The Kashmir Files :
આ ફિલ્મ વિશે પ્રથમ તો થોડું ટૂંકમાં જ અને જરા અલગ રીતે કહીશ. પ્રશ્નો દ્વારા...
(૧) તમે દુનિયાના ઇતિહાસની ઘણી ટ્રેજેડી સંદર્ભે કોઈ વ્યક્તિ, વસ્તુ કે જગ્યાનો ફોટો અતિપ્રસિદ્ધ (વાયરલ/ઓળખાણ સ્વરૂપ) થયેલો જોયો હશે. શું કાશ્મીરી પંડિતો સાથે ઘટેલી ઘટના અંગે કશું પ્રસિદ્ધ થયું છે?
(૨) જે તે સ્થળનો ઉલ્લેખ થાય એટલે તે સ્થળ સાથે સંકળાયેલ વ્યક્તિ વિશેષનો ઉલ્લેખ થાય. કાશ્મીર નામ જેમના નામ પરથી પડ્યું તે કશ્યપ ઋષિનું નામ કેમ યાદ નથી આવતું?
(૩) ફિલ્મમાં બે પાત્રો વચ્ચે તડાફડીવાળો સંવાદ અચાનક મૌન થાય છે કે જ્યારે,
અ: હા તો માઇનૉરિટીને દબાવો તો હથિયાર જ ઉઠાવે ને!
બ : કાશ્મીરી પંડિતોએ તો નથી ઉઠાવ્યા.
આ 'બ' નો ડાયલોગ સાંભળીને 'અ' અચાનક મૌન કેમ થયો હશે?
***
ફિલ્મ વિશે હજુ લંબાણમાં લખી શકાય પણ વાંચવા કરતાં જાતે અનુભવો એ ઉચિત રહેશે. અંતે એટલું જ કહેવાનું કે માત્ર ઉક્ત ત્રણ પ્રશ્નો વિશે ઊંડાણમાં વિચારીને, વારંવાર વિચારીને, ઈમાનદારીથી વિચારીને જો ફિલ્મનું અગત્ય (સાર્થ જોડણી કોશમાં 'અગત્યતા' જેવો શબ્દ નથી. જે જાણ સારું) અનુભવી શકતા હોવ, તો ફિલ્મ જોઈ લેજો. જો ના અનુભવી શકો, તો પછી ફિલ્મ જોઈ જ લેજો.
અહીંથી આગળ ફિલ્મ વિશે થોડું ઊંડાણમાં જણાવેલ છે. જે ફિલ્મ જોઈને વાંચવું કે જોયા પહેલાં વાંચવું તે આપની મરજી. (આમ તો ફિલ્મનું કોઈ રહસ્ય તેના વિશેની સોશિયલ મીડિયામાં થતી ચર્ચાઓ બાદ બચ્યું નથી. છતાં આપની મરજી.)
***
આખી ફિલ્મમાં કાશ્મીર એક પાત્ર તરીકે સતત તમારી આંખની સામે હાજર હશે. જે વિના શબ્દે પણ ઘણું કહેતું રહેશે.
કાશ્મીરી ભાષામાં ઘણાં ડાયલોગ અને ગીત તમને સતત કાશ્મીરીયતનો અનુભવ કરાવતા રહેશે. કાશ્મીરી વાનગી વિશે પણ જરૂરી ઉલ્લેખ ડિરેક્ટર ભૂલ્યા નથી. જે જોઈને આનંદ થશે.
અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તીની અભિનય ક્ષમતા વિશે તો તમે જાણતા જ હશો. બંનેએ તેમની અભિનય ક્ષમતા મુજબ ફિલ્મમાં ચેતના પ્રકટાવી જ છે. સાથેસાથે દર્શન અને પલ્લવી જોષીએ પણ ખૂબ મહેનત કરી છે. પલ્લવી જોષીનો એફર્ટલેસ છતાં સોંસરવો ઊતરી જાય એવો અભિનય જોઈને નેગેટિવ રોલમાં આણેલી ગુણવત્તાની ઊંચાઈ માપી શકશો. ખાસ કરીને આ પાત્ર જ્યારે હિરોને શાંતિથી સમજાવે છે ત્યારે ઠંડા કલેજે વહેતી મૂકાયેલી કુટિલતા તમારા હ્દયમાં હળવેથી ભોંકાયેલા ચપ્પુથી સહેજ વાર બાદ શરૂ થતી પીડા જેવો કંઈક અલગ જ અને જલદ અનુભવ કરાવશે.
ભલે ફિલ્મનું શીર્ષક વાંચીને કે એના વિશેની ચર્ચાઓ સાંભળીને તમે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ હશે - મુજબની ધારણા કરી હશે, પણ એ અહીં ખોટી પડશે. આ ડોક્યુમેન્ટરી ફિલ્મ નથી જ નથી. ઘણી મહેનત કરીને એક પરિવારની આંખેથી તમામ ઘટનાઓ લાંબા સમયગાળાના ફલક પર પાથરીને બનાવેલી રંગોળી છે. અર્થાત્ ફિલ્મ માણવાલાયક છે.
ઘણાં સવાલો, ઘણાં તર્ક, ઘણી ભ્રમણાઓ, ઘણી અજાણી હકીકતો વગેરે કેટકેટલી બાબતો આવરી લીધી છે આ ફિલ્મમાં તે વિચારવા લાગશો, પણ ફિલ્મ પૂર્ણ થયા બાદ. કારણ કે, ફિલ્મ જોતી વખતે તો દરેક મિનિટે નવી નવી બાબત તમને સતત જકડી રાખશે.
ફિલ્મના ડિરેક્ટરના જણાવ્યા મુજબ ફિલ્મની કથા અંગે સંશોધન દરમિયાન ૭૦૦ થી વધુ કાશ્મીરી પંડિતો સાથે ચર્ચા કરેલ હતી. આથી ઘણી ઝીણી વિગતો શોધીને સામેલ કરી છે તે સહજ રીતે સમજાશે.
ફિલ્મની વધુ એક ખાસિયત એ છે કે માત્ર ઇતિહાસ જેમનો તેમ રજૂ કરવામાં નથી આવ્યો. જે તે ઐતિહાસિક અને દુઃખદ ઘટનાક્રમને મળેલ અલ્પ મહત્વ, ભૂલાવી દેવાની વૃત્તિ અને તેના કારણે વર્તમાનની નવી પેઢીમાં ફેલાયેલી અજ્ઞાનતા તથા ગેરસમજને પણ આવરી લીધી છે.
ધ્યાનથી એક એક ડાયલોગ સાંભળશો અને સમજશો તો જણાશે કે બંને તરફની મોટાભાગની દલિલ, ફરિયાદ, તર્ક વગેરેને ભૂલ્યા વિના આવરી લીધેલ છે. માત્ર આવરી લીધેલ છે એમ કહેવું પણ ઓછું ગણાશે કારણ કે, અહીં દરેક મુદ્દે સરસ છણાવટ સાથે તથ્યો, વિચાર, ફરિયાદ વગેરે દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવેલ છે.
ફિલ્મમાં જેટલી મહેનત સિનેમેટોગ્રાફી અને અભિનયમાં કરવામાં આવી તેટલી ડાયલોગ રાઇટિંગમાં પણ કરવામાં આવી જ છે. જેમાંથી એક ચમકારો આ લેખની શરૂઆતમાં પ્રશ્ન ક્ર - ૩માં તમે વાંચ્યો હશે. જે એક ઝલક માત્ર છે વધુ ચમકારાની યાદી ના આપવાની હોય કારણ કે, એ તમારે ફિલ્મ જોતી વખતે માણવાના છે.
હા, થોડી કસર પણ છે જ ફિલ્મમાં. જેમકે, કાશ્મીરના તમામ કાશ્મીરી પંડિતોને ભોગ બનેલાં દર્શાવ્યા પણ સામે દરેક મુસ્લિમને નફરત કરનારા કે ગેરમાર્ગે દોરાઈ જનારા જ દર્શાવ્યા છે. જે ભૂલ જણાય છે. કોઈ કોમમાં ૧૦૦% સભ્યો નકારાત્મક કે ગેરમાર્ગે દોરાયેલા હોઈ શકે ખરાં? અહીં ડિરેક્ટરે કાં તો સંશોધન ઓછું કર્યું છે અથવા તો અમુક હકીકતો છુપાવી છે તેમ સમજવું સહજ અને સરળ છે. આ બાબતે ફિલ્મનું સમતુલન ખોરવાયું છે ખરું, પણ એટલું બધું નહીં કે ફિલ્મની ગુણવત્તા કે અગત્યતા સાવ તળિયે બેસી જાય. કદાચ ડિરેક્ટરે "કાશ્મીરી પંડિતોનું દુખ વર્ષો સુધી છુપાવ્યું જ શા માટે? શું તેઓ માણસો નથી? શું તેઓ કાશ્મીરમાં માઇનોરિટી નહોતા? શું તેમની પીડા નકલી છે? શું તેમને પુનઃસ્થાપિત કરવાના જ નથી? કોઈ તેમને મહત્ત્વ કેમ નથી આપતું?" વગેરે સવાલો જલદ રીતે પૂછવાની તીવ્રેચ્છામાં જરાક લાગણીમાં વધારે તણાયા હોય તેમ જણાશે.
છતાં ડિરેક્ટરને શાબાશી આપવી પડે તેમ છે કારણ કે, ભારત એક વિચિત્ર દેશ છે. કે જ્યાં માઇનોરીટિ અને તેમના હક કે તેમના પ્રત્યે દયા, ચિંતા, મહત્ત્વ વગેરેની વ્યાખ્યા દેશમાં જ રહેતા ઘણાં કહેવાતા બુદ્ધિજીવીઓ અને મીડિયા માફિયાઓના મનમાં સ્થળ મુજબ અલગ અલગ હોય છે, છતાં આ બધાંની પરવા કર્યાં વિના વર્ષોથી સંતાડેલું સત્ય ડિરેક્ટરે રજૂ કર્યું છે.
(હજુ વધુ લંબાણમાં રીવ્યૂ ટૂંક સમયમાં...)