Parita - 7 in Gujarati Fiction Stories by Parul books and stories PDF | પરિતા - ભાગ - 7

The Author
Featured Books
Categories
Share

પરિતા - ભાગ - 7

પરિતાને પોતાની સાસુ સાથે ફાવી રહ્યું નહોતું. નાની - નાની વાતમાં એને સાસુ સાથે વાંકું પડવા લાગ્યું હતું. પોતે આધુનિક વિચારો ધરાવતી હતી એટલે એને સાસુનાં વિચારો, એમની વાતો, એમની હરકતો, એમનાં રિવાજો, કામ કરવાની એમની રીત, વગેરે એને જુદાં અને જુનાં લાગી રહ્યાં હતાં. જોકે પોતે સાસુને મોઢાં પર કંઈ કહેતી નહિ પણ આખો દિવસ એમની સાથે રહેવાનું હોવાથી એમની વાતો સાંભળીને અને એમની ટેવોને જોઈને એને મનોમન અકળામણ થઈ આવતી હતી.

સમર્થ પણ પોતાનાં કામમાં હવે પહેલા કરતાં વધારે વ્યસ્ત રહેવા લાગ્યો હતો ને પરિતા કંઈ કહેવા જાય તો એને 'બહુ ટેન્શન છે.' એમ કહી ટાળી દેતો હતો. એટલે પરિતા પોતાની મનની વાત કોઈને કહી બહાર લાવી શક્તી નહોતી. એણે પોતાની મમ્મી સાથે પણ આ બાબતે ઘણીવાર ચર્ચા કરી હતી પણ દર વખતે મમ્મીની એક જ શિખામણ હોય કે, "આપણે જ એડજસ્ટ કરીને રહેવાનું હોય. ધીરે - ધીરે બધું જ ફાવતું થઈ જશે."

પરિતાની બાબતમાં ઊંધું હતું એનું મગજ ફાવવાની જગ્યાએ કોહવાવા માંડ્યુ હતું. ટી.વી., મોબાઈલ, પુસ્તક જેવી અનેક વસ્તુઓથી પોતાનાં મનને વાળવાની કોશિશ કરતી હતી પણ એનું મન કેમેય કરીને વળે જ નહિ. એનાં મનમાં તો બસ એક જ વાત ચાલતી હતી, અધૂરું રહી ગયેલું ભણવાનું પૂરુ કરી, સારી નોકરી મેળવવાનું. બસ આ વાત એનાં મગજમાંથી નીકળતી નહોતી. સમર્થે લગ્ન સમયે જે મીઠી - મીઠી અને સમજદારીભરી વાતો કરી હતી, એમાંની કશી જ વાતોનો અમલ થઈ રહ્યો નહોતો.

એક વહુ માટે ઘરનું વાતાવરણ પણ એવું હતું કે એવા વાતાવરણમાં પોતે ખુશ રહી જ શક્તી નહોતી. મન અકળાયેલું રહ્યાં કરતું હતું, જેને લીધે સતત બેચેની જેવું લાગ્યા કરતું હતું. એક જાતની અસહ્ય પીડાનો અનુભવ એને થયાં કરતો હતો. સમર્થ ન તો એને મારતો, પીટતો કે ન ગાળાગાળી કરતો, ન સાસુ - સસરા એને કંઈ કહેતા તેમ છતાં અસલામતીનો ભય એને અંદરોઅંદર સતત સતાવ્યા કરતો હતો. સમર્થ ભલે એને મારતો નહિ કે ગાળો આપતો નહિ, પણ એથી પરિતાને એ પોતાનાં માટે સજ્જન પણ નહોતો લાગતો, કારણ સમર્થ એની વાતને ગણકારતો નહોતો, એને સાંભળતો નહોતો ને એને સમજતો નહોતો.

સમર્થને મન ન તો પરિતાનાં વિચારોનું કોઈ સ્થાન હતું કે ન માન. કેટલાંય એવાં ફેંસલા એ પરિતાને પૂછ્યા વગર કે એની સાથે ચર્ચા કર્યા વગર જ લઈ લેતો હતો ને પરિતાએ પરાણે એ ફેંસલાને માની લેવું પડતું હતું. પરિતા માટે આવી બધી વાત સાથે એડજસ્ટ કરવું કઠિણ થઈ પડતું હતું. 'ક્યાં મુંબઈની આઝાદ જિંદગી ને ક્યાં આ લગ્ન પછીની બંધિયાર જિંદગી!' રોજ રાત્રે સૂતા પહેલાં એનાં મનમાં આ નિસાસો આવી જ જતો, રોજ એ પોતાનાં મનને કમને મનાવી લેતી ને આ જ જિંદગીમાં જીવવાનો પ્રયત્ન કરતી.

એક દિવસ તો એણે સમર્થ સામે જીદ પકડી, "સમર્થ...., તમે લગ્ન પહેલા મને કીધું હતું ને કે, લગ્ન પછી હું ભણી શકીશ, નોકરી કરી શકીશ તો હવે લગ્ન પછી તમારાં વિચારો કેવી રીતે બદલાઈ ગયાં......?!"

"પરિતા......., મારાં વિચારો બદલાયા નથી, લગ્ન પહેલા પણ એ જ હતાં ને લગ્ન પછી પણ એ જ છે, પણ....,"

"પણ...,શું....?"

"પણ હવે લગ્ન પછી, તને જાણ્યા પછી મને, મારાં માતા - પિતાને અને આ ઘરને તારી એવી આદત પડી ગઈ છે કે તું અમને છોડીને જાય એ પોષાય તેમ નથી..! તું વિચાર તો કરી જો કે તારાં સિવાય અમારી ને આ ઘરની હાલત કેવી થઈ જાય....?!"
પહેલી વાર સમર્થનાં મોઢેથી પોતાનાં માટે આવા સારાં શબ્દો સાંભળી એને પોતાનાં કાન પર ભરોસો થઈ રહ્યો નહોતો! એ ઘણી જ ખુશ થઈ ગઈ, એ રાતથી એનાં મગજમાંથી આગળ ભણવાનું અને નોકરી કરવાનું ભૂત તત્કાળ પૂરતું તો ઉતરી ગયું હતું.

સમર્થનાં આ શબ્દોની અસર પરિતાનાં મનને બદલાવામાં સફળ રહ્યાં કે નહિ એ જાણીશું આનાં પછીનાં ભાગમાં.