છીએ. અહીં કંઇપણ બોલવું મને યોગ્ય લાગતું નથી. માટે અહીંયાથી નીકળ્યા પછી વાત કરીશું." આટલું બોલી જય ઊભો થઇ વેઇટીંગ એરીયામાં આંટા મારવા લાગ્યો હતો.

"સાહેબ તમને અંદર બોલાવે છે." હવાલદારે આવીને રાજવીરને કહ્યું હતું.

રાજવીરે માથા પર પોલીસ કેપ ચઢાવી અને કમિશ્નર સાહેબની વિશાળ કેબીનમાં જય સાથે દાખલ થયો હતો.

કમિશ્નરે બંન્નેને ઇશારાથી સામેની ખુરશીમાં બેસવા કહ્યું હતું.

"નિશાનો કેસ ખૂબ વધારે પડતો મીડિયા ચગાવી રહી છે. શેખાવત, મને કોઇપણ હિસાબે ત્રણ દિવસમાં આ કેસનો નીવેડો જોઇએ છે અને હા, આ કેસમાં બહુ ઊંડું જવાની જરૂર નથી. આત્મહત્યાનો રીપોર્ટ બનાવી ફાઇલ બંધ કરી દો. બહુ ચોળીને ચીંકણું કરવામાં લાંબુ થાય એમ છે. માટે કહું છું એ પ્રમાણે આજથી જ પગલાં લેવાના ચાલુ કરો. તમે બંન્ને જઇ શકો છો." આટલું બોલી કમિશ્નરે પોતાના હાથમાં મોબાઇલ ફોન લીધો અને કોઇને ફોન લગાડ્યો હતો.

બંન્ને જણ ઊભા થઇ કેબીનની બહાર જતાં હતાં ત્યારે રાજવીરના કાને 'હેલો, હોમ મીનીસ્ટર સર?' કમિશ્નરનો બોલેલો અવાજ અથડાયો હતો.

રાજવીર અને જય પોલીસ જીપમાં આવીને બેઠાં હતાં. જયે જીપ ચાલુ કરી પોલીસ સ્ટેશન તરફ દોડાવી હતી.

"કમિશ્નર સાહેબ પણ હોમ મીનીસ્ટરની કઠપૂતળી છે. એ નચાવે એમ નાચે છે. મને એમ હતું કે આ કેસની ઊંડી અને ગંભીરતાથી તપાસ કરજો એવું કહેવા બોલાવ્યા હશે પરંતુ એના બદલે તો નિશાએ આત્મહત્યા કરી છે એવો રીપોર્ટ બનાવી દેવો એવી સ્પષ્ટ સૂચના આપવા આપણને બોલાવ્યા હતાં. લાશ ઉપર પૈસાની રમત કમિશ્નર સાહેબ રમ્યા લાગે છે." રાજવીરે હસીને જયને કહ્યું હતું.

"સર, લાશને જોતાં એવું લાગતું હતું કે આ આત્મહત્યા નથી પરંતુ ખૂન છે. મને લાગે છે કે આ નિશાનું કનેક્શન કોઇ મોટા માથા સાથે હશે અને એના કારણે એને મરાવી નાંખવામાં આવી છે. બાકી રહી મંત્રીજી સાથે જોડાણની વાત, તો નિશાનું જોડાણ કોઇપણ રીતે મંત્રીજી સાથે ન હતું." જયે રાજવીર સામે જોઇ કહ્યું હતું.

કમિશ્નર સાહેબની વાત સાંભળી જયને મનમાં શાંતિ થઇ ગઇ હતી કારણકે જો નિશાના ખૂનની ઊંડી તપાસ થાય તો એ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં સિયા સામે કમ્પ્લેન લખાવવા માટે આવી હતી એ વાત પણ બહાર આવે અને પોતાનું નામ ખરડાય એવું હતું અને નોકરીમાંથી સસ્પેન્ડ પણ થઇ જવાય માટે કમિશ્નર સાહેબનો આદેશ સાંભળ્યા બાદ એની બેચેની ઓછી થઇ ગઇ હતી.

"કમિશ્નર ભલે ના પાડે પરંતુ હું તો આ કેસમાં ઊંડો જઇશ. કમિશ્નરે રૂપિયા લઇ એનું ખિસ્સું ગરમ કરી લીધું અને આપણે દરિયામાંથી સાવ કોરા બહાર નીકળીએ અને એ પણ આવા હાઇ-પ્રોફાઇલ કેસમાંથી, તો મજા ના આવે." રાજવીરે પોતાના મનમાં રહેલી વાતનો ધડાકો કરતા જયને કહ્યું હતું.

"સર, કમિશ્નર સાહેબે આપણને આત્મહત્યા નિશાએ કરી છે એ રીતની માહિતી પોલીસ ફાઇલમાં મુકી કેસ બંધ કરવાનો આદેશ આપ્યો છે. કમિશ્નર સાહેબ જે રીતે બોલતા હતાં એ રીતે એ આ ફાઇલને ઝડપથી બંધ કરી દેવા માંગે છે. માટે આપણે હોંશિયારી કરીશું તો ક્યાંક આપણે ફસાઇ જઇશું." જયે રાજવીરને સમજાવતા કહ્યું હતું.

"અરે સાલા, તું કેમ ડરે છે? આપણો આમાં કોઇ હાથ છે નહિ અને થોડી તપાસ આપણે કરીશું તો જેનો નિશાના ખૂનમાં હાથ હશે એ પોતાના માણસ જોડે વહીવટ પહોંચાડવાની વાત ચોક્કસ કહેવડાવશે." રાજવીરે જય સામે હસીને કહ્યું હતું.

"આ પૈસાનો લાલચુ એક દિવસ મરાવડાવશે." જય પોતાના મનમાં વિચારી રહ્યો હતો એટલામાં બાંદ્રા પોલીસ સ્ટેશન આવી ગયું હતું.

રાજવીર અને જય જીપમાંથી ઉતરી રહ્યા હતાં એ વખતે અંદરથી હવાલદાર રઘુ દોડતો દોડતો એમના તરફ આવી રહ્યો હતો.

"આ સાલો રઘુ શું નવી મુસીબત લઇને આવી રહ્યો છે?" જયે રાજવીર સામે જોઇ કહ્યું હતું.

"ચિંતા ના કર જય, મુસીબત કોઇપણ હશે, આપણને તો પૈસા આપીને જ જશે." રાજવીરે પોતાનો બેલ્ટ સરખો કરતા જયને કહ્યું હતું.

જય મનમાં આવેલા રાજવીર માટેના ગુસ્સાને દબાવી રઘુને નજીક આવતો જોઇ રહ્યો હતો.

(વાચકમિત્રો, સફેદ કોબ્રા આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.)

- ૐ ગુરુ