અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ઝુંડ' ને સમીક્ષકોની થોડી પ્રશંસા મળી છે પરંતુ વિષય સારો હોવા છતાં રજૂઆતમાં નિર્દેશક થાપ ખાઇ ગયા હોય એમ લાગે છે. એવો પ્રશ્ન જરૂર થાય છે કે સુપરહિટ મરાઠી ફિલ્મ 'સૈરાટ' ના નિર્દેશક નાગરાજ મંજુલેની જ આ હિન્દી ફિલ્મ છે? 'ઝુંડ' ની નબળાઇઓ ગણવા બેસીએ તો ઘણી બધી છે. ફિલ્મના 'લફડા ઝાલા' ગીતની યાદ આવી જાય એમ છે. સ્ક્રીનપ્લે એવો જોરદાર નથી કે દર્શકો જકડાઇને બેસી શકે. ફિલ્મને વધારે પડતી ખેંચવામાં આવી છે. 'ઝુંડ નહીં ટીમ હૈ' કહેવામાં આવ્યું છે પણ એ ટીમનો સંઘર્ષ બતાવવામાં આવ્યો નથી. અમિતાભની ટીમ કેવી સમસ્યાઓનો સામનો કરીને જીત મેળવી શકી એ બતાવવામાં આવ્યું હોત તો વધુ પ્રેરણા મળી શકી હોત. વારંવાર એવું બતાવવામાં આવ્યું છે કે એ લોકોએ દુનિયા જોઇ ન હોવાથી કેટલા નાસમજ છે અને કેવી રીતે ઝઘડે છે. આવી ફિલ્મમાં ઇમોશનનો અભાવ નિર્દેશકની ક્ષમતા સામે પ્રશ્ન ઊભો કરે છે. થોડી કોમેડી છે અને બોલિવૂડના રુટિન સિનેમાથી અલગ છે પણ એવા એક-બે કારણથી ત્રણ કલાકની આખી ફિલ્મ જોઇ શકાય એમ નથી. નિર્દેશકે સોંપેલી ભૂમિકાને અમિતાભ સહજ રીતે નિભાવી જાય છે. તેમણે 'પ્રોફેસર વિજય બોરાડે'ની ભૂમિકા ભજવી છે, જે ઝુંપડપટ્ટીના બાળકોમાં ફૂટબોલની રમત પ્રત્યે ઝનૂન પેદા કરે છે. એક અસામાન્ય ફૂટબોલની ટીમની આ વાર્તામાં અમિતાભ એક કોલેજમાં ભણાવે છે એની બાજુમાં વિશાળ ઝુંપડપટ્ટી છે. ત્યાંના યુવાનો જીવવા માટે અજીબોગરીબ કામો કરે છે. એક દિવસ અમિતાભ એમને પ્લાસ્ટિકના બોક્ષનો ઉપયોગ કરીને ફૂટબોલ રમતા જુએ છે. અમિતાભને લાગે છે કે એમનામાં સંભાવનાઓ છે એને એ ખોટી આદતોમાં બરબાદ કરી રહ્યા છે. એમને ફૂટબોલ રમતા કરવા અમિતાભ એક ચાલ ચાલે છે. પછી એમને રસ પડે છે એટલે તાલીમ આપે છે. અને કોલેજની ટીમ સાથે એક મેચનું આયોજન કરે છે.
અસલમાં અમિતાભનું પાત્રાલેખન નવાઇ પમાડે એવું છે. તે પોતાની ટીમ માટે હકથી માંગણી કરવાને બદલે ઝુકીને માંગ કરે છે. એવું લાગે છે કે લેખકને પોતાના પાત્રની શક્તિ પર જ વિશ્વાસ નથી. ઘણા પાત્રોનું લેખન ગુંચવાડો ઊભો કરે છે. અમિતાભની સમાજ સેવાને પસંદ ના કરતો પુત્ર એક દિવસ પાછો આવે છે. તેણે નોકરી કેમ છોડી દીધી એનો ખુલાસો મળતો નથી. એ જ રીતે ક્લાઇમેક્સમાં પોલીસવાળાનું હ્રદય પરિવર્તન કેમ થયું? એનો કોઇ જવાબ મળતો નથી. એક છોકરો ટ્રેન સામે આત્મહત્યા કરવા જાય છે પછી ઇરાદો બદલી નાખે છે અને સીધો ફૂટબોલ ટુર્નામેન્ટમાં પહોંચી જાય છે. પછી પણ એવા પ્રસંગો આવે છે જેને ચમત્કાર જ કહી શકાય. નિર્દેશકે ફિલ્મ બનાવવા ઘણી મહેનત કરી હતી. એમણે 'વિજય બરસે' ના જીવન પર બે વર્ષ સુધી સંશોધન કરીને સ્ક્રીપ્ટ પર કામ કર્યું હતું. ફિલ્મની વાર્તાની ધીમી ગતિ અને વધુ પડતી લંબાઇ નિરાશ કરે છે. નાગરાજ મંજુલે ફિલ્મની કથા-પટકથા અને સંવાદ લખવા સાથે એક ભૂમિકા નિભાવીને નિર્દેશનની બાગડોર સંભાળી છે. તેમણે સમાજના અનેક મુદ્દા ઉઠાવ્યા છે. પણ વિષય સારો હોવા છતાં તે દર્શકોની અપેક્ષા પર ખરા ઉતરી શક્યા નથી. ફિલ્મને એકદમ જ નકારી કાઢવા જેવી નથી. એટલું ચોક્કસ છે કે નાગરાજ મંજુલે જે પ્રકારની ફિલ્મો માટે જાણીતા થઇ રહ્યા છે એવી નથી. એમાં નવું કંઇ જ નથી. બોલિવૂડમાં રમત પર આધારિત આવી ઘણી ફિલ્મો આવી ચૂકી છે. એ પણ બોલિવૂડના મસાલા નાખવાથી પોતાને રોકી શક્યા નથી. સારો અભિનય અને નિર્દેશન હોવા છતાં વધારે આશા રાખીને જતા દર્શકને નિરાશા મળે છે. એવું લાગે છે કે ફિલ્મમાં અમિતાભ ના હોત તો એને થિયેટરોને બદલે સીધી OTT પર જ રજૂ કરવી પડી હોત.
અમિતાભે 'વિજય' ની ભૂમિકાને જીવી બતાવી છે. ક્લાઇમેક્સમાં દમદાર અવાજમાં અમિતાભે રજૂ કરેલી સ્પીચમાં અસરકારક સંવાદો ન હોવાથી જામતી નથી. અમિતાભ સાથે તેમની ટીમના સભ્ય કલાકારો પર જવાબદારી હતી એ દરેક જણે નિભાવી છે. અંકુશ અને બાબુ પ્રભાવિત કરી જાય છે. 'સૈરાટ' ના કલાકારો રિંકૂ રાજગુરૂ અને આકાશ થોસારે સારું કામ કર્યું છે. અજય-અતુલનું ગીત-સંગીત નિરાશ કરતું નથી. તે ફિલ્મનો ટેમ્પો બનાવી રાખે છે. અમિતાભ ભટ્ટાચાર્યએ લખેલા 'લાત માર', 'લફડા ઝાલા', 'બાદલ સે દોસ્તી' અને 'આયે યે ઝુંડ હૈ' ગીતો સારા બન્યા છે.