Gangubai Kathiawadi in Gujarati Film Reviews by Aarti Garval books and stories PDF | ગંગુબાઈ કાઠિયાવાડી

Featured Books
Categories
Share

ગંગુબાઈ કાઠિયાવાડી

ગંગા હરજીવનદાસ કાઠીયાવાડી ના જીવનમાંથી પ્રેરણા લઈને સંજય લીલા ભણસાલી દ્વારા બનાવવામાં આવેલી આ ફિલ્મ એટલે કે ગંગુબાઈ કાઠિયાવાડી.ગંગુબાઈ કાઠિયાવાડી નું મુખ્ય કિરદાર ભજવે છે આલિયા ભટ્ટ.

ફિલ્મની શરૂઆત થાય છે એક છોકરી થી કે જે હિરોઈન બનવાના સપના સાથે પોતાના માતા પિતાને છોડીને એક છોકરા સાથે મુંબઈ જવા તૈયાર થઈ જાય છે.ગંગા એક બેરિસ્ટરની પુત્રી હતી અને તેના જ પિતાના એકાઉન્ટ રમણીક સાથે તેને પ્રેમ થઈ ગયો હતો. બાળપણથી ગંગા નું સપનું હતું હિરોઈન બનવાનું, રમણીક તેને હિરોઈન બનાવવાની લાલચ આપીને મુંબઇ લઇ આવ્યો જ્યાં તેને માત્ર હજાર રૂપિયામાં કમાટીપુરા રેડલાઇટ એરિયા માં વેચી દેવામાં આવી. સખત અત્યાચાર અને માર સહન કર્યા બાદ પરિસ્થિતિ સામે નમતું જોખતા અંતે ગંગા આ ધંધામાં જોડાઇ જાય છે અને તે સમયની સૌથી પ્રખ્યાત સેક્સ વર્કર બને છે અને તેને નવું નામ મળે છે ગંગુ.એક સમયે પઠાણ નામનો એક ગ્રાહક તેની પાસે આવે છે અને તે ગંગુ સાથે અમાનવીય વ્યવહાર કરે છે ત્યારે ગંગુ ન્યાય માટે જાય છે તે સમયના માફિયા અને પઠાણના બોસ પાસે મતલબ કરીમ લાલા.

કરીમ લાલા ગંગુને પોતાની બહેન બનાવે છે અને ગંગુ ને પઠાણ થી પણ બચાવે છે ધીમે ધીમે આખું કમાટીપુરા જાણી જાય છે કે કરીમ લાલાએ ગંગુને પોતાની રાખી બહેન બનાવી છે.ગંગુ પાછળથી કરીમ લાલાના દારૂના ધંધામાં પણ સામેલ થાય છે. આમ તે ગંગુ માંથી બની જાય છે માફિયા ક્વિન ગંગુબાઈ.

કરીમ લાલા ના સંપર્કમાં આવ્યા બાદ ગંગુબાઈ અત્યંત પ્રખ્યાત થઈ જાય છે કમાટીપુરા માં તેનું એક નામ બની જાય છે પરંતુ તેણે પોતાના આ નામનો ઉપયોગ નાની બાળકી ઓ કે સ્ત્રીઓને જબરદસ્તી આ ધંધામાં કરવા માટે ક્યારેય કર્યો નહીં. તેણે પોતાના પાવરનો ક્યારે દુરુપયોગ કર્યો નહોતો. જબરદસ્તી આ ધંધામાં આવી ગયેલી બાળકીઓને તેણે મુક્ત કરાવી હતી.ગંગુબાઈ એ પોતાની ભાષા અને બોલવાની છટા થી લોકોના મનમાં ઘર બનાવી લીધું હતું.ગંગુબાઈ કમાટીપુરા વિસ્તારના બાળકો અને સ્ત્રીઓ માટે અગણિત કામ કર્યા છે નાના બાળકો માટે શિક્ષણ નો હક તેમના માટે સમાનતાનો અધિકાર વગેરે.,કમાટીપુરા વિસ્તારમાં રહેતા હજારો બાળકો અને સ્ત્રીઓ માટે ગંગુબાઈ માં સમાન હતી.

ફિલ્મમાં વધુ કોઈ ક્લાઈમેક્સ જોવા મળતો નથી પરંતુ ગંગુબાઈ તરીકે આલિયા ભટ્ટે ભજવેલું પાત્ર ફિલ્મના લયને જાળવી રાખે છે. વેશ્યાવૃત્તિ પર બની હોવા છતાં પણ ફિલ્મમાં કોઈ અશ્લીલ દ્રશ્ય જોવા મળતા નથી.પરંતુ, નાની બાળકીઓને વેશ્યાવૃતિના કામ કરતી બતાવવી શું ખરેખર સારું છે??? આ ઉપરાંત ફિલ્મમાં ધર્મ પર વિવાદ થાય તેવા દ્રશ્યો પણ દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મમાં અમુક દ્રશ્યો એવા ઉમેરવામાં આવે છે જેની કદાચ જરૂર પણ ન હતી. દેખાવમાં તદ્દન નિર્દોષ તેવી આલિયા ભટ્ટે આ પાત્ર ખરેખર ખૂબ સારી રીતે ભજવ્યું છે.જો તમે આલિયા ભટ્ટ ના ફેન છો તો તમે આ ફિલ્મ થિયેટરમાં જોઈ શકો છો નહીં તો તેને OTT પર જોવું વધારે સારું રહેશે.

અંતે માત્ર એક સવાલ ઉમેરીશ કે ગંગા હરજીવનદાસ કાઠીયાવાડી જે ખુબ નાની ઉંમરમાં જ કમાટીપુરા વિસ્તારમાં આ વેશ્યાવૃત્તિ ના ધંધામાં સંપડાઈ ગઈ હતી તેનું એક જ કારણ હતું કે તેને બોલીવુડમાં હિરોઇન બનવું હતું. હિરોઈન બનવાના સપના સાથે જ તેણે પોતાના ઘરનો ઉંબરો ઓળંગયો હતો.જોવા જઈએ તો મોટાભાગે આવા વિસ્તારોમાં ફસાયેલી અનેક છોકરીઓ બોલીવુડમાં હિરોઇન બનવાના સપના સાથે જ આવી હોય છે અને તેમની કિસ્મત તેમનેહીંયા લઈ આવે છે....

તો જો બોલિવૂડ જ ના હોત તો શું ગંગા હરજીવનદાસ ક્યારેય ગંગુબાઈ કે માફિયા ક્વિન ગંગુબાઈ બની હોત....???