બપોરનું જમવાનું પત્યું. આરામનો સમય પસાર થયો. નાનીસી દુનિયાનાં એ દંપતિ, પોતપોતાનાં હાથમાં વિશાળ વિશ્વને છુપાવી રાખેલ ફોન અને ચીંટુ ને લઈ, દરિયાકિનારે પહોંચી ગયા. સાથે લીધો બીજો જરૂરી સમાન અને ચીઝ-વસ્તુઓ - થોડા રમકડાં, નાસ્તાના પડીકા, પાણીની બોટલ વગેરે.
ચીંટુને મઝા પડી ગઈ - ભીની રેતીમાં રમવાની ને પછી કિનારે લાગેલ ભાતભાતની ચકરડીમાં બેસવાની. મમ્મી-પપ્પાનેય બાળકને હરખાતું જોઈને આનંદ છલકાયા કરતો હતો. છુક છુક ગાડી અને જંપિંગની મજા કાંઈક જુદી જ હતી. બેટરીથી ચાલતી જીપ મોબાઈલમાં જોઈ હતી, પણ આજે તો એમાં બેસવા માટે રડવું પડે તોય ખોટું નહોતું. ચીંટુને તો હજુય કેટલું રમવાનું બાકી હતું, પણ પપ્પા-મમ્મીએ મકાઈ ખાવા એને પણ પોતાની સાથે બેસાડી દીધો.
મકાઈનાં સ્વાદ કરતાં માટીમાં રમવામાં વધારે મીઠાસ હોય તેમ, બાફેલી મકાઈનો નાનો ટુકડો એણે ભીની રેતીમાંજ રગદોળી દીધો. પછી શું? ડફલ તો પડવાની જ હતી. તે પડી ગઈ. જીદના લીધે કોમળ ગાલ એકાદ તમાચોય ભેંટ સ્વરૂપ મળી ગયો. બે ગોઠણ વચ્ચે માથું રાખીને થોડી વાર માટીમાં આંગળીઓ ફરતી રહી. ને પછી, ધીમે ધીમે કપડાનેય ભીની રેતી વળગી પડી. રેતીમાં જાણે આળોટી જ લીધું એમ કહીએ તો ખોટું નહીં. લોકોની નજર પણ માં-બાપની સામે એવો રીતે મંડાઈ હતી જાણે બાળ-મજૂરીનો ગુન્હો કર્યો હોય કે પછી બાળક પર માનસિક ત્રાસનો! મમ્મીનું મન આ વિચારથી અને લોકોની તીર ની જેમ ભોંકતી નજરોથી બચવા જાણે પરિસ્થિતિ વાળવા પ્રયત્ન કરવા લાગ્યું! નાસ્તાની બેગમાંથી કુરકુરેનું પડીકું કાઢ્યું -બાળકને પ્રલોભનથી વશ કરી શકાય એવા વિચારે! દિકરાને કાલીઘેલી ભાષામાં ફોસલાવવાનો પ્રયાસ ખૂબ કારગત નીવડે તેવું લાગતું નહોતું.
સુવિધાની કમી સહેજ પણ હતી નહીં. પરંતુ, એ બધું હંમેશા કારગર નીવડે તે જરૂરી નથી. ભલે, બાળકોના ઉછેરની તાલીમ લીધી ન હોય , પણ દુનિયાની સામે બાળક કહ્યાગરુના લાગે તો હૃદય દુભાઈ પણ ખરું! મમ્મીએ ગુસ્સાથી ભરેલ ચહેરો અને મોટી મોટી આંખો કરી, રાજકુમારનો રંગ અને જુસ્સો થોડા ફિક્કા પડ્યા. ચીંટુનો હાથ પકડી હળવેથી પંપાળવાના ભાવ સાથે નજીક ખેંચી લીધો. તેનાં કપડાં બદલ્યા; ને, બાજુમાં બેસાડી દીધો. "જો હવે ઉભો થયો છે, અહીંથી?''
કોઈ રસ્તો નહોતો - ચૂપચાપ બેસી રહેવા સિવાય! આ કાંઈ પહેલો અનુભવ નહોતો. એનેય લાગ્યું હશે કે 'સમય જતાં બધા સારા વાનાં થાય' - એટલે થોડી વાર સ્થિર મોં રાખી બેસી રહ્યો - કોઈ ભૂખ મારીને પરાણે ઉપવાસ કરવા બેઠું હોય એમ! પપ્પા ફોનમાં બીઝી થયા ત્યારે મમ્મીનું ધ્યાન ગયું ચીંટુ તરફ - મોં જોવા જેવું હતું.
" જુઓ, તમારો દીકરો! કેટલો ગંભીર થઈ ગયો. એકદમ ડાહ્યો બની ગયો છે.! જુઓ તો ખરા!" પોતાનાં પતિનું ધ્યાન ખેંચ્યું.
"અરે વાહ. મારો ચીંટુ તોફાન જ ન કરે." પપ્પાના શબ્દો ચીંટુનાં હ્રદયમાં અસર કરી ગયાં હોય એમ મોં પર કરચલીઓ ઉપસી આવી, ને મોં વાંકુ થતાની સાથે આંખમાંથી ટપટપ ચાલું થઈ ગયું.
"જો રડાવી દીધો" મમ્મીથી ચીંટુના આંસુ જોવાય એમ ન હોય તેમ એણે પોતાનો ફોન તેનાં તરફ લંબાવ્યો, "લે, આ ફોન. આનાથી રમ. ચાલ ચૂપ થઈ જા." એમ કહી, માથે હાથ પણ ફેરવ્યો.
માટીમાં રમવાનાં આનંદની યાદો જ એવી હતી કે ફોન અને મમ્મીના હાથને - બેઉને હડસેલી દીધાં.
રડવાનું ચાલું રહ્યું એટલે કંટાળીને ઘરે પાછા જવાનો નિર્ણય લેવાઈ ગયો. તોય જતાં જતાં, ચિંટુએ વાંકા વળી બેઉં હાથની મુઠીમાં ભીની રેતી ભરી લીધી.
"જો પાછા હાથ ગંદા કર્યા?" મમ્મીથી રહેવાયું નહીં એટલે ચાલતાં ચાલતાં જ ચીંટુના હાથની આંગળીઓ ખુલ્લી કરી દીધી. રેતી સરી પડી. ચોંટી રહેલી રેતીને પણ ઝાપટી નાંખી.
ચીંટુનો ચહેરો જાણે ઊતરી પડ્યો. બીજા બાળકોના અવાજની દિશામાં તેણે પાછળ નજર કરી. ભીની રેતીના મોટા ઢગલામાં આંખોની સાથે પગ પણ જાણે ચીપકી ગયા, પણ શરીર એક દીશામાં ખેંચાતું ગયું - ઘર તરફ, વાસ્તવિકતા તરફ!