પ્રાયશ્ચિત પ્રકરણ 96
સૌરાષ્ટ્ર મેલ જામનગરને પાછળ મૂકીને આગળ વધતો ગયો. કેતન પોતાની સીટ ઉપર આવીને બેસી ગયો.
" કેમ આજે આટલો ઉદાસ લાગે છે ?" સિદ્ધાર્થભાઈ એ પૂછ્યું.
" ના બસ એમ જ. થોડો જામનગરના વિચારે ચડી ગયો હતો. આ શહેરમાં બસ એક સંકલ્પ લઈને આવ્યો હતો અને આજે આ શહેરે મને માથા ઉપર બેસાડી દીધો હતો. ક્યાં સુરત અને ક્યાં જામનગર !! બસ આવા બધા વિચારોમાં ખોવાઈ ગયો હતો. " કેતન બોલ્યો.
" તારી વાત એકદમ સાચી છે. અમે પણ કલ્પના નહોતી કરી કે સુરત છોડીને અમે જામનગરમાં સેટ થઈ જઈશું. " સિદ્ધાર્થ બોલ્યો.
" દરેક સ્થળના ઋણાનુબંધ હોય છે. ઋણાનુબંધ પૂરો થઈ જાય એટલે એ શહેર કોઈપણ કારણોસર છૂટી જાય છે." જગદીશભાઈ બોલ્યા.
ટ્રેનની સાથે સાથે વાતો પણ ચાલતી રહી. ૩:૩૦ વાગે રાજકોટ આવ્યું એટલે કેતન નીચે ઉતર્યો. ગાડી અહીં દસ મિનિટ ઉભી રહેતી હતી. જગદીશભાઈ અને સિદ્ધાર્થ પણ બહાર આવ્યા. ટી સ્ટોલ ઉપરથી કેતને ચા લઈને અંદર બેઠેલી લેડીઝને પહોંચાડી. કેતન, સિદ્ધાર્થ અને જગદીશભાઈએ ચા સ્ટોલ ઉપર જ પી લીધી. કેતને રસ્તામાં વાંચવા માટે એક બે મેગેઝીન ખરીદ્યાં.
ટ્રેઈન રાત્રે ૮:૧૫ વાગે અમદાવાદ સ્ટેશને પહોંચી ગઈ. અમદાવાદ સ્ટેશનેથી ટેક્સીઓ બહુ મળતી ન હતી. અહીં રીક્ષાઓનું જ ચલણ વધારે હતું એટલે કેતને બે ઓલા ટેક્સી મંગાવી લીધી અને એરપોર્ટ સર્કલ ઉપર આવેલી હોટલ ઉમેદમાં પહોંચી ગયા.
હોટલ ખરેખર ખુબ જ સરસ હતી. કેતને ૩ રૂમ બુક કરાવ્યા. રાતના નવ વાગી ગયા હતા અને હજુ જમવાનું બાકી હતું એટલે રૂમમાં જઈને સામાન મૂકી દીધો. હાથ-પગ ધોઈને બધાં નીચે હોટલના રેસ્ટોરન્ટમાં જમવા ગયાં. અહીં મેનુમાં મોટાભાગે પંજાબી ખાણું જ હતું. કેતને મેનુ જોઈને દરેકની પસંદગી પ્રમાણેનો ઓર્ડર લખાવી દીધો.
રસોઈ તો ખરેખર સરસ હતી. જમીને એ લોકો પોતાના રૂમ ઉપર પાછા ફર્યા. સવા દશ વાગી ગયા હતા અને સવારે વહેલા ઉઠવાનું હતું એટલે બધાં એ સૂવાનું જ પસંદ કર્યું.
સવારે ચાર વાગે એક પછી એક બધા ઉઠતા ગયા અને છ વાગ્યા સુધીમાં તો નાહી ધોઈને તૈયાર થઈ ગયા. ચાનો ઓર્ડર આપી દીધો હતો એટલે છ વાગે ચા પણ આવી ગઈ. ચા પીને હોટલની જ ટેક્સીમાં સવા છ વાગ્યે બધા એરપોર્ટ પહોંચી ગયાં.
બોર્ડિંગ પાસ લઈને સિક્યુરિટી ચેકિંગ પતાવી બધાં વારાણસી તરફના ડીપાર્ચર લોન્જ તરફ આગળ વધ્યાં. ૬:૪૫ વાગ્યે ગેટ ખુલ્યો અને પેસેન્જરોને અંદર લીધાં. ૭:૨૫ કલાકે ફ્લાઈટ ટેક ઓફ થયું.
ફ્લાઈટ દિલ્હી થઈને સાંજે ૪:૩૦ વાગે વારાણસી એરપોર્ટ ઉપર લેન્ડ થયું. બપોરે જમવાનું ફ્લાઈટમાં મળી ગયું હતું.
કેતને અહીંની તાજ નદેસર પેલેસ હોટેલ બુક કરાવી દીધી હતી એટલે એરપોર્ટ થી ટેક્સી કરીને બધાં હોટેલ પહોંચી ગયાં. હોટેલ એકદમ અફલાતૂન અને રજવાડી ટાઈપની હતી.
સાંજે વારાણસી પહોંચીને એ લોકો સહુથી પહેલાં તો બાબા વિશ્વનાથ નાં દર્શન કરી આવ્યાં. અદભુત ચેતના હતી અને અદભુત મંદિર હતું. કાલે ચતુર્દશીના દિવસે કેતનના પરિવારને મહાપૂજા કરાવવાની ઈચ્છા હતી એટલે એમણે ત્યાંના કાર્યાલયમાં સંપર્ક કર્યો. ત્યાં બેઠેલા એક સજ્જને એક શાસ્ત્રીજીને ફોન કરીને બોલાવ્યા.
થોડીવારમાં પંડિતજી આવ્યા એટલે કેતને આવતીકાલની ષોડશોપચાર મહાપૂજાની ઈચ્છા વ્યક્ત કરી. ૫૧૦૦૦ દક્ષિણા નક્કી કરવામાં આવી. પંડિતે એમને સવારે નાહી ધોઇને ૮ વાગે મંદિર આવી જવાનું કહ્યું.
આખા દિવસનો થાક લાગેલો હતો એટલે દર્શન કરીને કેતનનો પરિવાર હોટલે પાછો આવી ગયો. રાત્રે સાડા આઠ વાગે ગંગા નદીના કિનારે લલિતા ઘાટ ઉપર આવેલી રૂફ ટોપ રેસ્ટોરન્ટમાં જઈને જમી લીધું. અહીંથી રાત્રે ગંગા નદીનું દ્રશ્ય અદભુત દેખાતું હતું.
૧૦ વાગે હોટલમાં પાછા ફરીને એ લોકો સૂઈ ગયા. સવારે વહેલા ઉઠવાનું હતું. રાબેતા મુજબ કેતન વહેલી સવારે સાડા ચાર વાગ્યે ઉભો થઇ ગયો અને અડધો કલાક ધ્યાન કર્યું. ગાયત્રીની પાંચ માળા પણ કરી.
પરિવારના સભ્યો પણ એક પછી એક ઉભા થયા અને સાત વાગ્યે તૈયાર થઈ ગયા. એક રૂમમાં બધા ભેગા થયા અને ચા મંગાવીને પી લીધી.
સવારે આઠ વાગ્યા સુધીમાં બધા મંદિરના પરિસરમાં પહોંચી ગયા. પંડિતજી આવી ગયા હતા. ૧૧૦૦૦ બીલીપત્રની વ્યવસ્થા પણ એમણે કરી હતી. પંડિતજી બધાંને ગર્ભગૃહમાં લઈ ગયા. પૂજામાં કેતન અને જાનકી બેઠાં.
બે પંડિતોએ પૂજા ચાલુ કરી. ગણેશજી ના મંત્રો સાથે પૂજા શરૂ થઈ અને સૌથી પહેલાં શિવજીની ષોડશોપચાર પૂજા કરી. પછી અષ્ટાઘ્યાયી રુદ્રીના મંત્રોથી અભિષેક ચાલુ થયા. ફરી પાછા ચમક નમક મંત્રોથી ૧૧૦૦૦ બિલ્વપત્ર કેતન અને જાનકીએ ચડાવ્યાં. લગભગ બે કલાક સુધી પૂજા ચાલી.
બાર જ્યોતિર્લિંગોમાંનું આ એક શિવલિંગ છે. સ્વયંભૂ શિવજીની ચેતના અહીં ખૂબ જ જાગૃત છે. સવાર સવારમાં આ મહાપૂજા કર્યા પછી કેતનના શરીરમાં અદભુત પોઝિટિવ ઉર્જાનો સંચાર થયો.
પૂજા પતી ગઈ પછી ૫૧૦૦૦ દક્ષિણા આપીને કેતનનો પરિવાર બહાર નીકળી ગયો. ત્યાંથી એ લોકો અસ્સી ઘાટ ગયા. આ સ્થળ વારાણસીમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. ગંગા નદીના કિનારે આ ઘાટ ખૂબ જ રમણીય છે. અસ્સી અને ગંગા નદીનો અહીં સંગમ છે.
ત્યાંથી એ લોકો ચાલતા ચાલતા સંકટ મોચન હનુમાનજીના મંદિરે ગયા. ત્યાંના લોકોના કહેવા મુજબ આ એક જાગૃત મંદિર છે. કેતનના પરિવારે હનુમાનજીનાં ભાવથી દર્શન કર્યાં. આ બધું ફરવામાં બપોરનો એક વાગી ગયો હતો એટલે ત્યાંથી એ લોકો જમવા માટે વિવેક હોસ્પિટલ સામે આવેલી ' આલિશાન ઝાયકા ' રેસ્ટોરન્ટમાં જમવા ગયા.
કેતન આ બધી જગ્યાઓ ગૂગલમાં સર્ચ કરી લેતો હતો. ખરેખર રેસ્ટોરન્ટ બહુ જ સરસ હતી.
જમીને એ લોકો હોટલ ઉપર પાછા ફર્યા અને બે-ત્રણ કલાક આરામ કરવાનું જ નક્કી કર્યું.
વારાણસી નું બીજું નામ બનારસ પણ છે. સરકારી ચોપડે વારાણસી નામ છે. સુરતનું જમણ અને કાશીનું મરણ એ કહેવત આજે પણ કહેવાય છે. અહીં મૃત્યુ થાય તો મોક્ષ મળે છે એવી લોકવાયકા છે. મૃત્યુ સમયે સાક્ષાત શિવ દર્શન આપીને તારક મંત્ર આપે છે એવું કહેવાય છે. અહીં કાશી વિશ્વ વિદ્યાલય ના પ્રાંગણમાં પણ બીજું વિશ્વનાથનું મંદિર છે.
અહીં કુલ ૮૮ ઘાટ છે પરંતુ આ બધામાં અસ્સી ઘાટ, દશાશ્વમેઘ ઘાટ, હરિશ્ચંદ્ર ઘાટ અને મણિકર્ણિકા ઘાટ વધુ લોકપ્રિય છે. મણિકર્ણિકા ઘાટ આમ જુઓ તો સ્મશાન જ છે જ્યાં સતત ચિતાઓ સળગતી હોય છે. તમામ ઘાટ ઉપર તર્પણ શ્રાદ્ધ અને પિંડદાન થતાં જ હોય છે.
કેતને કાશી વિશ્વનાથ મંદિર કાર્યાલયમાં પૂછપરછ કરીને શ્રાદ્ધ અને પિંડદાન કરાવતા ખૂબ જ વિદ્વાન પંડિતનો સંપર્ક કર્યો. એમનું નામ બિંદેશ્વરી પ્રસાદ હતું. પરંતુ બધા એમને બિંદુ પ્રસાદ તરીકે ઓળખતા હતા. શ્રાદ્ધનું કાર્ય શુદ્ધ વૈદિક મંત્રોથી થવું જોઈએ એવો કેતનનો આગ્રહ હતો.
અહીં ઘણા પંડિતો સરખા મંત્રો પણ નથી બોલતા અને પિંડદાન પૂજા કરાવતા હોય છે. પંડિતજીએ કેતનના પરિવારને સવારે નવ વાગે અસ્સી ઘાટ ઉપર આવી જવાનું કહ્યું. પિંડદાન કેતન એકલો જ કરવાનો હતો.
બીજા દિવસે કારતક મહિનાની અમાસ હતી એટલે પિતૃઓનું તર્પણ કરવા માટે આવેલા લોકોની ભીડ પણ બનારસમાં ઘણી હતી.
અહીં દશાશ્વમેઘ ઘાટ ઉપર સંધ્યા આરતી ખુબ જ સરસ થતી હોય છે એટલે કેતનનો પરિવાર સાંજે આરતીનાં દર્શન કરવા ગયો. બ્રહ્માજીએ અહીં ૧૦ અશ્વોથી અશ્વમેઘ યજ્ઞ કરેલો એવું કહેવાય છે. અહીં આરતી ખરેખર ખૂબ જ ભવ્ય હતી.
આરતી વગેરે પતાવીને એ લોકો આઠ વાગે કેન્ટોન રોયલ રેસ્ટોરન્ટમાં ડિનર માટે ગયા. આ પણ એક સરસ રેસ્ટોરન્ટ હતી. કેતન દરેક વખતે નવી નવી જગ્યાએ ફેમિલીને લઈ જતો હતો.
જમીને દસ વાગે એ લોકો પોતાની હોટલ ઉપર પાછા આવી ગયા.
કાલે શ્રાદ્ધ અને પિંડદાન પતી જાય પછી બનારસમાં રોકાવાનો કોઈ મતલબ ન હતો એટલે કેતને તપાસ કરી તો આવતીકાલે સાંજે સાડા ત્રણ વાગ્યાનું અમદાવાદ જતું ફ્લાઈટ હતું. હવે શ્રાદ્ધ અને પિંડદાન વિધિમાં કેટલો ટાઈમ લાગવાનો હતો એ કેતન લોકોને ખબર ન હતી એટલે પછી કાલ ને કાલ અમદાવાદ જવાનો વિચાર માંડી વાળ્યો અને પરમ દિવસના ફલાઇટની ટિકિટ બુક કરાવવાનું નક્કી કર્યું.
કેતને પરમ દિવસે ૨૩ નવેમ્બરની અમદાવાદ જવા માટેની સાત ટિકિટ બુક કરાવી દીધી.
કેતને પિંડદાન કરાવનારા પંડિતને બાફેલા ચોખા પૂજાપો વગેરે જરૂરી માલસામાન લઈને જ આવવાનું કહી દીધું હતું એટલે એ લોકોએ ખાલી હાથે અસ્સી ઘાટ પહોંચવાનું હતું. પહેરવા માટે કેતને એક કોરું ધોતિયું લઈ જવાનું હતું. જે એણે આજે જ ખરીદી લીધું હતું.
૧૦:૩૦ વાગ્યે બધા સુઈ ગયા. સવારે પાંચ વાગ્યે કેતન ઊભો થઈ ગયો અને તરત જ કાશી વિશ્વનાથ મહાદેવના આ પવિત્ર ધામમાં ધ્યાનમાં બેસી ગયો. આજે એને ઊંડું ધ્યાન લાગી ગયું. આજે સામેથી ચેતન સ્વામી એના અંતરચક્ષુ સામે પ્રગટ થયા. કેતને એમને મનોમન વંદન કર્યાં.
" આજનો દિવસ તારી જિંદગીનો ખૂબ જ મહત્વનો દિવસ છે. તારાં તમામ સત્કાર્યોનું આજે તને પરિણામ મળવાનું છે. તારા દાદાનું એટલે કે તારું પોતાનું શ્રાદ્ધ અને પિંડદાન થઈ જાય એટલે તારા મહાન ગુરુ સાથે આજે તારું મિલન થશે. એ તારી સામે પ્રગટ થશે." ચેતન સ્વામી બોલતા હતા.
" પિંડદાન ની વિધિ પૂરી થઈ જાય પછી તારે ગંગા નદીમાં પવિત્ર સ્નાન કરવું પડશે. તારા ગુરુજીનું નામ સ્વામી અભેદાનંદ છે. હિમાલયમાં વસતા આ ગુરુ સાક્ષાત ઈશ્વરનો અવતાર જેવા છે. સ્નાન કરતી વખતે તું એમનું સતત સ્મરણ કરજે. તારું પ્રાયશ્ચિત એ ક્ષણે જ પૂરું થઈ જશે." કહીને સ્વામીજી અદ્રશ્ય થઈ ગયા.
કેતન ધીમે ધીમે ધ્યાનમાંથી બહાર આવ્યો. એને સ્વામીજી સાથે થયેલી વાતચીત સંપૂર્ણપણે યાદ હતી. એને ગુરુજીના દર્શનની વાત સાંભળી ખુબ જ આનંદ થયો.
સવારે ૯ વાગે કેતન લોકો અસ્સી ઘાટ ઉપર પહોંચી ગયા. પંડિતજી કેતન લોકોની રાહ જોઈ રહ્યા હતા. કેતને એમને ફોન કરીને એ ક્યાં છે એ બધું પૂછી લીધું અને એમણે બતાવેલી જગ્યાએ પહોંચી ગયા.
ગંગા નદીના કિનારે જ શિવ મંદિરની બાજુમાં શ્રાદ્ધ અને પિંડદાનની પંડિતજીએ તૈયારી કરી હતી. નાનકડો હવન કુંડ પણ બનાવ્યો હતો. પંડિતજીએ ચાર પાંચ પાટલા ગોઠવ્યા હતા અને એમાં વસ્ત્ર પાથરીને જુદાં જુદાં અનાજ રાખેલાં હતાં.
" જજમાન મેં યે સબ પૂજા ચાલુ કર રહા હું તબ તક આપ સામને જો નાયી લોગ બેઠે હૈ વહાં જાકે મુંડન કરવા દીજીએ. ઉસકે બાદ ગંગા નદીમાં સ્નાન કરકે ધોતી પેહન લીજીયે. બાકી સબ લોગ યહાં આસન બિછાયે હૈ વહાં બેઠ જાઈએ. " પંડિત બિંદુ પ્રસાદ બોલ્યા.
કેતને બિંદુ મહારાજની સૂચના પ્રમાણે સામે જઈને માથે મુંડન કરાવ્યું. મૂછ પણ કાઢી નાખી. કેતનનો આખો ચહેરો જ બદલાઈ ગયો. નાઈને પૈસા આપીને કેતન ગંગાકિનારે ગયો. સિદ્ધાર્થ પણ નવું ધોતિયું અને ટુવાલ લઈને એની પાસે પહોંચી ગયો. કેતને પહેરેલાં વસ્ત્રો ઉતારી દીધાં અને સિદ્ધાર્થભાઈ ને આપી દીધાં.
ગંગા નદીમાં સ્નાન કરતી વખતે પણ કેતને પોતાના ગુરુ અભેદાનંદ સ્વામીનું સ્મરણ કર્યું. બરાબર માથાબોળ સ્નાન કર્યા પછી કેતન બહાર આવ્યો. ધોતીમાં અત્યારે એ એકદમ જુદો જ લાગતો હતો. બિંદુ મહારાજ જ્યાં પૂજા કરાવતા હતા ત્યાં કેતન અને સિદ્ધાર્થ પહોંચી ગયા.
" અરે કેતન તમે તો ઓળખાતા જ નથી અત્યારે !! " જાનકી બોલી ઉઠી.
" હા ભાઈ. ભાભી સાચું કહે છે. તમારો આખો દેખાવ બદલાઈ ગયો છે. "
" બસ હવે મારો નવો જનમ શરૂ થઈ રહ્યો છે. " કેતને હસીને કહ્યું. એ બોલવા જતો હતો કે મારું પ્રાયશ્ચિત પણ પૂરું થઈ ગયું છે પરંતુ એ અટકી ગયો.
બિંદુ મહારાજે બતાવેલા આસન ઉપર કેતન બેસી ગયો અને તર્પણ શ્રાદ્ધ ની વિધિ ચાલુ થઈ ગઈ. બિંદુ મહારાજ સાથે એમનો એક આસિસ્ટન્ટ પણ હતો જે કેતનને હાથમાં પાણી ચોખા ફૂલ વગેરે દરેક સંકલ્પ વખતે આપી રહ્યો હતો.
" જજમાન આપકા નામ, આપકે પિતાકા નામ ઓર જીનકા શ્રાદ્ધ પિંડદાન હૈ ઉનકા નામ ભી મુજે બતા દો. " બિંદુ મહારાજ બોલ્યા. કેતને બધાનાં નામ એમને આપ્યાં.
એ પછી બિંદુ મહારાજે તર્પણ અને શ્રાદ્ધની વિધિ પૂરી કરી. સાત પેઢીના પિંડ બનાવીને દરેક પિંડની પૂજા કરીને તમામ પિતૃઓને મુક્તિ આપી. એ પછી વેદના મંત્રોથી હવન કર્યો અને તમામ પિતૃઓને તેમજ દાદા જમનાદાસને હવન અર્પણ કર્યો.
જમનાદાસના આત્માને પિતૃયજ્ઞનું તમામ ફળ જ્યારે પંડિતજીએ અર્પણ કર્યું ત્યારે કેતનના શરીરમાં એક આછી ધ્રુજારી આવી ગઈ.
યજ્ઞ સંપન્ન થઈ ગયો. પોતાના પિતૃઓને ભાવપૂર્વક વંદન કરવાની કુટુંબના તમામ સભ્યોને પંડિતજીએ સૂચના આપી. બધા સભ્યોએ ઘૂંટણથી નમીને તમામ પિતૃઓને પ્રણામ કર્યા અને આશીર્વાદ લીધા.
" જજમાન અબ સબ વિધિ પૂર્ણ હો ગઈ હૈ. આપ ગંગાજીમેં ભગવાન વિશ્વનાથ કા સ્મરણ કરકે ફિરસે એક બાર સ્નાન કર લો. " પંડિતજી બોલ્યા.
કેતન પોતાના તમામ પિતૃઓને પ્રણામ કરીને ઉભો થયો. એ પછી માતા-પિતાને પણ પગે લાગ્યો અને એમના આશીર્વાદ લીધા. એ પછી બન્ને ભાઈઓ ફરીથી ગંગાના કિનારે ગયા.
સિદ્ધાર્થ કપડાં અને ટુવાલ લઈને કિનારે ઊભો રહ્યો અને કેતન સ્નાન કરવા માટે ગંગા નદીમાં આગળ વધ્યો. આગળ વધતી વખતે એણે ભગવાન વિશ્વનાથનું સ્મરણ કર્યું અને પછી પોતાના ગુરુ સ્વામી અભેદાનંદજી નું માનસિક સ્મરણ ચાલુ કર્યું.
ગુરુજીને યાદ કરતાં એની ભાવાવસ્થા થઈ ગઈ. એ ધ્યાન અવસ્થામાં ઊંડો ઉતરતો ગયો. સ્થળ કાળનું એને ભાન ન રહ્યું. બસ એ ગંગા નદીના ઊંડા પાણીમાં આગળ વધતો ગયો. છાતી સુધી પાણી આવી ગયું.
સિદ્ધાર્થે એને મોટેથી બૂમ પણ પાડી. " કેતન બસ ત્યાં જ અટકી જા. તું ઘણો આગળ નીકળી ગયો છે. તું જલ્દી ડૂબકી મારીને પાછો આવી જા. આગળ પાણી ઘણા ઊંડા છે. નદીનો પ્રવાહ પણ ઘણો વધારે છે. "
પરંતુ સિદ્ધાર્થનો અવાજ સાંભળવાની કેતનમાં સુધ બુધ નહોતી !! એ તો એક જુદી જ અવસ્થામાં આગળ વધી રહ્યો હતો. જાણે કે એના ગુરુ એને બોલાવી રહ્યા હતા. એના પગ પણ હવે જમીન ઉપર નહોતા.
કિનારે ઉભેલા તમામ લોકોએ બૂમાબૂમ કરી. કેતનનો પરિવાર પણ બેબાકળો બનીને દોડતો આવી ગયો. તમામ લોકો કેતન કેતન ની બૂમો પાડી રહ્યા હતા. એક-બે તરવૈયાઓએ કેતનને બચાવી લેવા ગંગા નદીમાં ડૂબકી મારી.
પરંતુ કેતન આ દુનિયાથી બેખબર પોતાની જ દુનિયામાં ખોવાઈ ગયો હતો અને ધસમસતા ગંગાના પ્રવાહ વચ્ચે ઘણો આગળ વધી ગયો હતો !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)