Waiting for the philosopher's stone ... !! in Gujarati Motivational Stories by Mahendra R. Amin books and stories PDF | પારસમણીની પ્રતીક્ષા ...!!

Featured Books
Categories
Share

પારસમણીની પ્રતીક્ષા ...!!

પારસમણીની પ્રતીક્ષા ... !!

લાખો નિરાશામાં છુપાયેલી એક આશા એ જ તો છે જીવન સાફલ્યની ચાવી. વારંવાર થતું પુનરાવર્તન પણ એક સફળતાની ચાવી જ છે.

સફ્ળતાને વરવું હોય તો મનનો દ્રઢ નિશ્ચય અને સખત પરિશ્રમ જ સફળતા તરફ દોરી જતો એક સુનિશ્ચિત માર્ગ છે. તેની અવગણના કરી શકાય તેમ નથી.

બધી જ વાતોની એક જ વાત ...
"મન હોય તો માંડવે જવાય."

અરે, ઓ દલપતરામ આવો ...
આવો, જુઓને આ સવાર સવારમાં કેટલાક લોકો એકત્ર થઈ બૂમાબૂમ કરે છે અને કહે છે, "લાવો, બતાવોને પારસમણીની ચાવી." જો જો , ડબલ લોક છે. પહેલાં તમે તમારા મનમાં દલપતરામનો કરોળિયો ભેળવો પછી આગળ ...
********************
દલપતરામ નો કરોડિયો ...

કરતાં જાળ કરોડિયો, ભોંય પડી પછડાય,
વણ તૂટેલ તાંતણે, ઉપર ચડવા જાય.

મે'નત તૅણે શરૂ કરી, ઉપર ચડવા કાજ,
પણ પાછો હેઠો પડ્યો, ફાવ્યો નહિ કો ઘાટ.

એ રીતે મંડી રહ્યો, ફરી ફરી બે - ત્રણ વાર,
પણ તેમાં નહિ ફાવતાં, ફરી થયો તૈયાર.

હિંમત રાખી હોંશથી, ભીડ્યો છઠ્ઠી વાર,
ધીરજથી જાળે જઈ, પોં'ચ્યો તે નિર્ધાર.

ફરી ફરીને ખંતથી, યત્ન કર્યો નહિ હોત,
ચગદાઈ પગ તળે, મરી જાત વણમોત ...

એ રીતે જો માણસો, રાખી મનમાં ખંત,
આળસ તજી, મે'નત કરે પામે લાભ અનંત.
- દલપતરામ
********************
લ્યો ત્યારે, હવે આપણે સંજનાને મળીવા તેના 'પરિશ્રમ' બંગલે જ જઈએ. ત્યાં જઈને તેની પારસમણીની શોધને સમજવા આપણે પ્રયત્ન કરીએ.

પરિશ્રમ એજ પારસમણી

માનવીએ પોતાના મનમાં જે કોઈ નકારાત્મક વિચારો ઉદભવે તેને ખંખેરી નાખીને મનને હકારાત્મક વિચારોથી ભરી દેવું જરૂરી છે. એક નાનકડો વિચાર જે નકારાત્મકતા તરફ દોરી જતો હોય તો ... જીવન બરબાદ કરી નાખે છે. પરંતુ એ જ વિચાર શ્રદ્ધા સાથે હકારાત્મકતા તરફ વળી જાય તો જિંદગી આબાદ બની જાય છે. આ બોધ સમજાવતી એક સ્વરચિત વાર્તા બોધકથાના રૂપમાં અહીં રજુ કરું છું જે આપ સૌને એક અનેરો માર્ગ પર દોરી જશે અને આપની આકાંક્ષા પણ પૂરી કરવામાં સહાય કરશે.

સંજના છ વરસની હતી ત્યારે તેની મમ્મીનું બ્લડ કૅન્સરના કારણે અવસાન થયું હતું. સૌરભભાઈએ પોતે સંજનાને માતાનો પ્રેમ આપીને મોટી કરવાનો દ્રઢ નિર્ણય કરીને લગ્ન નહી કરવાનો નિર્ણય લીધો. સંજના પણ દિવસે દિવસે મોટી થઈ રહી હતી અને સૌરભભાઈનો ધંધો પણ વિકસતો જતો હતો.

હવે તેમને સંજનાને અપાતા સમયમાં ઓટ આવી રહી હોય તેમ લાગ્યું અને ચિંતાગ્રસ્ત રહેવા લાગ્યા. આ વાત તેમના જ સમાજના અગ્રગણ્ય એવા કેટલાક મોભીઓના ધ્યાનમાં આવી. તેઓએ સૌરભભાઈને લગ્ન માટે ખૂબ દબાણ કરવા લાગ્યા. ઘણી વિચારણા બાદ તેમનું માન રાખવા તથા સંજનાના સથવારાને ધ્યાનમાં રાખી એક વિધવા સાથે સંજનાને માની ખોટ ન વરતાય તે રીતે રાખવાની શરતે લગ્ન કરી લીધા. શરૂઆતમાં બધું બરાબર ચાલ્યુ.

ત્યારબાદ સમય જેમ જેમ પસાર થતો ગયો તેમ તેમ સંજનાને તેના પિતાની ગેરહાજરીમાં ત્રાસ શરુ થયો. આમ કરતાં કરતાં સંજના હવે ધોરણ દશમાં આવી ગઈ. તેની અપરમાનો ત્રાસ તેના પર વધતો ગયો. સંજનના પપ્પાની હાજરીમાં તેણી સંજના સાથે એવો વ્યવહાર કરે કે, જાણે સાચી માતા કરતાં પણ વધારે. પરંતુ ખરી શરૂઆત સંજનાના પિતા ઑફિસ જાય એટલે તેનો જુલમ વધતો જાય, શાળાએ જતા પહેલાં અને શાળાએથી આવ્યા પછી નોકરાણીની જેમ જ સંજનાએ બધાં કામ કરવાનાં. ચૂક થાય તો મારે પણ ખરી.

આમ ને આમ સંજનાનો અભ્યાસ નબળો થતો ગયો. તેણી ઘણી વખત શાળામાં લેશન કર્યા વિના જતી. આથી શાળામાંથી ફરિયાદ આવે તો તેની આ અપર મા સૌરભભાઈને ખોટી દોરવણી આપતી. આમ બોર્ડની પરીક્ષામાં તે બધા વિષયમાં નાપાસ થઈ. બીજે વર્ષે ફરી પરીક્ષા આપી. તે ફરી નાપાસ થતાં તેની અપર માતાએ ન કહેવાના શબ્દો કહેતાં ખૂબ હતાશ થઈ. તેને સતત આપઘાત કરવાના વિચારો જ આવતા.

તેણીએ જીવનને ટુંકાવી દેવાનો નિર્ધાર કરી લીધો. એક દિવસ બપોરે તેણે ઘર છોડ્યું. તેના ગામની પાસે જ એક નદી વહેતી હતી. ગામ અને નદી વચ્ચે એક નાનું એવું જંગલ હતું. જંગલના રસ્તે નદી તરફ જતી હતી. તેણીની નજર એકાએક એક ઝાડની ડાળી પર પડી. ઝાડની ઉપરની ડાળે એક વાંદરી બેઠી હતી. નીચેની ડાળે તેનું બચ્ચું હતું. આ બચ્ચું નીચેની ડાળેથી કૂદકો મારી તેની મતાની ડાળ પકકડવા પ્રયત્ન કરતું હતું. ડાળી ન પકડાતાં તે ધબ કરીને નીચે પડી જતું. હવે સંજનના આ વાંદરીના બચ્ચામાં ભારે રસ પડ્યો. તે દૂર પણ બચ્ચાની સઘળી હિલચાલ દેખાય તેમ એક ઝાડના ટેકે ઊભી રહી ગઈ.

પેલું જમીન પર પડેલું પેલું બચ્ચું બેઠું થયું અને દોડતું પાછું ઝાડ પર ચડી પોતે પહેલાં હતું તે જ ડાળી પર ગયું. તેણે માને પકડવા ફરી કૂદકો માર્યો તો ફરી પણ તે નીચે પડ્યું. તેની માના પેટનું તો પાણી પણ ન હાલતું ન હતું, એટલું જ નહીં તેની માએ તેના તરફ નજર શુદ્ધાં પણ ના કરી. આમ ને આમ બચ્ચાનિ અનેક પ્રયત્નો પછી બચ્ચાએ તેની માતા બેઠી છે તે ડાળી જેવી પકડી કે તરત જ તેની માએ તે બચ્ચાને બે હાથે ઊંચકીને છાતી સરસુ લગાવી દીધું અને તેને ચાટવા લાગી.

આ જોઈને સંજનાના મનમાં આપઘાત કરવાનો જિંદગીનો નકારાત્મક વિચાર હતો તે સકારાત્મકતામાં પરિણમ્યો.

સંજના તરત જ ઘેર પાછી ફરે છે અને મનથી તમામ પરિસ્થિતિનો હસતાં હસતાં કઠોર પરિશ્રમ કરી ફરી પરીક્ષા આપી. જ્યારે પરિણામ આવ્યું ત્યારે બોર્ડમાં સર્વશ્રેષ્ઠ સ્થાને હતી. પછી તો તે સડસડાટ આગળ વધતી માસ્ટર્સ ડિગ્રી મેળવી હાઈસ્કૂલમાં શિક્ષિકા બાદ આચાર્યા પણ બની. હાલ નિવૃત્ત જીવન ગાળે છે. તેણી તેની બે દીકરીઓ રિયા અને દિયાના સંસાર સાથે ઓતપ્રોત રહી ભક્તિમય જીવન માણી રહી છે.

આપણી ઈચ્છા બળવાન હોય તો કોઈ કામ અઘરું નથી. લાખો નિરાશાઓમાં એક ચેતનારૂપ આશા સમાયેલી છે. આ માટે જરૂરી છે પરિશ્રમરૂપ
પારસમણીની. આજથી આ વાર્તાનો બોધપાઠ લઈ આળસ ખંખેરી આગળ વધજો. તમારું જીવન પણ પારસમણી બની જશે.
************************************
મહેન્દ્ર રમણભાઈ અમીન, 'મૃદુ'.
ગ્રીનસીટી, પાલ-ભાઠા રોડ, સુરત.
91 87804 20985
************************************