કર્મોનો હિસાબ (ભાગ :- ૫)
કોઈક રીતે આ કાગળ ક્રિશ્વીને પહોંચાડ્યો અને એના પ્રતિભાવની રાહમાં મન બેચેન બની રાહ જોવા લાગ્યો. હજું પણ યાદ છે ક્રિશ્વીએ આ વાંચી માત્ર હળવું સ્મિત કર્યું હતું. મન વિહવળ હતો શું કહેશે એ જાણવા.
નવરાત્રી પૂરી થઈ ગઈ હતી. બસ મન માટે ક્રિશ્વીની યાદગીરી માત્ર હળવું સ્મિત હતું. તોય મનને ક્યાંકને ક્યાંક ઊંડે હતું કે ફોન કરશે. આથી એ દિવસ દરમિયાન ફોનની આસપાસ લાગ્યો રહેતો. બસ એ પળની રાહમાં જે પળમાં એનો અવાજ સાંભળવા મળે.
આખરે ચાર દિવસ પછી ફોનની ઘંટડી રણકી સામે છેડે ક્રિશ્વી હતી. મન એકદમ ખુશ થઈ ગયો હતો. માત્ર એક મીઠી ફરિયાદ હતી. "બહું દિવસ રાહ જોવડાવી તે?"
"હા તો... બધાના ઘરે થોડા ફોન હોય? માંડ ચાર દિવસ નાસ્તો ના કરી પૈસા ભેગા કર્યા છે અને ફોન બુથ પરથી વાત કરી રહી છું." ક્રિશ્વી મીઠો ગુસ્સો કરતી બોલી.
"ઓહ્, એવું છે મેડમ! તો તો તમે પાતળા થઈ ગયા હશો ને?" મન બોલ્યો.
"હા, જ તો... આવીને જોઈ જા"
જ્યારે વર્ષોથી એકબીજાને જાણતા હોય એવી વાતો કરવા લાગ્યા. સમય પસાર થઈ રહ્યો હતો. વાતોનો દોર ભલે દરરોજ નહોતો છતાંપણ ના ખૂટે એટલી બધી વાતોથી ચાલી રહ્યો હતો. એકબીજાના સાથમાં મિત્રતા અનહદ વધી રહી હતી. જ્યારે પણ વાત થાય એવું લાગતું કે યાર આ સમય અહીં રોકાઈ કેમ જતો નથી.
હજુપણ યાદ છે એ મિત્રતા થયા પછીની પહેલી હોળીના દિવસો. ક્રિશ્વી ફરી મન ને મળી શકાય આથી ત્યાં આવી હતી.
ક્રિશ્વી ની સુંદરતા આજે પહેલા કરતા પણ વધી હોય એવું મનને લાગ્યું હતું. મન ફરી અપલક ક્રિશ્વીને જોવામાં મશગુલ થઈ ગયો હતો. તંદ્રા તૂટતાં જ એ ક્રિશ્વી તરફ આગળ વધ્યો.
ક્રિશ્વીના એ આછા ગુલાબી ગાલ પર ગુલાલ લગાડતા મન બોલ્યો હતો. "આ તારા અને મારા સંબંધનો પહેલો રંગ છે જે તારા ગાલને નિખારી રહ્યો છે."
"એમ! મને થયું હું તો પહેલેથીજ સુંદર છું" ક્રિશ્વી મજાક કરતાં પોતાના એજ અલ્લડ અંદાજમાં બોલી.
"હા, એ તો છે જ. અપલક એટલે જ તો જોતો રહું છું." મન પણ બોલી ઊઠ્યો.
***
હોસ્પિટલના બિછાને આખરી શ્વાસ ભરી રહેલા મનને આ બધી વાતો જાણે આ પળ માણી રહ્યો હોય એમ યાદ આવી રહી હતી. એક પળ માટે ખુશ થયેલા મન ને ફરી લાગી આવ્યું મેં કેટલું ખરાબ કર્યું એ ક્રિશ્વી સાથે જેણે મને જીવનભર સાથ આપ્યો. આ જ કર્મોનો હિસાબ થઈ રહ્યો છે.
***
બહું બધી વાતો, બહું બધી યાદો, ભાગ્યેજ થતી મુલાકાતો બધું જ મનને ગમી રહ્યું હતું. મન જાણે કોઈ અલગ દુનિયામાં ક્રિશ્વી ના વિચારોમાં ખોવાઈ રહ્યો હતો.
કહેવાય છે ને સમય ક્યારે કેવું ચક્ર ફેરવે છે એવું કોઈને નથી ખબર. બસ એકદિવસ એવો જ આવ્યો. મનની સગાઈની વાતો ચાલુ થઈ ગઈ. સંબંધ ભલે મિત્રતાનો હતો છતાં મનનું મન ક્રિશ્વીમાં લાગેલું હતું. પણ સમય, સ્થિતિ, સંજોગો આગળ ધરાર ના પાડવા છતાં મનનું કંઇજ ચાલ્યું નહીં.
પિતાના મિત્રની દીકરી કાવ્યા સાથે મનની સગાઈ થઈ ગઈ. ના ઇચ્છવા છતાં પણ મન સાથે આ સંબંધ જોડાઈ ચૂક્યો હતો. ક્રિશ્વી સાથે પણ મને આ વાત કરી. ક્રિશ્વી એ અભિનંદન કહ્યું અને મનને ચિડવવા માત્ર એટલું જ બોલી ક્યારે મળાવે છે તારી કાવ્યા સાથે? મન માત્ર એટલું જ બોલ્યો બહું જલ્દી.
થોડા મહિનાઓ પછી ફરી નવરાત્રી આવી મન અને ક્રિશ્વી ના સંબંધને એક વર્ષ પૂરું થઈ ગયું હતું. ઉત્સાહ પહેલી વખત જેટતો નહોતો. મને કાવ્યાને ક્રિશ્વી સાથે ભેટો કરાવ્યો.
કાવ્યા બોલી ઉઠી "ઓહ્, આ જ છે ક્રિશ્વી જેની વાતો મન હંમેશા કરતો હોય છે. ક્યારેક તો લાગે છે કે મન મારી સાથે નથી."
બસ આ જ શબ્દો ક્રિશ્વી ને ખૂંચ્યા હતા અને સમય સાથે એ પણ મનથી દૂર થવા લાગી હતી. જેટલી એ દુર થતી મન વિહવળ થઇ જતો હતો. પણ આ જ સત્ય હતું અને સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. મને હથિયાર હેઠા મૂકી દીધા હતા. હિંમત જ નહોતી કે એ કાઈપણ કહી શકે, કરી શકે.
મન અને કાવ્યના લગ્ન લેવાનું નક્કી થયું. લગ્ન કંકોત્રી છપાઈ ચૂકી હતી. મન ને આ કંકોત્રીમાં ક્રિશ્વીનું નામ જોઈતું હતું પણ આ તો કાવ્યા જ હતી. કંકોત્રી ઉપર હાથ ફેરવી ઊંડો નિસાસો નાખ્યો.
*****
મન અને ક્રિશ્વી કયા સંબંધમાં આગળ વધશે?
આ જાણવા વાંચતા રહો કર્મોનો હિસાબ.
*****
તમને કેવી લાગી વાર્તા, કેવો રહ્યો અનુભવ એ માટે તમે પ્રતિભાવ, સૂચન આપી શકો છો. Email :- feelingsacademy@gmail.com અને https://www.instagram.com/feelings.academy/ આવી જ વાર્તાઓ વાંચવા જોડાયેલા રહો. મારી બીજી પ્રકાશિત વાર્તાઓ પણ વાંચી પ્રતિભાવ આપી શકો છો.
જય ભોળાનાથ...
Feelings Academy...