શીર્ષક : ભાડાનું મકાન
©લેખક : કમલેશ જોષી
‘જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં’. સુવિખ્યાત ભજનની આ કડી આપણે ઘણીવાર ગાઈ-સાંભળી હશે, પણ આ કડીનો અનુભવ-અહેસાસ સવારે ચાની ચુસ્કીઓ લેતી વખતે થાય એના કરતાં કોઈ સ્વજનનું અવસાન થાય ત્યારે વધુ અસરકારક રીતે થતો હોય છે. એક સંતે તો કહ્યું છે કે મૃત્યુ એ રોજેરોજ બનતી ઘટના છે. આજ તમે જેવા છો એવા જ એકઝેટ ગઈકાલે નહોતા અને આવતી કાલે નહિ હો. ઈતિહાસ, ભૂગોળ અને નાગરિક ત્રણેય બદલાઈ રહ્યા છે.
હાઈસ્કૂલમાં ભણતા ત્યારે શિક્ષક કહેતા, ‘આપણા દેશમાં દર વર્ષે એક ઓસ્ટ્રેલિયા ખંડ ઉમેરાય છે.’ એટલે કે આપણા દેશમાં દર વર્ષે લગભગ ઓસ્ટ્રેલિયા ખંડની કુલ વસ્તી જેટલી વસ્તી વધે છે. ગુગલ કહે છે કે હાલમાં ઓસ્ટ્રેલિયાની વસ્તી અંદાજીત અઢી કરોડની આસપાસ છે. મતલબ કે દર વર્ષે આપણા દેશમાં (જન્મ માઇનસ મૃત્યુ કરતા) અઢી કરોડ કે તેથી વધુ માનવો વધે છે. દુનિયા આખીમાં કેટલા જન્મતાં હશે? આ તો ખાલી મનુષ્યોની વાત થઈ. ગાય, ભેંસ, હાથી, ગેંડા, માખી, મચ્છર જેવા કુલ કેટલા સજીવો જન્મીને મરી જતા હશે એનો હિસાબ કરીએ તો આંકડો કલ્પવો પણ મુશ્કેલ બની જાય. આવન જાવન સતત ચાલુ છે. કેવડું મોટું મેનેજમેન્ટ બ્રહ્માંડના કોઈ અદૃશ્ય સંસદ ભવન કે સચિવાલય કે પી.એમ.ઓફિસમાં ચાલતું હશે!
દુનિયાની વસ્તી અંદાજે સાડા સાત અબજની છે. આ સાડા સાત-આઠ અબજ લોકો સાવ નવા છે. (અપવાદ બાદ કરો તો) એમાંનો એક પણ વ્યક્તિ સવાસો-દોઢસો વર્ષ પહેલા નહોતો. સમજાય છે? આપણામાંના કોઈ ૧૯૦૦ની સાલમાં હાજર નહોતા. એ વાતની પણ ગેરેંટી કે આપણામાંના કોઈ સવાસો-દોઢસો વર્ષ પછી એટલે કે ૨૧૪૭માં કે ૨૧૫૦માં નહિ હોય. એટલે કે આઝાદીનું ૨૦૦મું વર્ષ આપણે નથી જોવાના. એટલીસ્ટ આ દેહે તો નહિં જ.
હમણાં એક દિવસ મારી પ્રાથમિક સ્કૂલે જવાનું થયું. ઘરેથી નીકળ્યો ત્યારે મને એ જૂના દિવસો યાદ આવી ગયા. કાળું પાટિયું, મા સરસ્વતીની છબી, સ્કૂલનું મેદાન, મોટો લોખંડી ડેલો, હીંચકા, લપસીયાથી શરુ કરી એ સમયના શિક્ષકો, આચાર્ય સાહેબ, મારા સહાધ્યાયી મિત્રો વગેરે ઘણું બધું યાદ આવી ગયું. જાણે બે જ મિનિટમાં વર્ષો વટાવી હું ભૂતકાળમાં પહોંચી ગયો. ખંભે દફતર લટકાવી, સ્કૂલ ડ્રેસ પહેરી, મિત્રોની ટોળી સાથે હું નિશાળે જતો હોઉં એવો અહેસાસ જાગી ગયો. ધોરણ એક અ, એક બ થી શરુ કરી સાત અ, સાત બ અને સાત ક સુધીના કુલ લગભગ વીસેક વર્ગ ખંડો, મેદાનની ફરતે અર્ધચોરસ આકારમાં એ સમયે હતા. ઓહ, આ શું? હું જોતો જ રહી ગયો. સ્કૂલનો તો નાક-નકશો જ બદલી ગયો હતો. મેં જ્યાં મેઇન ગેટ ધાર્યો હતો ત્યાં તો એક મોટું બિલ્ડીંગ બની ગયું હતું. જૂની સ્કૂલ કરતા નવી સ્કૂલનો એરિયા પા ભાગનો પણ નહોતો. સ્કૂલ પણ ઉંચી બિલ્ડીંગમાં ફેરવાઈ ગઈ હતી. બધા જ ચહેરા નવા હતા. અમે ભણતા ત્યારે નવા આવેલા એકાદ-બે શિક્ષકો જ જૂના બાકી રહ્યા હતા. એમના પણ ચહેરા મને બહુ ઓછા યાદ હતા. મારા સ્મૃતિપટ પર આજ સુધી સ્કૂલનું જે દૃશ્ય હતું, એના પર કોઈએ ઘસી-ઘસીને છેક-રબર (ઇરેઝર) ફેરવીને ઉઝરડા પાડી દીધા હોય એવું મને લાગ્યું. કહાં ગયે વો લોગ? આ અહેસાસ પીડાદાયક હતો. મને થયું, કાશ, હું આ સ્કૂલે ન આવ્યો હોત! તો મારી સ્મૃતિમાં તો સ્કૂલનું જૂનું દૃશ્ય સુરક્ષિત, એઝ ઇટ ઇઝ, પડ્યું હતું. હવે તો થોડી ભેળસેળ થઈ ગઈ. જૂની સોસાયટી, જૂના મિત્રો જે એક સમયે નવા હતા એમને જોઈને, મળીને પણ ભીતરે વસેલી એક આખી દુનિયા ગુમાવવાનો અહેસાસ તમે પણ કર્યો હશે. કૃષ્ણ કહી ગયા છે ને, નથીંગ ઇઝ પરમેનેન્ટ. પરિવર્તન એ સંસારનો નિયમ છે. આજે જે મારું છે એ ગઈ કાલે બીજા કોઈનું હતું અને આવતી કાલે બીજા કોઈનું હશે.
અમારી સામેના મકાનમાં દર વર્ષે-બે વર્ષે ભાડૂઆત બદલી જાય છે. અત્યાર સુધીમાં સાતેક ફૅમિલી ત્યાં આવીને રહી ગયા. મકાન એનું એ જ છે. પહેલાં તો મને થતું કે અમારે તો ઘરનું ઘર છે. પણ જેમ જેમ વિચારું છું તેમ તેમ સમજાય છે કે આ મકાનની મારી માલિકી પણ ક્યાં સુધી? પરમેનેન્ટ પણ એક અર્થમાં ટેમ્પરરી જ છે. સમયના ગાળામાં થોડો ઘણો ફર્ક છે. કોઈ બે-ચાર વર્ષમાં છોડે તો કોઈ વીસ-પચીસ વર્ષ બાદ છોડે. છોડવાનું તો છે જ. પછી એ બસ કે ટ્રેનની બારી વાળી સીટ હોય કે સરકારી નોકરી હોય કે મકાન હોય કે સ્વજનો હોય કે પછી દેહ...
કોઈ તમારું બાઇક ઉછીનું લઈ જાય અને એક્સિડેન્ટ કરી તૂટેલું ફૂટેલું પરત દઈ જાય તો? શું તમે બીજીવાર એને બાઇક આપો? આપણને પણ ઈશ્વરે શેરી, સોસાયટી, પદ, પૈસો બધું ઉછીનું જ આપ્યું છે. ભાડેથી જ આપ્યું છે. આપણને જે ‘મારું’ લાગે છે એ ખરેખર ‘ભાડા’નું છે. એક સંતે મસ્ત સમજાવ્યું ‘મારું એ જ છે કે જે હું જઈશ ત્યારે સાથે લેતો જઈશ.’ એક વાર એક લિસ્ટ તો બનાવજો. જશું ત્યારે સાથે શું શું લઈ જવું છે? સંસ્કાર, સિદ્ધાંત કે જન્મોજન્મના પુણ્યોની ઊંચી કિંમત ચૂકવીને જે પદ, પ્રતિષ્ઠા કે પૈસો આપણે ભેગો કરી રહ્યા છીએ, પટારા બાંધી રહ્યા છીએ એ ઉપર સાથે આવશે ખરા? નાનપણમાં ‘કબૂતરો નું ઘૂ ઘૂ ઘૂ’ કવિતા ભણવામાં આવતી,
‘પરમેશ્વર તો પહેલું પૂછશે, કોઈનું આંસુ લુછ્યું’તું? ગેં ગેં ફેં ફેં કરતા કહેશું, હેં હેં હેં ને શું શું શું?’ સિરીયસલી જરા વિચારો તો ખરા કે ખરેખર કોઈનું આંસુ આપણે લુછ્યું છે ખરું? કદાચ ધરાર યાદ કરો તો બે-ચાર નામ તમે શોધીયે કાઢશો, પણ હજારો લાખો લોકોના જીવનમાં સુખદ પરિવર્તન લાવનાર સંતો-મહંતોની લાંબી લચક યાદી સામે આપણા બે ચાર નામોની શી વિસાત?
જો ગેંગેફેંફે ન કરવું હોય તો એક વાર તમારા ઘરની દીવાલ પર લગાવેલા પૂજનીય સંતનો કે વડીલનો ફોટો જુઓ. એના અને તમારા જીવનને સરખાવો. જો બંનેની દિશા અને રસ્તા એટલે કે વાણી, વર્તન અને વિચારો એક જ સરખા હોય તો તમને વેરી ગુડ, નહિંતર તમારી અપોઈન્ટમેન્ટ ડાયરી કે ટૂ ડુ લીસ્ટ અત્યારે જ ફાડીને ફેંકી દો. જે સુખ સાહ્યબી તમને આ જન્મે ભાડે મળ્યા છે એ જો આવતા જન્મે જોઈતાં હોય તો ઈમાનદારી, સત્યનો માર્ગ કે સત્સંગ પકડો. કોઈને ‘પાઠ ભણાવવાના’ કે ‘ઔકાત દેખાડવાના’ ગુમાનમાં ફરવાનું છોડી, આપણી વાસ્તવિક ઔકાત સમજાવતો ગીતા ‘પાઠ’ સ્વયં ભણી લઈએ તો ભાડાનું મકાન છોડતી વખતે, ‘સત્સંગમાંથી રજા લઈને’ જતા હોઈશું ત્યારે ‘સૌને જય શ્રી કૃષ્ણ’ કહેવાનો સાચો અધિકાર અને ઉમળકો રહેશે. બીજી વખત આપણને માનવ દેહ આપતી વખતે ભગવાને સો વાર વિચાર ન કરવો પડે તોય ઘણું.
- kamlesh_joshi_sir@yahoo.co.in