Parita - 6 in Gujarati Fiction Stories by Parul books and stories PDF | પરિતા - ભાગ - 6

The Author
Featured Books
Categories
Share

પરિતા - ભાગ - 6

સંપૂર્ણ હિન્દુ રીતિ- રિવાજ પ્રમાણે વિધિસર સમર્થ અને પરિતાનાં લગ્ન કરવામાં આવ્યાં. બધું જ સારી રીતે પાર પડી ગયું હતું. મુંબઈમાં એકલી રહેતી પરિતા પાંચ વર્ષે ઘરે થોડાં દિવસ માટે પાછી ફરી હતી ને અચાનક જ એનાં લગ્ન ગોઠવાઈ ગયાં ને એ હવે સાસરે સાસુ - સસરા, પતિ સાથે રહેવા લાગી હતી. શરૂઆતનાં દિવસો તો હનીમૂન માટે ફરવા જવામાં, નજીકનાં સગાં - સંબંધીઓને ત્યાં મળવા જવામાં, પસાર થઈ ગયાં પણ પછી...., પછી પરિતાને ઘરમાં રહેવાનું અઘરું થવા માંડ્યું હતું. એવું નહોતું કે એને ઘરકામ કરવામાં કંટાળો કે પછી રસોઈ કરવાનો અણગમો હતો, એ બધું કામ તો એ ફટાફટ કરી લેતી હતી, પણ સૌથી અઘરું એનાં માટે જે થઈ પડ્યું હતું એ હતું સાસુનાં અમુક જુનવાણી વિચારો સાથે પોતાનાં આધુનિક વિચારોનો તાલમેળ જાળવવો. એ મોઢાં પર તો કંઈ બોલી શક્તી નહોતી કે જતાવી શક્તી નહોતી પણ એનાં માટે એવા વિચારોને સ્વીકારવું કપરું થઈ પડતું હતું. કમને પણ એને સાસુની વાતમાં હાએ હા કરવી પડતી હતી.

એક દિવસ રાત્રે એણે પોતાનાં પતિ સામે એક વાત કહી, "સમર્થ...."

"હં....,"

"મારે તમને કંઈ કહેવું છે... ,"

"શું..કહેવું... છે....?"

"મારે મારું ભણવાનું પૂરું કરવું છે...,"

"હા..., કર..., એમાં મને પૂછે છે..., શાની....!"

"એ માટે મારે મુંબઈ જવું પડશે....,"

"કેમ....., અહીં રહીને નથી ભણી શકાતું....?"

"ના...," (અહીંયા તમારી મમ્મી ભણવા દે તો ને....!) એણે મનમાં વિચાર્યું.
"ના....??!!"

"ના...., એટલે કે મારી કોલેજ મુંબઈની છે ને તો મારે ત્યાંથી જ ડી.ગ્રી. લેવી પડશે એટલે...."

"જો પરિતા..., મારી ના નથી, હું તો ઈચ્છું જ છું કે, તું ભણવાનું પૂરું કરી લે, પણ...હવે આગળ ભણવાની જરૂરત શી છે....? આમેય તારે તો હવે ઘર જ તો સંભાળવાનું છે ને....,"

"ભણીને મારે એક સારી કંપનીમાં નોકરી કરવી છે....., મેં તમને લગ્ન પહેલા જણાવ્યું હતું ને...."

"હા...., હા...., મને યાદ છે...., હું પણ ચાહું છું કે તું ભણી લે પછી નોકરી કરે....,"

"સાચે...જ...!" પરિતા ખુશ થતાં બોલી.

"હા...., પણ.....,"

"પણ.....?"

"પણ પછી આ ઘરનું શું, મારું શું ને મારાં મમ્મી - પપ્પાનું શું?"

"શું....., શું.....??"

"તું હવે આ ઘરની વહુ છે, તારી કેટલીક જવાબદારી છે, તું આવી રીતે અમને અને આ ઘરને છોડીને મુંબઈ જતી રહીશ તો સમાજમાં અમે તો કોઈને મોઢું દેખાડવા લાયક નહિ રહીએ, લોકો અમારાં વિશે ગમે - તેમ બોલીને અમારું જીવન દુર્લભ કરી નાંખે....!"

"અગર હું એકલી ન જઈ શકું તો તમે પણ ચાલોને મારી સાથે....,"

"ને મમ્મી - પપ્પાનું શું....?"

"એ લોકો ભલે ને અહીંયા રહેતા,"

"એકલા....?"

"હા....,"

"હા....!!?"

"હા...,"

"તારામાં અક્કલ છે....? હું આ રીતે મારાં માતા - પિતાને એકલા મૂકીને તારી સાથે આવું જ નહિ."

"પણ..., સમર્થ..., તમે સમજતા કેમ નથી...?"

"પરિતા..., હવે કોઈ પણ - બણ નહિ, મેં તને કહી દીધું જે મારે તને કહેવાનું હતું, પછી તારી મરજી ને હવે આ બાબતે કોઈ જ ચર્ચા નથી જોઈતી."

આ સાંભળી પરિતા મોઢું ફુલાવીને બેસી ગઈ, નારાજ થઈ ગઈ, પોતાના સપના પર જાણે પાણી ફેરવાઈ રહ્યું હોય એવું તેને લાગ્યું. આખી રાત એ સૂઈ શકી નહિ.

લગ્ન પહેલા એ જે સમર્થને મળી હતી એ અને અત્યારનાં આ સમર્થ વચ્ચે જમીન - આસમાનનો ફરક એને નજર આવી રહ્યો હતો. પોતાની ઓળખ એક સામાન્ય ગૃહિણી તરીકેની જ રહી જશે...! એ વિચારે જ એને પૂરી રાત ઊંઘ આવી નહિ. સવાર થઈ ત્યાં સુધી એ આમથી તેમ અને તેમથી આમ માત્ર પડખા ફેરવતી રહી.

(ક્રમશ:)