લોહી તરસ્યું ભૂત યુગલ
-રાકેશ ઠક્કર
મુંબઇની એક બહુમાળી બિલ્ડિંગના તેરમા માળ પર ફ્લેટ નં.૧૩૦ માં એક લોહી તરસ્યા ભૂત યુગલ વચ્ચે વાતચીત ચાલી રહી હતી. વર્ષોથી ખાલી પડેલા આ ફ્લેટમાં બંને થોડા મહિનાથી રહેતા હતા. તેરમા માળે સામસામે બે ફ્લેટ હતા. રૂમ નં.૧૩૦ ખાલી જ રહેતો હતો. એના માલિકે માત્ર રૂપિયાનું રોકાણ કરવા ફ્લેટ ખરીદયો હતો. અને ભાડે આપવાની ઝંઝટમાં પડતો ન હતો. જ્યારે સામેના ફ્લેટ નં.૧૩૧ નો માલિક એને ભાડે ફેરવતો હતો. એ કામ તેણે એક દલાલને સોંપી રાખ્યું હતું. આ અગાઉ ત્રણ વખત ભાડૂઆત યુગલ આવી ચૂક્યા હતા. તેમને ભૂત યુગલે શિકાર બનાવ્યા હતા.
હવે નવો શિકાર કોણ આવશે એની રાહ જોઇ રહ્યા હતા. બંને રખડતા-ભટકતા અહીં આવ્યા હતા. નવો ભાડૂઆત આવ્યા પછી શ્રીમાન હેરેશ અને શ્રીમતિ કેલ્પિના નામ રાખીને પડોશી તરીકે બંને માનવરૂપમાં રહેતા હતા. સૌથી પહેલાં અલ્કેશ અને જાસ્મીના ફ્લેટ નં.૧૩૧ માં ભાડેથી રહેવા આવ્યા હતા. એમની સાથે થોડા દિવસો સુધી સારા પડોશીનો દેખાવ કર્યો અને પછી એક રાત્રે એમને ત્યાં કોઇ કામથી જઇને પોતાના અસલ ભૂત સ્વરૂપમાં આવીને તેમનું લોહી પીને પોતાની તરસ બુઝાવી દીધી. બંને એટલા ચાલાક ભૂત હતા કે ના રહેવા આવનારને એમના મલિન ઇરાદાનો અંદાજ આવતો હતો કે ના ફ્લેટ ભાડે આપનાર દલાલને.
બીજું યુગલ ધોનેશ અને જલ્પા એક મહિના પછી રહેવા આવ્યું. એ બીજા સાથે જલદી ભળતું ન હતું. તેમની સાથે દોસ્તી કરવામાં ભૂત યુગલને વીસ દિવસ લાગી ગયા. બંને એમનું લોહી પીવા બેબાકળા થઇ ગયા. આખરે એક દિવસ લાઇટ ગઇ ત્યારે તક જોઇને એમના ઘરમાં મદદ માગવાના બહાને ઘૂસી ગયા અને એમના લોહીનું ટીપે ટીપું ચૂસીને હાડચામના બચેલા શરીરોને પોતાના ફ્લેટના એક રૂમમાં નાખી દીધા. એ નિર્જીવ નામમાત્રના શરીરોની વાસ ના આવે એટલે ત્યાં દવાનો છંટકાવ કરી દેતા હતા.
બે વખત ભાડૂતો ગાયબ થઇ ગયા એટલે મકાન દલાલને શંકા ઊભી થઇ ગઇ હતી કે હવે આ ફ્લેટમાં ભાડૂત વધારે કેમ ટકતા નથી? ફ્લેટમાં બધી જ સગવડો ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. એમણે તો બસ એમના કપડાં લઇને જ આવવાનું હોય છે. સોસાયટીમાં બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે. છતાં ભાડૂઆતો જાય છે ત્યારે મને કહ્યા વગર કેમ જતા રહે છે? માત્ર એક ચિઠ્ઠી છોડી જાય છે. એમનો ફોન લગાવું છું તો પણ લાગતો નથી. હશે કોઇ કારણ મારે શું? દલાલી તો મળી જાય છે ને? એમ વિચારીને એણે વધારે તપાસ કરવાનું ટાળ્યું હતું. અને સામેના ફ્લેટ નં.૧૩૦ માં કોઇ રહેતું ન હોવાથી પોતાના ભાડૂઆત ક્યારે જતા રહ્યા એ પૂછવાનો સવાલ રહેતો ન હતો. ઉપર કે નીચેના માળવાળા તો એકબીજાને જાણતા પણ ના હોય એટલે કંઇ પૂછી શકાતું ન હતું. પરંતુ ક્યારેક એક ડર જરૂર દલાલના દિલમાં સતાવતો હતો કે કંઇક અજુગતું તો થઇ રહ્યું નથી ને? પણ એ અનેક મકાનો ભાડે આપવાનું કામ કરતો હોવાથી આ મકાન માટે વધારે વિચાર કરવાનો સમય મળતો ન હતો.
ત્રીજું યુગલ મુનેશ અને ગિલિતા આવ્યું ત્યારે એમને તેણે આડકતરી રીતે સાવધાન રહેવાનો ઇશારો જરૂર કરી દીધો હતો. તેણે કહ્યું કે એમના માળ પરનો સામેનો ફ્લેટ ખાલી રહે છે એટલે તમે બારમા કે ચૌદમા માળ પર રહેતા કોઇ રહીશ સાથે ઓળખાણ કરી રાખજો. કોઇ વખત મુસીબતમાં એમની મદદ મેળવી શકાય. નવા જમાનાના આ યુગલે દલાલની વાતને ગંભીરતાથી લીધી નહીં. બહારગામથી નોકરી અર્થે આવેલું આ યુગલ પોતાની મસ્તીમાં જીવતું હતું. દરમ્યાનમાં એક જ અઠવાડિયામાં શ્રીમાન હેરેશ અને શ્રીમતિ કેલ્પિના તરીકે નવા રહેવા આવેલા ભૂત અને ભૂતની સાથે બંને હળીમળી ગયા. શ્રીમાન હેરેશ અને શ્રીમતિ કેલ્પિનાએ જ્યારે એક દિવસ એમનું અસલ રૂપ બતાવ્યું ત્યારે મુનેશ-ગિલિતાને દલાલની સલાહ યાદ આવી ગઇ પણ પછી ભૂત યુગલના હુમલામાં વધારે વિચારવા જીવ જ શરીરમાં ના રહ્યો. ભૂખ્યા ડાંસ જેવા ભૂત યુગલે તેમના શરીરોને નીચોવી નાખ્યા.
મુનેશ-ગિલિતાના શરીરો પોતાના રૂમમાં નાખ્યા પછી ભૂત અને ભૂતની નવા શિકારની રાહ જોવા લાગ્યા. સામાન્ય રીતે બે-ત્રણ અઠવાડિયામાં નવો ભાડૂત આવતો હતો. કેમકે દલાલ ભાડું લેવા આવે ત્યારે જ એને ઘરમાં ચિઠ્ઠી જોઇને ખબર પડતી હતી કે ભાડૂત ચાલી ગયા છે. પાંચમા દિવસે જ લોહી તરસ્યા ભૂત યુગલને ખબર પડી કે નવું યુગલ આવી ગયું છે અને એ પણ નવા ભાડૂત તરીકે માનવરૂપમાં પડોશી તરીકે રહેવા આવી ગયા. આ વખતે દલાલ કોઇ કામથી આવ્યો હશે અને એને ખબર પડી ગઇ હશે કે ફ્લેત ખાલી થઇ ગયો છે. બે દિવસમાં જ નવયુગલ વુનિત અને જેન્ની સાથે એમણે ઓળખાણ કરી લીધી. અત્યાર સુધીમાં આવેલા ભાડૂત યુગલોમાં આ સૌથી યુવાન અને સુંદર હતું.
ભૂતે ભૂતનીને કહ્યું:"તેં જેન્નીનો ચહેરો જોયો?"
ભૂતની એની સાથે મજાક કરતાં બોલી:"હા, વધારે પડતો સુંદર છે. કેટલી ગોરી અને ચિકણી છે. કોઇપણ યુવાનનું એના પર દિલ આવી જાય એમ છે. તું એના પ્રેમમાં ના પડી જતો! નહીંતર આપણે એનું લોહી પી શકીશું નહીં. અને તને ખબર છે કે હું વધારે દિવસ ભૂખી રહી શકતી નથી!"
ભૂત વિચિત્ર રીતે હસીને બોલ્યું:"હા...હા...મને ખબર છે કે એક સ્ત્રી બીજી સ્ત્રીની ઇર્ષ્યા કરે છે. એને બીજી સ્ત્રીની ધન-દોલત કરતાં એની સુંદરતાની વધારે ઇર્ષ્યા આવે છે. હવે આપણે માનવી નહીં પણ ભટકતાં ભૂત છીએ એટલે તારા દિમાગમાં એવી વાતો આવવાની નથી. સાચું કહું તો મને એ બોલે છે ત્યારે એના ગોરા ચહેરાની કૂમળી ચામડી પર લાલાશ ઉપસી આવે છે ત્યારે એમ થાય છે કે ક્યારે એને શિકાર બનાવું. એના ચહેરા પરથી જ લાગે છે કે લોહી તાજું અને સારું છે. એને જોઉં છું અને મારા મોંમાં લોહી આવી જાય છે. પેલો છોકરો પણ એકદમ યુવાન છે. એનું ગરમ લોહી પીવાની પણ મજા આવશે. દરવખતની જેમ આપણે વહેંચીને જ લોહી પીશું!"
"તમે બહુ ઉતાવળા થયા છો. થોડી ધીરજ રાખો. મને પણ એ છોકરીના ચહેરા પર શરમથી જ્યારે લાલાશ ફેલાય છે ત્યારે એમ થાય છે કે ક્યારે ઘૂંટડે ઘૂંટડે એ લોહીને પીવાનું મળશે? પછી થાય છે કે ધીરજનું લોહી મીઠું હોય છે! એમને ક્યાંક આપણા પર શંકા જશે તો ભાગી જશે અને દલાલને ખબર પડશે તો અહીં ફરી કોઇ રહેવા નહીં આવે. આપણે બીજી જગ્યાએ આપણું નાટક કરવું પડશે!"
ભૂતયુગલ નવા યુગલને શિકાર બનાવવા તડપી રહ્યું હતું. ભૂતે કહી દીધું હતું કે પેલો યુવાન નોકરીએ જાય એ દરમ્યાનમાં તું છોકરી સાથે દોસ્તી વધારજે. જેટલા જલદી એમના ઘરમાં પ્રવેશ કરી શકીશું એટલી જલદી લોહીની તરસ મિટાવી શકીશું. ભૂતનીએ પ્રયત્ન શરૂ કરી દીધા હતા. ચાર દિવસમાં જ એને સફળતા મળી ગઇ. ભૂતનીએ કહ્યું કે રવિવારે એમને ત્યાં ભોજનનું આયોજન કરાવ્યું છે. એમાં સ્ટાર્ટરમાં સૂપ રાખ્યો છે. ત્યારે ભૂતે કહ્યું કે હું તો સ્ટાર્ટરમાં એમનું લોહી જ પીવાનો છું. બંનેએ વુનિત અને જેન્નીને કેવી રીતે પોતાનો કોળિયો બનાવવો તેની યોજના બનાવી દીધી.
રવિવારે ભૂત અને ભૂતની જ્યારે શ્રીમાન હેરેશ અને શ્રીમતિ કેલ્પિના તરીકે વુનિત-જેન્નીના ઘરમાં પ્રવેશ્યા ત્યારે એમને આવકાર મળ્યો. બંને મનોમન ખુશ હતા કે આજે મોટી જયાફત માણવા મળશે. થોડી જ વારમાં જેન્ની સૂપના બાઉલ લઇને આવી. ભૂત અને ભૂતનીએ નક્કી કર્યું હતું કે જેવો બાઉલ આપે કે એને પકડીને ગળું દબાવી દેવાનું અને પછી લોહી પીવાનું. જેન્નીએ તેમને બાઉલ આપતા પહેલાં ટેબલ પર મૂક્યા અને કહ્યું:'અમારે ત્યાં પરંપરા છે કે ભોજન શરૂ કરતાં પહેલાં એક મિનિટ માટે આંખો બંધ કરીને ભગવાનનું નામ લેવાનું."
ભૂત મનોમન બોલ્યું:"હું શેતાનનું નામ લઇશ તો તને ક્યાં સંભળાવાનું છે?!" અને બંનેએ લોહી પીવાની આતુરતાને રોકીને આંખો બંધ કરી. ભૂત અને ભૂતનીએ આંખો બંધ કરી ત્યાં જ એમને લાગ્યું કે ગળા પર કોઇએ ફંદો લગાવી દીધો છે. બંનેએ મહામુશ્કેલીએ આંખો ખોલી અને એટલું જોઇ શક્યા કે એમને બીજા કોઇ ભૂત યુગલે ઝડપી લીધા છે. બંનેને સમય સૂચકતા વાપરી એટલી ઝડપથી પકડી લીધા કે પ્રતિકાર કરવાનો સમય જ ના મળ્યો. શ્રીમાન હેરેશ અને શ્રીમતિ કેલ્પિના તરીકે રહેતા ભૂત યુગલનો અંત આવી ગયો.
વુનિત-જેન્નીના રૂપમાં આવેલું ભૂત યુગલ એકબીજાને ભેટી પડ્યું.
મુનેશ બોલ્યો:"આપણે બદલો લઇ લીધો."
ગિલિતા કહે:"હા, આપણી ચુંગાલમાં બંને ફસાઇ ગયા. બાકી આપણા જેટલી જ એમની પાસે શક્તિ હતી. એ આપણું ગળું દબાવે એ પહેલાં આપણે એમના ગળા જકડીને એમને પ્રતિકાર તો શું કંઇ સમજવા- વિચારવાની તક જ ના આપી."
મુનેશ:"સારું થયું કે આપણે ભૂત થયા અને આ લોહી તરસ્યા ભૂત યુગલનો અંત લાવી શક્યા. તારો એ વિચાર સારો હતો કે ચહેરા પર લાલાશ રાખવાથી એમને જલદી શિકાર બનાવી શકાશે... ભૂતયુગલ એવા જ ભ્રમમાં રહ્યું કે આપણે કોઇ નવા માનવ ભાડૂઆત છીએ. એમને કલ્પના નહીં હોય કે એમનો જ દાવ આપણે એમના પર અજમાવીશું!"
ગિલિતા કહે:"હા, એટલે જ તો લાલચને બૂરી બલા કહી છે..."
મુનેશ કહે:"આપણે આ બલાને દૂર કરી દીધી છે. હવે પેલા દલાલને ફોન કરીને કહી દઉં છું કે અમારે અચાનક જવાનું થયું છે એટલે મકાન ખાલી કરીએ છીએ. એના મનમાં કોઇ શંકા હોય તો નીકળી જાય. હવે પછી અહીં રહેવા આવનાર આપણા જેવા કોઇ ભાડૂઆત યુગલનો જીવ નહીં જાય..."
એક અજીબ સંતોષ સાથે ભૂત સ્વરૂપમાં આવેલા મુનેશ-ગિલિતા દૂર આકાશમાં એક નવી જ દુનિયામાં જવા લાગ્યા.
*