Fear of ghosts in Gujarati Horror Stories by Rakesh Thakkar books and stories PDF | ભૂતનો ડર

Featured Books
Categories
Share

ભૂતનો ડર

ભૂતનો ડર

- રાકેશ ઠક્કર

વિતાન પોતાના ગામમાં ઘણા વર્ષ પછી આવ્યો હતો. તે જંગલના જીવજંતુઓ પર સંશોધન કરી રહ્યો હતો. એના માટે આવા ગામમાં આવવું જરૂરી બન્યું હતું. નહીંતર ન જાણે ક્યારે આવવાનું થયું હોત. શહેરની જેમ સમય સાથે ગામ એટલું બદલાયું ન હતું. ગામમાં આધુનિકતાએ એટલો પગપેસારો કર્યો ન હતો. ગામમાં પૈસાદાર લોકોના ઘરમાં નવા જમાનાની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો આવી ગઇ હતી પરંતુ તેમનું જીવન યાંત્રિક બન્યું ન હતું. મોટું ઘર બાંધીને આધુનિક સુવિધાઓ સાથે જીવતો ખેડૂત પણ સવારથી સાંજ સુધી ખેતરે જઇને મહેનત કરતો હતો. લોકો આધુનિક બની રહ્યા હતા પણ એમનું જીવન ગામઠી હતું.

શહેરની જેમ અહીં ગલીએ ગલીએ મેડિકલની દુકાનો ન હતી. તેમના ખોરાકમાં હજુ દસ જાતના પીઝાએ સ્થાન મેળવ્યું ન હતું. તેમની થાળીમાં ચોખા, બાજરી કે નાગલીના રોટલા જ શોભતા હતા. સાથે પંજાબી કે ચાઇનીઝ વાનગીઓને બદલે ઘરે જ ઉગાડેલા શાકભાજીના શાક સોડમ ફેલાવતા હતા. સાથે ચોખ્ખા ઘી કે દૂધમાંથી બનેલી વાનગીઓ મહેમાનોને પીરસાતી હતી. વિતાને બપોરે આવા ભોજનનો સ્વાદ માણ્યો અને તે શહેરની બધી જ વાનગીઓને ભૂલી ગયો. સંબંધીએ કહ્યું કે શહેરમાં ભણતા ગામના છોકરા-છોકરીઓ આવે ત્યારે ક્યારેક ઓનલાઇન ઓર્ડર કરીને પશ્ચિમી વાનગીઓ મંગાવી લેતા હતા.

શહેરના લોકોમાં સમય સાથે જે પરિવર્તન આવી રહ્યું હતું એની સામે ગામમાં એ ધીમું હતું. વિતાને જ્યારે અડધા જ દિવસના રોકાણ પછી આ બધું જાણ્યું ત્યારે તેને થયું કે ગ્રામ્ય જીવનમાં ગજબની શાંતિ છે. શહેરમાં ઉનાળો શરૂ થાય એ પહેલાં જ સૂરજદાદા રૌદ્ર રૂપ ધારણ કરી લે છે. અહીં ઠેરઠેર વૃક્ષોની હારમાળાથી એટલી ઠંડક છે કે શહેરના એસીમાં સોળ ડિગ્રીએ પણ આવી ઠંડક અનુભવાતી નથી. અહીંની માટીની મહેક મન મહેકાવી દે છે. શહેરમાં મોઢે રૂમાલ બાંધ્યા પછી પણ પ્રદૂષિત ગેસથી છૂટકારો મેળવી શકાતો નથી. છતાં શહેરના જીવનનું ઘેલું એવું છે કે પ્રગતિના નામે ત્યાં રહેવા માનવી પોતાને મજબૂર કરી રહ્યો છે.

ગામમાં હજુ વિતાનનું બાપદાદાનુ એક ઘર હતું. પણ એને સાફસૂફ કરવાની મગજમારીમાં પડવાને બદલે એક દૂરના સગાને ત્યાં રાતવાસો કરવાનું ગોઠવ્યું હતું. વિતાને પોતાના વર્ષો જૂના મિત્ર મુકેશને પોતાના આગમનની ચાર દિવસ પહેલાંથી જાણ કરી દીધી હતી. તેણે સાંજે ખેતીકામ પૂરું કર્યા પછી મળવાનું ગોઠવ્યું હતું. વિતાને બપોરે જમીને થોડીવાર મીઠી નીંદર લઇ લીધી. રાત્રે પ્રયોગ માટે જાગવાનું હોવાથી તે સહેતુક સૂઇ ગયો હતો. અહીં તે જીવજંતુ પરના સંશોધનમાં આગિયા પર ખાસ સંશોધન કરવા આવ્યો હતો. શહેરમાં બીજા જીવજંતુઓ જોવા મળી જતા હતા પણ આગિયા તો ગામ નજીકના જંગલમાં જ જોવા મળે એમ હતા. આગિયા પોતાના માટે રસ્તો શોધવા પ્રકાશ ફેલાવતા નથી. નર-માદા પોતાના પ્રકાશથી એકબીજાને શોધતા હોય છે. પ્રકાશનો ઝબકારો એને શિકારીઓથી બચાવે છે. આગિયા પ્રકાશ ચાલુ-બંધ કેવી રીતે કરે છે એના પર ચાલતા સંશોધનોમાં વિતાન આગળ વધવા માગતો હતો. ઉઠીને તે ગામમાં અમસ્તો જ લટાર મારી આવ્યો. ગામના ઘરો હવે છાણ-માટીને બદલે ઇંટ-સીમેન્ટના બની રહ્યા હતા. પણ લોકોના પહેરવેશમાં ઝાઝું પરિવર્તન આવ્યું ન હતું. લોકો પહેલાં જેટલા જ લાગણીશીલ અને પ્રેમાળ હતા.

સાંજ પડી એટલે વિતાન મુકેશને ત્યાં પહોંચ્યો. મુકેશ આજે રોજ કરતાં થોડો વહેલો આવી ગયો હતો.

'આવ... આવ ભાઇ! ઘણા સમય પછી તને જોઇને આનંદ થયો!' મુકેશે વિતાનને આવકાર્યો. મુકેશની નાની બહેન તેના માટે છાસનો પ્યાલો લઇ આવી.

'તું તો એવો ને એવો જ રહ્યો મુકેશ!' વિતાને એનું પગથી માથા સુધી અવલોકન કર્યા પછી કહ્યું.

'દુનિયાને બદલાવું હોય તો બદલાય આપણે શું કામ બદલાવાનું!' કહી મુકેશ હસી પડ્યો.

"સાંભળ! હું અહીં આગિયાના સંશોધન માટે આવ્યો છું એ તો જણાવી જ ચૂક્યો છું. હવે એને જોવા, એના પર પ્રયોગ કરવા આપણે જંગલમાં જવાનું છે. એ કેવી રીતે ગોઠવીશું?" વિતાન મૂળ વાત પર આવી ગયો.

"મારું માને તો જંગલમાં જવાનું રહેવા દે. અહીં ગામમાં જ થોડા વધુ ઝાડ અને અવાવરુ જગ્યાઓ છે ત્યાં તપાસ કરીએ. આગિયા મળી જવા જોઇએ...તું ચોમાસામાં આવ્યો હોત તો જંગલમાં જવાની જરૂર જ પડી ના હોત.' વિતાનને મુકેશના સ્વરમાં સહેજ ડર વર્તાયો.

"કેમ? જંગલમાં જવામાં શું વાંધો છે? કોઇની પરવાનગી લેવી પડે એમ છે?' વિતાને આશ્ચર્યથી પૂછ્યું.

"ના રે ના, જંગલ તો જેવું જંગલી પ્રાણીઓનું એવું જ માણસોનું ગણાય. એમાં પરવાનગીનો પ્રશ્ન આવતો નથી.' મુકેશ વાત કરતાં મૂંઝાતો હતો.

'તો પછી જંગલી પશુઓનો ડર છે?'

'ના ભાઇ...'

'તો પછી જંગલમાં જઇએ એવું તું કેમ ઇચ્છતો નથી?'

'જો વાત એમ છે કે એવી વાયકા છે કે જંગલમાં રક્ત પિપાસુ ભૂત ફરે છે...'

'હા...હા...હા...' કરતો વિતાન હાસ્ય રોકીને બોલ્યો:'આ વિજ્ઞાનના જમાનામાં તમે હજુ ભૂતપ્રેતના ભ્રમમાંથી બહાર આવ્યા નથી? ભૂત જેવું કંઇ હોતું નથી. એ બધો મનનો વહેમ છે. અમારે ત્યાં સોશ્યલ મીડિયા પર રોજ નવી નવી અફવાઓ ફરે છે એમ અહીં ભૂતની જૂની વાયકાઓએ ફરે છે...'

"વિતાન, તું ભલે ઘણું ભણ્યો છે અને વિજ્ઞાનમાં જ સંશોધન કરી રહ્યો છે પણ અહીંની જે વાસ્તવિકતા છે તેનાથી તને માહિતગાર કરી રહ્યો છું...'

'મુકેશ, આ વાસ્તવિકતા નથી અંધશ્રધ્ધા અને ડર છે. જંગલમાં માનવીઓ ના જાય અને એને નુકસાન ના થાય એ માટે આવી વાતો ફેલાવવામાં આવી હોય છે...'

'એ તારી માન્યતા છે. અહીં અમારા વડવાઓ જે અનુભવ કરી ગયા અને કહી ગયા એમાં થોડી તો સચ્ચાઇ હશે ને?'

"શું કહી ગયા છે? કોને ભૂતનો અનુભવ થયો હતો?'

'મેં સાંભળ્યું છે અને તું પૂછીશ તો ગામના વડિલો પણ કહેશે કે નજીકના જંગલમાં રક્ત પિપાસુ ભૂત રહે છે. જંગલમાં રાત્રે ફરે છે. જો કોઇ માનવી જાય તો તેના લોહીનું ટીપેટીપું ચૂસી લે છે. પણ તે ગામમાં પાદર પર આવેલા દેવીમાના મંદિરના પ્રતાપે અંદર આવી શકતું નથી. પરંતુ જો કોઇ ભૂલે ચૂકે પાદરની પાસેના વડની આગળથી જંગલમાં જાય તો એને પકડીને પોતાનો શિકાર બનાવે છે. સૂરજ ડૂબી ગયા પછી ત્યાં જવાની કોઇ હિંમત કરતું નથી. મારા દાદાએ કહ્યું હતું કે એમના દાદાએ ઘણા કિસ્સા કહ્યા હતા...'

'તારા દાદાના અને એમના દાદાના એ કિસ્સાને દાયકાઓ વીતી ગયા છે. હવે એ ભૂત જીવતા નહીં હોય!' કહી વિતાન હસવા લાગ્યો.

મુકેશની ઇચ્છા એની સાથે જવાની બિલકુલ ન હતી. મુકેશના માતા-પિતા પણ ઇન્કાર કરતા રહ્યા. વિતાને વિશ્વાસ અપાવ્યો કે તે પોતાની સાથે રિવોલ્વર લઇને આવ્યો છે. કોઇપણ હુમલો કરશે તો એના પર વળતો હુમલો કરશે. વિતાનના અતિ આગ્રહને કારણે મુકેશ તૈયાર થયો. બંનેએ ગામના પાદર પાસેના વડ આગળ મળવાનું નક્કી કર્યું અને છૂટા પડ્યા.

મુકેશને એના પરિવારે ફરી ના પાડી પણ તે વિતાનને હા પાડી ચૂક્યો હોવાથી જવું જ પડશે એવી મજબૂરી વ્યક્ત કરી. કદાચ આખી રાત જંગલમાં ફરવું પડશે એમ વિચારી મુકેશ જમીને રાતના પોણા બાર વાગ્યાનું એલાર્મ મૂકી સૂઇ ગયો.

વિતાન જંગલમાં જઇ આગિયાને જોવા અને તેના પર સંશોધન કરવા ઉત્સુક હતો. તેના સંબંધીએ પણ ગામમાં સાંભળેલી વાયકાઓ યાદ કરી તેને રાત્રે ન જવા સમજાવ્યો. વિતાન નક્કી કરીને જ આવ્યો હતો એટલે ના માન્યો. જમીને તેને ઉંઘ ના આવી. એ જાગતો જ રહ્યો અને કેવી રીતે પ્રયોગ કરવો તેનો વિચાર કરતો રહ્યો. સાડા અગિયાર વાગ્યા એટલે હાથમાં એક ટોર્ચ અને પોતાની પ્રયોગની પેટી લઇ પાદર તરફ જવા નીકળ્યો. તે પાદર પાસેના વડના ઝાડ પાસે પહોંચ્યો ત્યારે બાર વાગવાની તૈયારી હતી. તેણે જોયું કે વડ પાસે કોઇનો પડછાયો છે. તે ખુશ થઇ ગયો. મુકેશ તેના પહેલાં આવી ગયો હતો. તેણે પોતાના હાથમાંની ટોર્ચથી એના ચહેરા પર પ્રકાશ ફેંક્યો. મુકેશને જોઇ તે બોલ્યો:'તું તો મારાથી વહેલો આવી ગયો છે. મારા કરતાં તને પ્રયોગની વધારે ઉતાવળ લાગે છે...'

મુકેશ 'હં...' બોલ્યો.

"ચાલ હવે ઝડપથી જંગલમાં જઇએ. આગિયા આપણી રાહ જોતા હશે.' કહી વિતાન આગળ વધ્યો. પાછળ મુકેશ ચાલવા લાગ્યો. બંનેના પગ નીચે કચડાતા સૂકા પાંદડાના અવાજ વાતાવરણને વધારે ભયાનક બનાવતા હતા.

'આગિયા મળી તો જશે ને મુકેશ?' બિંદાસ ચાલતા વિતાને પૂછ્યું.

'હં...' મુકેશે ટૂંકાક્ષરી જવાબ આપ્યો.

'મને લાગે છે કે તું ભૂતથી ગભરાય છે. ડરથી તારી જીભ સિવાઇ ગઇ છે. તું ચિંતા ના કરીશ રિવોલ્વર મારા હાથમાં છે અને ટ્રીગર પર આંગળીઓ છે...' વિતાન ઉત્સાહથી આગિયાને શોધતો આગળ ચાલી રહ્યો હતો.

***

ગામમાં હજુ સૂરજ ઉગવાને વાર હતી. ચારે તરફ પક્ષીઓનો કલબલાટ સંભળાઇ રહ્યો હતો. ખેડૂતો ઢોરઢાંખર લઇને પોતાના કામે જઇ રહ્યા હતા. ઝડપથી ચાલતા ઢોરના પગને કારણે ઉડતી ધૂળમાં ગોધુલિનો સમય દેખાઇ રહ્યો હતો. ક્યાંક ગાયોના ગળામાં બાંધેલી ઘૂઘરીઓ રણકી રહી હતી તો ક્યાંક કોઇના ઘરમાંથી શંખનો ધ્વનિ ગૂંજી રહ્યો હતો.

'મુકેશ...ઓ મુકેશ...ઉઠ હવે, સૂરજદેવતા ગામના આંગણે પધારવા મારતે ઘોડે આવી રહ્યા છે...' માતાના અવાજથી મુકેશની નિદ્રા તૂટી. તે આંખો ચોળતો બેઠો થયો. અને બે હાથ જોડી ભગવાનનું નામ સ્મરણ કરવા લાગ્યો. તેણે આંખો ખોલી એટલે માએ પહેલો જ સવાલ પૂછ્યો:"બેટા, રાત્રે કેટલા વાગ્યે આવ્યો? મોડો આવ્યો હોય તો હજુ સૂઇ જા...'

'રાત્રે કેટલા વાગ્યે? પણ મા, હું તો ગયો જ નથી...' મુકેશે ચમકીને એલાર્મ તરફ જોયું. ઘડિયાળમાં એલાર્મનો સમય રાતના બારને બદલે સવારના સાડા છનો બતાવતો હતો.

'રાત્રે એલાર્મ વાગ્યું જ ન હતું. અને બારને બદલે સમય કેમ બદલાઇ ગયો? મારાથી એલાર્મ મૂકવામાં આટલી મોટી ભૂલ ના થાય.'

મુકેશની વાત સાંભળી મા ચમકી.

મુકેશ ઉભો થઇ ગયો:'મા, વિતાન રાત્રે મને બોલાવવા ના આવ્યો? હું તો જાગી જ ના શક્યો. એણે મારી રાહ જોઇ હશે. હું પહેલાં એને મળીને આવું છું.'

પગમાં ચંપલ પહેરતો તે દોડતો વિતાનના સંબંધીના ઘરે પહોંચ્યો.

મુકેશને જોઇ લવજીભાઇ જ પહેલા બોલ્યા:'વિતાન ક્યાં છે?'

મુકેશ ગભરાયેલા સ્વરે બોલ્યો:'હું તમને એ જ પૂછું છું...'

'એ તો રાત્રે તારી સાથે જવા નીકળ્યો હતો...'

'હું રાત્રે ઉઠી ના શક્યો. પણ એ મને લેવા ઘરે કેમ ના આવ્યો? એકલો જ નીકળી ગયો હશે? ચાલો જંગલમાં જઇ તપાસ કરીએ. એકલો જ ફરતો હશે...'

લવજીભાઇએ પોતાની સાયક્લ લીધી અને મુકેશને બેસાડી પેડલ માર્યું.

પાંચ મિનિટમાં પાદરના વડ પાસે પહોંચીને ત્યાં સાયકલ મૂકી બંને ધીમા પગલે જંગલ તરફ આગળ વધવા લાગ્યા. હજુ થોડે દૂર ગયા ત્યાં લવજીભાઇને પગમાં કશુંક અથડાયું. જોયું તો વિતાનની પ્રયોગ પેટી હતી. તેનાથી દૂર રિવોલ્વર હતી. બંને આશંકા સાથે જંગલમાં ઠેરઠેર ફરી વળ્યા. ક્યાંય વિતાન ના દેખાયો. પાછા આવ્યા અને પેટી મળી હતી એની આસપાસના વૃક્ષો ઉપર નજર નાખી. કોઇ દેખાયું નહી. અચાનક મુકેશની નજર એક ઝાડ પર ફેલાયેલા લોહીના ડાઘ પર ગઇ અને બંનેને ઘટનાનો અદાજ આવી ગયો. બંને લીલા તોરણે પાછા ફર્યા.

લવજીભાઇએ દુ:ખી સ્વરે કહ્યું:'હવે ભૂતની વાયકા નહીં પણ સાચા કિસ્સા છે એમ કહેવું પડશે...દેવીમાએ તને બચાવ્યો...'

***