Raju Bangaya Gentleman - 5 in Gujarati Fiction Stories by PRATIK PATHAK books and stories PDF | રાજુ બન ગયા જેન્ટલમેન - 5

Featured Books
Categories
Share

રાજુ બન ગયા જેન્ટલમેન - 5

ઘરમાં કોઈ છે મોહન કાકાએ રાજુનાં ઘરનો દરવાજો ખખડાવીને અંદર પ્રવેશતા કહ્યું.
રાજુ ના પપ્પા ઉંમરમાં મોહન કાકા કરતા થોડા મોટા પણ નાનપણના મિત્ર

“અરે આવ આવ મોહન, શું વાત છે આખો પરિવાર અમારા ઘરે?અરે આવો મોટા બેન ,અમિત કુમાર શું વાત છે તમે લોકો પણ? આવ ભાઈ મહેશ.”
રાજુના પપ્પા બધા લોકોને મીઠો આવકારો આપ્યો.
‘કહું છું પાણી લાવજો, મોહન અને તેનો પરિવાર આવ્યો છે .'એવું કહીને ઘનું ભાઈ એ રાજુનાં મમ્મી લીલાબેનને બોલાવ્યા.

બધા લોકો જેમતેમ કરી રાજુના નાના એવા ઘરમાં ગોઠવાયા,કોઈ જૂના લાકડાના સોફા પર તો કોઈ નીચે શેતરંજી પાથરી ને બેઠું. રાજુ તેની મમ્મીની પાણી દેવા મદદ કરી રહ્યો હતો.
ઘર એકદમ સામાન્ય.સાવ ગામડાની માફક ઘર,મોટો લોખંડનો દરવાજો અને એની અંદર ફળિયુ, ફળિયામાં રાજુ નું ટ્રેક્ટર પડ્યું હતું. ફળિયા થી બે પગથીયા ચડી એટલે એક લાંબી ઓસરી આવે ઓસરીમાં જ સામે પાણિયારું અને બાજુમાં નાનું એવું રસોડું. ઓસરીની પછી બાજુ- બાજુ માં બે રૂમ.

બંને રૂમ ના બાર હાથ વચ્ચે રાખેલી એ બે તલવાર અને રાજુના દાદાનો મોભાદાર ફોટો દીવાલની શોભા વધારતો હતો.ફોટાની બરાબર નીચે ઘનું ભાઈ સોફા પર બેઠા હતા.
મને બોલાવી લીધો હોત તમે બધાએ શા માટે તકલીફ લીધી ઘનું ભાઈ એ કહ્યું.
‘ઘનું ભાઈ એમાં તકલીફ શું પડે આ પણ અમારું ઘરે જ છે ને ?પણ અમે લોકો એક ખાસ કારણ થી અહીં આવ્યા છીએ’. મોહનકાકા એ કહ્યું

ખાસ કારણ ?! હું સમજ્યો નહીં
“વાત એમ છે ઘનું ભાઈ અમારી દીપુ ને તમારો રાજુ પસંદ છે અને એ તેની જોડે લગ્ન કરવા માંગે છે.” અમિત કુમારે સીધી સચોટ વાત કરી.


શું વાત કરો છો બનેવી સાહેબ રાજુ અને દીપુ એ કેમ શક્ય બની શકે?આપણી જ્ઞાતિ અલગ છે આપણો સમાજ કેમ સ્વીકારે.?અને રહી વાત રાજુની એને દીપુ ને કંઈ કહ્યું કે તેને પ્રસ્તાવ મૂક્યો હોય તો હું એની માફી માગું છું.ઘનું ભાઈ રાજુ સામે ગુસ્સા ભરેલી નજરે જોઇને બોલ્યા.

“અરે નાના ઘનું ભાઈ એમાં રાજુનો કંઈ વાંક નથી.એ તો ઊલટો આ સંબંધ માટે ના પાડે છે એ તો તમારા અને મોહનભાઈ ના સંબંધો વિચાર કરે છે કે નકામી બંને ઘરની બદનામી થાય અને તમારી વર્ષો જૂની દોસ્તી ને ખોટો દાગ લાગે.” અમિત કુમારે હાથ જોડીને કહ્યું

તો પ્રશ્ન શું છે ઘનું ભાઈ બોલ્યા
દીપુ! દીપુ ને રાજુ પસંદ છે અને તેના સિવાય ક્યાય લગ્ન નહી કરે એવો નિર્ણય લઈને બેઠી છે અમિત કુમાર બોલ્યા

ક્યાં છે દીપુ તેને બોલાવો હું વાત કરું છું હું તેને સમજાવીશ.
એટલું કહેતા જ બરાબર નિહારિકા અને દીપુ ઘરમાં આવ્યા
દીપુ સાવ અલગ જ લાગતી હતી જે છોકરીએ સવારે સ્લીવલેસ ટીશર્ટ અને જીન્સ પહેરેલું હતું એ છોકરી અત્યારે લાલ કલરની બાંધણી ની સાડી માં બધાની સામે આવીને ઊભી હતી. નખ થી શીશ સુધી એક ભારતીય નારીની જેમ તૈયાર થઈ હતી. હાથમાં લીલી અને લાલ બંગડી, કાનમાં બુટ્ટી અને કપાળે એક સુંદર લાલ કલરનો ચાંદલો અને આંખમાં આંજણ તેની સુંદરતા વધારે શોભાવતા હતા કોઈ ના કહે કે આ ન્યૂયોર્ક થી આવેલી દીપુ છે.
બધા તો તેની સામે જોઈ રહ્યા પણ રાજુ તેને એકીટશે જોઈ રહ્યો હતો .શું રાજુ મનમાં પણ પ્રેમની કૂંપણ ફૂટી નીકળી હતી? એતો રાજુ જાણે અને ભગવાન જાણે.
ઓસરી માં આવી દીપુ સૌથી પહેલા રાજુ ના પપ્પા અને મમ્મી ને પગે લાગી અને પૂછ્યું કેમ છો મામા મામી.?

“ઠીક છુ બેઠા. બેસ અહી તું આ બધું ઠીક નથી કરી રહી આવી ખોટી જીદ ના પકડાય બેટા”ઘનું ભાઈએ દીપુ ને સમજાવતા કહ્યું.

મામા તમે તો મને જાણો છો તમે મને નાનપણ માં રમાડતા ત્યાંરે પણ હું જિદ્દી હતી ને દીપુએ હસતા-હસતા કહ્યું.

“જો બેટા એ વાત અલગ હતી અને હવે વાત લગ્નની છે. આખા જીવનની છે બંને કુટુંબની છે બંને સમાજની છે તું એક સારી સંસ્કારી છોકરી છે ભણેલી-ગણેલી અને ડોક્ટર છે આ પાછી કેવી મનોચિકિત્સક તો અમારા કરતા બધાના મનને વધારે જાણે તો પછી કેમ આવો નિર્ણય એ પણ રાજુ માટે એ તો માંડ માંડ કરીને કોલેજ પાસ થયો છે તારી સાથે ઉભો રહીને શું કરશે ?અને તને અમારા ઘરમાં બધું અઘરું પડશે,તું નહીં કરી શકે બેટા.”

તમે મામા કોઈ ચિંતા ના કરો હું મનોચિકિત્સક છું એટલે જ તો મે રાજુનાં મનને સમજ્યું છે.એના જેવો માણસ મને તો આખા જીવનમાં ક્યારેય નહીં મળે.તમે મને નાનપણમાં કહેતા હતાને કે ક્યારેક અમને પણ અમેરિકા લઈ જાજે. તો મામા લગ્ન કરીને તમને બધાને હું અમેરિકા લઈ જઈશ તમે બહુ મહેનત કરી દીધી હવે આરામથી જિંદગી જીવવાની છે તમારે .

“અમેરિકા!? ના બેટા અમે અમારું વતન હળવદ છોડીને ક્યાંય આવી ન શકીએ.એવો વિચાર જ તું તારા મગજ માંથી કાઢી નાખજે અને રહી વાત રાજુ સાથે તારા લગ્નની તો એ પણ શક્ય નથી બંનેના ઘર કુટુંબ અને સમાજ અને રિવાજ સાવ અલગ છે એટલે એનો પણ વિચાર મન માંથી કાઢી નાખજે”. રાજુ ના પપ્પા બોલ્યા

“મામા તમે તમારી રીતે સાવ સાચા છો. પણ મારી જાતને ખૂબ જ નસીબદાર માનીશ કે મને આવું ઘર મળે તમારા જેવા પ્રેમાળ સસરા મળે અને જો તમે કહેશો તો હું અમેરિકા છોડી ગઈ હળવદમાં પણ રહેવા તૈયાર છું. હું રાજુ અને તમારી સાથે વાડી અને ખેતરમાં પણ કામ કરીશ તમારી અને તમારા કુટુંબની મર્યાદા પર સહેજ પણ આ જ નહીં આવવા દઉં. કુળ ની મર્યાદા જાળવવા મારું સર્વસ્વ યોગદાન આપીશ. પણ જો મારા અને રાજુના લગ્ન નહીં થાય તો એ વાત પાકી છે હું કોઈની જોડે લગ્ન નહીં કરી શકું,કદાચ મારુ જીવન પણ અહીં સમાપ્ત થઇ શકે. માનીજાઓને મામા તમને ફરિયાદનો એક પણ મોકો નહીં આપું.”દીપુ ઘનું ભાઈ ના પગમાં પડીને રડતાં -રડતાં બોલી.
ત્યાં બેઠેલાં દરેક વ્યક્તિ ચૂપ હતા અને જે બધું ઘટતું હતું એ જોતાં હતા.
"હિંમત છે હો છોકરીમાં પોતાનું બધું જ સર્વસ્વ છોડી એક છોકરી આટલી હિંમત કરી શકતી હોય તો એનામાં કંઇક વાત તો હશે ને!" રાજુ ના મમ્મી ફક્ત આટલું જ બોલ્યા

એની હિંમત અને લાગણીની કદર કરું છું પણ આપણા ઘરમાં તે સેટ થઈ શકશે એને ફાવશે ??ઘનું ભાઈએ લીલા બેન ની સામે જોયા વગર તેમને પૂછ્યું.

રાજુનાં પપ્પા ભૂલીના જાવ કે હું પણ મોટા શહેર માંથી અને બીજી જ્ઞાતિ માંથી આવેલી છું.એ સમયે હું ઘર માં સેટ થઇ ગયું હતી તો દીપુ શા માટે ના થઈ શકે? સામેથી લક્ષ્મી ચાંદલો કરવા આવી છે તો કાંઈ મોઢું ધોવા ન જવાય રાજુ ના મમ્મી દીપુ ને ઘનુંભાઈના પગમાંથી ઉભી કરીને ગળે લગાવી બોલ્યા
તું કહે છે તો ...... ઘનું ભાઈ કઈ બોલે એ પહેલા મહેશભાઈએ તેમની વાત આપતા કહ્યું જોયું, “લક્ષ્મી ચાંદલો કરવા આવે.. આખા ઘરને અમિતકુમાર તમારા પૈસા અને પ્રોપર્ટીની જ પડી છે ખબર છે એકને એક છોકરી છે અને બધી સંપત્તિ તેને જ આવશે.”
“મહેશ મામા પ્લીઝ તમે કંઈ આડું-અવળું ના બોલો”, દીપુ એ કહ્યું
શું કામ ન બોલું મને હક છે અને આ લોકો તો પહેલેથી જ પૈસા ના ભૂખ્યા છે

“મહેશ, ભાઈ હવે વધારે ના બોલતો તમારા ત્રણે ની સંપત્તિ જેટલી હશે ને મારે એકલાની એટલી ખેતીની જમીન છે.પણ અમે રહ્યા સીધા સાદા માણસો ખોટો દેખાડો કરતા ના આવડે. માફ કરજો અમિતકુમાર પણ તમારે અમેરિકામાં નહીં હોય ને એવું મારું ફાર્મ હાઉસ છે. અમને પૈસાની જરાય ભૂખ નથી મને ખબર છે મહેશ તને હજી જૂની વાતનો રંજ છે પણ ત્યારે સમય અલગ હતો અત્યારે જૂની વાતોના ઉખાડી તો વધુ સારું છે.” ઘનું ભાઈ બોલ્યા અને મહેશભાઈ તરત ચૂપ થઈ ગયા

ઘનું ભાઈ મારી ભાણી ની જવાબદારી હું લઉં છું મોહન કાકા એ હાથ જોડી ને કહ્યું.

“અરે મોહન તું મારા ભાઈ સમાન છે અમને કંઈ વાંધો નથી પણ રાજુ ની મરજી હોય તો જ આગળ વધાય.
બેટા દીપુ અમેરિકામાં ખેતર ને વાડી હોય ને રાજુને ખેતર જોયા વિના ચાલતું નથી.” ઘનું ભાઈ હસતા- હસતા બોલ્યા

બોલ રાજુ તારી શું ઈચ્છા છે? અમિતકુમારે રાજુને પૂછ્યું

“ તમારા બધાની ઈચ્છા અને લાગણીઓને ખૂબ જ માન આપું છું.તમે બધાએ મારા પર આટલો બધો વિશ્વાસ મૂક્યો એના બદલ બધાનો આભારી છું પણ લગ્ન કરવા જેવો મોટો નિર્ણય હું આટલો આસાનીથી લઈ ના શકું.દીપુ જેવી હોશિયાર સુંદર અને સુશીલ છોકરી જોડે લગ્ન થવા એ કોઈપણ છોકરા માટે ખૂબ જ મોટી વાત છે પણ બધું છોડીને અમેરિકા જવું નવો દેશ નવા માણસો એ મારા માટે બહુ અઘરું છે હું તો કોઈ દિવસ ગુજરાતની બહાર પણ નથી નીકળ્યો તો અમેરિકા તો બહુ મોટી વાત કહેવાય રાજુ બોલી રહ્યો હતો અને બધાની નજર ફક્ત રાજુ સામે હતી દીપુ મને માફ કરજે પણ તું એક સુંદર અને મોર્ડન છોકરી છે ,હું કહેવાય ગ્રેજ્યુટ પણ તારા લેવલેતો અભણ જ કહેવાય હું આપણી જોડીને ક્યારેય ન્યાય ન આપી શકુ.” રાજુ એ હાથ જોડતા વિનંતી થી કહ્યું

“શું મારો ભાઈ આટલું બધું વિચારેશ, દીપુ કહે છે કે એ બધું સાચવી લેશે તો તને શું વાંધો છે ભાઈ?” લાલા એ પૂછ્યું.
વાંધો? વાંધો અત્યારે નહીં આવે વાંધો જ્યારે આ આકર્ષણ નો નશો લગ્નના પાંચ સાત વર્ષ પછી ઉતરશે ને ત્યારે આવશે ત્યાં સુધી તો ગાડી મસ્ત ચાલશે પછી એક એવી જોરદાર બ્રેક લાગશે અને સઘળું રોકાઈ જશે રાજુ બોલ્યો.
સબંધમાં લાગણીઓની હૂંફ અમુક માત્રાઓ સુધી કારણ કે પછી તો આમ તેમ દઝાય જ છે.

આકર્ષણ?? રાજુ તારા ચહેરાનું આકર્ષણ નથી આકર્ષણ તો તારી વાતો નું છે તારા હૃદયનું છે. તું ચિંતા ના કરીશ આપણા જીવનની ગાડીને બ્રેક નહીં લાગવા દઉં.દીપુ કહ્યું

દાઝેલા સબંધો પર હમેંશા પ્રેમ નો મલમ કામ કરે છે.

“એ રાજ્યા છોકરી ગમતી હોય તો ,ખોટો ભાવ નઈ ખા સીધી હા પાડ.ઘનું ભાઈ બોલ્યા અને બધા હસવા લાગ્યા

ઠીક છે તો મને બે દિવસ વિચારવાનો સમય આપો હું બે દિવસ પછી મારો જવાબ અને નિર્ણય આપીશ રાજુએ કહ્યું.
“આ તો સાલું ઊંધું છે બધા કિસ્સામાં છોકરી આવા સમય માંગતી હોય અને રાજ્યા આમાં તું સમય માંગે છે અને ખોટી ચિંતા કરે છે ખરેખર એન્ટિક આઈટમ છે તું.” લાલા એ હસતા હસતા કહ્યું અને બધા હસવા લાગ્યા

‘ઠીક છે તું વિચારીલે અને તારો જે નિર્ણય હશે એ મને સ્વીકાર્ય રહેશે .’દીપુ એ સાવ ધીમા સ્વરમાં ઉદાસ થઈને કહ્યું.
તો બે દિવસ પછી મળીએ અમિતકુમાર બોલ્યા અને મોહન કાકા ના પરિવારે ત્યાંથી બધાને જયશ્રીકૃષ્ણ કરીને વિદાય લીધી.




તો બે દિવસ પછી શું હશે રાજુ નો નિર્ણય? રાજુ આ સંબંધ માટે તૈયાર થશે ? કે રાજુની ના દીપુ માટે અને તેના પરિવાર માટે કોઈ ગંભીર પરિણામ લાવશે જાણવા માટે વાંચતા રહો રાજુ બન ગયા જેન્ટલમેન તમારા અને ફક્ત તમારા પ્રતીક પાઠક સાથે અને માતૃભારતી સાથે ક્રમશઃ