Nehdo - 25 in Gujarati Fiction Stories by Ashoksinh Tank books and stories PDF | નેહડો ( The heart of Gir ) - 25

Featured Books
Categories
Share

નેહડો ( The heart of Gir ) - 25

ગીરનાં જંગલમાં એદણ્યનું માંસ ખાધા પછી એક શિયાળ અને કેટલાક કાગડા મૃત્યુ પામ્યા તે સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા. જ્યાં શિકાર થયો તે જગ્યા ફરતે ફૂટ પ્રિન્ટનાં ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા. જે શિયાળ અને કાગડા મૃત્યુ પામ્યા તેને પોસ્ટમોર્ટમ માટે સાસણની સિંહ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા. ફોરેસ્ટ વિભાગ પ્રાથમિક તારણ પર આવ્યો કે શિકારમાં ફૂડ પોઇઝનિંગની અસર થઈ ગઈ હશે અથવા કોઈએ ઇરાદાપૂર્વક સામત સાવજ અને રાજમતી સિંહણે જે ભેંસનો શિકાર કર્યો તેમાં પોઈઝન ભેળવી દીધું હોવું જોઈએ. તેથી મૃત્યુ પામેલ ભેંસના માસમાં નમૂના પણ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા જેનું ખરું કારણ તો આ બધા રિપોર્ટ આવે પછી ખબર પડે.
આ બનાવ બની ગયા પછી અલગ અલગ કેટલાય પ્રકારની ટીમો ઇન્વેસ્ટિગેશન કરવા આ સ્થળે આવી ગઈ હતી. અને હજુ પણ આવી રહી હતી. ફૂટપ્રિન્ટ એક્સપર્ટની ટીમે અહીં માલ ચરાવતા ગોવાળિયાઓનાં બુટ અને પગનાં ફોટા પણ પાડી લીધા હતા. હિરણિયા નેસ અને ડુંગરી નેસ બંનેમાં ઘરે ઘરે જઈને ટીમ પૂછપરછ કરી રહી હતી. ગેલાનાં નેહડે તો લગભગ રોજ એક ટીમ આવી અલગ અલગ પૂછપરછ કરી જતી હતી. ગેલાનાં નેહડે આ વાતની જબરી ચિંતા ફેલાયેલી હતી. રામુઆપાએ બે-ત્રણવાર ગેલાને આડકતરી રીતે સામત સાવજ ક્યાં ગયો હશે તે પૂછી લીધું હતું. પરંતુ ગેલો, "મને હુ ખબર આપા?"કહી વાતને ટાળી રહ્યો હતો. પરંતુ રામુ આપા ગેલાનાં બાપ હતા. તેનાથી વધુ ગેલાને કોણ જાણે? એદણ્યનાં શિકાર પછી ગેલાનાં વર્તન અને શારીરિક ભાષા પરથી રામુઆપા એટલું તો જાણી જ ગયા હતા કે જરૂર કંઈક બન્યું હોવું જોઈએ. નકર કાયમ કૉળમાં રહેતો ગેલો આમ ઉદાસ ઉદાસ કેમ રહેવા લાગ્યો?એદણ્ય ગેલાની વાલી ભેંસ હતી તે સાચું પરંતુ માલધારીઓને સાવજો દ્વારા માલની આવી નુકસાની તો થતી જ રહે છે. પરંતુ
" હશે હવે સાવજને બીજું કાય ખાવાનું નય જડ્યું હોય નકર ઈ થોડો આપડા માલને મારે? ભલે આપણો માલ મરાણો પણ બસાડાનું પેટ તો ભરાણું. ઈ જીવહે તો ઈના બ્સ્સા જીવ્હે. સાવજ રેહે તો ગર્ય રીહે.ગર્યમાં રેવું હોય તો આવું મોટ મનુ થઈ રેવું પડે"એમ કહી માલધારી પોતાનું મન મનાવી લેતાં હોય છે. ક્યારે સાવજની બીકે કોઈ નેહડો ખાલી કરી જતાં રહ્યાનો દાખલો હજી સુધી નથી.
આ બધી ચિંતાઓમાં નેહડે આખું ઘર રોજેરોજનું કામ યંત્રવત્ રીતે કરી રહ્યું છે. સાંજનો સમય છે. માલ દોવાય રહ્યો છે. જીણીમા પાવરા (ભેંસોને ખાણ ખવડાવવાની થેલી, જે થેલીમાં ખાણ ભરી ભેંસનાં મોઢે ચડાવી, થેલીના લાંબા નાકા ભેંસના શિંગડામાં ચડાવી દેવામાં આવે છે. જેથી ખાણ નીચે વેરાતું નથી. જેમાં ભેંસ આરામથી ખાણ ખાઈ શકે છે.) ખાણથી ભરી રહ્યા હતા.જોક(ભેંસો પૂરવાનો વાડો) માંથી ત્રણ ચાર ભેંસો બહાર કાઢી આંગણે લાવવામાં આવતી તેને ખાણ ખવડાવી દોહીને પાછી જોકમાં પૂરી દેવામાં આવતી. આંગણામાં આવી બે ત્રણ ભેસો ખાણ ખાય રહી હતી. રાજી એક ભેંસને દોહીઁ રહી હતી. ગેલો લાકડી લઇ આડો ઊભો હતો અને ભેંસના ગળે હાથ પસરાવી રહ્યો હતો. પરંતુ ગેલો કંઈક ખોવાયેલો લાગતો હતો. આટલાં દિવસથી તે કોઇને પોતાનું પેટ આપતો નહોતો. રાજીએ પણ ઘણી વખત તેને હળવો કરવા ઉદાસીનું કારણ પૂછ્યું.પણ, "કશું નહીં થયું અલી, કેટલી વાર તને કીધું!"એમ ડારો દઇ રાજીને ચૂપ કરી દેતો. આજે રાજી ભેંસ દોતા દોતા ત્રાસી નજરે ગેલા સામે જોઈ લેતી હતી. તેના ગેલાનાં મનને કોઈ ચિંતા તો કોરી ખાઈ રહી છે એટલું તો તે ચોક્કસ સમજી રહી હતી.
રામુઆપા જોકનાં જાપે બેઠા-બેઠા હોકલી ગગડાવતા હતા. વાતાવરણમાં હોકલીની તમાકુની કેફી સુવાસ ફેલાયેલી હતી. સામે જુના વડલાની બખ્યમાથી શિંગડિયો ઘુવડ બહાર નીકળી તેની મોટી મોટી આંખોથી ચારેબાજુ ગરદન ફેરવી જોઈ રહ્યો હતો. તેના માથા પર અણીદાર બે પીછા જે શિંગડા જેવો આકાર ઊભો કરે છે એટલે તેનું નામ શિંગડિયો ઘુવડ પડ્યું હશે. રામુ આપાનું ધ્યાન પણ ગેલા પર હતું. હોકલી પીતા પીતા અને વિચારતા વિચારતા તે ત્રીસેક વર્ષ ભૂતકાળમાં સરી પડ્યાં.
એ વખતે ગેલો પંદરેક વર્ષનો હશે. તે રામુઆપા ભેળો માલ ચરાવવા જતો હતો. માલ ઘાસમાં પોળી ગયો હતો. રામુઆપા અને બીજા ગોવાળિયા ઝાડનાં છાંયડે બેઠા હતા. આમ તો નાની વાછરડી અને પાડરુંને માલ ભેગા ચરાવવા નથી લઈ જતા હોતા. પરંતુ બેલા નામની વાછરડી ગેલાની લાડકી હતી. તેથી આજે ગેલાએ જીદ કરી તેને માલ સાથે ચરાવવા લીધી હતી.પંદરેક વર્ષનો ગેલો તેની બેલાને ગળે ખંજવાળે ને બેલા પણ આજે ખુલ્લા ઘાસના મેદાનમાં મોજમાં આવી એની માની ફરતે ફરતે કૂદવા લાગી. એક મહિનાની વાછરડીને હજી તો ચરતા શું આવડતું હોય? પરંતુ કુણા લીલા ઘાસમાં થોડા થોડા મોઢા ભરે અને વળી પાછી ઠેકડા મારે. તેને કુદતી અને દોડતી જોઈ તેની મા પણ અથરી થઈ તેની પાછળ હિકારા કરતી દોડતી જાય. માલધારીનાં છોકરાઓ માટે નાના વાછરું અને પાડરું જીવતા રમકડા.
ગોવાળિયા છાયડમાં બેઠા હતા. માલ ચરતો હતો ને બેલા અને તેની મા માલથી છેટા નીકળી ગયા. પાછળ પાછળ ગેલો પણ દૂર નીકળી ગયો. નાનકડી વાછરડી જેવા આસાન શિકારની ટાંપમાં તો ઘણા શિકારી બેઠા હોય છે. ગાય આજે તેની વાછરડીની ચિંતામાં બરાબર ચરતી પણ નહોતી. ઘડીક ઘાસમાં મોઢા ભરે તો વળી દોડતી બેલા પાસે જઈ તેને ચાટવા લાગે. ગેલો બેલાનાં ગળે બાંધેલ ઘંટડીની દોરી પકડી મોઢું નીચે કરાવી બેલાને ચરતા શીખવતો હતો. આ બધી ધમાલમાં ગેલાનું ગળું સુકાયું. તેને તરસ લાગી. તે નજીક આવેલ ધરામાં પાણી પીવા ગયો. આમ તો માલધારીઓ પાણી માટે સાથે કેન રાખતા હોય છે. પરંતુ કેન કે બોટલ ના હોય ત્યારે ધરામાં સીધા પણ પાણી પી લેતા હોય છે. પાણી પીતી વખતે એવું કહે, "જળમાં મળ ( કચરો) ના હોય."ધરાનું પાણી આછરું ના હોય તો ધરાના કાંઠે રેતીમાં વિરડો ગાળી તેમાંનું ડોળું પાણી ઉલેચી નાખે. પછી વીરડામાં તાજુ પાણી આવે. આ પાણી ફિલ્ટર પાણી જેવું ચોખ્ખું હોય છે. પછી ખોબા ભરી ભરી વિરડામાંથી ઠંડું મીઠું પાણી પી લેવાનું. આવા વીરડામાંથી પાણી પીને ગેલો આવ્યો અને જોયું તો ગાય અને તેની વાછરડી બેલા ન દેખાયા. ગેલાએ,
" ભૂરી... હય...આલે...આલે.. કરક..કરક.." નાં આવજો કાઢી ગાયને બોલાવી. પરંતુ ગાય અને વાછરડી આવ્યા નહીં. ગેલાને હવે ચિંતા થઈ તે દોડીને આગળ ગયો ને જોયું તો નજીકની ઝાડીમાંથી આવી એક ફાટી ગયેલો શિયાળવો બેલાને પગે બાઝી ગયો હતો. ગાય પોતાની વાછરડીને છોડાવવા માટે ફૂંફાડા મારતી બોથા ઉલાળતી હતી. ગેલાએ આ જોયું. તેની વાલી બેલા છૂંટવા માટે બાંબડા નાખતી હતી. ગેલો હાથમાં ડાંગ લઈ દોડ્યો. આમ તો શિયાળ ક્યારેય આવી હિંમત કરતું નથી પરંતુ નાની વાછરડી જોઈ આજે તેણે હુમલો કરી દીધો હતો. ગેલો નજીક આવ્યો તો પણ શિયાળે બેલાને છોડી નહીં. ગેલાએ ભયસૂચક સાયરન વગાડવા પહેલી આંગળી અને અંગૂઠો મોઢામાં નાખી સીટી મારી. સિટીનો અવાજ સાંભળીને છાયડે બેઠેલા ગોવાળિયા સમજી ગયા કે જનાવર હોવું જોઈએ એ બધા ત્યાંથી દોડ્યા. એટલી વારમાં ગેલાએ શિયાળના માથામાં સોળજાટકીને એક ડાંગ ફટકારી
દીધી. કોણ જાણે કેવો હરામનો ઘા વાગ્યો શિયાળે બેલાને તો છોડી દીધી પરંતુ તે ઊંધેકાંધ પડી ગયો. ઘડીક ઝટકા ખાધા અને શાંત થઈ ગયો. શિયાળાની આંખો ખૂલી રહી ગઈ હતી. ગેલો ગભરાઈ ગયો. તેને લાગ્યું કે હવે ફોરેસ્ટર અધિકારી સાહેબો પોતાને પકડી જશે. તે ત્યાંથી દૂર હટી ગયો.
બેલા વાછરડી તેની મા પાસે આવી ગઈ. ગાય વાછરડીને ચાટવા લાગી ગઈ. વાછરડીનાં પગમાં જ્યાં શિયાળવાએ બટકું ભર્યું હતું ત્યાંથી લોહી વહી રહ્યું હતું. એટલામાં બધા ગોવાળિયા આવી ગયા. આવીને જોયું તો શિયાળવો તફડી ગયેલો પડ્યો હતો. રામુ આપાએ ગેલાને પૂછ્યું, "અલ્યા ગેલીયા તે શિયાળવો તફડાવી મેલ્યો?"
ગેલેનાં મોઢા ઉપર ભય હતો તે રામુઆપા સામે જોઈ રહ્યો પછી માથું ધુણાવી ના પાડી, "ના આપા શિયાળવે બેલાને જાલી પાડી હતી. બેલાની મા ગાવડીએ શિંઘડું મારી મારી શીયાળવો તફડાવી મેલ્યો." રામુઆપા અને બીજા ગોવાળિયાઓએ મરેલા શિયાળનું નિરીક્ષણ કર્યું તેના માથામાં લાકડીનો ઘા હોય એવું લાગતું હતું. ગાયના શીંગડાથી શિયાળ મરી ન જાય એવી આ બધાને ખબર હતી. તેથી એક ગોવાળિયાએ ગેલાને ફુલાવ્યો,
" વાહ બાકી ગેલો તો લોઠકો નિહર્યો.એક ડાંગે તો શિયાળવો મારી લાખ્યો!"
ગેલો ઘડીક તેની સામે જોઈ રહ્યો પછી બોલ્યો, " મે નહિ માર્યો.ઈને તો આ ગાવડીએ શિંઘડે સડાવી મારી લાખ્યો." ગેલો ધરાર ન માન્યો.
ઘરે આવી રામુઆપાએ ગેલાને ખૂબ મનાવ્યો. પણ ગેલો એકનો બે ન થયો. તે તેની વાત પર અડગ રહ્યો, " મેં શિયાળવો નહિ માર્યો. ગાવડીએ સિંઘડે સડાવ્યો." રામુઆપાને સમજાય ગયું કે ગેલો બીય ગ્યો છે.તેથી રામુ આપાએ તેને સમજાવવાની લપ મેલી દીધી.
રામુઆપાની હોકલીની તંબાકુ ખલાસ થઈ ગઈ અને દેવતા બુજાઈ ગયો ત્યારે રામુઆપા જૂની યાદમાંથી પાછા ફર્યા. આટલી વારમાં રાજીએ ભેંસ દોહી લીધી હતી. ગેલો પાડરું છોડી તેને ધવરાવતો હતો. રામુઆપા વિચારતા હતા કે, "ગેલો તે દાડે રાતે ક્યાં ગ્યો હહે? ઈનો સભાવ એવો કે એક વાર ના પાડયા પસે ઈ કોય વાતે હા નો પાડે એવો ડઠર સે.ભગવાન દુવારિકાવાળો જાણે સામતને હૂ થ્યું હહે?"
આમ વિચારતા રામુઆપા બેઠા હતા. એટલામાં નેહડાને દરવાજે ફોરેસ્ટરની બોલેરો ગાડી આવી ઉભી રહી. ગાડીની લાઈટ બંધ થઈ અને પછી એન્જીનની ઘરઘરાટી પણ બંધ થઈ. ગાડીનાં બારણા ખોલી અને બંધ થવાનો અવાજ આવ્યો.રામુઆપા ઝાંપા સામે જોઈ રહ્યાં. મનમાં તેને ફાળ પડી કે, "વળી પાછા ફોરેસ્ટર સાબ કેમ આયા હહે?"જાપેથી જ એક ગાર્ડે સાદ પાડ્યો,
"ગેલો સે ઘરે?"
રામુઆપાએ હોકલી નીચે ખંખેરી કેડિયાના ગંજામાં મૂકી, " એ આવો... આવો.. શાબ્ય."
કહેતા ઊભા થયા. ખુદ ડી.એફ.ઓ. સાહેબ અને બીજા ગાર્ડ અને ટ્રેકર્સ એમ પાંચેક જણ આંગણામાં આવી ઊભા રહ્યા. ગેલાએ ખાટલા ઢાળ્યાં. ડીએફઓ સાહેબે સીધો પ્રશ્ન કર્યો,
" ગેલો તારું નામ?"
ગેલાએ ઉભા ઉભા માથું હલાવી જવાબ આપ્યો, " હા શાબ, હું જ ગેલો."
સાહેબે જરા કડકાઈથી પૂછ્યું, "તારી ભેંસનો શિકાર કર્યો ત્યાં ફરતે ફૂટપ્રિન્ટમાં તારા પગલા આવે છે. લેબોરેટરી રિપોર્ટમાં ભેંસના શબમાં પોઈઝનની હાજરી આવેલી છે. તે ભેંસના શબમાં પોઈઝન ભેળવ્યાનું સાબિત થઇ રહ્યું છે. સામત સિંહ ને રાજમતિ ઘણા દિવસોથી મળતા નથી. તો આ બાબતમાં તને જે ખબર છે તે જણાવી દે નહીંતર અમારે તારી ઉપર કેસ કરવાનો થશે."
ગેલાએ પોતાનું એક જ રટણ ચાલુ રાખ્યું, "મને હૂ ખબર શાબ,સામત ને રાજમતી ક્યાં જ્યાં સે? હું હૂકામ ઝેર ભેળવું?" રામુઆપા વચ્ચે પડ્યાં, " શાબ, તમારી કાંકય ભૂલ થાતી લાગે. મારો ગેલો તો નહિ પણ ગર્યનું નાનું છોરું ય હાવજ મર્યે રાજી નો હોય.હાવજ્યુ સે તો અમી સી.આવા તો અમારાં કયક માલને હાવજયું મારીને ખાય જ્યાં.એક ભેહ હારું થય અમી હાવજયું મારી નાખવી ઈ વાતમાં હૂ માલ હોય?એમાંય સામતાને? ઈ અમારો માનીતો હાવજ સે.ઈને મારી અમે કયે ભવ સુટવી? હાવજયું હાટું અમારાં વડવાએ ધિંગાણાં ખેલ્યા સે.ઈને બસાવાના ઇતિયાસ અમારાં હોય,મારવાના નય શાબ!તમને આજ એક પેટ સુટી વાત કરવી સે.આમ તો આ વાત કરવાની નોતિ. મારાં મોતની હાર્યે આ વાત દફન થઈ જાત.પણ તમે અમારી ઉપર આળ લગાડ્યું એટલે કેવું પડે સે."
એમ કહી આખો પ્રસંગ યાદ કરતાં હોય તેમ ઘડીક દૂર નજર ખોડી. પછી બોલ્યા, " પાસ હાત વરહ પેલાની વાત સે. બારે મેઘ ખાંગા થયા તા.ગાંડી ગર્યની નદીયું ગાંડી થયું ત્યું.મોટા મોટા ઝાડવા તણાયને આવતા'તા.એટલામાં એક હાવજનું બસ્સુ તણાતું આયું.અમે બધાં હિરણને કાઠે ઊભા પાણી જોતા'તા. બસ્સુ જોય ગેલાએ મારી હામે જોયું. મેં માથું હલાવી રજા આપી.માથું હલાવતા વેંત ગેલાએ નદીમાં ઠેકડો માર્યો.અને તણાતું બસ્સુ જાલી લીધું.ગેલો માંડ માંડ આગળ તણાતો તણાતો નીહર્યો. બસ્સુ મેવ..મેવ..બોલતું ટાઢ્યનું ધરૂજતું હતું.ઈને નેહડે લાવી સુલે તપાવ્યું,ધડકી(ગોદડું) ઓઢાડી.ઈને તણ દાડા ગાયનું દૂધ ટોટિયે પીવડાવી હાસવ્યું.તીજે દાડે નદિયુમાં પાણી ઓસરતાં ઈની મા આટલામાં ઈના બસ્સા ગોતવા ઘમતળિયું ખાતિતી.અમી હમજી ગ્યાં કે આ ઈનું જ બસ્સુ સે.મૂક્યા ભેળું ઈની મા પાહે ધોડીને વયું ગ્યું.ઈની મા ઈને સાટવા મંડી પડી. બસ્સુ ઈની માને ધાવવા સોટી પડ્યું. નેહડાવાળા માલધારી બધા રાજીના રેડ થઈ જ્યાં. ઈ બસ્સાની વાત કરવી એટલે ઈને ઘરમાં રાખવા હાટું અમારી ઉપર ગનો લાગુ પડે.એટલે આદિ હુંધિ આ વાત કોયને નો કરી. ઈ બસ્સુ મોટું થયું એટલે ઈનું નામ સામત પાડ્યું.હવે તમી જ કો ગેલો સામતા ને કોય દાડો મારે?
ક્રમશઃ....
(ગીરનાં સાવજ,ગીરની માટી,ગીરની નદીયું,ગીરનાં માલધારી...ગાંડી ગીરની વાર્તા આગળ જાણવા વાંચતા રહો "નેહડો (The heart of Gir)")
(આજે "નેહડો (The heart of Gir) નવલકથાનો ૨૫ ભાગ પૂર્ણ કરતાં મને આનંદ થાય છે. મારાં વાંચક મિત્રોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે.વાચકોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે.મને લખવાની શક્તિ પણ આમાંથી જ મળે છે.આ ૨૫ હપ્તા વાંચી આપને કેવું લાગ્યું?કંઈ ભૂલ થતી હોય તો પણ કહેશો તો ગમશે.સારું લાગ્યું હોય તો તે પણ જણાવજો.વાર્તા કેવી રીતે આગળ વધે તો તમને ગમે? આવાં સૂચનો મને ૨૫ મો હપ્તો વાંચી મારાં પ્રાઇવેટ wts up number પર લખી મોકલવા આપને નમ્ર વિનંતી છે. મારો wts up no. નીચે આપેલ છે.આભાર...)
લેખક: અશોકસિંહ એ. ટાંક
wts up no.9428810621