Jo tari ha hoy to in Gujarati Love Stories by Ketan Vyas books and stories PDF | જો તારી હા હોય તો - 1

Featured Books
Categories
Share

જો તારી હા હોય તો - 1

જો તારી 'હા' હોય તો

એક એવી કહાની જ્યાં પ્રેમ છે, સાથીનો મિત્ર જેવો સંગાથ અને હૂંફ છે, ને સાથોસાથ મનદુઃખ, ગુસ્સો, નારાજગી ને ઘણાં ચઢાવ ઉતાર! પ્રેમ પૂર્વક ચાલતા સંસારમાં અચાનક આવી પડેલી ફાટ ને પછી લગ્નનો વિચ્છેદ કરવા ઉભેલ એવું નફરતમાં રગદોળાયેલું મન.


"તમને મારા સમ છે, શ્રમિક ભાઈ! મહેરબાની કરી તમે એ વાત વિશે એક હરફ ના ઉચ્ચારતા. પ્લીઝ, મારા ખાતર." સફેદ રંગની બેડશીટ ચડાવેલ પથારીમાં સુતેલી માનસીએ બાજુમા બેસેલ શ્રમિકને કહ્યું. શ્રમિક થોડી વાર માટે સાવ મૌન બની તેની સામે જોઈ રહ્યો. હાર્ટબીટના મશીન પર આવતો 'બીપ..બીપ..' અવાજ શ્રમિકને ભૂતકાળ તરફ ખેંચી જતો હતો.


શાળામાં સાથે ભણતા ત્યારથી અને એક જ સોસાયટીમાં રહેતા શ્રમિકને માનસીના જીદ્દી સ્વભાવની જાણ કેમ ન હોય? તેને એ પણ ખબર હતી કે માનસીના જેવા કોમળ હૃદય વાળી, વ્યવહારીક સમજ વાળી તેમજ નખશીખ સુંદરતાની ધની હોય તેવી વ્યક્તિ દીવો લઈને શોધવા નીકળીએ ત્યારે જવલ્લેજ મળે. શ્રમિકનાં મનમાં ઉભરતા શબ્દો પોતાનાં બાળપણની મિત્ર માનસીની આવી વિષમ હાલત જોઈને 'બીપ બીપ' ના અવાજમાં ક્યાંક દબાઈ જતા હતા.


શ્રમિક જાણે પોતાને જ ટપલી મારી બોલવાની હિંમત કરતો હોય તેમ, પોતાના હાથની હથેળીને કપાળથી નાક તરફ ને હોઠ સુધી ભારપૂર્વક ઘસી. " ચાલ, તારી વાત માનું છું, ઓકે?" માનસીની સામે જોયું ને બોલ્યો, "તારા અને સંજયના લગ્ન, ... સાંભળ..., જે પણ મનદુઃખ થયું, નારાજગી હોય, પણ આવા સમયે એને જાણ કરવામાં શું વાંધો છે?


માનસી હાથ લંબાવી કાંઈ કહે તે પહેલાં જ શ્રમિકે તેને રોકી, "અરે, શું કરે છે? હાથમાં આ સોય..! પ્લીઝ, મુવ ન કર." થોડા મૌન પછી, "એક નાની અમથી ગેરસમજ થઈ અને તું અહીં ઘરે આવી ગઈ. આ વાતને બે મહિનાથી પણ વધારે થવા આવ્યું. પતિ-પત્ની વચ્ચે થયેલી ગેરસમજ અને શંકામાં હું પોતે પણ ફસાયો છું. બેસીને વાત થાય, સમાધાન થાય - મારા પર લાગેલા આરોપમાંથી છૂટવાની તક મળે." આટલું બોલી બે ઘડી કંઈ વિચારતો રહ્યો, ભીની થતી આંખને મહા પ્રયાસે રોકવા ગરદન થોડી ઘુમાવી ને ગળું ખંખેર્યું, "એને ખબર તો પડે કે તું બીમાર છો. તું અહીં હોસ્પિટલની પથારીમાં વગર કારણની નફરતનો બોજ અને ડોકટરોએ છોડેલી આશાનો શિકાર બનીને સૂતી છો!"


બોલતાં બોલતાં અટકી જવું પડ્યું. નર્સ બહેન આવ્યા , માનસીની દવાઓ ચેક કરી તેમાંથી ચારેક ગોળીઓ શ્રમિકના હાથમાં થમાવી બીજા પેશન્ટ તરફ જતા રહ્યા.
માનસીએ દવા સાથે પાણીના બે-ચાર ઘૂંટ ગળે ઉતાર્યા તો શ્રમિકે પોતાના શબ્દોય માનસીના ગળે ઉતરે એવી આશાએ પોતાનો પ્રયત્ન આગળ ધપાવ્યો. "મારા લીધે તારા જીવનમાં તકલીફ શરૂ થઈ છે. મને મોકો આપ. હું તેમને રૂબરૂ મળીને બધું સજાવીશ. ચાલ, માની લે કે એ મારી સાથે કોઈ પણ પ્રકારનું વર્તન કરશે, પણ હું તારો એમના માટેનો પ્રેમ તો સમજાવી શકીશ. તારા ઉપર શંકા કેવી રીતે થઈ શકે? ચાર વર્ષના લગ્ન પછી આમ અચાનક શંકા ને ગેરસમજ કેમ?" શ્રમિકના કપાળે કરચલી પળી અને માનસીને બોલવાનો મોકો મળી ગયો.


"વધવા દો. થવા દો. એ શંકાએ ઘર કર્યું એ સારું જ કર્યું. ઈશ્વરનું આયોજન કદી ખોટું ન હોય!" માનસીના આ શબ્દોથી શ્રમિક વિસ્મયથી તેની સામે જોઈ રહ્યો અને પછી પોતાની વાત જોડી, "એટલે તો કહું છું કે બધું ઈશ્વર પર છોડી દે. સંજયને સચ્ચાઈની જાણ થવા દે. હવે, આ વાતનો અંત આવે કે કઈ નિરાકરણ આવે!


"એટલે, તું એવું ઈચ્છે કે એમને અપરાધભાવ જાગે? મારા જીવનમાં આમેય બચ્યું છે શું? હવે, એમની જિંદગી છે એમને જીવવા દે. મારી બીમારીમાં મારે એમની સેવા નથી જોઈતી. હું નથી ચાહતી કે મારા દુખે એ દુઃખી થાય!" માનસીની આંખોમાં જાણે ઝાકળ બાઝ્યા. અવાજ પણ થોડો ભારે થઈ ગયો. માનસીએ દરવાજા તરફ ઈશારો કરી વાતને ટાળતા કહ્યું, "જો મારા ભાઈ ભાભી આવે છે, હવે આ વાત અહીં ક્લોઝ. ને, હા કાઈ ગાંડપણ ન કરીશ."


શ્રમિક વ્યગ્ર ચહેરાને વ્યવસ્થિત કરતો હોય તેમ માનસીના ભાઈ ભાભીને જગ્યા આપી સાઈડમાં ઉભો થઇ ગયો. થોડી વાર દવાની, ડોક્ટરની વિઝિટ વગેરેની વાતો ચાલી. એ સમયે અચાનક કંઈ યાદ આવ્યું હોય તેમ શ્રમિક ડોક્ટરને મળી ઘરે જઈ આવું એમ કહી ત્યાંથી નીકળી ગયો.


હોસ્પિટલમાં પેશન્ટ સાથે કોઈએ રહેવાનું હોય એટલે ભાભી સાંજનું ટિફિન લઈને આવ્યા. ભાઈ કલાક જેવું બેસીને ઘર તરફ નીકળી ગયો. રાત્રે જમવાનું પત્યું ને માનસી પોતાના જીવન વૃત્તાંન્તને મનોમન વાગોળતી રહી. આમેય ખાવા પીવાનું બધું જ વખોળાઈ ગયું હતું. થોડું ખવાયને ઉલટી થઈ જાય. પગમાં સોજા ને શરીરની પીડા સહન થાય એવા નહોતા. કિડની માટે કોઈ દાતા ન મળે તો જીવન કેટલું ચાલે, ને ખર્ચો ક્યાં સુધી ચાલે - એ વિચારોથી માનસી હવે કોઈ સાહસ કરવાની સ્થિતિમાં નહોતી. તેની નજર સામે સંજયનો ચહેરો તરવરી જતો હતો. એવી તે શું ઘટના બની કે સંજયનો ભરોસો ગુમાવી દીધો. લગ્ન પછીના વર્ષોમાં એવું ક્યારેય નહોતું લાગ્યું કે સંજય પોતાના ઉપર આવો કોઈ વહેમ પણ કરે! માનસીનું મન પોતાના લગ્નજીવનના સુખના દિવસો, પ્રેમભરી સ્મૃતિઓમાં ખોવાઈ જતું ને રાત્રે વારે વારે ઝબકીને જાગી જતું.


ડોક્ટરની દવાઓ, દિવસમાં ત્રણ-ચાર નર્સની વિઝિટ, બે ત્રણ વાર ફીનાઇલ પોતાની સુગંધ ને બે વાર શ્રમિકની સાથે વાર્તાલાપ ને શ્રમિકનો એકની એક વાતનો આલાપ - આમ દિવસ નીકળતા રહ્યા. આ બધાની વચ્ચે માનસીની એક ઈચ્છા હતી કે ડોક્ટર આવીને કહે કે હવે આ પેશન્ટને ઘરે લઈ જઈ શકો છો. બસ, થાય એવી સેવા કરો. આમેય માનસીની બીજી કોઈ ઈચ્છા શેષ નહોતી. હા, એક વિચાર આવી જતો કે સંજયનું ક્યાંક સારી રીતે ઘર મંડાય જાય!"


"ઘરે જઈને વિદાય થવાનું છે કે હોસ્પિટલથી જ સીધુ મુક્તિધામ જવાનું થશે!" માનસીને પોતે જાણે નિર્ણય લેવાનો હોય તેમ શ્રમિકની સામે પોતાનું હૃદય ઠાલવતા ઠાલવતા આંખના આંસુને રોકી ન શકી.

"મને તો એમ છે કે ....." - શ્રમિક કાંઈ બોલે તે પહેલાં જ માનસી શરીરમાં જાણે ખેંચ આવતી હોય તેમ ચીસ પાડી ઉઠી. તેના શરીરમાં જાણે ધ્રુજારી આવતી હોય તેવું લાગ્યું. શ્રમિકે તાત્કાલિક નર્સ બહેનને બુમ પાડી બોલવ્યા.


ડોક્ટર આવી ગયા.તાત્કાલિક જરૂરી સારવાર શરૂ કરી. માનસીની નજર સામે ધૂંધળી દેખાતી હોસ્પિટલની દીવાલો ને દર્દીઓ, ડોક્ટર્સ - બધા જ માનવીના ઓળા જેવા લાગતા લોકો - બધું જ જાણે ધરતીકંપના આંચકે હિલોળા લેતું હોય તેવું લાગ્યું. તેણે શ્રમિકનો હાથ કસીને પકડી લીધો. "જો ને, બધું સરકીને જાય છે!"


એ માનસીના શબ્દો સાથે તેની સ્ટ્રેચર પણ ઓપરેશન રૂમમાં છુપાઈ ગઈ, ને શ્રમિક બહાર - દરવાજાની સામે આંખો ચીપકાવીને! ને માનસીના પપ્પા, મમ્મી, ભાઈ-ભાભી ને બીજા બે-ચાર કુટુંબીજનો પણ!

"બહુ સારું કામ કર્યું, ચિંતા ના કરો. આપણે આ જંગ જીતી લઈશું. દાતા મળી ગયા છે તો તમને તમારી દીકરી પણ મળી જશે!" પિતાના ખભ્ભા પર હાથ ને હૈયા પર આશાના મીઠા વહેણ છાંટી ડોક્ટર પણ ભારી ઝડપે ઓ.ટી. ના દરવાજે અદ્રશ્ય થઈ ગયા. ને દરવાજા તરફ નજર રાખીને પિતાના મુખેથી નીકળેલા શબ્દો, "જમાઈને કહેણ પણ ન મોકલાવ દીધા...., મનુ...એ!- નિસાસા સાથે નીકળેલા શબ્દો, શ્રમિકે અનુભવ્યા.


શ્રમિક મનોમન જાણે બબડયો, "અંકલ, તમારી માનસી એવી જિદ્દી જ છે! લગ્ન માટે, સંજય માટેની જીદ અને આજે સંજયને દુઃખનો આભાસ નહીં થવા દેવાની જીદ!


****


સ્પેશ્યલ વોર્ડમાં સુતેલી માનસીના ચહેરા પર થોડી ગુલાબી ચમક નિખરવી શરૂ થઈ હતી. શ્રમિક અને માનસીનો ભાઈ સામે એક સોફા પર બેઠા હતા. માનસીના પપ્પા ડિસ્ચાર્જના અમૂક કાગળિયાનું નિપટાવીને આવ્યા ત્યાં સુધીમાં માનસીએ એક હળવી નિંદર પુરી કરી દીધી હતી. માનસીના ભાભી અને મમ્મી બધા જ તેની આજુ બાજુમાં જ હતા.
"મનું બેટા! ચાલ તારા ઘરે હવે!" પપ્પાના શબ્દોથી માનસી વિચલિત થઈ ને તેમની સામે જોઈ કશું કહેવા જતી હતી ત્યાં જ તેના મમ્મીએ તેને રોકતા કહ્યું, "બેટા, આજે અમારું માન રાખી લે! સંજય લેવા આવ્યા છે!"

"ના... પ... -" આટલું બોલે ત્યાં માનસીની નજર સામે સંજયનો ઘટિલો પણ થોડો ઘઉં વર્ણો ચહેરો રૂમના દરવાજે નજરે ચડ્યો. તેના ચહેરા પર થોડી ઉદાસી, વ્યથાનો ભાવ જોઈ માનસી થોડી અસ્વસ્થ થઈ ગઈ. શબ્દો જાણે ગૂંગળાઈને ગળે બાઝી ગયા હોય એવું લાગ્યું.

"એમના ઘરે નથી જવું. ના, હવે નથી જવું, સંજય માટે બોજો નથી બનવું" સ્વ સાથે મથામણ ચાલતી રહી ત્યારે નર્સ બહેન અને એક લેડી ડોક્ટર એક નોર્મલ વિઝીટ પર આવી ચડ્યા. થોડી દવા અને અમુક ફોર્મલિટી પુરી કરવાનું સૂચન કર્યું તેમજ ડ્રેસિંગ ચેક કરવાનું હોય બધાને બહાર મોકલી દીધા.

આખરે બધી કાર્યવાહી પુરી થઈ. માનસી પણ ચુપચાપ કંઈ પણ બોલ્યા વગર સંજયની કારમાં બેસી ગઈ. ઑપરેશન કર્યાંને દશ દિવસ જેવું થઈ ગયું હતું. માનસીના ચહેરા પર નવું જીવન મળ્યાની ખુશી હતી, પરંતુ મન ખૂબ વિહવળ બની થોડી થોડી વારે સંજયને નીરખી રહ્યું હતું. સંજય પણ જાણે હિંમત ભેગી કરી માનસી ને મળવા આવ્યો હોય તેમ ચોરી છુપી ને અપરાધભાવ અનુભવતો હોય તેમ માનસીને જોઈ લેવા કોશિશ કરી લેતો હતો.

માનસીની આંખમાંથી ટપકીને એક આંસુ માનસીના હાથ પર પડ્યું. તેનો હાથની આંગળીઓ પર્સના એક ખાનાંમાં પડી રહેલા કાગળ સાથે રમી રહી હતી.

કાગળ પર હાથ ફેરવતી આંગળીઓ અને આંખોમાં છલકાતું મન ડોક્ટરનો આભાર માની રહ્યું હતું. ડોક્ટરે આપેલા બે કાગળ અને કહેલી વાત માનસીના હૃદયને ભીંજવી રહી હતી. કાગળનો એકેક શબ્દ માનસીના માનસપટલ પર છપાઈ ગયો હતો.

એક પત્રનું લખાણ હતું ....

પ્રિય ભાઈ સંજય,
મારી પાસે તમને કહેવા શબ્દો નથી, પણ આજે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી.
વાત છે માનસીની , તેના જીવનની, તેના છેલ્લા દિવસોની!
એ બીમાર છે. સારવારથી બચી જશે તેવી સંભવના અત્યારે તો દેખાતી નથી. એક કિડની ફેલ છે, બીજી કિડની તેને જીવાડે છે એ પણ એક આશ્ચર્ય છે! કદાચ તમારા માટે તેનો પ્રેમ એને જીવાડે છે એમ કહું તો ના નહીં.

તમારી સાથે લગ્ન કરવા એ એની જીદ હતી. ઘરમાં બધા જ લોકોએ તેને સમજાવી કે છોકરો એક પગે અપંગ છે. તેમના ઘરમાં કોઈને નહોતી ખબર કે આ એ જ સંજય છે જે માનસીને જોવા માટે ઘરેથી નીકળ્યો પણ ત્યારે માનસીને જોઈ ન શક્યો. રસ્તામાં જ એક અકસ્માત નડ્યો. બે વર્ષ પછી મેં જ્યારે જાણ્યું ત્યારે મેં પોતે આ વાત તેને જણાવી. ત્યારે તેણે તેના ઘરે જાહેર કર્યું કે એ લગ્ન કરશે તો સંજય સાથે જ કરશે. માનસીએ પોતાના હૃદયની વાત મક્કમતા પૂર્વક ઘરનાં વડીલો સામે મૂકી દીધી. તેણે નક્કી કર્યું કે જે છોકરો મારુ નામ વિચારીને ઘરેથી નીકળ્યો ને આવી ઘટના બની......!
અંતે, તમારા બેઉના પ્રેમને હું શ્રમિક - બાળપણનો મિત્ર જેને તે ભાઈ માને છે - ખૂબ માનપૂર્વક જોઉં છું અને આપને વિનંતી કરું છું કે એક વાર આવીને તેને મળી લો."

આખો પત્ર માનસીના હૃદયમાં ઉપસી આવ્યો ને સાથોસાથ શ્રમિક માટે ગુસ્સો પણ!

બીજો પત્ર આપતા ડોકટરે કહ્યું કે આ પત્ર જેણે કિડની આપી તેમનો હતો. એમાં બે વ્યક્તિને સંબોધન હતું...

"ડોક્ટર શ્રી,
હું રાજી ખુશીથી મારી કિડનીનું દાન કરું છું. જો ઓપરેશન દરમિયાન મને કાઈ અજુગતું થઈ જાય છે તો મારી બીજી કિડની પણ એ જ દર્દીને આપશો!"

બીજું સંબોધન...

"માનસી,
માફી માંગવાનો અધિકાર નથી કે માફી શબ્દથી તારા દિલને દુઃખ આપવા નથી માંગતો. જેટલું આપ્યું છે તે જ અતિ છે. હું ખુશ છું કે આજે મારા શરીરનું એક અંગ હંમેશા તારી સાથે રહેશે. તું મારી સાથે હોઇશ તો ઈશ્વરનો આભારી છું. પણ તને તારા નિર્ણયમાં સાથ આપીશ.

ઓપરેશન ટેબલ પર જતાં પહેલાં જ ખબર પડી કે આજનો દિવસ 'વેલેન્ટાઈન ડે" છે. જો આપણે બેઉ સલામત રહીએ તો મારી એક વિશ રહેશે કે તું મારી સાથે હો. તારી 'હા' હોય તો 'રાહ' જોઉં છું!

તારો - જો તને ઠીક લાગે તો;
સંજય"


*****


માનસીએ પત્રથી ધબકતા થયેલા પર્સને થોડું ઊંચકી હૃદયે લગાવી દીધું. સંજયે ઘરના દરવાજે પહોચતા બ્રેક લગાવી. શ્રમિક માનસી સામે નજર કરી, કારનો દરવાજો ખોલીને નીચે ઉતરી ગયો.

-- કે. વ્યાસ "સંકેત"


આપના પ્રતિભાવ દ્વારા મારી આ વાર્તાને ન્યાય મળશે તેમજ નવી વાર્તાઓને પ્રેરણા મળશે.