sada tran vajra in Gujarati Mythological Stories by SUNIL ANJARIA books and stories PDF | સાડાત્રણ વજ્ર

Featured Books
Categories
Share

સાડાત્રણ વજ્ર

ઇન્દ્રનો દરબાર ભરાયો હતો. પૃથ્વીના ખાસ આમંત્રિત રાજા, મહારાજાઓ તથા ઉચ્ચ કક્ષાના ઋષિ મુનિઓ પણ તેમાં સામેલ હતા. રંગોત્સવ ચાલતો હતો. ઇન્દ્રની ખાસ પદવીધારી નર્તકી ઉર્વશી અને તેની સાથીઓ અદભુત નૃત્ય કરી રહ્યાં હતાં. રાજામહારાજાઓ તો સુંદર સ્ત્રી જુએ એટલે સ્હેજમાં પ્રસન્ન થઈ જાય પણ ઋષિઓ પર એમ મોહિની પાથરવી સહેલી ન હતી. ધીમેધીમે નૃત્ય સાથે ગાંધર્વોનું સંગીત પણ સાથ પુરાવવા લાગ્યું. હવે ઋષિમુનિઓ અને તેમાં સંગીત કે નૃત્ય વિશે જાણતા સમજતા સહુની દાદ પણ મળવા લાગી.

એક માત્ર મુનિ દુર્વાસા સ્થિતપ્રજ્ઞ બેઠા હતા. તેમની મુખરેખા હજુ તંગ હતી. ઇન્દ્રે ઉર્વશીને કહ્યું કે તારે માટે આ પડકાર છે. તું મુનિ દુર્વાસાને પ્રસન્ન કર.

ઉર્વશી તો પોતે શ્રેષ્ઠતમ સોળ શણગાર સજીને આવી. ભપકાદાર રંગબેરંગી વસ્ત્રો, લાંબા કેશ અને તેની ઉપર દૂર સુધી સુગંધ આપતી મોહક પુષ્પ સજ્જા, એકદમ ઘાટીલું સર્વાંગ સંપૂર્ણ યૌવનસભર દેહ લાલિત્ય અને તેને બને તેટલું ધ્યાન ખેંચે તેવી અંગભંગીઓ. કોઈ પણ પ્રસન્ન તો થઈ જાય પણ મોહિત પણ થઈ જાય. અરે, નપુંસકમાં પણ કામ પ્રજ્વલિત થઈ ઉઠે એવું દેહ પ્રદર્શન, વેશભૂષા અને નૃત્ય.

દીર્ઘ સમય સુધી આ નૃત્ય ચાલ્યું પણ દુર્વાસા જેમના તેમ. ઉર્વશીની સાથી નર્તકીઓ તો ક્યારની થાકી ગયેલી. ઉર્વશી પણ.

ઇન્દ્રે તેની સામે જોયું. એ દૃષ્ટિમાં ગુસ્સો, નારાજી, ઠપકો- બધું જ હતું.

હારેલી ઉર્વશીએ કહ્યું, "મહારાજ, દરેક વસ્તુ સુપાત્ર સામે જ યોગ્ય હોય. પથ્થર પર પાણી ઢોળો તો એ નીચે જ વહી જાય. સદા વનમાં પડ્યાપાથર્યા રહેતા ઋષિ દુર્વાસાને આ શૃંગારમય નૃત્યમાં શું ખબર પડે?"

દુર્વાસાએ આ સાંભળ્યું. ગુસ્સાનું બીજું નામ એટલે દુર્વાસા.

"શું કહ્યું કન્યા? ફરીથી બોલ જોઈએ?" તેમણે લાલઘૂમ થતાં ઉર્વશીને પૂછ્યું.

"ઋષિવર્ય, આપનું અનેક ક્ષેત્રોમાં જ્ઞાન હશે પણ કલા, સંગીત અને સૌંદર્યમાં આપને ખબર નથી પડતી. આપ તો કોઈ વજ્ર જેવા કઠોર છો. મેં આપને પ્રસન્ન કરવા જે મહેનત કરી એ વ્યર્થ છે."

હજી આટલેથી નહીં અટકતાં ઉર્વશી બોલી, "સાહિત્ય, સંગીત, કલા વિહિન

સાક્ષાત પશુ પુચ્છ વિષાણ હીન."

દુર્વાસા મુનિ ઉભા થઇ ગયા.

" મને પશુ કહેનારી તું છે કોણ? સ્વર્ગમાં ચડી વાગી છે તે બે બદામની નહીં તો થોડી સ્વર્ણમુદ્રાની નર્તકી! જા. તું પૃથ્વી ઉપર પશુ સ્વરૂપે જા. બહુ કૂદયા કરે છે તો આખો દિવસ ઘોડી બની રહે. અને રૂપનું બહુ અભિમાન છે તો રાત્રે અંધારામાં સ્ત્રી બની રહે. રાત્રે એકલી સ્વરૂપવાન સ્ત્રીની અને દિવસે જાતવાન ઘોડીની જે દશા થાય તે ભોગવ. તથાસ્તુ."

સભામાં સોપો પડી ગયો. ઉર્વશીનું મુખ ભયથી લાલચોળ થઈ ગયું. એ તો પૃથ્વી પર જવા લાગી. ઘોડીમાં પરિવર્તિત થઈને.

ઇન્દ્ર અને સહુ દેવગણો દુર્વાસાને શાંત પાડવા લાગ્યા. ઉર્વશીએ પૃથ્વી પર જતાં પહેલાં ગદગદિત થઈને ઋષિની માફી માંગી ચરણસ્પર્શ કર્યા.

દુર્વાસા ઋષિ કહે "જા. તારા શ્રાપનું નિવારણ ત્યારે થશે, જ્યારે સાડાત્રણ વજ્ર તારા દેહને અડશે."

સભા ત્યાં જ ભંગ થઈ. દેવો, રાજાઓ અને ઋષિઓ હતપ્રભ બની વિદાય થયા. ઉર્વશી પૃથ્વી પર ઘોડી બનીને આવતી રહી.

**

ઉર્વશીએ ઘોડી જે જે કર્મો ભોગવે તે ભોગવવાં પડ્યાં. એની પીડા સહિત. તેને વનમાં એકએક તૃણ માટે ભટકવું પડ્યું. જંગલી પ્રાણીઓથી રક્ષા માટે ભાગવું પડ્યું. અને રાત પડે એટલે એકલીઅટૂલી, રૂપરૂપના ભંડાર સમી નારી. વટેમાર્ગુઓ અને લૂંટારાઓથી જાતને બચાવવી ફરતી.

સુંદિર રાજ્યનો રાજા ડાંગવ એ વનમાંથી નીકળ્યો. આવી જાતવાન ઘોડી રખડતી જોઈ તેને પકડી પોતાના મહેલમાં લઈ ગયો. દિવસે ઘોડારમાં એ ઘોડી તૃણ ખાય, રાજા એની ઉપર સવાર થઈને શિકારે કે લડાઈ,જ્યાં જવું હોય ત્યાં જાય. ઘોડીને પગથી પેટમાં એડી પણ મારે. રખેવાળો ઘોડારમાં ચાબુકો પણ મારે.

રાત્રે એકલીઅટૂલી રૂપ,જોબનનો ભંડાર સ્ત્રી ઘોડાર પાસે એક ઝાડ નીચે બેસી રહે.

એક દિવસ ડાંગીર રાજાને વનમાં મોડું થઈ ગયું. તે ઘોડીને ઝાડ સાથે બાંધી નીચે જમીન પર સુઈ ગયો. રાત્રે ઘોડી સ્ત્રી બની ગઈ. તે બંધનમાં હતી. આમ જ જિંદગી કાઢવાની! સાડાત્રણ વજ્ર એકસાથે થવાની કોઈ શકયતા જ ન હતી. તેની આંખમાંથી એક ગરમ આંસુ પડ્યું.

રાજા ડાંગીર પર એ આંસુ પડતાં જ તે જાગી ગયો. જુએ તો ઘોડીની જગ્યાએ બંધનમાં અવર્ણનિય રૂપવંતી સ્ત્રી! તે ચોધાર આંસુએ રડી રહી હતી.

રાજાએ તેનાં આંસુ લૂછયાં. ઉર્વશીએ પોતાનું વૃત્તાંત કહયું તે રાજા માની શકયો નહીં. માન્યું કે તુરત કહે કે તું મારી રાણી બન. દિવસે તારી અલગ ઘોડાર અને રાત્રે મારો રંગમહેલ.

ઉર્વશીએ એ વાત એક શરતે સ્વીકારી કે તે કોઈને આ સાચો ભેદ કહેશે નહીં અને કોઈને પણ, કોઈ પણ સંજોગોમાં પોતાને સોંપી દેશે નહીં.

**

સ્વર્ગમાં નાચગાનની સભાઓ ફિક્કી પડી ગઈ. ચંદ્ર વિના એકલા તારાઓ રાત્રીને ઉજાળી ઉજાળીને કેટલી પ્રકાશિત કરી શકે! ઇન્દ્રને પણ ઉર્વશી વિના જામતું નહીં. પૃથ્વી અને સ્વર્ગ વચ્ચે એકમાત્ર વિષ્ટિકાર નારાદજીની સલાહ પુછાઈ. નારદજીએ કોઈ રસ્તો કરવાનું વચન આપ્યું. ખૂબ વિચાર કર્યો.

આખરે નારદજી વાસુદેવ કૃષ્ણના મહેલે ગયા. તેમની ખૂબ આગતાસ્વાગતા થઈ. એ પછી તેમણે ખાનગીમાં કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નને બોલાવી કહ્યું કે સુંદિર રાજ્યના રાજા ડાંગીર પાસે અદભુત મોહિની ધરાવતી રાણી છે. એના રૂપ લાવણ્યની પ્રશંસા કરીએ તેટલી ઓછી.

એ સુંદિર તો યાદવોના ફઈના દીકરા પાંડવોના દુશ્મન દુર્યોધનનું ખંડિયું રાજ્ય છે. એની હજી અગ્નિની સાક્ષીએ પાણિગ્રહણ ન કરેલી રાણી તો યાદવોની કુળવધુ, પ્રદ્યુમ્નની શૈયામાં શોભે. ડાંગીર જેવા ખંડિયા રાજાને ત્યાં નહીં. સાચા હીરાનો નવલખો હાર ભીખારણને કંઠે શોભે કે રાજરાણીને કંઠે!

કૃષ્ણ આવામાં પડે નહીં તેની ખાત્રી હતી પણ પ્રદ્યુમ્નનું યુવાન લોહી તો બળી ઉઠ્યું. એમાં ઘી પુરવાનું કામ નારદજીએ એ રૂપનાં શૃંગારિક વર્ણનો કરીને કર્યું.

પ્રદ્યુમ્ન તો એ નારીને હરણ કરી લાવવા તૈયાર થઈ ગયો. કૃષ્ણે તેને સમજાવ્યો તો કહે મારી માતા રૂકમણીનું તમે એમ જ હરણ કરેલું ને!

રાજકુટુંબની શોભા બની રહે એવી નારી પ્રદ્યુમ્ન પાસે હોય તો તેમાં ખોટું નથી તેમ કૃષ્ણને લાગ્યું. પ્રદ્યુમ્નએ ચડાઈ કરી ડાંગીરનાં રાજ્ય સુંદિર પર.

ડાંગીર ઝઝૂમ્યો. પુરી તાકાતથી ઝઝૂમ્યો. પણ કીડીનું કટક પાસે કેટલું ચાલે? આખરે તેણે આપેલું વચન કે તે કોઈના પણ હાથમાં એ સ્ત્રીને સોંપશે નહીં- તેના પાલન માટે પોતાના રક્ષક રાજ્ય હસ્તિનાપુર ના રાજા દુર્યોધનને શરણે ગયો.

દુર્યોધન કહે, એક ગણિકા માટે થઈને હું મારું લશ્કર ન આપું. એ પણ કૃષ્ણ વાસુદેવની સેના સામે. એમની યુદ્ધનીતિ અને વિશાળ સેના સામે મારું કામ નહીં. વળી પ્રદ્યુમ્ન મારા ફઈના પક્ષે ભાઈ કૃષ્ણનો પુત્ર હોઇ મારો ભત્રીજો થાય. એને સારી કન્યા મળે એમાં મારે મદદ કરવાની હોય કે યુદ્ધ!

નિરાશ ડાંગીર રાજા દુર્યોધનના દુશ્મન પાંડવોને શરણે ગયો.

તેની વાત સાચી હતી. ભલે પાણિગ્રહણ ન કર્યું હોય, આ કન્યા તેની આશ્રયી હતી એટલે તેનું રક્ષણ કરવાની ફરજ ડાંગીરની હતી. શરણે આવેલાનું કોઈ પણ હિસાબે રક્ષણ કરવું એ ક્ષત્રિય ધર્મ છે. યુધિષ્ઠિરે ધર્મ સમજાવ્યો. પણ પૂછ્યું, "આપણે એક સ્ત્રી માટે આપણા સગા મામાના દીકરા કૃષ્ણ સામે લડશું?"

ભીમ કહે, "એ વાસુદેવ એકવાર આપણને મદદ કરી એટલે બહુ ફાટ્યો છે. એકવાર થઈ જાય સામનો. એ સો ટકા સુદર્શન ચક્ર લાવશે. તો આપણે શરુથી જ રાખો ત્રિશૂળ, જે અર્જુનને શિવજીએ આપ્યું છે. પ્રેમ અને યુદ્ધમાં બધું સાચું જ કહેવાય."

યાદવોની સેનાનો સામનો કરવા પાંડવોએ શિવજીનું ત્રિશૂળ લીધું અને એક અજાણી સ્ત્રી માટે થઈ ફઈમામાના પુત્રો સામસામે આવી ગયા. યુદ્ધમાં ક્ષત્રિયે તો કોઈ પણ હિસાબે જીત મેળવવી જ રહી. એટલે કૃષ્ણે પોતાનું સુદર્શન ચક્ર મોકલ્યું તો પાંડવો શિવજીનાં ત્રિશૂળથી સામનો કરવા આવી પહોંચ્યા.

યાદવોની અને પાંડવોની સેના વચ્ચે ઘોર સંગ્રામ ખેલાયો. ખૂબ સંહાર થયો.

સંહાર અટકવાનું નામ ન લે. નારદજીને થયું કે હવે વચ્ચે પડીએ. તેમણે જ માયા રચી.

રથ પર બંદી બનાવી હરણ કરી જવાતી ઉર્વશી, નીચે રથ પાસે જીવની ચિંતા કર્યા વિના લડતો ડાંગીર રાજા, યાદવો અને યાદવસેના વચ્ચે ઘમસાણ યુદ્ધ.

કૃષ્ણની યાદવ સેનાએ આખરે સુંદર્શનચક્ર છોડ્યું. જવાબમાં પાંડવ સેનાએ શિવજીનું ત્રિશૂળ. બેય એવાં વજ્રનાં બનેલાં કે ટકરાય, અગ્નિ ઝરે પણ તૂટે નહીં. દિવ્યાસ્ત્રો કોને કહેવાય!

નારાદજીની પ્રેરણાથી જ કૃષ્ણે હનુમાનજીને આ બે શસ્ત્રો છૂટાં પાડવા તાત્કાલિક બોલાવ્યા. આકાશમાં શિવજીનું ત્રિશૂળ અને સુદર્શનચક્ર ટકરાય પછી છુટાં પાડવાં અશક્ય હતાં. બેય ચુંબકત્વ ધારણ કરી ચુકેલાં. હનુમાનજીનું તો આખું શરીર વજ્રનું. તેઓ કહે હું તો એક કૂદકે આકાશમાં પહોંચી બેય અસ્ત્રોને એક એક હાથે પકડી છૂટાં પાડું પણ નીચે આવું ત્યારે ધરતીમાં અમારા પ્રહારથી મોટો ભૂકંપ સર્જાશે. અમને રોકવા કોઈ વજ્રની વસ્તુ રાખો.

ઓચિંતો ભીમ બોલી ઉઠ્યો, "મોટા ભાઈ, (બેય પવનપુત્રો હતા) હું અર્ધું વજ્ર છું. એક વાર અમે ભાઈઓ પૂજા કરતા પહેલાં નદીએ નહાવા ગયેલા. હું નહાઈને આડો પડ્યો. મારી પ્રચંડ કાયાએ નદીનો પ્રવાહ રોકી લીધો. શિવમંદિર પાણીમાં ડૂબવા લાગ્યું. અંદર રહયે પાર્વતી માતા શિવજીને કહે મારાં વસ્ત્રો પાણીમાં ડૂબે છે. કંઈક કરો. શિવજી હસ્યા. કહે મારા આ ભક્તની મને પ્રસન્ન કરવાની આવી રીત છે.

શિવજીએ મને ઉઠાડવા મારે શરીરે સ્પર્શ કર્યો. એમનાં વરદાનથી મારૂં ડાબું અંગ વજ્રનું છે. હું આડો પડી સુઈ રહીશ. તમે શસ્ત્રો છોડાવીને કુદો મારી ઉપર."

અગ્નિ ઓકતાં દિવ્યાસ્ત્રો પકડવા હનુમાનજીએ આકાશમાં છલાંગ લગાવી. એક હાથે પકડ્યું સુદર્શનચક્ર અને બીજે હાથે શિવ ત્રિશૂળ. ચુંબક બનેલાં બેય વજ્ર ત્રીજાં વજ્ર હનુમાનજીના હાથોમાં પકડાઈ છૂટાં પડ્યાં. હનુમાનજીએ 'જય શ્રી રામ' કહેતાં ધરતી પર છલાંગ લગાવી. નીચે તેમના આઘાતથી ધરતીને બચાવવા ભીમ ડાબું પડખું ધરી સૂતો હતો.

હનુમાનજીનાં ચરણો ભીમને સ્પર્શ્યાં એ સાથે..

રથ પર બંદી બનેલી રૂપવંતી કન્યા ઉર્વશી આકાશમાર્ગે ઉડી ગઈ. સહુ મોં વકાસી જોતા રહી ગયા.

સાડાત્રણ વજ્રનો મેળાપ થયો અને ઉર્વશી શ્રાપમુક્ત થઈ!

**