એક નાનકડું રળિયામણું એવું શહેર જ્યાં ગામડાં કરતાં સારી સુવિધા ઉપલબ્ધ હતી અને શહેર નું પ્રદૂષણ યુક્ત વાતાવરણ ન હતું એવું નાનકડું એવું શહેર જ્યાં સવારે પંખીઓ નો કલરવ અને સાંજે મંદિર ના ઘંટારવ વચ્ચે જીવવું ગમે એવું શહેર.એક મધ્યમવર્ગીય પરિવાર આ શહેર માં રહેવા આવ્યો. પલક તેના પિતાની બદલી થતાં પરિવાર સાથે આ શહેરમાં સંગમ સોસાયટીમાં રહેવા આવી. પલક ભણેલી, સમજુ અને ઘાટીલા નાક - નકશાવાળી દેખાવડી યુવતી હતી.પલક જ્યાં રહેતી હતી ત્યાં તેના ઘર ની સામે એક બંગલો હતો જ્યાં પ્રિયમ રહેતો હતો. એક દિવસ પલક ઘર ની અગાશીમાં કપડાં સૂકવવા ગઈ. પ્રિયમ ના રૂમની બાલ્કની પલકની અગાશી સામે જ હતી. પ્રિયમ ની નજર કપડાં સૂકવી પલક પર પડી. પ્રિયમ આ સુંદરતા અને સાદગી ની મૂર્તિને અપલક નયને નીરખી રહ્યો. પલકની નજર પણ પ્રિયમ પર પડી. બંને વચ્ચે તારામૈત્રક રચાયું. પછી તો આ રોજનો ક્રમ બની ગયો. બંને વચ્ચે દોસ્તી થઈ અને દોસ્તી પ્રણયમાં પરિણમી. પરંતુ બંને વચ્ચે આર્થિક અસમાનતા હતી, પ્રિયમ ના ઘરની ગણના અમીરો માં થતી જ્યારે પલક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી હતી. પલકે પ્રિયમ ને આ વિશે વાકેફ કર્યો પરંતુ પ્રિયમ મક્કમ હતો તેણે સાચા દિલથી પલક ને ચાહી હતી. તે વિચારતો હતો કે જો તેના ઘર ના આ સંબંધ નો સ્વીકાર નહીં કરે તો.... તો એ બધા ને સમજાવીને આ સંબંધ માટે ચોક્કસ મનાવી લેશે. આમ તો પ્રિયમ ના પપ્પા પણ આધુનિક વિચારસરણી વાળા હતા છતાં પ્રિયમ ને ડર લાગતો હતો.
પ્રિયમે જ્યારે પોતાના મનની વાત પિતા ને જણાવી ત્યારે તે ગુસ્સે થઈ ગયા અને આ સંબંધ માટે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો. પ્રિયમે પણ પોતાનો નિર્ણય જણાવતાં કહ્યું હું આજીવન કુંવારો રહીશ પણ પલક સિવાય બીજા કોઈ ની સાથે લગ્ન નહીં કરું અને મારો નિર્ણય અફર છે.
પ્રિયમ ના પપ્પા પ્રતાપચંદ્ર હસી પડ્યા ' હું તો કસોટી કરતો હતો તારા પ્રેમ ની અમને પણ પલક પસંદ છે
તેઓ તરત જ પલક ના ઘેર ગયા અને પલક ના પપ્પા ને આ સંબંધ વિશે વાત કરી. પલક ના પપ્પા પ્રમોદચંદ્ર તો આ સાંભળી ગદ્ ગદ્ થઈ ગયા ખરેખર મને માનવામાં નથી આવતું કે તમારા જેવા અમીર ઘરમાંથી મારી દીકરી પલક માટે માંગુ આવ્યું છે. મારી દીકરી ખૂબ જ ખુશ નસીબ છે. તેમણે બંને પરિવાર વચ્ચે ની આર્થિક અસમાનતા વિશે પ્રતાપચંદ્ર ને કહ્યું, પરંતુ પ્રતાપચંદ્ર એ કહ્યું અરે નસીબદાર તો અમે છીએ કે અમને આવી પુત્રવધૂ મળશે. અમને તો બસ સંસ્કારી પુત્રવધૂ જોઈએ છે. રૂપિયા - પૈસા નહીં સંસ્કાર જ તો સાચું ધન છે અને સાચા અમીર તો તમે છો તમારી પાસે આ દીકરી રૂપી ધન છે, તમારી પાસે, માંગવા તો હું આવ્યો છું આ તમારી દીકરી જે મારા કૂળને રોશન કરશે. આ સંસાર માં દીકરી ના પિતા જેવું કોઇ અમીર કે ઉદાર નથી જે પોતાનું કન્યા રૂપી ધન - પોતાના કાળજા નો કટકો કોઈ બીજા ના હાથ માં સોંપે છે. અને એમના આવા વિચારો સાંભળી બધા ની આંખો માં હર્ષાશ્રુ આવી ગયા. પલક ના પિતા બોલી ઉઠ્યા કાશ દરેક દીકરાના પિતા તમારા જેવા વિચારો ધરાવતા હોય તો કોઈ દીકરી નો બાપ પોતાની દીકરીને બોજ નહીં સમજે . દીકરી એ બોજ નહીં પણ લાગણી ના ફુલોની સેજ છે અને બંને પરિવાર ના હર્ષોલ્લાસ વચ્ચે પલક અને પ્રિયમ ના લગ્ન થયા.