૧૪. શમણાંની પાંખોએ ભર્યું છે જોમ..
....સવારે જાગીને ઘડિયાળમાં જોયું, તો સાત વાગ્યા હતા. 'બહુ મોડું નથી થયું' એમ વિચારી પોતાના પ્રિય અરીસાને મળી, વાળ સરખા કર્યા, અને પછી ફ્રેશ થઈ રસોડામાં પહોંચી; ચા-નાસ્તા માટે મમ્મીની મદદે. આમતો આ એનો રોજીંદો ક્રમ હતો. કાંઈ ખાસ નહીં ને કાંઈ નવીન નહીં. કોઈ ઉતાવળ હતી નહીં. ક્યાંય કોઈ કલાસમાં જવાની ચિંતા હતી નહીં. બસ, જે હતું તે ઘરનું કામકાજ અને લગ્નની તૈયારી. લગ્નને બહુ દિવસ બાકી પણ ન હતા.
લગ્નની તૈયારી વાયુવેગે ચાલી જ રહી હતી. સદાનંદભાઈએ બધું જ આયોજન કરી દીધેલું. માતાજીના સ્થાનકે પહેલી કંકોત્રી, સગા-સંબંધીઓને લગ્નનું આમંત્રણ, લગ્નની વિધિ માટેનું સ્થળ, પુરોહિતની વ્યવસ્થા, રસોડા માટે મહારાજની ગોઠવણી, રસોડાની સામગ્રી વગેરે બધા જ કર્યો સરસ રીતે અમલમાં મુકાઈ ગયા હતાં. નાનાં-મોટાં પરચુરણ કામ કે સગા-વ્હાલાને નિમંત્રણ આપવાનું બાકી રહી ગયું હોય તો એ પણ તુરંતજ પતાવી દેવામાં નમ્રતાના પપ્પા ખૂબ કાળજી રાખી રહ્યા હતા.
નમ્રતાએ પણ પોતાનાં કોલેજ વખતના ખાસ ફ્રેન્ડ્સનું લિસ્ટ બનાવી દીધેલું. એ સાથે, સંગીત અંને ડાન્સ ક્લાસનાં શિક્ષકને પણ નિમંત્રણ પહોંચાડી દીધેલું. એમાંય પોતાની ખાસ બહેનપણી સુલેખાને તો કેમ ભુલાય? છેલ્લે એક મહિનામાં નમ્રતાને તેની સાથે બેએક વાર વાતો થઈ હતી. એ સમયે સુલેખાની વાત સાંભળીને તેનાં ગૃહસ્થને લઈને ઘણી રાહતની લાગણી થઈ હતી. અમુક મહિનાથી વિખરાઈ જવાની આરે પહોંચેલો તેનો સંસાર ફરી સમાધાનની દિશામાં હતો. બેઉં પક્ષે બાંધછોડ થઈ હતી. સુલેખાને પોતાને જ એવું લાગ્યું કે જીદ્દે ચડ્યા વગર પોતાનાં જીવનને ફરી એક વાર તક આપવી જોઈએ. ફર્ક માત્ર એટલો પડ્યો હતો કે સુલેખાએ અલગ રહેવાની માંગણી કરેલી. તેની માંગણી તેનાં સાસુએ આખરે સ્વીકારી લીધેલી - પોતાનાં પુત્ર માટે! તેનાં જીવનમાં થયેલી ઉથલ-પાથલે નમ્રતાના મનમાં ભારણ વધારી દીધેલું, જેનાંથી ઘણી વખત પોતાનાં જીવનને લઈ સંશય થયા કર્યો. પણ, સુહાસની સાથેની મુલાકાત, તેનો સ્વાભાવ અને વ્યવહારને લીધે નમ્રતાના હૃદયએ રાહતનો શ્વાસ લીધો.
બીજી ખુશીની વાત એ હતી કે સુલેખાને પણ તેનાં કુટુંબ સાથે આવી પોતાનાં લગ્નમાં માણી શકશે. લગ્નના દિવસે એ સાથે ને પાસે રહી હશે. નમ્રતાને પોતાનાં દિલની વાતો સુલેખા સાથે કરવાની તાલાવેલી પણ એટલી જ લાગી હતી. ક્યારે સુલેખાને મળે અને પોતાની સંસ્મરણો કહી સંભળાવે - લગ્ન પહેલાની મુલાકાત અને સુહાસ સાથે થયેલી વાતો તેમજ દરેક પ્રસંગ.... જે જે બન્યું તે બધું જ! અત્યાર સુધી સુલેખાની સ્થિતિ એવી નહોતી કે એની સાથે મન મુકીને વાત થાય. હવે એ પણ ચિંતા નહોતી. બધું જ સરસ રીતે ચાલવા લાગ્યું.
સુલેખાને મળવાની ઇચ્છાતો ખૂબ હતી. કંકોત્રી પણ આપવાની હતી. બહુ લાબું વિચારવાનું હતું જ નહીં. ઘરનું કામ-કાજ ઝટપટ પતાવી સુલેખાને મળવાની ઇચ્છાય પુરી કરી દીધી - તેનાં ભાડે રાખેલ ફ્લેટ પર જઈને. જીજાજીતો ઘરે હતા નહીં. બે સહેલી ઘણા સમયે મળી હોય પછી વાતો માટે સમય જ ઓછો પડે. બપોરથી શરૂ થયેલી વાતો સાંજ સુધી ચાલ્યા કરી. સુલેખાના હૃદયમાં હજૂય લગ્નજીવનનાં કડવા અનુભવની પીડાતો હતી જ ને ભય તેનો ભય પણ જણાય આવતો હતો. પણ, એનાં પોતાના જિદ્દી સ્વભાવમાં કોઈ ખાસ ફર્ક નહોતો. એની પુરુષ બાબતે જે માન્યતાઓ બંધાઈ ગઈ'તી એ નમ્રતાના સમજમાં નહોતી આવતી, તો અમુક વાતો સાચી પણ લાગતી હતી. કદાચ હૃદયમાં વસેલી સુહાસની છબી એવું થવા નહીં દેતી હોય. 'પુરુષનો ભરોસો કેમ કરીને થાય? એતો એમનાં માં-બાપ પ્રત્યેની કાળજી રખાય તેનો આગ્રહ રાખે, ને સ્ત્રીનાં માં-બાપ માટે કોઈ માન-સન્માન નહીં, એવું કેમ ચાલે? - સુલેખાની આ વાતનો તો નમ્રતા પણ અસ્વીકાર કરી શકે તેમ નહોતી. સુલેખાનાં જીવનનાં દરેક અનુભવોને પોતાનાં ભાવી કુટુંબીજનો સાથે જોડીને પોતે મનોમન સરખાવતી રહી. સુલેખાના સાસુનો તેની વહુ સાથેનો વ્યવહાર બહુ સારોતો ન જ કહેવાય એવું નમ્રતાને પણ લાગ્યું. બેઉં વચ્ચે પુરુષ, સ્ત્રી, લગ્ન, કુટુંબ, બલિદાન, સમાધાન વગેરેની ચર્ચા ક્યાંય સુધી ચાલી. સુલેખાએ નમ્રતાને 'સાસરીમાં અન્યાય સહન ન કરવાની અને મન મક્કમ રાખીને તેનો સામનો કરવાની' સલાહ પણ આપી. સુલેખાની વાતો પુરી થઈ પછી નમ્રતાએ પોતાનાં બધા જ અનુભવો કહી સંભળાવ્યા. પોતાનાં જીવનનાં મીઠાં પ્રસંગોની વાતો કર્યા પછી જાણે એકદમ હળવી થઈ ગઈ હોય તેવું તેને લાગ્યું. સાંજે ઘરે આવી ત્યારે અને રાતે સૂતી વખતે પણ પોતાને એવું લાગતું રહ્યું કે સુહાસને લઈને પોતે ખૂબ ભાગ્યશાળી છે. ખુશીનાં એ માહોલમાં, ઘરનાં અને લગ્નનાં કામકાજમાં તેમજ સુહાસ સાથે થઈ જતી ફોન પરની હસી-ટીટોલીમાં દિવસો પસાર થતાં રહ્યા.
* * * * *
દિવસ આખો પુરપાટ દોડી જાય, પણ ક્યારેકતો નમ્રતાને રાત બહુ લાંબી લાગતી હતી. પણ, દિવસો પસાર થતાં રહ્યા. શુભેચ્છકોની અવર-જવર પણ વધતી ગઈ. મહેમાનો આવવા લાગ્યાં. ઘરની બહાર મંડપ ને તોરણ બંધાઈ ગયા. સદાનંદભાઈ અને સરયુબહેનનું ઘર નમ્રતાના લગ્નનનાં માહોલમાં રંગાઈ ગયું. સગા-સંબંધીઓની મજાક-મસ્તી, તેમનાં બાળકોની આખા ઘરમાં ગુંજતી કીકીયારીઓ, રસોડામાંથી ઉઠતી અવનવી રસોઈની ખુશ્બૂ - ઘરનાં માહોલને જીવંત કરતું રહ્યું. જોતજોતામાં પીઠીની વિધિનો દિવસ અને માંડવાનો દિવસ પણ પુરા થયા. નમ્રતાના હાથમાં મુકેલી મહેંદીનો ઉઘડેલો ઘાટો રંગ જોઈને ઘરમાં હાજર મહેમાનો, રોજ સાથે આવીને ઊભા રહેતા પડોશીઓ અને પોતાની ખાસ સહેલી સુલેખા - જેની નજર પડે તે નમ્રતાનાં રૂપ, સૌંદર્ય અને વળી તેમાં અનેરો રંગ ભરતી મહેંદીની વાતોએ ચડી જાય. દૂર રહેતા ચાર-પાંચ સગા-સંબંધી કુટુંબીજનો તો ત્રણ દિવસ પહેલા જ આવી ગયેલા, જેનાં લીધે ઘરનાં દરેક ભાગમાં- બેઠકરૂમમાં બેઠેલાં પુરુષો હોય કે રસોડામાં કામમાં પરોવાયેલી સ્ત્રીઓ હોય - સૌ કોઈ નમ્રતાના બાળપણની, લગ્નની કે તેનાં સાસરિયાનાં કુટુંબની વાતોમાં જ પરોવાયેલા જણાય. એમાંય, કુટુંબની સ્ત્રીઓમાંતો નમ્રતા, સોના-ચાંદીનાં ઘરેણાં અને લગ્નનાં વસ્ત્રો તો ચર્ચાનાં કેન્દ્રસ્થાને જ રહેતા હતાં.
રાતે એકઠા થઈ બેઠેલાં સૌ સ્વજનો લગ્ન પ્રસંગના માહોલમાં ખુશખુશાલ એવા કે કોઈને બીજાં દિવસે વહેલા ઉઠવાની પણ ચિંતા નહીં! વડીલો ટોળે વળી વાતે ચડ્યા હોય ત્યારે મહેમાનો સાથે આવેલા નાનાં બાળકો ધમાલ-મસ્તી કરતાં કરતાં જ્યાં જગ્યા મળી ત્યાં ટૂંટીયું વાળીને ઊંઘી ગયા જતાં હતાં. એકબાજુ, બધાં પોતપોતાનાં રસનાં વિષયની મસ્તીમાં પરોવાયેલા હતાં; ત્યારે નમ્રતાનાં મનનાં કોઈ ખૂણામાં ખુશી અને હૃદયનાં ઊંડાણમાં, ન સમજાય તેવી વિહવાળતા સળવળી રહી હતી.
એટલા બધાં કુટુંબીજનોની હાજરી વચ્ચે પણ એનું મન બીજા દિવસનાં - લગ્નન, વિદાય અને ગૃહ પ્રવેશ વગેરે વિચારોમાં સરકી જતું હતું. પણ, અનુભવી વડીલોની હાજરીમાં લાંબી લાગતી રાત પણ હળવાશ આપી જતી હતી. નિતાઆંટી બે દિવસનો ટાઇમ લઈને જ આવ્યા હતાં, જેણે નમ્રતાને ખૂબ સાચવી લીધી હતી. સરયુબહેન મહેમાનોની સરભરમાં લાગેલા હતાં ને આંટીતો નમ્રતાના જોડીદાર બની ગયા હતા. નમ્રતાને લઈને તબિયતની કાળજી લેવાની, ખાવા-પીવાની ચોકસાઈની વાત હોય કે પછી વસ્ત્રો કે આભૂષણોની વાત હોય - બધું જ તેમણે સંભાળી લીધેલું; ને સાથે સુલેખાની હાજરીતો ખરી જ!
"બેટા, થોડાં દિવસ કે મહિના; મનને શાંત રાખીને સાસરીમાં થતાં દૈનિક કાર્યો, દરેકની રીત-ભાત, બધાની પસંદગી, ઈચ્છાઓ, સ્વભાવ - બધું નિરીક્ષણ કરજે. શરૂઆતમાં, નવું માહોલ હોય..,કદાચ તને તકલીફ જેવું લાગે; પણ, એનાંથી કોઈ અનુમાન કે તારણો બાંધી ન લેવા." નિતાઆંટીનાં શબ્દો નમ્રતાને કાનમાં મીઠાં મધુર સંગીત જેવાં લાગતા હતાં. મધ્યરાત્રીના સમયે, જમીન પર પાથરેલ ગાદલાઓ પર આડા પડ્યા પડ્યા, આંટીએ નમ્રતાની આંખોમાં નજર કરી. "બેટા, આપણે એવું માનતા હોય છે કે ઘણું બધું જતું કરીને કે ત્યજીને દરેક સ્ત્રી નવાં ઘરમાં જતી હોય છે, છતાંય કોઈને એ બલિદાન માટે સન્માન નથી હોતું. પણ, દરેક કુટુંબમાં એવું નથી હોતું. સાચું તો એ છે કે દરેક વ્યક્તિ પોતાનાં સ્વભાવ, અપેક્ષાઓ અને આદતો સાથે ઝઝૂમતો હોય છે; પરંતુ અમુક લોકો બહુ સરળતાથી બાંધછોડ કરી શકતાં હોય છે. દરેકને એક છૂપો ડર હોય છે -પોતાની લાગણી કે અહમને ઠેસ પહોંચે તેનો! તો વળી, કોઈ પોતાનાં નિર્ણયોને કે પસંદગીનેજ યોગ્ય માનીને વ્યવહાર કરે છે" આંટીની વાતોએ સુલેખાને ઘસઘસાટ ઊઘાડી દીધી હતી.
"આંટી, સાચું કહું તો મને લાગે છે કે સુહાસ બહુ સમજદાર છે. દરેક પરિસ્થિતિને એ સાચવી લેશે!"
"બેટા, એ વાત તો ખૂબ સારી કહેવાય. પણ, સાચું તો એ છે કે તું જ્યારે એમ કહું કે તારે સાસુ બધું સાંભળી લેશે; અને સાસુને તારા પર એવો જ વિશ્વાસ હોય કે વહું છે એટલે ચિંતા નહીં! ઘરની સ્ત્રીઓનાં કામકાજમાં સુહાસ વચ્ચે શા માટે આવે? ઘરની સ્ત્રીઓ જ ઘરની સુખ-શાંતિનો મુખ્ય આધાર હોય છે. સ્ત્રીઓનેજ સૌથી વધારે સમય એકબીજા સાથે રહેવાનું હોય છે. કાયમ સાથે ને નજીક હોય ત્યાં મન-દુઃખનાં પ્રસંગો કે પસંદગીનાં પ્રશ્નો ઊભા થયાં કરતાં હોય છે; પણ એ જ કુટુંબ જીવન જીવવાનું પીઠબળ પણ સાબિત થાય છે! હોસ્ટેલની રૂમમાં રહેતી બે-ત્રણ છોકરીઓ; ત્યાં સુધી પ્રેમથી નહીં રહી શકે, જ્યાં સુધી એકબીજાની ટેવોને ગણ્યા કરશે! અને આવું, દરેક સ્ત્રી ને ક્યારેક પુરુષોમાં પણ થતું હોય છે. આપણે પોતાને જ જાતજાતની ટેવો કે આદતો સાથે સ્વીકારીને જીવતાં હોઈએ છીએ અને કયારેક તો એ વાતનો ગર્વ પણ કરતાં હોઈએ છીએ. તો પછી આપણે જેની સાથે રહેવાનું છે એમને પણ નવી વ્યક્તિ સાથે અનુકૂળ થવામાં વિલંબ થાય કે પછી મુશ્કેલી પણ પડતી હોય એવું બને!'' આંટીએ વાતોને ટુંકવતા કહ્યું, " બેટા, હું એટલુંજ કહીશ કે દરેક પરિસ્થિતિ માટે ધીરજથી કામ લેવું. નોકરી હોય, વ્યાપાર હોય કે કૌટુંબિક વ્યવહાર હોય; ઉતાવળ કે ઉગ્રતા હંમેશા એક માત્ર સાધન નથી." એક નજર સુલેખા તરફ કરી અને પછી નમ્રતા તરફ, પછી પૂછીને ખાત્રી કરી, '' યાદ રહેશે ને, આંટીની વાત?" નમ્રતાના વિનમ્ર અને જિજ્ઞાસુ પણ થાકેલા દેખાતાં ચહેરા સામે જોઈ તેને થોડું સુઈ જવાની સૂચના આપી દીધી.
નમ્રતાએ પણ પાંપણો પટપટાવીને હળવી મુસ્કાન રેલાવી ને શરીરને લંબાવ્યું. કમર સુધી ખેંચી રાખેલ દુપટ્ટાને માથા સુધી ખેંચી એવી રીતે શરીર ઢાંકયું, કે જાણે કોઈ જાદુગર તેને ગાયબ કરી શમણાંનાં શ્રુંગાર સજેલી કોઈ દુનિયામા લઈ જવાનો હોય!
...ક્રમશ: