જાગૃત મતદાતા કોને કહેવાય?
©લેખક : કમલેશ જોષી
એક મિત્રે કહ્યું: "આપણા દેશમાં નાગરિકોની સંખ્યા ઓછી છે એટલે આપણા દેશના વિકાસની ગતિ ધીમી છે.” મને નવાઈ લાગી. દુનિયા આખીમાં વસ્તીની દૃષ્ટિએ ચીન પછી ભારતનું સ્થાન છે એ તો જગજાહેર વાત હતી. મેં મિત્રને કહ્યું: "સવા અબજ ઓછા કહેવાય?" મિત્રે મારી આંખોમાં આંખો પરોવી મર્માળુ હસતા કહ્યું: "મેં વસ્તીની નહિં, નાગરિકોની વાત કરી છે." તે સહેજ ખિન્ન અવાજે બોલ્યો, "વસ્તી અને નાગરિકોમાં બહુ ફર્ક છે. નગરના તમામ નિયમોનું જે ચુસ્તપણે પાલન કરે, એવું કરવામાં એ સ્વમાન અનુભવે, ગૌરવ અનુભવે એને જ એ નગરનો નાગરિક કહેવાય. એમાંય આપણે તો લોકશાહીમાં જીવીએ છીએ. નિયમો આપણે જ નક્કી કર્યા છે અને આપણા માટે જ નક્કી કર્યા છે. તે સાંભળ્યું છે ને? ફોર ધી પીપલ, ઓફ ધી પીપલ એન્ડ બાય ધી પીપલ.."
મને વાત વિચારવા જેવી લાગી. શું એકસો પચ્ચીસ કરોડ, આપણે નાગરિક તરીકે સતર્ક, સક્રિય અને સજાગ છીએ ખરાં? એક ટ્રાફિક પોઈન્ટ પર જો ટ્રાફિક પોલીસ હાજર ન હોય તો લાલ-લીલી લાઈટોના ચાલુ-બંધ થવાની જેને દરકાર નથી એ નાગરિક ન ગણાય. ટેક્સ પાત્ર હોવા છતાં ટેક્સ ન ભરનારાઓ તો નાગરિક નથી જ, પણ (જો મારા મિત્રને સાચો માનું તો) મતદાનના દિવસે ટોટલી ફ્રી હોવા છતાં મતદાન ન કરનાર પણ નાગરિક હોવા બાબતે શંકાના દાયરામાં આવી જાય.
આપણે ત્યાં રફ્લી પચાસ ટકાની આસપાસ મતદાન થતું હોય છે. એમાંય ભોળો મતદાતા પૈસા, જ્ઞાતિ, સંબંધ, ધાક-ધમકી, લાલચ અને ક્યારેક ખીજ-ખારમાં પોતાના નગર પ્રત્યેની પોતાની ફરજ ભૂલી અવળું સવળું મતદાન કરી આવે છે. મિત્રે આવી અનેક દલીલો કરીને દેશમાં ખાલી પંદર વીસ ટકા જ સાચા નાગરિકો હોવાનું જાહેર કર્યું. નાગરિકનું સૌથી મોટું ધન, સૌથી મોટો સગો, સૌથી મોટી લાલચ બધ્ધું એનું નગર કે રાષ્ટ્ર છે એવી સદબુદ્ધિ વાળા ભારતમાં કેટલા?
"સાવ એવું પણ નથી." મેં દલીલ કરી, "આપણા દેશની કોઈ પણ સોસાયટીમાં પાનના ગલ્લે થોડી વાર ઊભા રહી ત્યાંની ચર્ચા સાંભળો તો ખબર પડે કે રાજકારણ અંગે રજેરજની માહિતી અન ટુ ધી લાસ્ટ પહોંચી ચૂકી છે." એણે ફરી મારી આંખમાં આંખ નાંખી, "હું ક્યાં ના પાડું છું? આપણા દેશના લોકોને ખબર જ છે કે વડાપ્રધાને, મુખ્યમંત્રીએ, વિરોધ પક્ષોએ, મોદીભાઈએ, રાહુલભાઈએ, અરવિંદભાઈએ શું કરવું જોઈએ. પણ ખાટલે મોટી ખોટ એ છે કે બીજા બધાંએ શું કરવું જોઈએ એની દરેકને પાક્કી ખબર છે પણ પોતે શું કરવું જોઈએ એ બાબતે કાળું ધબ્બ અંધારું છે." પાનના ગલ્લે પાનની પિચકારી મારતો, મસાલો ખાઈ કોથળી રસ્તા પર ફેંકતા અનેક લોકો મારી નજર સામે તરવરી ઉઠ્યા. શું તેઓ પણ નાગરિક હોવાનો ધર્મ ચૂકી ગયા?
એક મિત્રે કહ્યું: "શું આપણને પાનની પિચકારી મારવાની સ્વતંત્રતા નહિ?" મનેય વાત સાચી લાગી. આપણો દેશ તો છેક ૧૯૪૭માં આઝાદ થઈ ગયો. એ વાતને આજે પંચોતેર વર્ષ થયા. મને જ્યાં ગમે ત્યાં હરું ફરું એટલી આઝાદીનો તો મને હક છે ને! એમાં ક્યાં નાગરિક ધર્મ ચૂકાઈ ગયો? પેલો મિત્ર બોલ્યો: "ગમે ત્યાં હરવા ફરવાની કોણ ના પાડે છે? પણ ગંદકી તો ગમે ત્યાં ન કરાય ને! ઘરમાં કેમ ગમે ત્યાં પિચકારી નથી મારતા? ત્યાં આઝાદીનો પ્રશ્ન નડતો નથી? મારું ઘર છે, હું ગમે ત્યાં થૂંકીશ એવું કેમ નથી કરતા?" મને વાત તો વ્યાજબી લાગી. સ્વતંત્રતા આપણને સ્વચ્છંદ થવાનો અધિકાર નથી આપતી. આ દેશ જે દિવસે આઝાદ થયો તે દિવસે આપણે સૌ દેશના માલિક બન્યા. જેમ ઘરનો માલિક ઘરમાં સ્વચ્છતા જાળવે એમ જ દેશના માલિક તરીકે મારે અને તમારે સ્વચ્છતા જાળવવી પડે. મારા દેશે મારા માટે શું કર્યું એ પૂછતાં પહેલા મેં મારા દેશ માટે શું કર્યું એ ખુદને પૂછવું જોઈએ.
શું મારી પાસે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ હોય એટલે હું નાગરિક? મારી શેરી સ્વચ્છ રહે, મારી સોસાયટીમાં સો ટકા મતદાન થાય, મારા ગામમાં યોગ્ય ઉમેદવાર સરપંચ બને એ બધ્ધું જોવા, વિચારવાની મારી કોઈ જવાબદારી નહિ? સ્કૂલ-કોલેજમાં ભણતા ત્યારે સરકારી શિષ્યવૃત્તિ લેવા અંગે હું જેટલો જાગૃત રહ્યો હોઉં એટલી જ જાગૃતિ મારે ટેક્સ ભરતી વખતે નહિં દાખવવાની? બહેન કે દીકરી માટે મૂરતિયો પસંદ કરતી વખતે જો આપણે સાત વાર વિચારવાની આપણી ફરજ સમજતા હોઈએ તો મતદાન કરતી વખતે સત્તર વાર વિચારવાની આપણી ફરજ નહિં? મતદાન કરવાની આપણી ફરજ જો આપણે ન નિભાવીએ તો ભ્રષ્ટાચાર કે મોંઘવારી વિષે આપણને બોલવાનો હક્ક પણ બાકી રહે ખરો?
લખી રાખો જે ગામ, વિસ્તાર, શહેર, જીલ્લા કે રાજ્યમાં સો ટકા મતદાન થતું હોય, મતદાતા ઉમેદવારને સો ગળણે ગાળીને મત આપતો હોય એ પ્રદેશની આજની પેઢી અને આવનારી પેઢીઓના જીવન ખુશહાલ રહેશે. જાગતો મતદાર હોય ત્યાં રાજકારણમાં બિલકુલ ગંદકી ન થાય. જે દિવસે દેશમાં સો ટકા મતદાન થશે એ દિવસે ભારત વિશ્વગુરુ બની જશે એવું મારું માનવું છે. તમે શું માનો છો? દર વર્ષે ૨૫મી જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જાગૃત મતદાર હોય તો શું થાય? માણો ડૉ. રંજન જોષીના કાવ્યની પંક્તિઓ..
ચૂંટણી ટાણે મત આપવા મતદાતા જો જાગે
લોકશાહીના થડને ત્યારે સાચું ખાતર લાગે
વીજળી, પાણી, ગટર, રસ્તા થતા ટનાટન જાય
ભ્રષ્ટાચારનો એરુ ભડભડ બળી ભોંમાં સમાય
ચોરી, લૂંટ શા અસામાજિક તત્વો સઘળાં ભાગે
ચૂંટણી ટાણે મત આપવા મતદાતા જો જાગે
પ્રજાના પ્રશ્ને નેતાજીઓ કાયમ દોડતા આવે
સંગાથે સૌ લાભદાયક યોજનાઓ પણ લાવે
લોકતંત્ર મતદાતા પાસે એવું શાસન માંગે
ચૂંટણી ટાણે મત આપવા મતદાતા જો જાગે
લોકસભા ને વિધાનસભા ના સત્રો સમયે ચાલે
સ્પીકર સંસદમાં પ્રશ્નોના નિરાકરણ લઈ મ્હાલે
થાય પ્રજા જ રાજા અને 'રંજ' સઘળાં ભાગે
ચૂંટણી ટાણે મત આપવા મતદાતા જો જાગે.
તો આ ૨૫મી જાન્યુઆરીએ જાગૃત મતદાતા થઈ કાયમ મતદાન કરવાનો સંકલ્પ કરીએ તો કેવું!
- kamlesh_joshi_sir@yahoo.co.in