"મન થોડા જ દિવસ છે." આ બોલતાની સાથેજ આર્યન ત્યાંજ બેસી ગયો.
અંજલી એ રિપોર્ટ જોયા. મલ્ટિપલ ઓર્ગન ફેલ થઈ ગયા હતા. બ્લડ કેન્સરે મન ને પોતાની આગોશમાં જકડી લીધો હતો. અંજલી પણ સમજી ગઈ હતી કે મન બસ થોડા દિવસનો મહેમાન છે. આર્યનનો હાથ હાથમાં લઈ અંજલી ત્યાંજ એની પાસે બેસી ગઈ.
થોડીવાર પછી અંજલીએ હળવેકથી કહ્યું ચાલ આર્યન મનને આપણી જરૂર છે. આર્યન પણ તરત સ્થીર થઈ અંજલી સાથે મન પાસે પહોંચી ગયો.
ગઈકાલ કરતા મન ઘણો સ્વસ્થ દેખાતો હતો. મન પણ આર્યનને જોઈ ભાવવિભોર થઈ ગયો. આર્યને મનનો હાથ હાથમાં લીધો અને મનમાં જ બોલી ઉઠ્યો એય દોસ્ત આ શું થઈ ગયું!
આર્યન પણ મનમાં જ જાણે સવાલ જાણી ગયો હોય એમ બોલી ઉઠ્યો મારા કર્મોનો હિસાબ થઈ રહ્યો છે અને મને અસ્ત તરફ લઈ જઈ રહ્યો છે.
બે દોસ્ત હતા, એકમેકના હાથમાં હાથ હતા, લાગણીસભર થઈ આંખે આંસુ આવી ગયાં હતાં. અંજલી જાણે આ પળની શાક્ષી પૂરી રહી હતી. આખી રાતના બંને હોસ્પિટલ હોવાથી થાક પણ ભારોભાર લાગ્યો હતો. મન ને મળી બંને ઘરે ફ્રેશ થવા ચાલ્યા ગયા.
આ તરફ મનના મનમાં એની જિંદગીની ફ્લેશબેક ધડાધડ ચાલવા લાગી . જિંદગીના એ પળો, એ દિવસો, એ સંબંધો, એ જઘન્ય ભૂલો બધુંજ એક પછી એક મનમાં ચાલવા લાગ્યું. પોતે કરેલા સંબંધોનાં ચીરહરણ વિચારોમાં દોડવા લાગ્યા, ફરી માથું ફાટફાટ થવા લાગ્યું.
મન... એક મિડલ ક્લાસ ફેમિલીમાં જન્મેલો એકનો એક પુત્ર. ભલે એ એકનો એક રહ્યો છતાં જીવનમાં લાગણીઓનો અભાવ ભારો ભાર રહ્યો હતો.
હજુ પણ યાદ છે મનને કે એ ફક્ત દોઢેક વર્ષનો હતો ત્યારથી મમ્મી પપ્પાને છોડી દાદા દાદી સાથે મોટો થયો. મમ્મી પપ્પાની કમાવવાની જવાબદારીએ એને એ પ્રેમથી અલગ રાખ્યો હતો.
પોતાની જિંદગીના એ બાર વર્ષ પોતે માતાપિતાની લાગણીઓથી વંચિત રહ્યો એને ત્યાંજ એના મનમાં શરૂ થયો એક ખેલ. જે મનને આજે આ અવસ્થા સુધી પહોચાડવા પૂરતો હતો.
જ્યાં પણ લાગણીઓ દેખાય ત્યાં ઢળી પડવું, એ લાગણીઓ મેળવવા કંઇપણ કરવું, કોઈનેપણ અંધારામાં રાખવા, ખોટું બોલવું, જિંદગીમાં આવેલા મહત્વના સંબંધો ને છેતરવા, બધુંજ મન કરી ચૂક્યો હતો. અયોગ્ય પણ કરવું અને ઇગો પણ રાખવો.
હજુપણ યાદ છે મનને એ મમ્મી પપ્પા પાસે કેટલાયે વર્ષો પછી આવ્યો હતો. કેટલાયે સપનાઓ, આશા બધુંજ હતું. બહુ બધી કેર થશે, બહું બધી હગ મળશે, બહું બધો પ્રેમ મળશે. પણ આ શું ક્યારેય આવું કંઈ થયું જ નહીં.
કદાચ કહેવા જઈએ તો માતાપિતા અને સંતાનના ઈમોશનલ સંબંધોના યાદગાર વર્ષો વિતી ચૂક્યા હતા અને હવે ફક્ત ને ફક્ત સમજણમાં જીવવાનું હતું.
વારંવાર યાદ કરાવવામાં આવ્યું તું હવે મોટો થઈ ગયો છે. પપ્પા સાથે કામ પર જવું, ભણવું, ઘરમાં મદદ કરવી બસ આ જ જિંદગી થઇ ગઈ હતી. સતત હતાશા, નિરાશા, એકલતા ઘેરી રહી હતી. જ્યારે પણ કોઈ સારી રીતે વાત કરે ગમતું. કોઈ કેર કરે ગમતું. બાળક ક્યારેય રહી શક્યો નહીં એનો વસવસો હતો. બાળપણ મિસ કર્યું હતું એનો અફસોસ અને સમજદારીનું ભારણ મનને સતત હતાશામાં મોકલી રહ્યું હતું.
સતત અસ્થિર રહેતો મન હવે ઉદાસ પણ રહેવા લાગ્યો હતો. ક્યારેક સારા માર્કસ આવે ક્યારેક માંડ પાસ થાય એવુંજ સતત ચાલી રહ્યું હતું. મન સતત ચોતરફ નજર દોડાવતો અને જ્યાંથી જે પ્રેમ, લાગણી, હૂંફ મળે મેળવી લેતો બસ આવુંજ ચાલી રહ્યું હતું.
નવરાત્રીની મોસમ પૂરબહારમાં ખીલી હતી. મન હંમેશાની જેમ એકતરફ ઊભો રહી ગરબા જોઈ રહ્યો હતો. એટલામાં જ એનું ધ્યાન એક છોકરી તરફ ગયું. મનમાંથી અચાનક જ સરી પડ્યું વાહ મજા આવી ગઈ જોવાની...
આ જાણવા વાંચતા રહો કર્મોનો હિસાબ.